Suyagada 674
Sūyagaḍa: ṭīkānusārī vivecana 674
- Language
- Gujarati
674
વિવેચન :–૬૬૪
અહીં પ્રથમ સૂત્રથી વિશેષ એ છે કે - પૂર્વે આજીવિકા અથવા ગુપ્ત જીવહિંસા કરે તે કહ્યું. અહીં કોઈ નિમિત્તથી સાક્ષાત્ લોકો મધ્યે જીવ હત્યાની પ્રતિજ્ઞા કરી ઉદ્યત્ થાય તે કહે છે. જેમકે કોઈ માંસાહાર ઈચ્છાથી, ટેવથી કે ક્રીડા માટે કોપાયમાન થયેલો સભામાં ઉભો થઈ પ્રતિજ્ઞા કરે કે હું આ પ્રાણીને હણીશ, ભેદીશ, છેદીશ, યાવત્ પાપકર્મ રૂપે પ્રખ્યાત થાય.
આ સૂત્રમાં અધર્મપક્ષે ચાલનારા બધાં પ્રાણીદ્રોહ કરનારાનું કંઈક વર્ણન કરવાનું છે - તેમાં પહેલા સૂત્રમાં બીજાના અપરાધ વિના ક્રુદ્ધ થયેલા બતાવ્યા, હવે બીજાના અપરાધથી ક્રુદ્ધ થયેલાને બતાવે છે–
કોઈ સ્વભાવથી જ ક્રોધી, અસહિષ્ણુતાથી બીજાના શબ્દાદિ કારણે સામેવાળાનો શત્રુ બનીને બીજાનું બગાડે. ‘શબ્દ’ લેવાથી કોઈ દ્વારા આકૃષ્ટ, નિંદિત કે વચનથી વિરોધ કરે, તો તેનું બગાડે. ‘રૂપ’ લેવાથી કોઈ બીભત્સને જોઈને અપશુકન માનીને કોપે. ‘ગંધ-રસ’નું ગ્રહણ સૂત્ર વડે જ કહે છે–
કોઈ તેમની સડેલી વસ્તુ આપે અથવા અલ્પ ધાન્યાદિ દાન આપે તેનાથી કોપાયમાન થાય, અભિષ્ટ વસ્તુ ન આપે, તે વિવક્ષિત લાભના અભાવે કોપાયમાન થઈને ગૃહપતિ આદિના ખળામાં રહેલ ચોખા-ઘઉં આદિ પોતે બાળી નાંખે, બીજા પાસે બળાવે કે બાળનારની અનુમોદના કરે એ રીતે મહાપાપકર્મથી પોતાને પ્રખ્યાત કરે.
હવે બીજા પ્રકારે પાપનું ગ્રહણ બતાવે છે - ક્યારેક કોઈ સડેલ ધાન્ય આદિ આપે ત્યારે ગૃહસ્થ આદિ પર કોપાયમાન થઈને તેના ઉંટ આદિના જાંઘ, છાતી આદિ પોતે જ છેદી નાંખે, બીજા પાસે છેદાવે કે છેદનારની અનુમોદના કરી પોતાને પાપકર્મીરૂપે પ્રખ્યાત કરે.
વળી કોઈ કંઈક નિમિત્તથી ગૃહપતિ આદિ પર કુપિત થઈને તેમની ઉંટ આદિની શાળાને કાંટાથી ઢાંકી દઈને પોતે જ અગ્નિથી બાળી દે - ઈત્યાદિ.
વળી કોઈ કંઈક કારણે કોપીને ગૃહપતિ આદિના કુંડલાદિને હરી લે.
હવે પાખંડી ઉપર કોપાયમાન થઈને શું કરે તે બતાવે છે - કોઈ સ્વદર્શનના અનુરાગથી કે વાદમાં બીજાથી પરાજિત થઈને કોઈ નિમિત્તથી કોપાયમાન થઈને શું કરે તે કહે છે - શ્રમને સહન કરે તે શ્રમણ, તેને કે તેવા બીજા કોઈને કોઈ કારણથી કુપિત થઈ દંડ આદિ ઉપકરણોને હરી લે, હરાવી લે, હરનારને અનુમોદે ઈત્યાદિ પૂર્વવત્ જાણવું.
એ રીતે બીજાને દુશ્મન માનીને પાપ કરનારા કહ્યા. હવે તે સિવાયના બીજાને બતાવે છે - હવે કોઈ દૃઢમૂઢતાથી વિચારે નહીં કે આવા પાપકર્મથી મને ભવિષ્યમાં શું ફળ મળશે? મારું આ અનુષ્ઠાન પાપાનુબંધી છે તેમ ન વિચારે. તેથી તે આભવ-પરભવમાં દુઃખદાયી ક્રિયા કરે, તે કહે છે–
ગૃહસ્થ આદિના શાલિ-ઘઉં આદિ ધાન્યને કારણ વિના પોતે જ અગ્નિ વડે બાળે, બીજા પાસે બળાવે કે બાળનારની અનુમોદના કરે.
તથા આલોક કે પરલોકના દોષોની વિચારણા ન કરનારો ગૃહપતિ આદિ સંબંધી ઉંટ વગેરેના જાંઘ આદિ અવયવોને છેદે... ઉંટ શાળાદિ બાળે... તેમના કુંડલ આદિ હરી લે... શ્રમણ-બ્રાહ્મણાદિના દંડાદિ ઉપકરણો હરી લે; ઈત્યાદિ આલાવા પૂર્વે ક્રોધના નિમિત્તે કહ્યા, તે જ અહીં ક્રોધના અભાવે અર્થાત્ નિર્નિમિત્ત સમજી લેવા.
હવે વિપરીત દૃષ્ટિ - આગાઢ મિથ્યાદૃષ્ટિઓ બતાવે છે–
કોઈ અભિગૃહીત મિથ્યાદૃષ્ટિ, અભદ્રક સાધુના દ્વેષને કારણે શ્રમણ આદિના નિર્ગમન કે પ્રવેશ વખતે જાતે વિવિધ પાપા-ઉપાદાનરૂપ કર્મો વડે [બીજાને પીડા આપીને] પોતે મહાપાપી રૂપે પ્રખ્યાત થાય, તે કહે છે–
કોઈ સાધુને જોઈને મિથ્યાત્વથી હણાયેલ દૃષ્ટિવાળો અપશુકન માનીને સાધુને આંખ સામેથી ખસેડવા, સાધુને ઉદ્દેશીને ચપટી વગાડે અથવા તેને તિરસ્કારવા કઠોર વચનો કહે, જેમકે - ઓ મુંડીયા! નિરર્થક કાયક્લેશ પરાયણ! દુર્બુદ્ધિ! અહીંથી દૂર થા. પછી ભ્રુકુટી ચડાવીને અસત્ય બોલે. ભિક્ષાકાળે પણ તે સાધુ બીજા ભિક્ષુઓની પાછળ પ્રવેશે ત્યારે અત્યંત દુષ્ટતાથી અન્નાદિ ન આપે, બીજો દાન દેતો હોય તો તેને પણ રોકે અને સાધુનો દ્વેષ કરતો આ પ્રમાણે બોલે–
આ પાખંડીઓ છે, તે આવા હોય છે - જેમકે - તેઓ ઘેર ઘાસ કે કાષ્ઠનો ભાર વહન કરવાનું અધમ કર્મ કરે છે, તથા કુટુંબના ભારથી કે પોટલા ઉંચકવાના ભારથી કંટાળી, ભાંગી પડીને સુખની લાલસાથી, આ આળસુઓ પોતાના કુટુંબનું પાલન કરવા અસમર્થ આવા પાખંડ કરે છે. કહ્યું છે કે - ગૃહસ્થાશ્રમ જેવો ધર્મ થયો નથી - થશે નહીં, તેને જે પાળે છે, તે ધન્ય છે, [બાકી] કાયરો છે તે પાખંડનો આશ્રય લે છે ઈત્યાદિ.
વૃષલ-અધમ - શુદ્ર જાતિના, બીજાની સેવા કરનારા કે ક્લીબ - નમાલા લોકો દીક્ષા લઈ સાધુ થાય છે.
હવે ગૃહસ્થોના અસદ્ વર્તનને કહે છે–
ઉક્ત સાધુ નિંદકો, ધર્મના શત્રુઓ આ રીતે બીજાના દોષો ઉઘાડીને જીવનારા ફક્ત સાધુઓની નિંદામાં પરાયણ રહીને કુત્સિત જીવન જીવે છે. એ રીતે તેઓ અસદ્ આચારી જીવિતને પ્રશંસે છે. તે આ લોકના સુખમાં આસક્ત, સાધુનિંદાથી જીવતા મોહાંધો સાધુને તિરસ્કારે છે, પરલોકના કલ્યાણ માટે કોઈ અનુષ્ઠાનનો આશ્રય કરતા નથી. ફક્ત તેઓ સાધુઓને નિંદકવચન પ્રવૃત્તિથી પીડા પહોંચાડે છે, પોતે અને બીજા દુઃખી થાય છે. અજ્ઞાનથી અંધ તેઓ એવું કરે છે કે જેથી તેમને શોક થાય છે અને બીજાને પણ દુષ્ટ વચનાદિ કહીને શોક ઉત્પન્ન કરાવે છે–
– તથા તેઓ બીજાની ગર્હા કરે છે, પોતાને અને બીજાને સુખથી વંચિત કરે છે. તે રાંકડા ધર્મના સ્પર્શ વિનાના અસદ્ અનુષ્ઠાનોથી પોતાને અને બીજાને પીડે છે. તથા પાપકર્મથી પરિતાપ પામી પોતાને અને બીજાને બાળે છે. આવી અસદ્વૃત્તિથી દુઃખ, શોક અને ક્લેશથી કદી દૂર થતાં નથી.
આવા હોવાથી તેઓ જીવહિંસારૂપ મહા આરંભથી તથા પ્રાણીઓને પરિતાપ આપવારૂપ મહા સમારંભથી તથા આરંભ-સમારંભથી બંનેથી વિવિધ પ્રકારના સાવદ્ય અનુષ્ઠાન-પાપકર્મ કૃત્યોથી અત્યંત ઉદ્ભટ સમગ્ર સામગ્રી - મધ - દારુ - માંસયુક્ત મનુષ્યભવ યોગ્ય ભોગો વડે ઉત્કટ ભોગો ભોગવતા સાવદ્ય અનુષ્ઠાનને કરનારા થાય છે. એ જ દર્શાવતા કહે છે–
તેઓ પાપકૃત્યથી ભોજનકાળે ઈષ્ટ અન્ન મેળવે છે, તે જ રીતે પાન, વસ્ત્ર, શયન, આસન આદિ મેળવે છે. સર્વ વસ્તુ સવાર-સાંજ મેળવી લે છે અથવા સવાર-સાંજના કૃત્યો કરે છે. અથવા સવારે સ્નાન કરીને - X - વિલેપન-ભોજનાદિ કરે છે તે સપૂર્વાપરમ્ જાણવું. એટલે કે જે જ્યારે ઈચ્છે તે ત્યારે પ્રાપ્ત કરે છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિને કિંચિત્ દર્શાવે છે–
વૈભવી સ્નાન કરીને દેવતાદિ નિમિત્તે બલિકર્મ કરે છે, અવતારણક આદિ કૌતુક, સુવર્ણ-ચંદન-દહીં-અક્ષત-દુર્વા-સરસવ-દર્પણ-સ્પર્શ આદિ મંગલ તથા દુસ્વપ્નોના નિવારણાર્થે પ્રાયશ્ચિત્ત કરે છે - ફૂલોની માળા સહિતનો મુગટ પહેરે છે. દૃઢ શરીરી-યુવાન રહે છે. તથા લાંબા કંદોરા, ફૂલની માળા પહેરે છે. એવો તે માથે નાહીને વિવિધ વિલોપનો કરીને, કંઠમાં માળા ધારણ કરી, બીજા આભૂષણો પહેરી, ઉંચા-વિશાળ પ્રાસાદમાં વિશાળ ભદ્રાસને બેસે છે. સ્ત્રી વર્ગ સાથે પરિવરેલો તે ઘણાં જ નાટક, ગીત, વાજિંત્ર, વીણા આદિના નાદ સહિત ઉદાર મનુષ્યભોગો ભોગવે છે.
તેને જો કોઈ કામ પડે તો - એક માણસને બોલાવતા ચાર-પાંચ પુરૂષ હાજર થઈ જાય છે. તેઓ શું કરે છે? તે કહે છે - હે સ્વામી! આજ્ઞા કરો, અમે ધન્ય છીએ કે આપે અમને બોલાવ્યા. શું કરીએ? વગેરે સુગમ છે યાવત્ આપના હૃદયને શું ઈષ્ટ છે. આપના મુખને શું સ્વાદુ લાગે છે? અથવા આપના મુખેથી નીકળતું વચન અમે પાળવા તૈયાર છીએ.
તે રાજાને તે રીતે વિલસતા જોઈને બીજા અનાર્યો એમ કહે છે - ખરેખર, આ પુરૂષ દેવ છે. દેવોમાં શ્રેષ્ઠ અને ઘણાંની આજીવિકાનો પૂરક છે. તે જ વર્તમાન સુખને માટે અસદ્ અનુષ્ઠાયીને જોઈને આર્યો-સદાચારવાન્, વિવેકી પુરૂષ એમ કહે છે –
આ પુરૂષ ખરેખર ક્રૂરકર્મોની હદ વટી ગયો છે, અર્થાત્ હિંસાદિ ક્રિયાપ્રવૃત્ત છે. વાયરો રેતીને ભમાવે તેમ સંસાર ચક્રવાલે ભમનાર છે. સારી રીતે આઠ કર્મોને ભેગા કરનાર અતિધૂત છે. અઘોર પાપો કરને પોતાની રક્ષા કરનારો છે. દક્ષિણ દિશામાં જનારો છે અર્થાત્ જે ક્રૂર કર્મોકારી છે, સાધુ નિંદા પરાયણ અને તેમને દાન દેવાનો નિષેધ કરે છે, તે દક્ષિણગામુક-નરકાદિ ચારે ગતિમાં ઉત્પન્ન થનાર છે - કુગતિગામી છે. નરકમાં જાય તે નારક, કૃષ્ણપક્ષ વાળો હોવાથી કૃષ્ણપાક્ષિક તથા ભાવિ કાળે નરકમાંથી નીકળી દુર્લભબોધિ થવા સંભવ છે.
કહે છે કે - દિશાઓમાં દક્ષિણ દિશા નિંદનીય છે. ગતિમાં નરકગતિ, પક્ષોમાં કૃષ્ણ પક્ષ નિંદનીય છે. તેથી જે વિષયાંધ અને ઈન્દ્રિયોને વશ વર્તે છે, પરલોકના ફળને ભૂલે છે, સાધુનો દ્વેષી અને દાનાંતરાય કરનારો છે. તેને નિંદનીય સ્થાનો બતાવ્યા છે. બીજા તિર્યંચગતિ આદિ અને બોધિલાભ રહિતતા છે, તે વિચારી લેવા. તેથી વિપરીત વિષયોથી નિસ્પૃહ, ઈન્દ્રિયોને વશ કરનાર, પરલોકભીરુ સાધુનો પ્રશંસક, સદનુષ્ઠાનરત છે તે સુગતિમાં જનાર, સુદેવત્વ, શુક્લપાક્ષિકત્વ, સુમાનુષત્વ, સુલભબોધિત્વ સદ્ધર્મ અનુષ્ઠાયીતાને પામે છે
- હવે ઉપસંહાર કરે છે–
આ પૂર્વોક્ત સ્થાન, ઐશ્વર્યલક્ષણ, શૃંગારમૂલ, સાંસરિક ત્યાગની બુદ્ધિ વડે ત્યાગ કર્યા પછી પણ પરમાર્થ ન જાણવાથી પાખંડીપણે ઉદ્યત થઈને મુખ્યત્વે લોભવશ થાય છે. તથા કેટલાંક સાંપ્રત સુખને જોનારા તે સ્થાન ન છોડતા ગૃહસ્થપણે જ રહીને તૃષ્ણાતુર બનીને ધન માટે જ ફાંફા મારે છે. તેથી તેઓ ઉત્તમ પુરૂષે આચરેલા માર્ગને સ્વીકારતા નથી, તેઓ અનાર્ય સ્થાનમાં પડી રહે છે, જે અશુદ્ધ જ છે. તથા સામાન્ય પુરૂષે આચરેલ હોવાથી તે સંસારતૃષ્ણ અપરિપૂર્ણ છે - સદ્ગુણ અભાવે તુચ્છ છે.
વળી ન્યાય વડે ન વિચરતા તે માર્ગ અન્યાયિક છે. ઈન્દ્રિયોને સંવરવારૂપ સંયમ તે સલ્લગ, તેથી વિરુદ્ધ તે અસલ્લગ - અસંયમ છે અથવા શલ્ય માફક તૃષ્ણા છે - તેમાં માયા કરવી તે શલ્યગ, તેનું પરિજ્ઞાન ન હોવું તે અશલ્યગ છે. અકાર્ય આદરવાથી તેને સિદ્ધિ માર્ગ મળતો નથી. સર્વકર્મ ક્ષયરૂપ મુક્તિનો માર્ગ-સમ્યગ્ દર્શન-જ્ઞાનચારિત્રાત્મક-તે મળતો નથી. આત્મ સ્વાસ્થ્યરૂપ માર્ગ તે પરિનિવૃત્તિ તે ન મળે તે અપરિ-નિર્વાણમાર્ગ છે. તથા જ્યાંથી ફરી નીકળવાનું નથી તે નિર્યાણ માર્ગ મળતો નથી. સર્વ દુઃખોના ક્ષયરૂપ માર્ગ, તે પણ તેને ન મળે.
તેને મોક્ષ કેમ ન મળે? એકાંત મિથ્યાત્વયુક્ત બુદ્ધિ હોવાથી તે અસદ્ આચરણથી અસાધુ છે. આ વિષયાંધો સત્પુરૂષ સેવિત માર્ગે વિચરતા નથી. [માટે મોક્ષ ન મળે.]
આ રીતે પ્રથમ અધર્મપક્ષ સ્થાનના પાપઉપાદાનરૂપ વિભાગનું સ્વરૂપ કહ્યું.
હવે બીજું ધર્મના ઉપાદાનભૂત પક્ષને આશ્રીને કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati