Suyagada 284
Sūyagaḍa: ṭīkānusārī vivecana 284
- Language
- Gujarati
284
વિવેચન :–૨૩૦
અન્ય મતના નિવારણ માટે પૂર્વપક્ષ કહે છે – મોક્ષગમનના વિચારમાં શાક્યાદિઓ કે લોચ આદિથી કંટાળેલા જૈન સાધુઓ - X - એવું બોલે છે કે માને છે - સુખથી જ સુખ મળે છે. કહ્યું છે કે – બધાં જીવો સુખમાં રત છે અને દુઃખથી કંટાળેલા છે, માટે સુખના અર્થીએ બીજાને સુખ આપવું, સુખ આપનારો સુખ પામે છે. વળી - X - કારણને મળતું કાર્ય જ ઉત્પન્ન થાય. જેમ કે - શાલિબીજથી શાલિનો અંકુરો ફૂટે, જવનો ન ફૂટે. તેમ કાયાને સુખ આપતા મુક્તિ સુખ મળે, લોચ આદિ દુઃખ આપીને સુખ ન મળે.
શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – મનોજ્ઞ ભોજન, મનોજ્ઞ શયન - આસન, મનોજ્ઞ ઘરમાં બેસી મુનિ મનોજ્ઞ ધ્યાન કરે. વળી શાક્યપુત્ર બુદ્ધે પણ કોમળ શય્યા, પ્રાતઃકાળે પાન, બપોરે ભોજન, સાંજે પીણું આદિમાં મોક્ષ જોયો છે. એ રીતે મનોજ્ઞ આહારાદિ ચિત્ત સ્વાસ્થ્યથી સમાધિ આપે છે, તેનાથી મુક્તિ મળે છે માટે સિદ્ધ થાય છે કે સુખથી જ સુખ મળે લોચાદિ કાયકષ્ટથી મોક્ષ ન મળે.
મૂઢ મતિવાળા - X - આવું માનીને મોક્ષના વિચારમાં સર્વ હેયધર્મથી દૂર એવા જૈનેન્દ્ર શાસન પ્રતિપાદિત મોક્ષમાર્ગનો ત્યાગ કરે છે. જ્ઞાનાદિ સમાધિ તજીને સંસારે ભમે છે.
[હવે જૈનાચાર્યો કહે છે–] ‘‘કારણ અનુરૂપ કાર્ય’’ એવું જે કહ્યું તે એકાંત નથી. કેમકે શીંગડામાંથી શર થાય છે, છાણમાંથી વીંછી થાય છે, ઈત્યાદિ. જો કે મનોજ્ઞ આહારાદિ સુખનું કારણ કહ્યું, પણ તેમાંથી વિશૂચિકાદિનો સંભવ છે. વળી આ વૈષયિક સુખ-દુઃખ પ્રતિકાર હેતુપણે હોવાથી સુખનો આભાસમાત્ર છે, સુખ નથી. કહ્યું છે કે – દુઃખરૂપ વિષયોમાં સુખનું અભિમાન થાય છે, સુખરૂપ નિયમાદિમાં દુઃખ બુદ્ધિ થાય છે. કોતરેલા અક્ષરોની પંક્તિ અવળી દેખાય છે, તેમ વિપરીત ગતિના પ્રયોગથી સારૂપ્ય લાગે છે. તે કઈ રીતે પરમ આનંદરૂપ આત્યંતિક ઐકાંતિક મોક્ષ સુખનું કારણ થાય?
જો કે લોચ, ભૂમિશય્યા, ભિક્ષા અટન, પરપરિભવ, ભૂખ-તરસ આદિ દુઃખના કારણરૂપે તમે બતાવ્યા. તે અત્યંત અલ્પસત્વી, પરમાર્થની દૃષ્ટિ વિનાનાને દુઃખ લાગે છે. પણ મહાપુરૂષોને, સ્વાર્થ માટે અપ્રવર્તેલા તથા પરમાર્થ ચિંતામાં એકતાનને મહાસત્વપણે આ દુઃખો પણ સુખરૂપે થાય છે. કહ્યું છે – ઘાસના સંથારે બેઠેલા, રાગ-મદ-મોહને નાશ કરનાર મુનિ જે મુક્તિ-સુખ પામે, તેવું સુખ ચક્રવર્તીને પણ ક્યાંથી?
તથા ‘‘દુઃખ દુષ્કૃતના ક્ષયને માટે છે, ક્ષમા વૈરીના વેરનો નાશ કરે છે, કાયામાં અશુચિ વૈરાગ્ય માટે, વૃદ્ધત્વ સંવેગ માટે, મરણ સર્વ ત્યાગના મહોત્સવ માટે, જન્મ વહાલાની પ્રીતિ માટે છે. આ રીતે આખું જગત સંપદા યુક્ત છે, તેમાં વિપત્તિ ક્યાંથી હોય?’’ વળી એકાંતે સુખથી જ સુખ માનતા સંસારની વિચિત્રતાનો અભાવ થશે. સ્વર્ગમાં રહેલા નિત્ય સુખીને ફરી સુખનો અનુભવ લેવા ત્યાંજ ઉત્પન્ન થવું પડે. નારકોને ફરી દુઃખ ભોગવવા નારકીમાં ઉત્પન્ન થવું પડે. - X - પણ એવું થતું નથી - X - તેથી કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati