Pramāṇa · Search · About · API

Suyagada 670

Sūyagaḍa: ṭīkānusārī vivecana 670

Language
Gujarati

670

વિવેચન :–૬૬૨
તેર ક્રિયા સ્થાનોને અહીં કહ્યા પછી, જે અહીં કહેવાયું નથી તે હવે આ સૂત્રસંદર્ભથી કહે છે. જેમ આચારાંગમાં પહેલા શ્રુતસ્કંધમાં જે ન કહ્યું તે બીજામાં ચૂલિકા વડે કહેલું, વૈદ્યક શાસ્ત્રમાં પણ સંહિતા અને ચિકિત્સા કલ્પમાં ન કહેલ પછી જુદું કહ્યું છે, તેવું અન્યત્ર પણ જોવા મળે છે. તેમ અહીં પણ જે પહેલા ન કહેવાયુ તે આ ઉત્તરસૂત્રથી કહે છે.
જે વિજ્ઞાન દ્વારથી પુરૂષો વડે શોધાય, તે પુરૂષવિચય કે પુરૂષવિજય. કેટલાંક અલ્પ સત્વવાળા તે જ્ઞાનથી - X - જિતાય છે. તે વિભંગ જ્ઞાન, જે અવધિજ્ઞાનનો મલિન અંશ છે, તેમ લોકોને ઠગવા જ્ઞાનનો દુરુપયોગ તે પુરૂષ વિચય વિભંગ છે. આવા જ્ઞાનવિશેષને હું કહીશ. - X -
આ મનુષ્ય ક્ષેત્રમાં અથવા સિદ્ધાંતમાં વિચિત્ર ક્ષયોપશમથી જેના વડે જ્ઞાન થાય તે પ્રજ્ઞા. તે અનેક પ્રકારની છે, તેના વડે અલ્પ, અલ્પતર, અલ્પતમ બુદ્ધિવાળાના છ ભેદ પડે [અલ્પાદિ-૩, વિશેષાદિ-૩].
છંદ એટલે અભિપ્રાય, તે વિવિધ છે. શીલ-આચાર પણ જુદા જુદા છે. તથા દૃષ્ટિ-ધર્મ સંબંધી મત વિવિધ છે, જે - ૩૬૩ - ભેદમાં બતાવેલ છે. એ રીતે રુચિ પણ જુદી જુદી હોય છે. જેમકે - આહાર, વિહાર, શયન, આસન, આચ્છાદન, આભરણ, યાન, વાહન, ગીત, વાજિંત્ર આદિમાં બધાંની રુચિ જુદા જુદા પ્રકારની હોય છે. તે રીતે આરંભો-ખેતી, પશુપાલન, દુકાન, શિલ્પકળા, સેવા આદિમાંના કોઈપણ આરંભમાં જુદાપણું હોય છે.
તે જ રીતે અધ્યવસાયોમાં જુદા-જુદાપણું હોય છે. જેમકે શુભ, અશુભ અધ્યવસાયવાળા છે. આ બધાં માત્ર આલોકની આસક્તિ વાળા અને પરલોકમાં મારું શું થશે તેની ચિંતા વગરના છે. વિષય-તૃષ્ણાવાળા આ બધાંને જુદા જુદા પાપશ્રુતનાં અધ્યયન હોય છે. જેમકે–
ભૂમિ સંબંધી - નિર્ઘાત કે ભૂકંપાદિ ઉત્પાત - વાંદરાનું હસવું વગેરે, સ્વપ્ન - હાથી - બળદ - સિંહ વગેરેના. અંતરિક્ષ - અમોઘ આદિ. આંખ - હાથ આદિના ફરકવારૂપ અંગસંબંધી. સ્વર - કાંગડા કે ઘૂવડ આદિનો અવાજ. લક્ષણ-જવ, મત્સ્ય, પદ્મ, શંખ, ચક્ર, શ્રીવત્સ આદિ. વ્યંજન-તલ, મસા આદિ. સ્ત્રી લક્ષણ - લાલ હાથ, પગ. આ પ્રમાણે પુરૂષ લક્ષણથી કાકિણીરત્ન પર્યન્તના લક્ષણ પ્રતિપાદક શાસ્ત્રને જાણવું.
તથા મંત્ર વિશેષરૂપ - વિદ્યા - જેમકે દુર્ભગને સુભગ કરે તે સુભગાકરા. સુભગને દુર્ભગ કરે તે દુર્ભગાકરા. ગર્ભાધાનની વિદ્યા તે ગર્ભકરા. મોહનકરા એટલે વ્યામોહ કે વેદોદય કરાવવો. આથર્વણી - જલ્દી અનર્થ કરનારી. પાકશાસની - ઈન્દ્રજાળ નામની વિદ્યા. દ્રવ્યહોમ - પુષ્પ, ઘી, મધ આદિ વડે અથવા ઉચ્ચાટનાદિ કાર્ય માટે હવન કરવો. ક્ષત્રિય વિદ્યા - ધનુર્વેદ આદિ અથવા વંશ પરંપરામાં આવેલી, તે શીખીને પ્રયોજે.
વિવિધ પ્રકારે જ્યોતિષ ભણીને જે પ્રવૃત્તિ કરે તે કહે છે - ચંદ્રનું ચરિત-તેના વર્ણ, સંસ્થાન, પ્રમાણ, પ્રભા, નક્ષત્ર યોગ, રાહુ ગ્રહાદિ, સૂર્ય ચરિત આ પ્રમાણે - સૂર્યના મંડલનું પરિમાણ, રાશિપરિભોગ, ઉદ્યોત, અવકાશ, રાહુ-ઉપરાગ આદિ. શુક્રચાર-વીથીત્રયચાર આદિ બૃહસ્પતિ ચાર- [એ બધાનું] શુભાશુભ ફળ કથન, સંવત્સર ફળ, રાશિફળ ઈત્યાદિ.
ઉલ્કાપાત, દિગ્દાહ - વાયવ્યાદિ મંડળમાં થતાં શસ્ત્ર, અગ્નિ, ભૂખ આદિ પીડા કરે. મૃગચક્ર - હરણ, શિયાળ આદિના ટોળાને ગ્રામ-નગર પ્રવેશ વખતે જુએ કે તેના શબ્દો સાંભળી શુભાશુભ કહે તે. કાગડા આદિ પક્ષીઓને જે દિશામાં રહે - જાય કે અવાજ કરે, તેનું શુભાશુભ ફળ કહે તે વાયસ પરિમંડલ. તથા ધુવી-વાળ-માંસ-લોહી આદિની વૃષ્ટિના અનિષ્ટ ફળ જે રીતે શાસ્ત્રમાં કહ્યા હોય તે બતાવે.
વિવિધ પ્રકારની ક્ષુદ્ર કર્મકારિણી, તે આ પ્રમાણે - વૈતાલીવિદ્યા જે નિયત અક્ષર પ્રતિબદ્ધ છે, તેનો કેટલોક જાપ કરવાથી દંડ ઉભો થાય છે. અર્ધવૈતાલી - તેના જાપથી દંડ ઉપશાંત થાય છે. તથા અવસ્વાપિની, તાલ ઉદ્‌ઘાટની, શ્વપાકી, શાંબરી તથા બીજી - દ્રાવિડી, કાલિંગી, ગૌરી, ગાંધારી, અવપતની, ઉત્પતની, જૃંભણી, સ્તંભની, શ્લેષણી, આમયકરણી, વિશલ્ય કરણી, પ્રક્રામણિ, અંતર્ધાનકરણી આદિ વિદ્યા ભણે.
આ વિદ્યાઓનો અર્થ સંજ્ઞા વડે જાણવો. વિશેષ એ કે શાંબરી, દ્રાવિડી, કાલિંગી તે-તે દેશમાં ઉદ્‌ભવેલ, તે-તે ભાષા નિબદ્ધા, વિવિધ ફળદાયી છે. અવપતનીના જાપથી તે નીચે પડે છે. ઉત્પતનથી ઊંચે ઉડે છે. આ વિદ્યા આદિના ગ્રહણથી પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાને ગ્રહણ કરવી.
આ વિદ્યાઓ પાખંડીઓ, પરમાર્થને ન જાણનારા ગૃહસ્થો કે માત્ર દ્રવ્યથી વેશધારી સ્વયૂથના સાધુઓ અન્ન-પાનાદિ અર્થે પ્રયોજે છે. તથા બીજા ઉચ્ચ-નીચ શબ્દાદિ કામભોગોને મેળવવા પ્રયોજે છે.
સામાન્યથી વિદ્યાનું સેવન અનિષ્ટકારી છે તે દર્શાવે છે - તિરિચ્છ અનનુકૂલ, સદનુષ્ઠાન પ્રતિઘાતક તે અનાર્યો લોકનિંદ્ય વિદ્યા સેવે છે. તેઓ જો કે ક્ષેત્રાર્ય, ભાષાર્ય છે તો પણ મિથ્યાત્વથી હણાયેલ બુદ્ધિથી અનાર્યકર્મકારી હોવાથી અનાર્યો જ જાણવા.
તેઓ પોતાનું આયુ ક્ષય થતાં મૃત્યુકાળે મૃત્યુ પામીને કદાચ દેવલોકમાં ઉત્પન્ન થાય તો પણ તે કોઈ આસુરિકમાં કિલ્બિષિકાદિ સ્થાનોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને કદાચ મનુષ્યપણે ઉત્પન્ન થાય તો પણ ત્યાં બાકી રહેલા પાપકર્મોને કારણે એડમૂકત્વ, અવ્યક્તભાષી, જન્માંધ કે જન્મ મૂકપણાને પામે છે. ત્યાંથી પણ વિવિધ પ્રકારના યાતના સ્થાનરૂપ નરક, તિર્યંચ આદિમાં ઉત્પન્ન થાય છે –
હવે ગૃહસ્થ આશ્રિત અધર્મપક્ષ કહે છે–

Linked texts (2)