Pramāṇa · Search · About · API

Suyagada 49

Sūyagaḍa: ṭīkānusārī vivecana 49

Language
Gujarati

49

વિવેચન :– ૧૨
અભ્યુદય પ્રાપ્તિ લક્ષણ તે પુન્ય. તેથી વિપરીત તો પાપ. તે બંનેમાંથી કશું વિદ્યમાન નથી. કેમકે આત્મા-ધર્મીનો અભાવ છે. તેના અભાવથી આ લોકથી પર પૂન્ય-પાપના અનુભવરૂપ બીજો લોક નથી. આ અર્થમાં સૂત્રકાર તેનું કારણ કહે છે - કાયાના વિનાશથી અર્થાત્‌ ભૂતોના વિઘટનથી આત્માનો પણ અભાવ થશે. શરીરનો વિનાશ થતા આત્મા પરલોકે જઈને પૂન્ય કે પાપ અનુભવતો નથી. તેથી ધર્મી-આત્માના અભાવે તે પૂન્ય-પાપરૂપ ધર્મનો પણ અભાવ થશે. તેના ઘણા દૃષ્ટાંત છે. જેમકે–
જળના પરપોટા જળ સિવાય દેખાતા નથી, તેમ ભૂત સિવાય કોઈ આત્મા નથી. કેળના થડમાં ત્વચા જુદી કરીએ તો ત્વચાના પડ નીકળે પણ તેમાં સાર કશો નથી, એમ ભૂત સમુદાયનું વિઘટન થતાં તેમાં આત્મા નામનો સારભૂત કોઈ પદાર્થ મળતો નથી. જેમ અલાતના ભમવાથી તેમાં ચક્રની બુદ્ધિ થાય છે, એમ ભૂત સમુદાય પણ વિશિષ્ટ ક્રિયાને પ્રાપ્ત થતાં જીવની ભ્રાંતિ ઉત્પન્ન કરે છે. જેમ સ્વપ્નમાં બહિર્મુખ આકારપણે વિજ્ઞાન અનુભવાય છે, તેમ આત્મા ન હોવા છતાં તેનું વિજ્ઞાન ભૂત સમુદાયમાં પ્રગટ થાય છે. જેમ અરીસામાં સ્વચ્છપણે પ્રતિબિંબિત પદાર્થ બહાર હોવા છતાં અંદર રહેલો દેખાય છે, પણ તેમ હોતું નથી. જેમ ઉનાળામાં પૃથ્વીની ગરમીથી થતા કારણો વડે જલાકાર [મૃગજળ] જણાય છે ઈત્યાદિ - X - તે પ્રમાણે આત્મા પણ ભૂત સમુદાયથી કાયાકારે પરિણમતા આત્મા છે તેવો ભાસ થાય છે.
શંકા – જો ભૂત સિવાય કોઈ આત્મા ન હોય તો તેના કરેલા પૂન્ય પાપ પણ નથી, તો જગતમાં આવું વૈચિત્ર્ય કેમ દેખાય છે? જેમકે– કોઈ ધનવાન - કોઈ ગરીબ, કોઈ સુભગ-કોઈ દુર્ભગ, સુખી-દુઃખી, સુરૂપ-કુરૂપ, રોગી-નીરોગી એવા પ્રકારની વિચિત્રતા કેમ?
સમાધાન – આ બધું સ્વાભાવિક છે. જેમકે - પત્થરમાંથી કોઈ પ્રતિમા બનાવી તેને પૂજે છે તો કોઈ પત્થર ઉપર પગ ધુવે છે તો તે પત્થર કંઈ શુભ-અશુભ કર્મવાળા નથી કે જેના ઉદયે તે પત્થર તેવી અવસ્થા પામે છે. એ તો જગતના સ્વભાવની વિચિત્રતા છે. તેથી કહે છે કે - કાંટાની તીક્ષ્ણતા, મોરનું ચિત્રિતપણું આદિ સ્વાભાવિક જ છે. આ પ્રમાણે ‘તે જીવ-તે શરીર’ મત કહ્યો,
હવે અકારકવાદીને જણાવે છે.

Linked texts (2)