Pramāṇa · Search · About · API

Suyagada 252

Sūyagaḍa: ṭīkānusārī vivecana 252

Language
Gujarati

252

વિવેચન :–૧૯૧ થી ૧૯૩
જેમ વૃક્ષ અટવીમાં ઉત્પન્ન થાય, તેને વેલડીઓ વીંટે છે, તેમ તે સ્વજનો સાધુને અસમાધિ વડે બાંધે છે. તેઓ એવું કંઈ કરે છે, જેથી સાધુને અસમાધિ થાય છે. કહ્યું છે કે – અમિત્ર મિત્રના વેશમાં કંઠે બાઝી રડે છે અને કહે છે - હે મિત્ર! સુગતિમાં ન જા, સાથે દુર્ગતિમાં જઈશું.
માતા-પિતાદિ સંબંધ વડે બદ્ધ-પરવશ થયેલને તેમના સ્વજનો તે અવસરે તેને અનુકૂળ વર્તીને ધૈર્ય ઉપજાવે છે. જેમ નવા પકડેલા હાથીની ધૃતિ ઉપજાવવા શેરડીના કકડા ખવડાવે છે, તેમ સ્વજનો પણ સાધુને સર્વ અનુકૂળ ઉપાયો વડે લલચાવે છે અથવા જેમ નવી વીંયાએલી ગાય પોતાના દૂધ પીતા વાછડાની નજીક રહેતી પાછળ ફરે છે, એમ સ્વજનો પણ દીક્ષા છોડાવવાને કે છોડેલાને નવા જન્મેલા માફક માનીને તેની પાછળ પડે છે.
હવે સંગ-દોષ બતાવવા કહે છે–
પૂર્વોક્ત સંગી-માતા પિતાદિ સંબંધો કર્મબંધના હેતુઓ છે. કેમકે – જેમ તળિયું ન દેખાતું હોવાથી સમુદ્રને દુસ્તર કહ્યો છે, તેમ આ સગાનો મોહ અલ્પ સત્વવાળા દુઃખે કરીને છોડી શકે છે. કાયર સાધુઓ તે સંગથી અસમર્થ બની ક્લેશ પામે છે. અર્થાત્‌ ફરી સંસારમાં પડે છે.
કેવા બનીને? પુત્રાદિ સંબંધથી ગૃદ્ધ-આસક્ત બનીને તે સાધુ આત્માની પર્યાલોચના ન કરતા સંસારમાં પડીને દુઃખી થાય છે.

Linked texts (2)