Suyagada 63
Sūyagaḍa: ṭīkānusārī vivecana 63
- Language
- Gujarati
63
વિવેચન :– ૧૮
પૃથ્વી આદિ ચાર ધાતુ છે, ધારક તથા પોષકત્વથી એમાં ધાતુપણ છે. જ્યારે આ ચાર એકાકારે પરિણમે અને કાયઆકાર ધારણ કરે ત્યારે જીવ વ્યપદેશ પામે છે તથા તે કહે છે કે આ શરીર ચતુર્ધાતુક છે, તે સિવાય કોઈ આત્મા નથી. બીજા બૌદ્ધો અમે જ્ઞાની છીએ તેવા અભિમાન અગ્નિથી બળેલા છે, તે કહે છે – અફળવાદી જગત છે - તે એ રીતે કે કર્તા ક્રિયાની ક્ષણથી બીજી ક્ષણે સર્વથા નષ્ટ થવાથી ક્રિયાનું ફળ ભોગવતો નથી. અથવા પૂર્વોક્ત બધાં ફળવાદીને અફળવાદી સમજવા. કેમકે કેટલાંક આત્માને નિત્ય અવિકારી માને છે અને કેટલાંક આત્મા જ માનતા નથી તો પછી ફળ કોણ ભોગવે?
આ બધાંનો ઉત્તર આપવા માટે પૂર્વોક્ત નિર્યુક્તિ ગાથા-૩૪ આદિનું વ્યાખ્યાન કરાય છે - જો પાંચ સ્કંધ સિવાય આત્મા નામે કોઈ બીજો પદાર્થ ન હોય તો તેના અભાવે સુખ-દુઃખ કોણ અનુભવે છે? ઈત્યાદિ ગાથા પૂર્વે જણાવ્યા મુજબ કહેવી. - X -
જો બૌદ્ધો કહે કે - જ્ઞાન સ્કંધનો આ અનુભવ છે, તો તેમને કહેવું કે તે વાત અયોગ્ય છે, કેમકે સ્કંધ તો ક્ષણિક છે. જ્ઞાનક્ષણ અતિ સૂક્ષ્મ હોવાથી સુખ-દુઃખના અનુભવનો અભાવ છે. ક્રિયાફળ વાળા ક્ષણોની અત્યંત અસંગતિ છે. તેથી કરેલાનો નાશ અને અ-કરેલાની ઉત્પત્તિ એ બંનેની આપત્તિ છે. જ્ઞાનને એક સંતાન માનો તો સંતાનીના અભાવે તે નકામું છે. જો એમ માનો કે પૂર્વક્ષણ નાશ પામતા ઉત્તરની ક્ષણમાં વાસના મૂકતો જાય છે. જૈનાચાર્યો તેઓને કહે છે કે–
તમારી વાસના ક્ષણોથી ભિન્ન છે કે અભિન્ન? જો ભિન્ન હશે તો વાસકપણું ઉત્પન્ન ન થાય. જો અભિન્ન હોય તો ક્ષણ માફક તેનું ક્ષણ-ક્ષયપણું લાગુ પડતા તે વાસનાનું તે જ પ્રમાણે આત્માના અભાવમાં સુખ-દુઃખના અનુભવનો અભાવ થશે. તેથી આત્મ સિદ્ધ થશે. જો આત્મા ન માનીએ તો પાંચ વિષયના અનુભવના ઉત્તરકાળમાં ઈન્દ્રિયોના જ્ઞાનોનું સ્વ-વિષયથી અન્યત્ર અપ્રવૃત્તિ હોવાથી સંકલના પ્રત્યય ન થાય. જો એમ માનો કે આલય વિજ્ઞાનથી થાય તો તમે આલયના નામે આત્માનો સ્વીકાર કરો છો. વળી બૌદ્ધાગમ પણ આત્માને સ્વીકારે છે–
બુદ્ધ કહે છે – હે ભિક્ષુઓ! આ ભવથી ૯૧માં કલ્પમાં મેં શક્તિ વડે કોઈ પુરૂષને મારેલ, તે કર્મના વિપાકથી હું પગે વીંધાયો છું, તથા–
જે અતિ દારૂણ કૃત્યો કર્યા હોય, તે પણ આત્મનિંદા કરતા ઓછાં થાય છે, તે ભાવો આલોચવાથી તથા સંવર કરવાથી તે પાપોનો મૂળથી ઉદ્ધાર થાય છે. એમ હું [બુદ્ધ] કહું છું.
વળી [હે બૌદ્ધો!] તમે ક્ષણિકપણું સાધવા કહ્યું કે પદાર્થ કારણથી ઉત્પન્ન થતો નિત્ય ઉત્પન્ન થાય કે અનિત્ય? ઈત્યાદિ - X - X - તે બધું વ્યર્થ છે. [ઈત્યાદિ વૃત્તિ અનુસાર જાણી લેવું.]
જૈનાચાર્યો કહે છે – ક્ષણ ક્ષયિત્વથી અનિત્યપણું છે કે પરિણામથી? જો ક્ષણ ક્ષયિત્વ પક્ષ માનો તો કારણ કાર્યના અભાવથી કારકોનો વ્યાપાર જ ઉત્પન્ન થતો નથી, તો કઈ રીતે ક્ષણિક અનિત્યનો કારણોથી ઉત્પાદ થાય? જો એમ માનો કે પૂર્વક્ષણથી ઉત્તરક્ષણનો ઉત્પાદ થતા કાર્યકારણ ભાવ થાય છે, તો તમારું આ માનવું અયુક્ત છે કેમકે જો પૂર્વક્ષણનો નાશ થાય છે તેમ માનો તો ઉત્તરક્ષણને જન્મ ન આપી શકે અને જો પૂર્વક્ષણનો નાશ થયેલો નહીં માનો તો તમારો ‘‘ક્ષણભંગ’’નો સિદ્ધાંત ખોટો ઠરશે. જો પૂર્વક્ષણના નાશથી ઉત્તરક્ષણ ઉત્પન્ન થાય છે તેવું માનશો તો તે બે ક્ષણોની એકકાલતા સ્પષ્ટ થશે. - X - જો તે ન સ્વીકારો તો તેના વિનાશ-ઉત્પાદનું અવસ્તુત્વ સિદ્ધ થશે. [ઈત્યાદિ વૃત્તિથી જાણવું.]
[વૃત્તિથી આ બધાં તર્કો જાણવા-સમજવા. હવે સારાંશ કહે છે–]
આ પ્રમાણે આત્મા પરિણામી જ્ઞાન આધાર ભવાંતરમાં જનારા ભૂતોથી કંઈક અંશે જુદો જ છે તથા કંઈક અંશે શરીર સાથે આત્મા એકરૂપ થતો હોવાથી ભેગો જ છે. વળી આત્મા સહેતુક પણ છે કેમકે–નારકાદિ ભવને આપનાર કર્મો વડે વિકાર થતો હોવાથી પર્યાયરૂપે સ્વીકારે છે; તથા આત્મા અહેતુકપણે છે કેમકે તે આત્મ સ્વરૂપથી અપ્રચ્યુત અને નિત્ય છે. વળી અમે આત્માને શરીરથી જુદો સિદ્ધ કરેલો હોવાથી ચતુર્ધાતુક માત્ર શરીરરૂપ જ આત્મા છે તે તમારો બકવાસ માત્ર છે. હવે પંચભૂતાત્મા આદિના દર્શનનું ફળ કહે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati