Suyagada 686
Sūyagaḍa: ṭīkānusārī vivecana 686
- Language
- Gujarati
686
વિવેચન :–૬૭૦
હવે બીજા સ્થાનનું સ્વરૂપ આવી રીતે બતાવે છે - જેમકે - પૂર્વાદિ દિશા મધ્યે એવા મનુષ્યો પણ હોય છે. જેમકે - તેમને સાવદ્ય આરંભ નથી, નિષ્કિંચન છે, ધર્મ વડે ચાલતા હોવાથી ધાર્મિક છે યાવત્ ધર્મ વડે જ પોતાનું જીવન ગુજારે છે તથા સુશીલ, સુવ્રતી, સુપ્રત્યાનંદી, સુસાધુ, સર્વથા પ્રાણાતિપાત યાવત્ પરિગ્રહથી વિરમેલા છે તથા તેવા બીજા પ્રકારના સાવદ્ય આરંભ યાવત્ અબોધિકારણ, તે સર્વેથી વિરત છે. ફરી બીજા પ્રકારે સાધુના ગુણોને દર્શાવતા કહે છે–
કેટલાંક ઉત્તમ સંહનન, ધૃતિ, બળયુક્ત અણગાર ભગવંતો હોય છે. તેઓ પાંચ સમિતિઓ વડે સમિત હોય છે ઈત્યાદિ વર્ણન આચારાંગ સૂત્ર સંબંધી પહેલા ઉપાંગ સૂત્ર ‘ઉવવાઈ’માં વર્ણવેલ છે. તે અહીં પણ તે જ ક્રમથી જાણી લેવું. - X - X - સર્વ શરીર પરિકર્મથી વિપ્રમુક્ત અર્થાત્ નિષ્પ્રતિકર્મશરીરા [તે સાધુ] રહે છે.
તે ઉગ્રવિહારી, પ્રવ્રજ્યા પર્યાયને પાળીને, અબાધારૂપ રોગાતંક ઉત્પન્ન થાય કે ન થાય [તો પણ] ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. વધુ કેટલું કહીએ? જે કારણથી લોઢાના ગોળા માફક નિરાસ્વાદ છે, તલવારની ધાર માફક કઠિન છે, તેવા શ્રમણભાવનું અનુપાલન કરે.
તે માટે સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર નામક [મોક્ષમાર્ગ] આરાધીને અવ્યાહત, એક, અનંત મોક્ષના કારણરૂપ કેવલજ્ઞાનને પામે છે. કેવલજ્ઞાન પામીને સર્વ દુઃખથી મુક્તિરૂપ એવા મોક્ષને પ્રાપ્ત કરે છે.
કેટલાંક સાધુ એક જ અર્ચા-શરીર વડે એક જ ભવમાં સિદ્ધિમાં જનારા હોય છે. બીજાઓ તેવા પ્રકારના કર્મો બાકી હોવાથી તે કર્મવશ કાળ કરીને કોઈપણ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે, ત્યાં ઈન્દ્ર-સામાનિક-ત્રાયસ્ત્રિંશત્-લોકપાલ-આત્મરક્ષક-પર્ષદા-પ્રકીર્ણ એવી વિવિધ સમૃદ્ધિને પામે છે. આભિયોગિક કે કિલ્બિષિકાદિમાં ઉત્પન્ન થતા નથી. તેથી કહ્યું છે કે - X - મહાઋદ્ધિ આદિ સહિત દેવલોકમાં ઉત્પન્ન થાય છે તે દેવો આવા પ્રકારના થાય છે, તે દર્શાવે છે–
તે દેવો વિવિધ તપ-ચરણાદિ ઉપાર્જેલા શુભકર્મો વડે મહાઋદ્ધિ આદિ ગુણોયુક્ત હોય છે, ઈત્યાદિ સામાન્ય ગુણ વર્ણન છે. તેમાં હારથી શોભતું વક્ષસ્થળ ઈત્યાદિ, આભરણ-વસ્ત્ર-પુષ્પ-વર્ણક, ફરી અતિશય બતાવવા માટે દિવ્યરૂપાદિના પ્રતિપાદન કરતા કહે છે –
દિવ્ય રૂપવાળા યાવત્ દિવ્ય દ્રવ્યલેશ્યાયુક્ત દશે દિશામાં ઉદ્યોત કરતાં તથા પ્રભાસિત કરતા દેવલોકરૂપ શુભ ગતિ વડે શીઘ્રરૂપ કે પ્રશસ્ત વિહાયોગતિરૂપ કલ્યાણકારી ગતિ અને ઉત્કૃષ્ટ કે મધ્યમ સ્થિતિવાળા હોય છે.
તથા આગામી ભવે ભદ્રક, શોભન મનુષ્યભવરૂપ સંપદા પામીને તથા સદ્ધર્મ પામીને મોક્ષે જનારા થાય છે. આ સ્થાન આર્ય, એકાંતે સમ્યગ્ રૂપ-સુસાધુ છે એ રીતે બીજા ધર્મપક્ષ સ્થાનને કહ્યો.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati