Pramāṇa · Search · About · API

Suyagada 696

Sūyagaḍa: ṭīkānusārī vivecana 696

Language
Gujarati

696

[નિર્યુક્તિ–૧૬૯ થી ૧૭૭] ૧૬૯ થી ૧૭૭ નિર્યુક્તિનો સંયુક્ત વૃત્ત્યર્થ–
આહાર પદનો નિક્ષેપ પાંચ પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ. તેમાં નામ, સ્થાપનાને છોડીને ‘દ્રવ્ય-આહાર’ કહે છે. દ્રવ્ય આહાર-સચિત્ત. આદિ ત્રણ ભેદે છે. તેમાં સચિત્તદ્રવ્યાહાર પૃથ્વીકાયાદિ છ ભેદે છે. તેમાં સચિત્ત પૃથ્વીકાય-મીઠું વગેરે રૂપ છે, અપ્કાય તે પાણી ઈત્યાદિ. આ પ્રમાણે મિશ્ર અને અચિત્ત પણ સમજી લેવું. વિશેષ એ કે - પ્રાયઃ અચિત્ત અગ્નિકાય મનુષ્ય આહારમાં લે છે - ગરમ ભાત વગેરે રૂપે જાણવા.
ક્ષેત્ર-આહાર-જે ક્ષેત્રમાં આહાર કરાય, ઉત્પન્ન થાય કે વ્યાખ્યાન થાય તે અથવા નગરના જે દેશમાંથી ધાન્ય, ઈંધનાદિનો ઉપભોગ થાય તે. જેમ કે - મથુરાની નિકટથી ખાવાની વસ્તુ મળે તે મથુરા આહાર ઈત્યાદિ .
ભાવ-આહાર-ભૂખ લાગે ત્યારે ભક્ષ્ય આહારની વસ્તુ ખવાય તે ભાવાહાર. તેમાં પણ પ્રાયે આહારનો વિષય જીભને આધિન છે. તેથી તીખો, કડવો, કષાયેલો, ખાટો, ખારો, મીઠો એ છ રસ જાણવા. કહ્યું છે કે - રાત્રિભોજન તે તીખો યાવત્‌ મધુર ઈત્યાદિ જાણવો.
પ્રસંગે બીજું પણ લે છે - ‘ખરવિશદ’ ભક્ષ્ય છે. તેમાં પણ ગરમ ભાત યોગ્ય છે. ઠંડા નહીં. પાણી ઠંડું જ લેવાય. શીતળતા એ પાણીનો મુખ્ય ગુણ છે. દ્રવ્યને આશ્રીને ભાવ આહાર કહ્યો.
હવે આહારને આશ્રીને ભાવાહાર–
ભાવાહાર ત્રણ પ્રકારે થાય. આહારક પ્રાણી ત્રણ પ્રકારે આહાર લે છે. જેમ કે - ઓજાહાર-તૈજસ શરીર, કાર્મણ શરીર સાથે રહીને જે આહાર લે તે, તેના વિના ઔદારિકાદિ શરીર ઉત્પન્ન ન થાય. કહ્યું છે. - તૈજસ, કાર્મણશરીર વડે જીવો આહાર લે પછી જ યાવત્‌ શરીરની નિષ્પત્તિ થાય. તથા–
ઓજાહારી સર્વે જીવો અપર્યાપ્તા છે. લોમાહાર શરીર પર્યાપ્તિ થયા પછીના કાળે બાહ્ય ત્વચાની રોમરાજી વડે લેવાતો આહાર છે. મોઢા વડે ખવાય તે કવલાહાર છે. તે વેદનીયના ઉદય વડે ચાર સ્થાનો વડે આહાર સંજ્ઞા ઉદ્‌ભવે છે - કહ્યું છે - ચાર સ્થાને આહાર સંજ્ઞા ઉપજે - ડાબા કોઠાથી, ક્ષુધાવેદનીય કર્મોદયથી, મતિ [ઈચ્છા] થી અને તે વિષયના ઉપયોગથી.
આ ત્રણેનું એક જ ગાથા વડે વ્યાખ્યાન કરે છે - તૈજસ અને કાર્મણ શરીર વડે ઔદારિકાદિ શરીર થાય અને મિશ્રપણે જે આહાર લે તે ઓજાહાર છે.
કોઈ આચાર્ય કહે છે - ઔદારિકાદિ શરીર પર્યાપ્તિ વડે થયેલ પણ ઈન્દ્રિય, આનપાન, ભાષા, મનઃપર્યાપ્તિથી અપર્યાપ્તક હોય અને શરીર વડે આહાર લે તે ઓજાહાર છે. ત્યારપછી ત્વચા-સ્પર્શનેન્દ્રિય વડે જે આહાર લેવાય તે લોમાહાર છે. પ્રક્ષેપાહાર તો મુખમાં કોળીયો લેવો તે પ્રસિદ્ધ છે.
હવે આ આહાર તેના સ્વામી વિશેષથી કહે છે - પૂર્વોક્ત શરીર વડે જે ઓજાહાર લે છે, તે સર્વે અપર્યાપ્તક જીવો જાણવા અર્થાત્‌ તેની બધી પર્યાપ્તિ પૂર્ણ થઈ નથી તેમ જાણવું. બીજી ગતિમાં જાય ત્યારે પ્રથમ ઉત્પત્તિ વિગ્રહ ગતિમાં હોય કે ન હોય તો પણ ઉત્પતિ દેશે તૈજસ કાર્મણ શરીર વડે જેમ ગરમ ઘી-તેલમાં પડેલો લોટ ઘી પીએ તેમ જીવ પુદ્‌ગલોને ગ્રહણ કરે છે. તે સમયથી પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી ઓજાહાર કરે છે.
પર્યાપ્તક જીવોમાં કોઈ ઈન્દ્રિય પર્યાપ્તિથી પર્યાપ્ત કહે છે. કોઈ શરીર પર્યાપ્તિથી પર્યાપ્તક કહે છે, તેનાથી લોમાહાર લે છે. તેમાં સ્પર્શનેન્દ્રિય વડે તડકા વડે કે ઠંડા વાયુ અથવા પાણી વડે ગર્ભમાં જીવ પોષાય છે, તે લોમાહાર. પ્રક્ષેપ આહાર તો મુખેથી ખવાય ત્યારે પ્રક્ષેપાહાર, બાકીના સમયે તે ન હોય. પણ લોમાહાર તો વાયુ આદિના સ્પર્શથી સર્વદા હોય. તે લોમાહાર ચક્ષુ વડે દેખાતો નથી. તે પ્રાયઃ પ્રતિસમય વર્તી છે.
પ્રક્ષેપાહાર તો પ્રાયઃ દેખાય છે. તે નિયતકાલિક છે. જેમકે દેવકુરુ-ઉત્તરકુરુમાં અષ્ટમભક્તાદિ આહાર છે. પણ સંખ્યેય વર્ષ આયુવાળાને પ્રક્ષેપાહાર અનિયતકાલિક છે.
હવે પ્રક્ષેપ આહાર કોણ કરે તે કહે છે - ફક્ત સ્પર્શનેન્દ્રિયવાળા પૃથ્વીકાયાદિ અને દેવ, નારકોને પ્રક્ષેપાહાર નથી. તેઓ પર્યાપ્તિ પૂરી થતાં સ્પર્શનેન્દ્રિય વડે આહાર કરે છે, માટે લોમાહારા છે. તેમાં દેવો મનથી કલ્પિત શુભ પુદ્‌ગલો બધી કાયા વડે લેવાય છે. નારકોને અશુભ જ આવે છે. બાકીના ઔદારિક શરીરવાળા બેઈન્દ્રિયાદિ તિર્યંચ અને મનુષ્યોને પ્રક્ષેપાહાર છે. તેઓ સંસારમાં રહેલાને પ્રક્ષેપાહાર વિના નિભાવ ન થાય.
કવલ આહાર જીભથી થાય છે. બીજા આચાર્ય કહે છે. જીભ વડે જે સ્થૂળ શરીરમાં ખવાય તે પ્રક્ષેપાહાર છે. પણ જે નાક, આંખ, કાન વડે પ્રાપ્ત થાય તે ધાતુરૂપે પરિણમે તે ઓજાહાર છે. ફક્ત સ્પર્શેન્દ્રિય વડે લઈ ધાતુરૂપે થાય તે લોમાહાર છે.
હવે કાળ વિશેષને આશ્રીને ‘અનાહારકતા’ જણાવે છે–
વિગ્રહગતિમાં રહેલા, કેવલી સમુદ્‌ઘાત કર્તા, અયોગી, સિદ્ધો એ અણાહારક છે, બાકીના આહારક છે. તેનો કિંચિત્‌ અર્થ આ પ્રમાણે - ઉત્પત્તિકાળે વિગ્રહગતિમાં, કેવળીને લોકપૂરણકાળે સમુદ્‌ભાત અવસ્થામાં, અયોગીને શૈલેશી અવસ્થામાં અને સિદ્ધોને અણાહારકત્વ હોય છે. શેષ જીવો આહારક છે. તેમાં સમશ્રેણિમાં ભવાંતરમાં જાય તો અનાહારક નથી. જો એક સમય વક્રશ્રેણિમાં રહે તો પ્રથમ સમયે પૂર્વશરીરમાં રહીને આહાર લે, બીજા સમયે બીજા સ્થળે આહાર લે, દ્વિસમય વક્રગતિમાં ત્રણ સમયે ઉત્પત્તિ છે, તેમાં મધ્યમ સમયે અનાહારક, બીજા સમયે આહારક. ત્રણ સમય વક્રગતિમાં ચોથા સમયે ઉત્પત્તિમાં વચ્ચેના બે સમય અનાહારક.
ચતુસમય ઉત્પત્તિ કઈ રીતે? - X - પ્રથમ સમયે ત્રસ નાડીમાં પ્રવેશે, બીજા સમયે ઉપર કે નીચે ગમન, ત્રીજા સમયે બહાર નીકળે, ચોથા સમયે વિદિશામાં ઉત્પન્ન થાય. પાંચ સમય ઉત્પત્તિમાં વચ્ચેના ત્રણ સમય અનાહારક છે, આદ્યન્ત સમયે આહારક છે - X -
કેવલી સમુદ્‌ઘાતમાં પણ કાર્મણશરીરથી ત્રીજા, ચોથા, પાંચમાં સમયે અનાહારક છે, બાકીના સમયે ઔદારિક શરીર સાથે મિશ્ર છે માટે આહારક.
- X - કેવલી પોતાના આયુક્ષયે સર્વ યોગ નિરોધ કરે ત્યારે પાંચ હ્રસ્વાક્ષર બોલાય તેટલો માત્ર કાળ છે, તે અનાહારક છે. સિદ્ધ જીવો તો શૈલેશી અવસ્થાના આદિ કાળથી અનંતકાળ પર્યન્ત અનાહારક છે.
હવે સ્વામી વિશેષ આશ્રયી વધુ ખુલાસો કરે છે - કેવલી સિવાયના સંસારી જીવો વિગ્રહગતિમાં એક કે બે સમય અનાહારક હોય છે. ઈત્યાદિ - X - તત્ત્વાર્થ સૂત્રકારે અધ્યાય-૨ સૂત્ર-૩૧-માં વિકલ્પે ત્રણ સમય અનાહારક કહ્યા છે. આનુપૂર્વીનો ઉદય પણ ઉત્કૃષ્ટથી વિગ્રહગતિમાં ચાર સમય કહ્યો છે. તે પાંચ સમયની ઉત્પત્તિમાં જ થાય. ભવસ્થ કેવળીને સમુદ્‌ઘાત વખતે - X - ત્રિસમય અનાહારક કહ્યા. સિદ્ધને આશ્રીને અનાહારકત્વ-તેઓ શૈલેશી અવસ્થાથી આરંભીને સંપૂર્ણ સિદ્ધકાળ પર્યન્ત અનાહારક હોવાથી સાદિ અનંતકાળ અનાહારક કહ્યા.
[અહીં કેવલી-આહાર સંબંધી શંકા-સમાધાન વૃત્તિકારે નોંધેલ છે, અમે તેનો સંક્ષેપ રજૂ કરેલ છે, વિશેષ જાણવા તત્ત્વાર્થ ટીકા જોઈ શકાય.]
શંકા-કેવળીને ઘાતીકર્મ ક્ષય થવાથી અનંતવીર્યત્વથી કવળ આહાર ન હોય કેમકે આહાર લેવા માટેના વેદનાદિ એકે કારણ તેમને ન હોય, જેમ કે તેમને વેદનીયકર્મની પીડા નથી, વૈયાવચ્ચ કરવાની નથી, કેવળી હોવાથી ઈર્યાપથ દોષ નથી, સંયમ યથાખ્યાત ચારિત્રવાળું છે, આયુક્ષયનો ભય નથી, ધર્મચિંતા કરવાની નથી પછી કવલાહારની જરૂર શી?
સમાધાન-તમે આગમ જાણતા નથી, તત્ત્વ વિચાર્યું નથી. આહારનું નિમિત્ત વેદનીય કર્મ તેમને છે જ, શું તેમનું શરીર બદલાઈ જાય છે? કેવલી આહાર કરે કેમકે - પર્યાપ્તપણું છે, વેદનીય ઉદય છે, આહાર પચાવવા માટે તૈજસ શરીર છે, આયુષ્ય છે - X - ઘાતિકર્મ ક્ષયથી જ્ઞાન થાય છે તે સાચું પણ તે જ્ઞાન વેદનીયથી ઉત્પન્ન ભૂખને કઈ રીતે રોકે? કે જેથી ભૂખ ન લાગે. વળી, અનંતવીર્ય હોવા છતાં ક્ષુધા વેદનીયથી ઉત્પન્ન પીડા તો રહે જ છે.
આહાર લેવાથી કંઈ બગડતું નથી! આ આહાર આસક્તિથી નહીં, પણ આત્મશક્તિના આવિષ્કરણ માટે છે. કેવલીને સાતા ઉદય માફક અસાતા ઉદયનું નિવારણ પણ નથી, તે તો અંતર્મુહૂર્ત્તે બદલાતી રહે છે. વળી તીર્થંકરને નામકર્મ બાંધેલ દેવને છ માસ સુધી અત્યંત સાતા વેદનીયનો ઉદય છે, તે જેમ બાધાને માટે નથી તેમ કેવલીને ખાવાનું પણ નિવારણ થાય તેમ નથી. વળી ભૂખ લાગવી તે મોહનીય કર્મનો વિપાક નથી, પણ ભૂખના વિપાકના પ્રતિપક્ષની નિવૃત્તિ છે. - X - X - X - X - X –
ક્ષુધા વેદનીય તો રોગ, ઠંડી, તાપની માફક જીવ પુદ્‌ગલ વિપાકીપણાથી વાસના દૂર કરવા માત્રથી ભૂખ દૂર ન થાય. કેમકે ભૂખ મોહસંબંધી વિપાક નથી. ‘જગત્‌ ઉપકારી તીર્થંકરને અનંતવીર્ય હોવાથી તૃષ્ણારહિત થયા પછી ખાવાની શું જરૂર છે?’ એવો પ્રશ્ન જ નિરર્થક છે. છદ્મસ્થ અવસ્થામાં પણ તીર્થંકર વિશિષ્ટ વીર્યવાન્‌ જ હોય છતાં ખાય જ છે ને? તે આહાર દીર્ઘકાળનું આયુ છે માટે શરીરના રક્ષણાર્થે જ લેવાનો છે.
આ ઉપરાંત કેવલીને વેદનીયકર્મના ઉદયમાં અગિયાર પરીષહો તો હોય જ છે. બાકીના અગિયાર જ્ઞાનાવરણીય આદિ જનિત જ દૂર થયા છે. તે મુજબ કેવલીને આહાર લેવાનું સિદ્ધ થાય છે.
આ પરીષહોમાં ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસ મચ્છર, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન એ બાવીશ પરીષહો મુમુક્ષુએ સહન કરવાના છે.
તેમાં જ્ઞાનાવરણથી ઉત્પન્ન તે પ્રજ્ઞા, અજ્ઞાન છે. દર્શન મોહનીયથી દર્શન છે, અંતરાયથી અલાભ પરીષહ છે. ચારિત્ર મોહનીયથી નગ્નતા, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર પુરસ્કાર છે. આ અગિયાર પરીષહો કેવળીને ન હોય કેમકે તેના કારણભૂત કર્મોનો ક્ષય થયો છે. કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિ ન હોય.
પણ બાકીના ૧૧-પરીષહો વેદનીયકર્મ હોવાથી વિદ્યમાન છે. તે આ પ્રમાણે - ભૂખ, તરસ, ઠંડી, તાપ, ડાંસમચ્છર, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ. આ અગિયાર કેવલીને પણ વિદ્યમાન છે તેથી કેવલીને ભૂખ સંભવે છે.
માત્ર અનંતવીર્યપણાથી તેઓ આકુળવ્યાકુળ ન થાય. વળી આ નિષ્ઠિતાર્થા નિષ્પ્રયોજન જ પીડા સહેતા નથી. તેમજ ‘કેવળી હોવાથી તેમને ભૂખથી પીડા બાધા ન કરે’ એમ બોલવું પણ યોગ્ય નથી. - X - X –
જેમ કેવલજ્ઞાન ઉત્પત્તિ પૂર્વે ખાવાનું સ્વીકાર્યું છે, તેમ કેવળજ્ઞાન થયા પછી પણ તે જ ઔદારિક શરીર આહારાદિ વડે પોષવા યોગ્ય છે. પહેલા તીર્થંકરની અપેક્ષાએ દેશ ઉણ પૂર્વકોટિકાળ કેવળીની સ્થિતિ કહી છે. તો તેવાને સંભવિત આયુકાળમાં ઔદારિક શરીરના નિભાવ માટે પ્રક્ષેપાહાર પણ હોવો જોઈએ. કહે છે કે –
તૈજસ શરીર વડે મૃદુ કરેલ લેવા યોગ્ય દ્રવ્યને સ્વપર્યાપ્તિ વડે પરિણમાવેલાને પરિણામના ક્રમ વડે ઔદારિક શરીરનું બંધારણ થાય છે, તે નિભાવવા વેદનીય કર્મોદયથી ભૂખ લાગે છે. આ બધી સામગ્રી કેવલીમાં સંભવે છે. તો પછી તે કેમ આહાર ન લે? - X - વળી ઘાતીકર્મ સાથે ભૂખને સંબંધ નથી. - X - X -
આ રીતે સંસારમાં રહેલા જીવો વિગ્રહગતિમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય, ભવસ્થ કેવલી સમુદ્‌ઘાતમાં ત્રણ સમય અને શૈલેશી અવસ્થામાં અંતર્મુહૂર્ત અનાહારક હોય છે. સિદ્ધના જીવો સાદિ અનંતકાળ અનાહારક છે. હવે પ્રથમ આહાર કયા શરીર વડે કરે છે, તે કહે છે –
તેજ કે તેજમાં થયેલ તે તૈજસ અને કાર્મણ શરીરથી આહાર કરે છે. આ તૈજસ-કાર્મણ શરીર સંસારભ્રમણ પર્યન્ત જીવને કાયમ રહે છે. આ બે શરીરો વડે બીજી ગતિમાં જતા જીવો પ્રથમ આહાર કરે છે. પછી ઔદારિક મિશ્ર કે વૈક્રિયમિશ્ર જે શરીર રચાય તેના વડે આહાર કરે છે. પછી ઔદારિક કે વૈક્રિય શરીર વડે આહાર કરે છે.

Linked texts (1)