Pramāṇa · Search · About · API

Suyagada 535

Sūyagaḍa: ṭīkānusārī vivecana 535

Language
Gujarati

535

વિવેચન :–૫૦૧ થી ૫૦૪
[૫૦૧] હું તે અનુક્રમથી કહું છું, તે તમે સાંભળો અથવા અનુક્રમે સામગ્રી કે માર્ગ પ્રાપ્ત થાય છે, તે તમે સાંભળો. જેમકે – પહેલાં ચાર કષાયનો ઉદય હોય તો સમ્યક્‌ત્વ ન થાય યાવત્‌ બાર કષાયોનો ક્ષય કે ઉપશમ થાય ત્યારે ચારિત્ર પ્રાપ્ત થાય તથા ચાર અંગ પરમ દુર્લભ છે ઈત્યાદિ.
કેવો માર્ગ? કાયર પુરૂષના સંગ્રામ પ્રવેશ માફક દુર્લભ છે, મહા ભયાનક છે, તે માર્ગ મહાવીર સ્વામીએ કહ્યો છે, તે માર્ગ હું કહીશ, મારી બુદ્ધિથી કહેતો નથી. તે શુદ્ધ માર્ગ ગ્રહણ કરીને, સારો માર્ગ મળવાથી, પૂર્વે તે રીતે ચાલવાથી મહાપુરૂષો દુસ્તર સંસારને તર્યા છે. દૃષ્ટાંત કહે છે–
ખરીદ-વેચાણરૂપ વ્યવહાર કરતા વેપારી; વહાણમાં બેસી વિશેષ લાભ માટે કોઈ નગરે જવા વહાણ વડે દુસ્તર સમુદ્રને તરે છે. તેમ સાધુઓ પણ અનંત-એકાંત-અબાધ સુખની ઈચ્છાથી સમ્યગ્‌ દર્શનાદિ માર્ગ વડે મોક્ષે જવા માટે દુસ્તર ભવસમુદ્રને તરે છે.
[૫૦૨] જે માર્ગને પૂર્વે મહાપુરૂષોએ આચરીને - X - ભૂત આદિ કાળમાં અનંતા જીવો સંપૂર્ણ કર્મ કચરો દૂર કરીને સંસારથી મુક્ત થયા છે - તર્યા છે, હાલમાં પણ સામગ્રી મેળવીને સંખ્યાતા જીવો મહાવિદેહમાં સર્વદા સિદ્ધિનો સદ્‌ભાવ હોવાથી તરી રહ્યા છે, ભાવિકાળમાં પણ અનંત કાળની અપેક્ષાએ અનંત જીવો તરશે. આ પ્રમાણે ત્રણે કાળમાં પણ સંસાર સમુદ્રને પાર ઉતારનાર, મોક્ષમાર્ગનું કારણ એવા પ્રશસ્ત ભાવમાર્ગને કેવળજ્ઞાન વડે તીર્થંકરે ઉપદેશેલ છે, તે મેં સારી રીતે સાંભળી અવધારેલ છે, તે તમને સાંભળનારાને કહીશ.
સુધર્માસ્વામી જંબૂસ્વામીને આશ્રીને બીજા પ્રાણીઓને પણ ઉપદેશ કહે છે – તે દર્શાવે છે - હે મનુષ્યો! ચારિત્રમાર્ગને હું કહું છું, તે અભિમુખ થઈને તમે સાંભળો. પરમાર્થ કથનમાં અતિ આદર ઉત્પન્ન કરવા માટે આ પ્રમાણે શરૂઆત કરે છે.
[૫૦૩] ચારિત્રમાર્ગમાં પ્રાણાતિપાત વિરમણ મુખ્ય હોવાથી તથા તેના પરિજ્ઞાન માટે જીવ સ્વરૂપના નિરૂપણને માટે કહે છે - પૃથ્વી પોતે કે પૃથ્વી આશ્રિત જીવો, તે પૃથ્વીજીવો, તે દરેક જુદા શરીરવાળા જાણવા. તથા પાણી અને અગ્નિ જીવો પણ જાણવા. બીજા વાયુ જીવો છે. એ રીતે ચાર મહાભૂત આશ્રિત પૃથક્‌ જીવો પ્રત્યેક શરીરવાળા જાણવા. આ પૃથ્વી, પાણી, તેઉ, વાયુ આશ્રિત જીવો જુદા જુદા શરીરવાળા છે.
હવે કહેવાનાર વનસ્પતિ જીવો સાધારણ શરીરત્વથી જુદા શરીરવાળા નથી. - X -
જે સૂક્ષ્મ વનસ્પતિકાય છે તે બધાં નિગોદરૂપ છે, સાધારણ શરીરી છે, બાદરમાં સાધારણ, અસાધારણ બે ભેદ છે. તેમાં પ્રત્યેક શરીરીમાં અસાધારણના કોઈક ભેદ દર્શાવે છે –દર્ભવિરણાદિ તૃણ, આંબો અશોકાદિ વૃક્ષ, શાલિ ઘઉં આદિના બીજ, આ બધાં વનસ્પતિકાય જીવો જાણવા. આના વડે બૌદ્ધાદિ મતોનું ખંડન કરેલું જાણવું.
આ પૃથ્વી આદિ જીવોનું જીવત્વ પ્રસિદ્ધિ સ્વરૂપનું નિરૂપણ આચારાંગમાં પહેલા શસ્ત્રપરિજ્ઞા નામક અધ્યયનમાં બતાવેલ હોવાથી અહીં જણાવતા નથી.
[૫૦૪] છઠ્ઠા જીવનિકાયને બતાવે છે – પૃથ્વી, અપ્‌, તેઉ, વાયુ, વનસ્પતિ એ પાંચે એકેન્દ્રિય સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત ભેદથી પ્રત્યેકના ચાર ભેદ છે.
હવે ત્રસજીવ કહે છે, ત્રાસ પામે તે ત્રસ - બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયોવાળા જાણવા. તે અનુક્રમે કૃમી, કીડી, ભ્રમર, મનુષ્યાદિ છે. તેમાં બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા પ્રત્યેકના પર્યાપ્તક, અપર્યાપ્તક ભેદથી છ ભેદો થાય. પંચેન્દ્રિયના સંજ્ઞિ, અસંજ્ઞિ, પર્યાપ્તા, અપર્યાપ્તા એ ચાર ભેદો છે.
આ રીતે અનંતરોક્ત રીતે ચૌદ ભૂતગ્રામાત્મક છ જીવનિકાયો તીર્થંકર, ગણધર આદિએ કહ્યા છે. આટલા ભેદે સંક્ષેપથી જીવરાશિ થાય છે. અંડજ, ઉદ્ભિજ્જ, સંસ્વેદજ આદિ તેમાં સમાયેલા છે, તે સિવાય બીજી કોઈ જીવરાશિ અસ્તિત્વમાં નથી. હવે તેમાં શું કરવું તે કહે છે–

Linked texts (2)