Pramāṇa · Search · About · API

Suyagada 804

Sūyagaḍa: ṭīkānusārī vivecana 804

Language
Gujarati

804

વિવેચન :– ૭૯૩, ૭૯૪ અપૂર્ણ
[૭૯૩] આ સૂત્રનો અનંતર-પરંપર સૂત્ર સાથે સંબંધ કહેવો. ગત અધ્યયનનું છેલ્લું સૂત્ર આ હતું - આદાનવાન્‌ ધર્મ કહે છે. ધર્મના બે ભેદ - સાધુનો, શ્રાવકનો. પૂર્વોક્ત બંને અંગ સૂત્રોમાં પ્રાયઃ સાધુનો આચાર કહ્યો. અહીં શ્રાવકાચાર કહે છે. પરંપર સૂત્ર સંબંધ આ પ્રમાણે - બોધ પામે. શું બોધ પામે? તે અહીં કહે છે.
હવે સૂત્રાર્થ– જે કાળે જે અવસરે રાજગૃહ નગર યથોક્ત વિશેષણ વિશિષ્ટ હતું, તે કાળ - તે સમયે આ કહે છે. રાજગૃહ નગરીમાં મોટા પ્રાસાદો હતા. તે પ્રાસાદિત કે આભોગવાળું હતું. તેથી દૃષ્ટિ સુખના હેતુરૂપ દર્શન યોગ્ય હતું. તેનું રૂપ આંખ ખેંચે તેવું - અભિરૂપ હતું. અનન્ય સદૃશ-પ્રતિરૂપ હતું. અથવા સ્વર્ગના પ્રતિબીંબ જેવું હતું. આવું રાજગૃહ નગર હતું. તે રાજગૃહની બહાર ઈશાન ખૂણામાં નાલંદા નામે બાહિરિકા હતી. તે અનેક શત ભવન વડે સન્નિવિષ્ટ-સંકીર્ણ હતી.
[૭૯૪-અપૂર્ણ] તે નાલંદામાં લેપ નામનો કૌટુંબિક હતો. તે ઋદ્ધિવાળો, તેજસ્વી, સર્વજન વિખ્યાત, વિસ્તીર્ણ વિપુલ શયન આસનાદિ વડે યુક્ત, ધન કમાવવા માટે યાનપાત્ર, ઉંટમંડળી આદિ તથા પ્રયોજન-પ્રયોગ-તે આયોગ-પ્રયોગ વડે યુક્ત તથા અહીં-તહીં વિક્ષિપ્ત પ્રચુર ભોજન-પાન અને ઘણાં દાસ-દાસીથી પરિવરેલ હતો. ઘણાં લોકોમાં માનનીય હતો. આ રીતે તેની આ લોકમાં અનેક ગુણયુક્ત દ્રવ્ય સંપદા બતાવી.
હવે પરલોકના ગુણો બતાવીને ભાવસંપદા કહે છે–
‘સૂત્રકૃત’ સૂત્ર-૭૯૪ (શેષ ભાગ) :– [૨/૭/–/૭૯૪ (શેષ ભાગ)]
તે લેપ નામક ગાથાપતિ શ્રમણોપાસક પણ હતો. તે જીવ-અજીવાદિનો જ્ઞાતા થઈ યાવત્‌ વિચરતો હતો. તે નિર્ગ્રન્થ પ્રવચનમાં નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સ, લબ્ધાર્થ, ગૃહિતાર્થ, પુચ્છિતાર્થ, વિનિશ્ચિત-અર્થ, અભિગૃહિતાર્થ, અસ્થિ-મજ્જાવત્‌ ધર્માનુરાગરત હતો. [કોઈ પૂછે તો કહેતો]
હે આયુષ્યમાન્‌! આ નિર્ગ્રન્થ પ્રવચન જ સત્ય છે, પરમાર્થ છે, બાકી બધું અનર્થ છે. સ્ફટિકમય યશવાળું છે. તેના દ્વાર સદા ખુલ્લા રહેતા, અંતઃપુર પ્રવેશ તેને માટે ખુલ્લો હતો. તે ચૌદશ-આઠમ-પૂનમ-અમાસમાં પ્રતિપૂર્ણ પૌષધનું સમ્યક્‌ અનુપાલન કરતો હતો. શ્રમણ-નિર્ગ્રન્થને તથાવિધ એષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વડે પ્રતિલાભિત કરતો, ઘણાં શીલ-વ્રત-ગુણ-વિરમણ-પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ વડે પોતાના આત્માને ભાવિત કરતો વિચરતો હતો.

Linked texts (2)