Pramāṇa · Search · About · API

Viyahapannatti 7

Viyāhapannatti: ṭīkānusārī vivecana 7

Language
Gujarati

7

વિવેચન :–૨
લિપિ-પુસ્તકાદિમાં અક્ષરની રચના, તે ૧૮-ભેદે છે, તે ઋષભજિને પોતાની પુત્રી બ્રાહ્મીને બતાવી. તેથી ‘બ્રાહ્મી’ કહેવાય છે. કહ્યું છે – જિનેશ્વરે જમણે હાથે લેખરૂપ લિપિવિધાન બ્રાહ્મીને દર્શાવ્યું.
[શંકા] આ શાસ્ત્ર જ મંગલરૂપ છે, તો અન્ય મંગલ શા માટે? તેથી તો અનવસ્થાદિ દોષ પ્રાપ્ત થાય.
[સમાધાન] સત્ય છે, પણ શિષ્યોની મતિના મંગલના ગ્રહણ માટે, મંગલના સ્વીકાર માટે અથવા શિષ્ટપુરૂષોના આચારના પરિપાલન માટે છે, તેથી યુક્ત જ છે. આ આગળ પણ કહેલ છે.
વળી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એવા નામથી જ અભિધેયાદિ સામાન્યથી કહેવાઈ ગયા છે, તેથી ફરીથી કહેતા નથી. તેથી જ શ્રોતાની પ્રવૃત્તિ આદિ ઈષ્ટ ફળની સિદ્ધિ થશે. તેથી કહે છે – ભગવંતે અર્થ વ્યાખ્યા અભિધેયતાથી કહી છે. તેનું પ્રજ્ઞાપન કે બોધ અનંતર ફળ છે, પરંપર ફળ તો મોક્ષ છે. આ શાસ્ત્ર આપ્તવચનરૂપ હોવાથી ફળપણે સિદ્ધ છે, કેમ કે આપ્તપુરૂષો જે સાક્ષાત્‌ કે પરંપરાથી મોક્ષાંગ ન હોય, તેને કહેવામાં ઉત્સાહિત ન હોય. કેમ કે તેમ કરવાથી અનાપ્તત્વનો પ્રસંગ આવે. આ જ શાસ્ત્રપ્રયોજન છે.
આ શાસ્ત્ર એક શ્રુતસ્કંધરૂપ છે, તેમાં સાધિક ૧૦૦ અધ્યયનો [શતકો] છે, ૧૦,૦૦૦ ઉદ્દેશકો છે, ૩૬,૦૦૦ પ્રશ્ન પ્રમાણ છે, ૨,૮૮,૦૦૦ પદ સમૂહવાળા આ શાસ્ત્રના મંગલાદિ કહ્યા. હવે પહેલું ‘શતક’ જે ગ્રંથાંતર પરિભાષા મુજબ ‘અધ્યયન’ કહેવાય છે, તેના ૧૦-ઉદ્દેશા છે.
ઉદ્દેશક એટલે અધ્યયન [શતક]ના અર્થને કહેનારા વિભાગો. ‘તું અધ્યયનના આટલા વિભાગને ભણ.’ એમ ઉપધાનવિધિથી આચાર્ય વડે શિષ્યને ઉદ્દેશાય તે ઉદ્દેશક. તે ઉદ્દેશકોનું સુખે ધારણ કરવા, સ્મરણાદિ નિમિત્તે આવતાં પ્રથમ નામોના કથન દ્વારે આ સંગ્રહ ગાથા કહે છે–

Linked texts (1)