Pramāṇa · Search · About · API

Uttarajjhayana 472

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 472

Language
Gujarati

472

વિવેચન–૧૬૧
જેટલાં પરિમાણમાં વેદન વિદ્યા - તત્ત્વજ્ઞાન રૂપ. ન વિદ્યા તે અવિદ્યા - મિથ્યાત્વથી ઉપહત કુત્સિત જ્ઞાનરૂપ, તેનાથી પ્રધાન પુરુષો તે અવિદ્યાપુરુષ અથવા જેનામાં વિદ્યા વિદ્યમાન નથી તે અવિદ્યા પુરુષ. અહીં વિદ્યા શબ્દથી પ્રભૂત શ્રુત કહે છે. જીવને સર્વથા શ્રુતાભાવ નહીં. અન્યથા અજીવત્વ પ્રાપ્ત થાય. - X - X - તે બધાં અવિદ્યા પુરુષો દુઃખ સંભવા - જેમાં દુઃખનો સંભવ છે તેવા, અથવા દુઃખને કહે છે, દુઃખે છે તે દુઃખ - પાપકર્મ. તેનો સંભવ - ઉત્પત્તિ જેમાં છે તે દુઃખ સંભવા. તેઓ દારિદ્રાદિથી બાધા પામે છે. અનેક પ્રકારે હિતાહિતનો વિભાગ કરવામાં અસમર્થ છે. તિર્યંચ, નરકાદિ ભવોમાં ભ્રમણ તે સંસાર. તે પણ અનંત એવા આના વડે અનંત સંસારિકતા દર્શનથી, તેવા પ્રકારને પંડિત મરણનો અભાવ કહ્યો. અધ્યયનના અર્થની અપેક્ષાથી નિર્ગ્રન્થ સ્વરૂપ જણાવવાને તેનો વિપક્ષ કહ્યો, તેમ જાણવું.
અહીં સંપ્રદાયથી આ ઉદાહરણ છે – એક ગોધ (આળસુ) દુર્ગતિથી પાતિત થઈને ઘેરથી નીકળ્યો. આખી પૃથ્વી ભટકીને જ્યારં કંઈ ન મળ્યું ત્યારે ફરી ઘેર ગયો. ત્યાંથી નિવૃત્ત થયો. યાવત્‌ એક ચાંડાલના પાળાની સમીપમાં ગ્રામ દેવકુલિકામાં એક રાત્રિવાસ કર્યો. જેટલામાં જુએ છે, તેટલામાં દેવકુલિકાથી એક પાણ (ચાંડાલ) હાથમાં ચિત્રઘટ લઈને નીકળ્યો. તે એક પડખામાં રહીને તે સાધિત ઘટને કહે છે - નાનું ઘર સજ્જ કર. એ પ્રમાણે તે જ્યારે જે કહે તે ઘટ કરતો હતો. યાવત્‌ શયનીય, સ્ત્રી સાથે ભોગ ભોગવવા, પ્રભાતે બધું પ્રતિ સરતું હતું.
તે ગોધે તે જોયું. પણ વિચારે છે કે - મારે બહુ ભટકવાની શી જરૂર છે? આની પાછળ જ વળગી રહું. તે તેની પાછળ લાગી ગયો. આરાધના તે બોલ્યો - હું શું કરું? ગોધે કહ્યું કે - તારી કૃપાથી હું પણ આવા ભોગોને ભોગવું. ચાંડાલે પૂછ્યું - બોલ, વિદ્યા ગ્રહણ કરવી છે કે વિદ્યા વડે અભિમંત્રિત ઘટ જોઈએ છે? તે વિદ્યા સાધવા પરત્વે ભીરુ બનીને અને ભોગની તૃષ્ણાથી કહ્યું કે - વિદ્યાભિમંત્રિત ઘડો આપ.
ચાંડાલે તે ઘડો આપ્યો - ગોધ - આળસુ તે લઈને પોતાના ગામે ગયો. ત્યાં ભાઈઓ સાથે સહવાસ કરવા છતાં પણ જેવી રુચિ હતી તેવું ભવન વિકુર્વ્યુ. તેમની સાથે ભોગો ભોગવતો રહે છે. તેના કર્મકરો સીદાવા લાગ્યા. ગાય આદિને સંગોપિત ન કરાતા, તે પણ ચાલી ગયા. તે કાલાંતરે અતિ ખુશ થઈને તે ઘડાને સ્કંધ ઉપર રાખીને તેના પ્રભાવથી ભાઈઓની વચ્ચે પ્રમાદ કરવા લાગ્યો, દારુ પીને નાચવા લાગ્યો. તેના પ્રમાદથી તે ઘડો ભાંગી ગયો. તેનો ઉપભોગ નાશ પામ્યો. પછી તે ગામડીયો નષ્ટ વૈભવવાળો થઈ, દુઃખોને અનુભવવા લાગ્યો. જો તેણે વિદ્યા ગ્રહણ કરી હોત તો તે ભાંગેલા ઘડાને ફરી કરી શક્યો હોત. આ પ્રમાણે અવિદ્યાનર દુઃખથી ક્લેશ પામે છે.
નાગાર્જુનીયો પણ કહે છે – તેઓ બધાં દુઃખાર્જિતા થાય. જેમના વડે દુઃખ ઉપાર્જિત છે. તે અર્જિત દુઃખવાળા થાય. અથવા જેટલા વિદ્યાપ્રધાન પુરુષો છે, તે બધાં અવિદ્યમાન દુઃખોત્પતિવાળા થાય છે. આ જ અર્થને વ્યતિરેકથી કહે છે - મૂઢ એટલે અજ્ઞાનથી આકુલિત મતિ વાળા જ ઘણીવાર અનંત સંસારમાં ભમે છે.
અહીં એક ઉદાહરણ છે, તે આ પ્રમાણે –જેમ સમુદ્રમાં વણિક્‌ દુર્વાતથી આહત થઈ યાનપાત્રમાં દિશામૂઢ થયો. ક્ષણમાં જળની અંતર્ગત્‌ પર્વત આવતા, તેનું વહાણ ભાંગી ગયું. મોટા તરંગરૂપ કલ્લોલો વડે વહાતો કાચબા અને મગર આદિથી વિલય પામ્યો. એ પ્રમાણે તે પણ અવિદ્યામૂઢ ઘણાં શારીરિક માનસિક મહા દુઃખોથી વિલય પામે છે. જો એમ છે, તેથી જે કરવું જોઈએ, તે કહે છે –

Linked texts (2)