Suyagada 314
Sūyagaḍa: ṭīkānusārī vivecana 314
- Language
- Gujarati
314
વિવેચન :–૨૪૯ થી ૨૫૨
પાસે બેસી, સાથળને અતિશય દબાવી, અતિ સ્નેહ બતાવતી, વિશ્વાસ પમાડે છે. તથા પુરૂષને કામવિકાર ઉત્પન્ન થાય તેવા સુંદર વસ્ત્રોને [ગુપ્ત ભાગ તરફ દૃષ્ટિ ખેંચવા] ઢીલા કરે છે - સરખા કરે છે અર્થાત્ પોતાનો કામ અભિલાષ બતાવવા, સાધુને ફસાવવા વસ્ત્રોને ઢીલા કરી, ફરી બાંધે છે તથા પુરૂષના કામને જગાડવા સાથળો ખુલ્લા કરે છે, બગલ દેખાડતી સાધુની સામે જાય છે - વળી -
જેમાં સૂવાય તે પલંગાદિ શય્યા, બેસાય તે માંચી આદિ આસન તેને ઉપભોગ માટે યોગ્ય કાળે સ્ત્રીઓ એકાંતમાં વાપરવા નિમંત્રણ આપે છે. અર્થાત્ શયન, આસનાદિનો ઉપભોગ કરવા કહે છે.
તે સમયે પરમાર્થ જોનાર સાધુ વિચારે - જાણે કે આ બધાં સ્ત્રીસંબંધ કરાવનાર વિવિધ બંધનો-ફંદાઓ છે અર્થાત્ સ્ત્રીઓ આસન્નગામિની હોય છે.
કહ્યું છે કે – આંબો હોય કે લીમડો, અભ્યાસના કારણે વેલડી ત્યાં ચડી જાય છે, એ પ્રમાણે સ્ત્રીઓ પણ જે નજીક હોય તેને ઈચ્છે છે. આ પ્રમાણે સ્ત્રીઓને જાણીને, તેણી સાથે સાધુએ સંગ ન કરવો. તેથી વધારે ભક્તિ પણ તજવા યોગ્ય છે. કહ્યું છે – તું તેની પાસે જે લેવા ઈચ્છે છે તે વિચારીને લે, જો આમિષના પાસમાં ફસાઈશ તો કાર્ય-અકાર્ય કરીશ.
સ્ત્રીઓ પાશમાં ફસાવવા તને શયન, આસન આપવા નિમંત્રણ કરે, તો તારે ચક્ષુથી ન જોવું, તેની દૃષ્ટિ સાથે દૃષ્ટિ ન મેળવવી, પ્રયોજનથી જોવું પડે તો અવજ્ઞાથી જોવું. કહ્યું છે –
બુદ્ધિમાન પુરૂષ સ્ત્રીથી કામ પડતાં અસ્થિરતાથી, સ્નેહ વિના, અવજ્ઞા વડે જરા જુએ અને અક્રોધિત હોવા છતાં ક્રોધથી જુએ. તથા તેણીના અકાર્યકરણ પ્રાર્થના પણ ન સ્વીકારે. કેમકે સંગ્રામમાં ઉતરવા માફક નરકના વિપાકને જાણનારો સાધુ સ્ત્રી સાથે સંબંધ કરે તે અતિ સાહસ છે તથા સ્ત્રી સાથે ગામ આદિમાં ન વિચરે. વળી તેણી સાથે એકાંતમાં ન બેસે કેમ કે સ્ત્રી સાથે સંગતિ રાખવી એ સાધુઓને મહા પાપસ્થાન છે.
કહ્યું છે– મા, બેન, દીકરી સાથે પણ એકાંતમાં ન બેસવું. કેમકે ઈન્દ્રિયસમૂહ બળવાન છે, પંડિત પણ તેમાં મોહાય છે. આ પ્રમાણે સ્ત્રીસંગ તજીને આત્મા બધા અપાયસ્થાનોથી રક્ષિત થાય છે. કેમકે સર્વે અપાયોનું કારણ સ્ત્રીસંગ છે, તેથી સ્વહિતાર્થી તે સંગને દૂરથી જ તજે.
તે સ્ત્રીઓ ફંદા-ફાંસારૂપ કેવી રીતે છે? તે કહે છે – સ્ત્રીઓ સ્વભાવ થકી જ અનાચાર તત્પર થઈને સાધુને આમંત્રીને કહે છે - હું અમુક સમયે તમારી પાસે આવીશ, એવો સંકેત કરીને તથા ઊંચા-નીચા વચન વડે વિશ્વાસમાં પાડીને પોતે જ અકાર્ય કરવા નિમંત્રે છે. પોતાનો ઉપભોગ કરાવી સાધુને સ્વીકાર કરાવે છે.
અથવા સાધુનો ભય દૂર કરવા પોતે કહે છે – જેમકે - હું મારા પતિને પૂછીને અહીં આવી છું કે તેને જમાડી, પગ ધોઈ, સૂવડાવીને, સંતોષીને તમારી પાસે આવી છું, તેથી તમે મારા પતિ સંબંધી બધી શંકા છોડીને નિર્ભયતાથી રહો.
આ પ્રમાણે વિશ્વાસ પમાડીને સાધુને પોતા પાસે બોલાવે અને કહે કે – આ મારું શરીર તમારા નાના-મોટા કાર્ય માટે સમર્થ છે. માટે તમે તેનો ઉપયોગ કરો, એમ કહી લોભાવે.
પરમાર્થને જાણતો સાધુ આ વિવિધ શબ્દાદિ વિષયના સ્વરૂપને જ્ઞ-પરિજ્ઞાથી જાણે, આ સ્ત્રી સંસર્ગજન્ય વિષયો દુર્ગતિનો હેતુ અને સન્માર્ગમાં વિઘ્નરૂપ છે. તથા પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેના વિપાકો જાણીને ત્યાગ કરે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati