Pramāṇa · Search · About · API

Suyagada 40

Sūyagaḍa: ṭīkānusārī vivecana 40

Language
Gujarati

40

વિવેચન :– ૭, ૮
પાંચ મોટા ભૂત વિદ્યમાન છે. તે સર્વલોક વ્યાપી હોવાથી મહત્‌ વિશેષણ મૂકેલ છે. આ ‘ભૂત’ પદ વડે તેના અભાવાદિનું નિરાકરણ કર્યું છે. આ લોકમાં માત્ર ‘ભૂત’ને માનનારા ભૂતવાદીનો મત છે. ભૂતવાદી – બૃહસ્પતિ મતના અનુયાયી વડે આ મત પોતે સ્વીકાર્યો છે, બીજાને પણ બતાવે છે. તે આ રીતે પૃથ્વી-કઠણ છે, પાણી-દ્રવરૂપ છે, અગ્નિ-ઉષ્ણરૂપ છે, વાયુ-ચલિત છે. આકાશ-પોલાણવાળું છે. આ પાંચ ભૂત તથા તેના સાંગોપાંગ પ્રસિદ્ધ છે. તે પાંચે પ્રત્યક્ષ દેખાતા હોવાથી કોઈ તેનો અભાવ માની ન શકે.
પ્રશ્ન – સાંખ્ય આદિએ પણ આ પાંચ ભૂત તો માનેલા જ છે. જેમકે સાંખ્યો કહે છે - સત્ત્વ, રજ, તમોરૂપથી મહાન બુદ્ધિ છે, તે મોટાઈથી અહંકાર – ‘‘હું’’ એવો ભાવ. તેનાથી ૧૬ ગણ થાય છે - પાંચ સ્પર્શાદિ બુદ્ધિ ઈન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, ગંધ-રસ-રૂપ-સ્પર્શ-શબ્દ એ પાંચ ‘‘તન્માત્ર’’ છે. તેમાં ગંધ તન્માત્રા પૃથ્વી છે, તે પૃથ્વીમાં ગંધ, રૂપ, રસ, સ્પર્શ છે. રસમાત્ર પાણી છે. તેમાં રસ, રૂપ, સ્પર્શ છે, રૂપ માત્ર અગ્નિ છે, તેમાં રૂપ અને સ્પર્શ છે. સ્પર્શ માત્ર વાયુ છે. શબ્દ માત્ર આકાશ છે, તે ગંધ, રસ, રૂપ, સ્પર્શ વર્જિત ઉત્પન્ન થાય છે
- વૈશેષિકો પણ ભૂતોને કહે છે– પૃથ્વીત્વ યોગથી પૃથ્વી, તે પરમાણુરૂપે નિત્ય છે, બે અણુ આદિ સંબંધથી કાર્યરૂપે અનિત્ય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ સંખ્યા પરિમાણ પૃથકત્વ સંયોગ વિભાગ પરત્વ અપરત્વ ગુરુત્વ દ્રવત્વ વેગ એ ચૌદ ગુણોથી યુક્ત છે તથા પાણીપણાના યોગથી પાણી છે તે પણ રૂપ, રસ, આદિ ચૌદ ગુણયુક્ત છે પણ તેનું દ્રવ્યત્વ સ્નિગ્ધ છે, રૂપ-શુક્લ, રસ-મધુર, સ્પર્શ-શીત જ છે. તેજત્વ યોગથી તેજ [અગ્નિ], તે રૂપ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, નૈમિત્તિક દ્રવત્વ, વેગ એ અગિયાર ગુણયુક્ત છે. તેમાં રૂપ-શુક્લ અને ભાસ્વર, સ્પર્શ ઉષ્ણ છે. વાયુત્વ યોગથી વાયુ, તે અનુષ્ણ શીતસ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, વેગ એ નવ ગુણવાળો છે. - X - ‘આકાશ’ એક છે, તે સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, શબ્દ એ છ ગુણોવાળું શબ્દલિંગ છે. એમ બીજા વાદીઓએ પણ ‘ભૂત’ માન્યા છે, તો પંચભૂત જ કેમ?
ઉત્તર – સાંખ્ય આદિ એ - X - આત્મા આદિ અન્ય વસ્તુ પણ સ્વીકારી છે, લોકાયતિક તો પંચભૂત સિવાય આત્માદિ કશું માનતા જ નથી. તેથી સાંખ્યમતને આશ્રીને જ સૂત્રાર્થની વ્યાખ્યા કરીએ છીએ–
- X - એ પૃથ્વી આદિ પાંચ મહાભૂતોથી કાય આકારે પરિણમીને કોઈ રૂપે ‘ભૂત’થી અવ્યતિરિક્ત આત્મા છે. પણ ભૂતોથી જુદો કોઈથી પરિકલ્પિત, પરલોક જનારો, સુખ-દુઃખ ભોક્તા જીવ નામે પદાર્થ જ નથી એવો તેમનો મત છે. - X - પૃથ્વી આદિ સિવાય કોઈ આત્મા નથી. કેમકે તેને ગ્રહણ કરનાર પ્રમાણનો અભાવ છે. આ લોકો પ્રત્યક્ષ પ્રમાણ જ માને છે, અનુમાનાદિ નહીં. કેમકે અનુમાન આદિમાં ઈન્દ્રિયો સાથે પ્રત્યક્ષ સંબંધના અભાવે વ્યભિચાર સંભવે છે. વ્યભિચારવાળું અનુમાન પ્રમાણ - X - X - વિશ્વાસપાત્ર ન થાય. - X - X - તેથી પ્રત્યક્ષ પ્રમાણને જ માનવું સારું, તેથી ભૂતથી જુદા આત્માનું ગ્રહણ કરેલ નથી, પણ જે ચૈતન્ય ભૂતોમાં દેખાય છે, તે ભૂતો જ કાયા આકારે પરિણમતા પ્રગટ દેખાય છે. - X - X - ભૂતથી જુદો આત્મા નથી.
ભૂતોના એકઠા થવાથી જ તેમાં તેમની ચૈતન્ય શક્તિ છે. જેમ પાણીમાં પરપોટા થાય છે તેમ. કેટલાક લોકાયતિકો આકાશને ભૂતપણે માને છે તેથી ભૂતપંચક કહેવામાં દોષ નથી.
શંકા – જો ભૂતોથી જુદો કોઈ આત્મા નથી તો મરી ગયો કેમ બોલે?
ઉત્તર – એ ભૂતો કાયાકારે પરિણમતાં ચૈતન્ય પ્રગટ થયું પછી તેમાંથી કોઈ ભૂત-વાયુ કે અગ્નિ નીકળી જતાં દેહ ધારણ કરનારનો વિનાશ થાય છે, તેથી લોકમાં ‘‘મરી ગયો’’ એવું બોલાય છે. પણ જીવ ગયો એમ નથી. આવો ‘‘ભૂતથી જુદો આત્મા નથી’’ એ પક્ષ છે, તેનું ખંડન કરે છે–

Linked texts (2)