Pramāṇa · Search · About · API

Suyagada 688

Sūyagaḍa: ṭīkānusārī vivecana 688

Language
Gujarati

688

વિવેચન :–૬૭૧
હવે ત્રીજા ‘મિશ્ર’ નામના સ્થાનનો વિભાગ કહે છે - અહીં જો કે મિશ્રપણાને કારણે ધર્મ-અધર્મ બંનેનો સમાવેશ છે, તો પણ ધર્મના વિશેષપણાથી ધાર્મિકપક્ષમાં તેનો સમાવેશ થાય છે. [સૂત્ર-૬૬૬ કરતા આ વ્યાખ્યા ભિન્ન જણાય છે, તે વિચારવું.] કેમ કે જેમાં ઘણાં ગુણો છે, તેમાં અલ્પ દોષ હોય તો બધાંને દૂષિત કરી શકતો નથી. જેમ ચંદ્રની ચાંદનીમાં કલંક વિઘ્ન કરતું નથી, ઘણાં પાણી મધ્યે મૃચ્છક પાણીને કલુષિત નથી કરતો તેમ અધર્મ પણ [થોડો હોય તો] ધર્મપક્ષ દુષિત ન થાય.
આ જગત્‌માં પૂર્વાદિ દિશામાં કેટલાંક શુભકર્મી મનુષ્યો છે. જેવા કે - જેમને થોડા પરિગ્રહ-આરંભમાં અંતઃકરણની પ્રવૃત્તિ છે, તેવા ધાર્મિક વૃત્તિવાળા પ્રાયઃ સુશીલ, સુવ્રતી, સુપ્રત્યાનંદી, સાધુ હોય છે. તેઓ સ્થૂળનો સંકલ્પ લઈ પ્રતિનિવૃત્ત થાય છે અને સૂક્ષ્મ આરંભ આદિથી અવિરત રહે છે. આ રીતે બધાં વ્રતો સમજી લેવા. [જેમકે - સ્થૂળ પ્રાણાતિપાત વિરમણવ્રત ઈત્યાદિ.]
આ રીતે સામાન્યથી નિવૃત્ત કહ્યા તેના વિશેષ ગુણો કહે છે - કોઈ સાવદ્ય-નરકાદિગમન હેતુરૂપ કર્મસમારંભોથી, કોઈ યંત્રપીલન, નિર્લાંછન, ખેતી આદિથી નિવૃત્ત અને ક્રય-વિક્રયથી અનિવૃત્ત હોય છે. તેને વિશેષથી દર્શાવવા કહે છે.
જેઓ વિશિષ્ટ ઉપદેશાર્થે શ્રમણોની ઉપાસના કરે છે, તે શ્રમણોપાસક છે, તેઓ શ્રમણોની ઉપાસનાથી જીવ-અજીવ સ્વભાવના જ્ઞાતા તથા પુન્ય-પાપનું સ્વરૂપ સમજનારા છે. [અહીં સૂત્રની પ્રતિમા વિવિધ સૂત્રો દેખાય છે, પૂર્વની ટીકા સાથે મળતા બધાં સૂત્રપાઠો ન હોવાથી અમે એક સૂત્રપાઠને આધારે ટીકા લખી છે - તેમ ટીકાકાર શીલાંકાચાર્યજી જણાવે છે.]
તે શ્રાવકો બંધ-મોક્ષના સ્વરૂપના જ્ઞાતા હોવાથી ધર્મથી ચલિત ન થતાં, મેરુ જેવા નિશ્ચલ અને આર્હત્‌ દર્શનમાં દૃઢ હતા. આ વિષય સહેલાઈથી સમજાય તે માટે દૃષ્ટાંત-કથા કહે છે.
રાજગૃહ નગરમાં કોઈ એક પરિવ્રાજક વિદ્યા-મંત્ર-ઔષધિથી કાર્ય સિદ્ધ કરતો હતો. તે વિદ્યાદિ બળથી શહેરમાં ફરતા જે-જે રૂપાળી સ્ત્રીને જોતો તેનું-તેનું અપહરણ કરતો. તેથી નગરજનોએ રાજાને કહ્યું - હે દેવ! રોજ નગરમાં કોઈ ચોરી કરે છે, સર્વસારભૂત સ્ત્રીને લઈ જાય છે. તે તમને ખબર નથી માટે જણાવીએ છીએ. હે દેવ! કૃપા કરીને તે ચોર અને અમારી સ્ત્રીને શોધી કાઢો. રાજાએ તેમને આશ્વાસન આપી કહ્યું, તમે જાઓ, હું અવશ્ય તે દુરાત્માને પકડી લઈશ. જો પાંચ-છ દિવસમાં ચોર નહીં મળે તો હું જીવતો બળી મરીશ. રાજાની આ પ્રતિજ્ઞા સાંભળી તેને નમીને નાગરિકો ચાલ્યા ગયા.
રાજાએ વિશેષ કોટવાળો ગોઠવ્યા અને પોતે એકલો પણ તલવાર લઈને શોધવા લાગ્યો. ચોર મળતો નથી. રાજાએ હોંશિયારીથી શોધતા પાંચમે દિવસે ભોજન, તાંબુલ, ગંધ, માળા આદિ લઈને રાત્રિના નીકળેલ તે પરિવ્રાજકને જોયો. તેની પાછળ જઈને વૃક્ષના થડના પોલાણમાં થઈને ગુફામાં પ્રવેશેલા તેને મારી નાંખ્યો, બધી સ્ત્રીઓને છોડાવી.
તેમાં એક યુવાન સ્ત્રીને તે પરિવ્રાજકે ઔષધિથી એવી પરવશ કરેલી કે તે પોતાના પતિને ઈચ્છતી ન હતી. તેના પતિએ ઉપાય પૂછતાં જાણકારોએ કહ્યું કે પરિવ્રાજકના હાડકાં દૂધ સાથે ઘસીને તે સ્ત્રીને પાઓ તો તેનો આગ્રહ આ સ્ત્રી છોડી દેશે. તેના સ્વજનોએ તેમ કર્યું. જેમ જેમ ઉપાય કરતા ગયા તેમ-તેમ તેણીનો સ્નેહ દૂર થતો ગયો. પછી પોતાના પતિમાં ફરી રાગવાળી બની. તેમ પરિવ્રાજક પરત્વે અતિ અનુરક્ત તે સ્ત્રી જેમ બીજાને ઈચ્છતી ન હતી, તેમ શ્રાવકજન પણ સારી રીતે પોતાના આત્માને જૈનશાસનમાં ભાવિત કરે તો તેને ફેરવી શકાતો નથી. કેમકે તે સમ્યક્ત્વરૂપી ઔષધથી અત્યંત વાસિત થયેલો હોય છે.
ફરી પણ તે શ્રાવકના ગુણો કહે છે - સ્ફટિક જેવા નિર્મળ અંતઃકરણવાળા એવા તથા જૈનદર્શન પામવાથી સંતુષ્ટ થયેલા મનવાળા, જેમના દ્વારો ખુલા છે તેવા તથા બધા દર્શનવાળા માટે પણ જેમણે પોતાના દરવાજા ખુલ્લા રાખેલા છે. તેવા અને અજાણ્યા ધર્મદ્વેષીઓના ઘરનો ત્યાગ કરેલા, જેમ અંતઃપુરમાં બીજું કોઈ ન પ્રવેશે તેમ શ્રાવકોના હૃદયમાં મોહ કે પાપ ન પ્રવેશે તેવા. ઉદ્યુક્ત વિહારી સાધુને નિર્દોષ, એષણીય અશનાદિ વડે તથા પીઠફલક-શય્યા-સંથારા વડે નિત્ય પ્રતિલાભતા અને ઘણાં વર્ષો સુધી શીલવ્રત, ગુણવ્રત, પૌષધ, પ્રત્યાખ્યાનાદિ કરતા રહે છે.
આવા તે પરમશ્રાવકો લાંબો કાળ અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રતને આરાધતા, સાધુને ઔષધ, વસ્ત્ર, પાત્રાદિથી દાન કરતા, યથોક્ત યથાશક્તિ સદનુષ્ઠાન કરીને રોગાદિ કારણ હોય કે ન હોય તો પણ ભક્ત-પ્રત્યાખ્યાન કરી, આલોચના-પ્રતિક્રમણ થકી સમાધિ પ્રાપ્ત કરીને મૃત્યુ અવસરે મરણ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
અહીં જીવ-અજીવાદિના જ્ઞાતા કહ્યું, તેમાં હેતુ અને હેતુવાળા બતાવ્યા છે. જેમ કે - જીવ, અજીવ જાણે તે પુણ્ય-પાપ જાણે, પુણ્ય-પાપ જાણે તે આશ્રવ-સંવર જાણે. એ રીતે આગળ આગળ - X - જાણવું. તેને કોઈ પૂછે કે ન પૂછે તે શ્રાવકો આમ કહે કે - આ જૈનદર્શન જ મોક્ષ સાધક છે, બાકી અનર્થક છે.
આ પ્રમાણે સ્વીકારીને તેમનું મન ધર્મ માટે ઉત્સાહી બને પછી સાધુધર્મ અને શ્રાવકધર્મ જાણીને - X - વિશેષથી અગિયાર પ્રતિમાને પાળતો આઠમ-ચૌદશ આદિમાં પૌષધોપવાસ પૂર્વક વિચરે. સાધુને નિર્દોષ આહાર આપે. છેવટના કાળે કાયાની સંલેખના કરી સંથારામાં શ્રમણભાવ ધારણ કરીને ભક્ત પ્રત્યાખ્યાન સ્વીકારી આયુક્ષય થતાં દેવરૂપે ઉત્પન્ન થાય. ત્યાંથી ચ્યવીને સારો મનુષ્યભવ પામીને, તે જ ભવે કે ઉત્કૃષ્ટથી સાત-આઠ ભવોમાં મોક્ષે જાય માટે આ સ્થાન કલ્યાણ પરંપરાથી સુખનું કારણ છે. આર્ય છે
એ રીતે ત્રીજું ‘મિશ્ર’ સ્થાન કહ્યું
ધાર્મિક, અધાર્મિક, તદુભયરૂપ સ્થાનો કહ્યા. હવે આ ત્રણે સ્થાનોને ઉપસંહાર દ્વારથી સંક્ષેપમાં જણાવતા કહે છે - જે અવિરતિ-અસંયમરૂપ, સમ્યક્ત્વ અભાવથી મિથ્યાદૃષ્ટિની દ્રવ્યથી વિરતિ છે તે અવિરતિ જ છે. કેમકે તેમાં સારા-માઠાનો વિવેક નથી. માટે તે કૃત્ય બાળકના જેવું છે. તથા ‘વિરતિ’-પાપથી દૂર રહેનાર પંડિત કે પરમાર્થનો જ્ઞાતા ગણાય છે અને વિરતાવિરત તે બાલપંડિત જેવો છે. તે બધું પૂર્વવત્‌ કહેવું - X -
બાલ અને પંડિત પરસ્પર વિરૂદ્ધ છે, છતાં સાથે કેમ કહ્યાં? - X - જેમનામાં સર્વથા અવિરતિના પરિણામનો અભાવ છે. આ સ્થાન સાવદ્ય-આરંભ સ્થાન આશ્રિત હોવાથી સર્વે અકાર્યો કરે છે. તેથી તે અનાર્ય સ્થાન છે યાવત્‌ - X - X - એકાંત મિથ્યારૂપ છે. તેમાં જે સમ્યક્ત્વ પૂર્વકની વિરતિ છે તે સાવદ્ય આરંભથી નિવૃત્ત અનારંભ સંયમરૂપ છે - X - તે આર્ય છે, સર્વ દુઃખના ક્ષયનો માર્ગ છે. તથા એકાંત સમ્યગ્‌ ભૂત છે. તે સાધુભૂત હોવાથી સાધુ છે. તેથી આ વિરતાવિરત નામક મિશ્ર સ્થાનવાળાને આરંભ-અનારંભરૂપ હોવાથી તેઓ પણ કથંચિત્‌ ‘આર્ય’ જ છે. પરંપરાએ સર્વ દુઃખના ક્ષયનો માર્ગ છે, તેથી એકાંત સમ્યગ્‌ભૂત અને શોભન છે.
આ પ્રમાણે - X - અધર્મપક્ષ, ધર્મપક્ષ તથા મિશ્રપક્ષ સંક્ષેપથી ત્રણે પક્ષનો આશ્રય લઈને કહ્યો. હવે આ મિશ્રપક્ષ ધર્મ અને અધર્મ બંને સાથે લેવાથી તેની મધ્યમાં વર્તે છે, તે દર્શાવે છે–

Linked texts (2)