<!-- Pramāṇa, a library of Indian primary sources · https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.787 -->

[Pramāṇa](https://indike.org/pramana/) › [Indian literature](https://indike.org/pramana/in) › [Jain Literature](https://indike.org/pramana/in.jaina) › [The Śvetāmbara canon (Siddhānta)](https://indike.org/pramana/in.jaina.sveta) › [The twelve Aṅgas ("limbs")](https://indike.org/pramana/in.jaina.sveta.anga) › [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5) › [Gujarati exposition of the Viyāhapannatti after its Sanskrit commentaries](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar) › 787

# Viyahapannatti 787

Viyāhapannatti: ṭīkānusārī vivecana 787

- **Language:** Gujarati

### [787](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.787)

‘ભગવતી’ સૂત્ર-૫૩૦ થી ૫૩૨ :– \[૧૨/૧/૫૩૦ થી ૫૩૨\]  
\[૫૩૦\] તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી-વર્ણન. કોષ્ઠક ચૈત્ય હતું-વર્ણન. તે શ્રાવસ્તી નગરીમાં શંખ આદિ ઘણાં શ્રાવકો રહેતા હતા. તેઓ આઢ્ય યાવત્‌ અપરિભૂત હતા, જીવાજીવના જ્ઞાતા હતા યાવત્‌ વિચરતા હતા. તે શંખ શ્રાવકને ઉત્પલા નામે પત્ની હતી. તે સુકુમાલ યાવત્‌ સુરૂપા, શ્રાવિકા, જીવાજીવની જ્ઞાતા યાવત્‌ વિચરતી હતી.  
તે શ્રાવસ્તીનગરીમાં પુષ્કલી નામે શ્રાવક હતો, આઢ્ય યાવત્‌ વિચરતો હતો. તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા, પર્ષદા નીકળી યાવત્‌ પર્યુપાસે છે. ત્યારે તે શ્રાવકોને આ વૃત્તાંત જાણ્યો, જેમ આલંભિકા નગરીમાં કહ્યું તેમ જાણવું યાવત્‌ પર્યુપાસે છે.  
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રાવકોને તથા તે મોટી પર્ષદાને ધર્મકથા કહી, યાવત્‌ પર્ષદા પાછી ગઈ. ત્યારે તે શ્રાવકો ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારીને હર્ષિત-સંતુષ્ટ થઈ ભગવંતને વાંદી-નમીને પ્રશ્નો પૂછે છે, અર્થોને ગ્રહણ કરે છે, ઉત્થાનથી ઉઠી, ભગવંત પાસેથી, કોષ્ઠક ચૈત્યથી નીકળી, શ્રાવસ્તી નગરી જવાને રવાના થયા.  
\[૫૩૧\] ત્યારે તે શંખ શ્રાવકે, તે શ્રાવકોને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો! તમે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવો પછી આપણે વિપુલ અશનાદિનું આસ્વાદન કરતા, વિસ્વાદન કરતા, ભોજન કરતા-કરાવતા પાક્ષિક પૌષધનું અનુપાલન કરતાં વિચરીશું.  
ત્યારે તે શ્રાવકો, શંખ શ્રાવકના આ કથનને વિનયપૂર્વક સાંભળે છે, ત્યારપછી તે શંખ શ્રાવકને આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્‌ ઉત્પન્ન થયો - તે વિપુલ અશનાદિનું આસ્વાદન આદિ કરતા પાક્ષિક પૌષધનું અનુપાલન કરી વિચરવું, મારા માટે શ્રેયસ્કર નથી. પણ મારી પૌષધશાળામાં બ્રહ્મચારી રહી, મણિ-સુવર્ણના ત્યાગ કરી, માલા-વર્ણક-વિલેપનથી રહિત થઈ, શસ્ત્ર-મુસલ આદિના ત્યાગ રૂપ, એકલા, કોઈના સાથ વિના, દર્ભ-સંસ્તારકે બેસીને પાક્ષિક-પૌષધનું અનુપાલન કરી વિચરવું, શ્રેયસ્કર છે.  
આ પ્રમાણે વિચારીને જ્યાં શ્રાવસ્તીનગરી છે, જ્યાં પોતાનું ઘર છે. જ્યાં ઉત્પલા શ્રાવિકા છે, ત્યાં આવે છે. આવીને ઉત્પલા શ્રાવિકાને પૂછીને, જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે, આવીને પૌષધશાળામાં પ્રવેશે છે, પૌષધશાળામાં પ્રવેશીને પૌષધશાળાને પ્રમાર્જે છે, પ્રમાર્જીને ઉચ્ચાર પ્રસ્રવણ ભૂમિને પડિલેહે છે પછી દર્ભનો સંથારો પાથરે છે, પાથરીને તેના ઉપર આરૂઢ થાય છે. પછી પૌષધશાળામાં બ્રહ્મચર્યપૂર્વક પાક્ષિક પૌષધ યાવત્‌ પાલન કરતો રહે છે.  
ત્યારે તે શ્રાવકો જ્યાં શ્રાવસ્તીનગરી, જ્યાં પોતાના ઘરો છે ત્યાં આવે છે, આવીને વિપુલ અશનાદિ તૈયાર કરાવે છે, કરાવીને પરસ્પર બોલાવે છે, બોલાવીને આમ કહ્યું – એ પ્રમાણે હે દેવાનુપ્રિયો! અમે તે વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા છે, શંખ શ્રાવક હજી આવેલ નથી, તો હે દેવાનુપ્રિયો! આપણે શંખ શ્રાવકને બોલાવીએ તે શ્રેય છે.  
ત્યારે તે પુષ્કલી શ્રાવક, તે શ્રાવકોને આમ કહે છે – તમે બધાં સારી રીતે સ્વસ્થ અને વિશ્વસ્ત થઈને બેસો, હું શંખ શ્રાવકને બોલાવી લાવું છું, એમ કહીને તે શ્રાવકો પાસેથી નીકળ્યો, નીકળીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈને શંખ શ્રાવકના ઘેર આવ્યો, આવીને શંખ શ્રાવકના ઘરમાં પ્રવેશ્યો.  
ત્યારે તે ઉત્પલા શ્રાવિકાએ પુષ્કલી શ્રાવકને આવતા જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈ, આસનેથી ઊભી થઈને સાત-આઠ પગલા સામે ગઈ, જઈને પુષ્કલી શ્રાવકને વંદન-નમસ્કાર કર્યા, કરીને આસન ગ્રહણ કરવા નિમંત્રણ આપ્યું. પછી આમ કહ્યું – હે દેવાનુપ્રિય! આપના આગમનના પ્રયોજનને જણાવો. ત્યારે પુષ્કલી શ્રાવકે ઉત્પલા શ્રાવિકાને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયા! શંખ શ્રાવક ક્યાં છે?  
ત્યારે તે ઉત્પલા શ્રાવિકાએ પુષ્કલી શ્રાવકને આમ કહ્યું – હે દેવાનુપ્રિય! શંખ શ્રાવક પૌષધશાળામાં બ્રહ્મચારીપણે પાક્ષિક પૌષધ સ્વીકારી યાવત્‌ રહેલ છે. ત્યારે તે પુષ્કલી શ્રાવક પૌષધશાળામાં શંખ શ્રાવક પાસે ગયો. જઈને ગમનાગમન પ્રતિક્રમ્યુ, પ્રતિક્રમીને શંખ શ્રાવકને વંદન-નમસ્કાર કર્યા, કરીને આમ કહ્યું – હે દેવાનુપ્રિય! અમે વિપુલ અશનાદિ તૈયાર કરાવેલ છે, તેથી હે દેવાનુપ્રિય! આપણે જઈએ અને વિપુલ અશનાદિનું આસ્વાદન કરતા યાવત્‌ પાલન કરતા વિચરીએ.  
ત્યારે તે શંખ શ્રાવકે પુષ્કલી શ્રાવકને આમ કહ્યું – હે દેવાનુપ્રિય! તે વિપુલ અશનાદિનું આસ્વાદન યાવત્‌ ધર્મ જાગરીકા કરતાં વિચરવું કલ્પતું નથી, મને પૌષધશાળામાં પૌષધસહ યાવત્‌ વિચરવું કલ્પે છે. હે દેવાનુપ્રિયો! તમે બધાં સ્વ ઈચ્છાનુસાર તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું આસ્વાદન કરતા યાવત્‌ વિચરો.  
ત્યારે તે પુષ્કલી શ્રાવક, શંખ શ્રાવક પાસેથી પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈ જ્યાં તે શ્રાવકો હતા, ત્યાં આવ્યો, આવીને તે શ્રાવકોને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો! શંખશ્રાવક પૌષધશાળામાં પાક્ષિક પૌષધ ગ્રહીને યાવત્‌ રહ્યો છે, (તેણે કહ્યું છે કે–) હે દેવાનુપ્રિયો! તમે સ્વેચ્છાથી તે વિપુલ અશનાદિને આસ્વાદતા યાવત્‌ વિચરો, શંખ શ્રાવક હાલ આવતો નથી.  
ત્યારે તે શ્રાવકોએ તે વિપુલ અશનાદિને આસ્વાદતા યાવત્‌ રહ્યા. - ત્યારે તે શંખ શ્રાવકને મધ્યરાત્રિએ ધર્મ જાગરીકા કરતા આ, આવા પ્રકારનો યાવત્‌ સંકલ્પ સમુત્પન્ન થયો. - મારે કાલે યાવત્‌ સૂર્ય જાજ્વલ્યમાન થતાં શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી યાવત્‌ પર્યુપાસના કરીને, ત્યાંથી પાછા ફરીને પાક્ષિક પૌષધ પારવો શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચારીને, એ પ્રમાણે યાવત્‌ પૌષધશાળાથી નીકળે છે, નીકળીને પ્રવેશયોગ્ય શુદ્ધ, મંગલ, વસ્ત્રોને સારી રીતે પહેર્યા, પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતો શ્રાવસ્તીનગરીની વચ્ચો-વચ્ચથી થઈને યાવત્‌ પર્યુપાસે છે. તેને અભિગમ નથી.  
ત્યારે તે શ્રાવકો કાલ સૂર્ય જાજ્વલ્યમાન થતાં, સ્નાન કર્યુ, બલિકર્મ કર્યુ યાવત્‌ શરીરને અલંકૃત્‌ કરીને પોત-પોતાના ઘરોથી નીકળ્યા, એક સ્થાને ભેગા થયા, થઈને બાકીનું યાવત્‌ પર્યુપાસે છે.  
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે, તે શ્રાવકોને તથા પર્ષદાને ધર્મકથા કહી યાવત્‌ તેઓ આજ્ઞાના આરાધક થયા. ત્યારપછી તે શ્રાવકો ભગવંતની પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને ભગવંતને વાંદી-નમીને જ્યાં શંખ શ્રાવક છે ત્યાં આવીને, શંખ શ્રાવકને આમ કહ્યું – હે દેવાનુપ્રિય! કાલે તે અમને એમ કહ્યું કે – દેવાનુપ્રિયો! તમે સ્વેચ્છાથી વિપુલ અશનાદિ કરતા યાવત્‌ વિચરો, ત્યારે તું એકલો પૌષધશાળામાં યાવત્‌ રહ્યો, હે દેવાનુપ્રિય! તમે ઠીક અમારી હેલના કરી.  
હે આર્યો! એમ ભગવંતે તે શ્રાવકોને આમંત્રીને કહ્યું – હે આર્યો! તમે શંખ શ્રાવકની હીલના-નિંદા-ખિંસા-ગર્હા-અવમાનના ન કરો. શંખ શ્રાવક પ્રિયધર્મી, દૃઢધર્મી છે, તેણે સુદક્ષ જાગરીકા કરી છે.  
\[૫૩૨\] ભગવન્‌! એમ કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું – ભગવન્‌! જાગરિકા કેટલા ભેદે છે? ગૌતમ! જાગરિકા ત્રણ ભેદે છે, તે આ - બુદ્ધ જાગરિકા, અબુદ્ધ જાગરિકા, સુદક્ષ જાગરિકા. - ભગવન્‌! ત્રણ જાગરિકા કેમ કહી?  
ગૌતમ! જે આ અરહંત ભગવંત ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર આદિ જેમ ‘સ્કંદક’માં કહ્યા, યાવત્‌ સર્વજ્ઞ, સર્વદર્શી તે બુદ્ધ છે, બુદ્ધ-જાગરિકા જાગે છે, જે આ અણગાર ભગવંતો ઈર્યા સમિત, ભાષા સમિત, યાવત્‌ ગુપ્ત બ્રહ્મચારી છે, તેઓ અબુદ્ધ જાગરિકાથી જાગે છે. જે આ શ્રાવકો જીવાજીવના જ્ઞાતા યાવત્‌ વિચરે છે, તેઓ સુદક્ષ જાગરિકા જાગે છે. તેથી હે ગૌતમ! એમ કહે છે કે ત્રિવિધા જાગરિકા યાવત્‌ સુદક્ષ જાગરિકા છે.

- [Previous: 786](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.786)
- [Next: 788](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.788)

## Linked texts (1)

- [Viyāhapannatti](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5.12.1.530-532) — Sudharman, Ardhamāgadhī Prakrit

---
Source: [https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.787](https://indike.org/pramana/in.jaina.sveta.anga.5!deepratnasagar.787) · Pramāṇa
