Pramāṇa · Search · About · API

Suyagada 320

Sūyagaḍa: ṭīkānusārī vivecana 320

Language
Gujarati

320

વિવેચન :–૨૫૯ થી ૨૬૨
– દીકરી હોય, પુત્રવધૂ હોય, દૂધ પાનારી આદિ પાંચ ધાવમાતાઓ માની કોઈપણ એક ધાવમાતા હોય કે જે માતાતુલ્ય છે, બીજી સ્ત્રીઓ તો દૂર રહી, પાણી લાવનાર દાસી હોય તો પણ આ બધી સ્ત્રીઓથી દૂર રહે, તેની સાથે ન વિચરે, ન એકલો બેસે કે ન સંપર્ક કરે. તે મોટી હોય કે નાની, તેની સાથે પરીચય પણ ન કરે. ભલે સાધુને દીકરી, પુત્રવધૂ આદિમાં કુવાસનાદિ નથી થવાના પણ એકાંતમાં સાથે રહેતા બીજાને શંકા ઉત્પન્ન થાય છે, તે ન થાય માટે સ્ત્રીસંપર્કનો ત્યાગ કરવો.
– હવે બીજાને કેવી શંકા થાય? તે કહે છે – એકલી સ્ત્રી સાથે સાધુને જોઈને બીજી સ્ત્રીઓ અથવા તે સ્ત્રીના સ્વજનાદિને મનમાં દુઃખ થાય અને તેઓ શંકા કરે છે કે જેમ પ્રાણીઓ ઈચ્છા-મદન-કામથી ગૃદ્ધ છે, તેમ આવો આ શ્રમણ સ્ત્રીના મુખને જોવામાં આસક્ત ચિત્ત થઈને પોતાનો સંયમ વ્યાપાર છોડીને સ્ત્રી સાથે નિર્લજ્જ થઈને રહે છે.
કહ્યું છે કે – માથુ મુંડાવેલ છે, મોઢું ગંધાય છે, ભીખ માગીને પેટ ભરવું છે, શરીર મેલું અને શોભારહિત છે, છતાં આશ્ચર્ય છે કે તેના મનમાં હજી કામવાંછા રહેલી છે. તથા અતિ ક્રોધથી બળેલા તેઓ બોલે છે કે – હે સાધુ! તું એનો ધણી થઈને બેઠો છે, માટે તેણીનું રક્ષણ, પોષણ કર અથવા આજ સુધી અમે તેણીના ભરણપોષણની ચિંતા કરી. હવે તું જ તેનો ધણી છે, જેથી તારી સાથે એકલી રાતદિન પડી રહે છે.
– વળી તે તપ કરનાર સાધુ, રાગદ્વેષરહિત ઉદાસીન જાણીને, તપથી ગાળેલી કાયાવાળો, વિષયદ્વેષી સાધુ હોય અને સ્ત્રી સાથે એકાંતમાં ધર્મની વાતો કરતો હોય, તો પણ કેટલાંક પુરૂષો તેના પર કોપે છે અથવા સાધુની પોતાની ધર્મપ્રવૃત્તિમાં ઉદાસીન અને સ્ત્રી સાથે વાત કરતો જાણી કેટલાંક પુરૂષો કોપે છે. તો વિકારવાળા ભાવ જોઈને કેમ ન કોપે? અથવા તેઓ સ્ત્રીદોષની શંકાવાળા થાય છે, તે આ પ્રમાણે–
આ સ્ત્રી સાધુ માટે વિવિધ આહાર બનાવે છે - X - માટે આ સાધુ રોજ અહીં ગૌચરી માટે આવે છે અથવા સસરાને ભોજન પીરસતા જ્યારે સાધુને આવતા જુએ છે ત્યારે સસરાને અડધું આપીને આકુળ વ્યાકુળ થતી એકને બદલે બીજી વસ્તુ આપે છે ત્યારે સસરો વગેરે તે સ્ત્રીને કુલટા માને છે.
દૃષ્ટાંત આપે છે – કોઈ વહૂ ગામમાં નટના ખેલમાં ધ્યાનવાળી હતી. તેણે ધણી અને સસરાને ચોખાના બદલે રાઈકા રાંધીને પીરસ્યા ત્યારે ધણીએ ક્રોધિત થઈને તેણીને ઘણી મારી, કુલટા માની ઘેરથી કાઢી મૂકી.
– સન્માર્ગમાં વિઘ્નરૂપ સ્ત્રીઓ સાથે પરીચય રાખવો - તેના ઘેર વારંવાર જવું, વાતો કરવી, ધારીને જોવું વગેરે મોહના ઉદયે સાધુ કરે છે. તે સાધુ પ્રકર્ષથી ભ્રષ્ટ છે, ધર્મધ્યાન માટેના મન-વચન-કાયાની પ્રવૃત્તિ થકી ભ્રષ્ટ છે, શિથીલ છે, તેથી જ સ્ત્રી સંસ્તવ કરી સમાધિયોગથી ભ્રષ્ટ થાય છે. ઉત્તમ સાધુઓ તેવા કુમાર્ગે જતા નથી. - X –
સ્ત્રીએ કરેલ માયા કે સ્ત્રીની વસતિમાં આત્મહિતાર્થી સાધુ જતા નથી. તે સ્ત્રીઓ પણ આ લોકમાં નિંદા, પરલોકે દુર્ગતિમાંથી બચે છે, તેથી તેણીનું પણ હિત છે. અથવા સ્ત્રી સંસર્ગ અનર્થ માટે છે, માટે હે શ્રમણ! સ્ત્રીની વસતિ કે તેણીએ કરેલ ભક્તિરૂપ માયાને આત્મહિત માટે તું ત્યજ.
શું દીક્ષા લઈને પણ કોઈક સાધુ સ્ત્રીસંબંધ કરે છે? હા. તે કહે છે–

Linked texts (2)