Pramāṇa · Search · About · API

Suyagada 41

Sūyagaḍa: ṭīkānusārī vivecana 41

Language
Gujarati

41

[નિર્યુક્તિ–૩૩]
પૃથ્વી આદિ ભૂતોના કાયાકાર પરિણામે ચૈતન્ય ભાષા, ચાલવું આદિ ગુણો ન થાય એવી [જૈન દર્શનની] પ્રતિજ્ઞા છે. - X - અહીં ચાર્વાકને પૂછવું કે – પાંચ ભૂતોના સંયોગથી ચૈતન્ય પ્રગટ થાય છે, તો તેના સંયોગમાં સ્વતંત્ર છે કે પરસ્પર અપેક્ષાએ પરતંત્ર છે? તે સ્વતંત્ર નથી. કેમકે તેમાં ચૈતન્યથી અન્ય ગુણો જેવા કે - આધાર કાઠિન્યગુણા પૃથ્વી, દ્રવ્ય ગુણ-પાણી - X - આદિ છે જ. અથવા પૂર્વોક્ત ગંધ આદિ પૃથ્વી વગેરેમાં એકૈક ગુણ પરિહાનિ વડે એ બધાં ગુણો ચૈતન્યથી અલગ છે. - X - વળી, બીજી રીતે જોતાં - ચૈતન્ય ગુણ સાધ્ય કરતા પૃથ્વી વગેરે અન્ય ગુણો હોવા છતાં ચૈતન્ય ગુણ પૃથ્વી આદિ એક-એકમાં જુદો નથી, તેથી તેના સમુદાય વડે ચૈતન્યગુણ સિદ્ધ થાય નહીં. [હવે વૃત્તિમાં જે ખંડન-મંડન છે તેનો સારાંશ જ અહીં રજૂ કર્યો છે. અક્ષરશઃ જાણવા વૃત્તિ જોઈ, જ્ઞાતા પાસે સમજવું.]
ભૂતોનો સમુદાય સ્વતંત્ર હોય તો ધર્મીપણે સ્વીકારાય. તેનો ચૈતન્ય ગુણ સાધ્ય ધર્મ નથી. કેમકે પૃથ્વી વગેરેના ગુણોથી તે તદ્દન જુદો છે. જેમ રેતી પીલવાથી તેલ ન નીકળે કે ઘટ-પટ સમુદાયથી સ્તંભ ન થાય. કાયમાં ચેતનગુણ દેખાય છે, તે ચેતનનો ગુણ છે ભૂતોનો નહીં. વળી અચેતનમાં અચેતન ગુણ જ પ્રગટે, ચૈતન્ય ગુણ નહીં. ઈન્દ્રિયો પણ પોતાના વિષયથી અન્ય વિષય જાણી શકતી નથી, પણ ચૈતન્યરૂપ દૃષ્ટા વડે જ કાર્ય સિદ્ધ થાય છે. તેથી ભૂતોનો સમુદાય ચૈતન્ય નથી. ઈન્દ્રિયોના પ્રત્યેક વિષય ગ્રહણ કરવા છતાં સંકલના પ્રત્યયનો અભાવ છે. - X - X - ઈત્યાદિ.
લોકાયતિકનો પ્રશ્ન – સ્વતંત્રતા પક્ષે આ દોષ નથી. પરસ્પર સાપેક્ષ સંયોગના પરતંત્રપણાના સ્વીકારથી ભૂતોના સમુદાયથી ચૈતન્ય નામક ધર્મ સંયોગવશાત્‌ ઉત્પન્ન થાય છે. જેમ દારૂ બનાવવાના પદાર્થમાં વિદ્યમાન નહીં તેવી મદ શક્તિ દારૂમાં ઉત્પન્ન થાય જ છે ને?
જૈનાચાર્યનો ઉત્તર – [વૃત્તિમાં રજૂ થયેલ ખંડન-મંડન અમારા કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ ન હોવાથી તેનો સારાંશ જ અહીં રજૂ કર્યો છે.]
અમે પૂછીએ છીએ કે તમારો સંયોગ સંયોગી પદાર્થથી ભિન્ન છે કે અભિન્ન? જો ભિન્ન હોય તો છઠ્ઠો ભૂત ઊભો થાય. તમે પાંચ ભૂત સિવાય કંઈ માનતા નથી. તેથી ચૈતન્ય ગ્રહણ ન થાય. જો અભિન્ન માનતા હો તો ત્યાં વિચારો કે ભૂતો ચેતનાવાળા કે ચેતના વગરના? જો ચેતનાવાળા માનો તો એકેન્દ્રિય જીવ સિદ્ધ થશે, જો અચેતન માનો તો પૂર્વે કહેલો દોષ આવશે કેમકે જે પ્રત્યેકમાં નથી તે સમુદાયમાં કેમ હોય?
તમે જે દારૂનું દૃષ્ટાંત આપો છો તે ખોટું છે કેમકે તેના પદાર્થમાં તેવી-તેવી શક્તિ અંતર્ભૂત જ છે. વળી, ભૂતોમાં ચૈતન્ય ન માનવાથી મરણનો અભાવ થશે. કેમકે મૃતકાયમાં પણ પૃથ્વી આદિ ભૂતો તો છે જ. વળી મૃતકાયમાં પણ સોજો દેખાય છે માટે વાયુનો અભાવ નથી આદિ. જો સૂક્ષ્મ વાયુ કે અગ્નિ છે તેમ કહેશો તો જીવની બીજા નામે સ્વીકૃતિ થઈ જશે. તેથી ભૂત માત્રના સમુદાયથી ચૈતન્ય ઉત્પન્ન ન જ થાય.
વળી, લેપ્ય પ્રતિમામાં બધાં ભૂતો એકઠાં થવા છતાં તે જડ જ છે. વળી, અન્વય વ્યતિરેકથી આ ચેતનગુણો ભૂતોમાં ઉત્પન્ન થવા યોગ્ય નથી. માટે તમારો કદાગ્રહ મૂકીને ‘‘જીવ’’ જુદો છે તે માનવાનો પક્ષ સ્વીકારો.
વળી, પ્રત્યક્ષ પ્રમાણ જ માનવું તે પણ ભ્રમ છે. અનુમાન પ્રમાણ વિશે પણ વિચારવું જોઈએ. અનુમાન પ્રમાણ તમને પ્રમાણ છે કે અપ્રમાણ? જો પ્રમાણ હોય તો તમે અનુમાનને અપ્રમાણ કઈ રીતે કહેશો? જો અપ્રમાણ હોય તો પરની ખાત્રી કેવી રીતે કરશો? ઈત્યાદિ - X - વળી સ્વર્ગ, અપવર્ગ, દેવતાદિનો નિષેધ કરતા તમે કયા પ્રમાણથી નિષેધ કરશો? - X - X - સ્વર્ગાદિ નિષેધ કરવા જતા ચાર્વાકે અવશ્ય પ્રત્યક્ષ પ્રમાણ વિના બીજા પ્રમાણ માની લીધા. ઈત્યાદિ - X -.
પ્રત્યક્ષ સિવાય બીજા પ્રમાણો છે તેના વડે આત્માની સિદ્ધિ થશે. તે કયા? એ પ્રશ્નનો [જૈનાચાર્ય ઉત્તર આપે છે–] ‘આત્મા છે’ તેનામાં અસાધારણ ગુણોની પ્રાપ્તિ છે. ચક્ષુ ઈન્દ્રિય સાક્ષાત્‌ દેખાતી નથી, પણ સ્પર્શન વગેરે ઈન્દ્રિયોના અસાધારણ રૂપ વિજ્ઞાનની ઉત્પત્તિ શક્તિ વડે તે ચક્ષુનું પણ અનુમાન કરાય જ છે. તે રીતે પૃથ્વી આદિ અસાધારણ ચૈતન્યગુણની પ્રાપ્તિ વડે આત્મા પણ છે, તેમ અનુમાન થાય છે અને ચૈતન્ય તે અસાધારણ ગુણ છે. ચૈતન્ય આત્માનો જ ગુણ છે.
આત્મા છે. બધી ઈન્દ્રિયોના ઉપલબ્ધ અર્થની સંકલના પ્રત્યયનો સદ્‌ભાવ હોવાથી, આત્મા અર્થનો દૃષ્ટા છે, ઈન્દ્રિયો નથી. ઈન્દ્રિયો નાશ પામે તો પણ પૂર્વે જોયેલા પદાર્થોનું સ્મરણ કાયમ રહે છે.
અર્થાપત્તિથી આત્મા સિદ્ધ થાય છે. જેમકે – પૃથ્વી આદિ પાંચે ભૂત સમુદાય હોવા છતાં લેપકર્મથી બનેલ મૂર્તિ આદિમાં સુખ, દુઃખ આદિનો સદ્‌ભાવ નથી, એ કારણથી પણ જણાય છે કે - જે વિદ્યમાન છે, ભૂતથી જુદો છે, કોઈ પણ સુખ દુઃખ ઈચ્છાદિ ક્રિયાઓનો સમવાયી કારણ પદાર્થ છે અને તે જ આત્મા છે - X - X -
આ રીતે પ્રત્યક્ષ, અનુમાન અને અર્થાપત્તિથી આત્મા સિદ્ધ થયો.
હવે આગમ પ્રમાણથી આત્માનું અસ્તિત્વ બતાવે છે – જેમકે આગમ વચન છે કે - ‘‘મારો આત્મા ઉપપાતિક છે.’’ આવું આગમમાં પ્રત્યક્ષ વચન છે, ત્યાં બીજા આગમ પ્રમાણની શી જરૂર છે?
વળી [જૈનાચાર્ય] કહે છે - બધાં પ્રમાણમાં મુખ્ય પ્રત્યક્ષ પ્રમાણ વડે જ આત્મા જણાય છે, તેના ગુણ જ્ઞાનના પ્રત્યક્ષપણાથી, જ્ઞાન ગુણ તે ગુણથી અનન્યપણે રહે છે તેથી પ્રત્યક્ષથી આત્મા છે જ. - X - હું સુખી, હું દુઃખી એવા હું પ્રત્યયથી ગ્રાહ્ય આત્મા પ્રત્યક્ષ છે. શરીરથી ભિન્નતા આદિ બીજા પણ જીવની સિદ્ધિ માટે વિચારી લેવા. - X - આત્મા ભૂતોથી જુદો તથા જ્ઞાનનો આધાર છે.
શંકા – જ્ઞાન આધારભૂત આત્મા વડે જ્ઞાનથી ભિન્ન આશ્રિત વડે શું પ્રયોજન છે? કેમકે જ્ઞાનથી જ સર્વ સંકલના પ્રત્યય વગેરે સિદ્ધ થાય છે, વચ્ચે આત્માની કલ્પના શા માટે? કેમકે જ્ઞાન જ ચિદ્‌રૂપ છે. અચેતન ભૂત જે કાયાકારે પરિણમ્યા છે, તેની સાથે સંબંધ થતાં સુખ-દુઃખાદિ ક્રિયા ઉત્પન્ન થાય છે ઈત્યાદિ, પછી આત્માની કલ્પના કેમ?
સમાધાન – આત્માને આધારભૂત માન્યા વિના સંકલના પ્રત્યય ન ઘટે. જેમ બધી ઈન્દ્રિયો જુદા વિષયને જાણે, પણ મેં પાંચે વિષયને જાણ્યા એવા આત્માના સંકલના પ્રત્યયનો જ અભાવ થઈ જાય.
વળી, જ્ઞાનરૂપ ગુણ ગુણી સિવાય એકલો ન હોય તેથી અવશ્ય આત્મારૂપ ગુણીને માનવો જોઈએ. વળી, આત્મા સર્વવ્યાપી નથી. આ આત્મા શ્યામાક તંદુલ કે અંગૂઠાના પર્વ જેટલો નાનો નથી. પણ જે શરીર તેણે પ્રાપ્ત કર્યું છે, તેની ત્વચા સુધી આત્મા વ્યાપેલો છે. કર્મના સંબંધ થકી સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિય, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્ત વગેરે બહુ પ્રકારની અવસ્થા પ્રગટ થાય છે.
આત્માને ક્ષણિક માનતા ધ્યાન, અધ્યયનાદિનો અભાવ થાય અને એકાંત નિત્ય માનતા ચાર ગતિના પરિણામનો અભાવ થાય તેથી આત્મા કંઈ અંશે અનિત્ય, કંઈ અંશે નિત્ય છે.
હવે આત્મા એક જ છે, એવા અદ્વૈતવાદને - X - બતાવે છે–

Linked texts (1)