Suyagada 673
Sūyagaḍa: ṭīkānusārī vivecana 673
- Language
- Gujarati
673
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૬૪ :– [૨/૨/–/૬૬૪]
[૧] કોઈ પર્ષદામાં ઉભો થઈ પ્રતિજ્ઞા કરે - ‘હું આ પ્રાણીને મારીશ.’ પછી તે તીતર, બતક, લાવક, કબૂતર, કપિંજલ કે અન્ય કોઈ ત્રસ જીવને હણીને યાવત્ મહાપાપી રૂપે પ્રસિદ્ધ થાય છે. –
[૨] કોઈ પુરૂષ સડેલું અન્ન મળવાથી કે બીજી કોઈ અભિષ્ટ અર્થની સિદ્ધિ ન થવાથી વિરુદ્ધ થઈને તે ગૃહપતિના કે તેના પુત્રોના ખળામાં રહેલ ધાન્યાદિને, પોતે આગ લગાવી બાળી નાંખે, બીજા પાસે બળાવી નાંખે, તે બાળનારની અનુમોદના કરે. આવા મહાપાપકર્મોથી પોતાને ઓળખાવે છે –
[૩] કોઈ પુરૂષ અપમાનાદિ પ્રતિકૂળ શબ્દાદિ કારણથી, સડેલ અન્નાદિ મળતા કે ઈષ્ટ લાભ ન થતાં ગૃહપતિ કે તેના પુત્રોના ઉંટો, ગાય, ઘોડા કે ગધેડાના અંગોને જાતે કાપે, બીજા પાસે કપાવે, તે કાપનારને અનુમોદે એ રીતે યાવત્ મહાપાપી થાય.
[૪] કોઈ પુરૂષ કોઈ અપમાનાદિ શબ્દોના કારણે અથવા સડેલા અન્નાદિ મળતા કે ઈષ્ટાદિ લાભ ન મળતાં ગૃહપતિ કે તેના પુત્રોની ઉંટશાળા, ગોશાળા, અશ્વશાળા કે ગર્દભશાળાને કાંટાથી ઢાંકીને સ્વયં અગ્નિ વડે બાળી દે છે, બીજા પાસે બળાવે છે, બાળનારની અનુમોદના કરે છે યાવત્ પ્રખ્યાત થાય છે.
[૫] કોઈ પુરૂષ પ્રતિકૂળ શબ્દાદિ આદિ ઉક્ત કારણોથી ક્રુદ્ધ થઈ ગાથાપતિ કે તેના પુત્રોના કુંડલ, મણિ કે મોતી સ્વયં હરી લે, બીજા પાસે હરણ કરાવે કે હરણ કરનારને અનુમોદે તેથી તે મહાપાપીરૂપે પ્રખ્યાત થાય છે.
[૬] કોઈ પુરૂષ - શ્રમણ કે માહણના ભક્ત પાસેથી સડેલ આદિ અન્ન મળે ઇત્યાદિ ઉક્ત કારણે તે શ્રમણ કે માહન ઉપર ક્રુદ્ધ થઈને તેના છત્ર, દંડ, ઉપકરણ, માત્રક, લાઠી, આસન, વસ્ત્ર, ચિલિમિલિ, ચર્મછેદનક કે ચર્મકોશનું સ્વયં હરણ કરે - કરાવે કે અનુમોદે, તે મહાપાપી રૂપે પ્રખ્યાત થાય છે.
[૭] કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે ગાથાપતિ કે ગાથાપતિ પુત્રોના અન્ન આદિને અકારણ જ સ્વયં આગ લગાડી ભસ્મ કરે છે- X -કરાવે છે- X -અનુમોદે છે. એ રીતે તે મહાપાપી રૂપે જગત્માં વિખ્યાત થાય છે.
[૮] કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે અકારણ જ ગાથાપતિ કે તેના પુત્રોના ઉંટ, બળદ, ઘોડા કે ગધેડાના અંગોને સ્વયં કાપે છે - કપાવે છે - અનુમોદે છે તે યાવત્ મહાપાપીરૂપે પ્રખ્યાત થાય છે.
[૯] કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે અકારણ જ ગાથાપતિ કે તેના પુત્રોની ઉંટશાળા યાવત્ ગર્દભશાળા યાવત્ સળગાવે છે, શેષ પૂર્વવત્.
[૧૦] કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે અકારણ જ ગાથાપતિ કે તેના પુત્રોના કુંડલ, મણિ, મોતી ચોરે છે, ચોરાવે છે કે ચોરનારને અનુમોદે છે...
[૧૧] કોઈ-કોઈ વિચાર્યા વિના જ શ્રમણ કે માહણના છત્ર, દંડ યાવત્ ચર્મછેદનક હરે છે - હરાવે છે - અનુમોદે છે યાવત્ મહા પાપીરૂપે ઓળખાય છે.
કોઈ પુરૂષ શ્રમણ કે માહણને જોઈને તેમની સાથે વિવિધરૂપે પાપકર્મ કરીને પોતાને પ્રખ્યાત કરે છે અથવા ચપટી વગાડે છે. કઠોર વચનો કહે છે. ભિક્ષાકાળે સાધુ ગૌચરી માટે આવે તો પણ અશન-પાન યાવત્ આપતા નથી અને કહે છે કે –
આ સાધુઓ તો ભારવાહન કરતા નીચ છે, આળસુ છે, શુદ્ર છે, દરિદ્ર છે માટે દીક્ષા લે છે તેવા સાધુ દ્રોહીનું જીવન ધિક્કારને પાત્ર છે છતાં તે પોતાના જીવનને ઉત્તમ માને છે. પણ પરલોક વિશે વિચારતા નથી.
આવા પુરૂષો - દુઃખ, શોક, નિંદા, તાપ, પીડા અને પરિતાપ પામે છે. તેઓ આ દુઃખ, શોક આદિથી વધ, બંધન, ક્લેશાદિ ક્યારેય નિવૃત્ત થતા નથી. તે મહા-આરંભ, સમારંભ, આરંભ-સમારંભથી વિવિધ પાપકર્મો કરતા ઉદાર એવા મનુષ્યસંબંધી ભોગોપભોગ ને ભોગવતા રહે છે. તે આ પ્રમાણે–
આહારકાળે આહાર, પાનકાળે પાન, વસ્ત્રકાળે વસ્ત્ર, આવાસકાળે આવાસ, શયનકાળે શયનને ભોગવે છે. તેઓ નાહીને, બલિકર્મ કરીને, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરીને, મસ્તકસહિત સ્નાન કરી, કંઠમાં માળા પહેરે છે, મણિ-સુવર્ણ પહેરી, માળાયુક્ત મુગટ પહેરે છે. પ્રતિબદ્ધ શરીરી હોય છે. કમરે કંદોરો અને છાતીએ ફૂલમાળા પહેરે છે. નવા વસ્ત્રો પહેરી, ચંદનનો લેપ કરીને, સુસજ્જિત વિશાળ પ્રાસાદમાં ભવ્ય સિંહાસને બેસી સ્ત્રીઓ વડે પરિવૃત્ત થઈ, આખી રાત્રિ જ્યોતિના ઝગમગાટમાં ભવ્ય નાચ-ગાન-વાજિંત્ર-તંત્રી-તાલ-તલ-ત્રુટિત-મૃદંગના ધ્વનિસહિત ઉદાર માનુષી ભોગોપભોગને ભોગવતા વિચરે છે.
તે એક નોકરને બોલાવે ત્યાં ચાર-પાંચ જણા હાજર થાય છે. હે દેવાનુપ્રિય! અમે શું કરીએ? શું લાવીએ? શું ભેટ કરીએ? આપને શું હિતકર છે? તેમ પૂછે છે.
તેને આવા સુખમાં મગ્ન જોઈને અનાર્યો એમ કહે છે - આ પુરૂષ તો દેવ છે, દેવોથી પણ શ્રેષ્ઠ છે, દેવો જેવું જીવે છે, તેમના આશ્રયે બીજા પણ જીવે છે. પણ તેને જોઈને આર્ય પુરૂષ કહે છે કે - આ પુરૂષ અતિ ક્રૂરકર્મી, અતિ ધૂર્ત, શરીરનો રક્ષક, દક્ષિણગામી નૈરયિક, કૃષ્ણપાક્ષિક અને ભાવિમાં દુર્લભ બોધિ થશે.
કોઈ મૂઢ જીવ મોક્ષને માટે ઉદ્યત થઈને પણ આવા સ્થાનને ઈચ્છે છે, કે જે સ્થાન ગૃહસ્થો ઈચ્છે છે. આ સ્થાન અનાર્ય, જ્ઞાન રહિત, અપૂર્ણ, અન્યાયિક, અસંશુદ્ધ, અશલ્યકર્તક, અસિદ્ધિમાર્ગ, અમુક્તિમાર્ગ, અનિર્વાણમાર્ગ, અનિર્યાણ માર્ગ, અસર્વદુઃખ પ્રક્ષીણ માર્ગ, એકાંત મિથ્યા, અસાધુ છે.
આ રીતે પ્રથમ અધર્મપક્ષ સ્થાનનું કથન કર્યું.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit