Pramāṇa · Search · About · API

Suyagada 72

Sūyagaḍa: ṭīkānusārī vivecana 72

Language
Gujarati

72

વિવેચન :– ૨૮
અહીં અનંતર-પરંપર સૂત્રસંબંધ કહે છે. અનંતર સૂત્રસંબંધ આ પ્રમાણે – જેમ પાંચ ભૂત સ્કંધ આદિ વાદી મિથ્યાત્વથી હણાયેલ અંતર આત્માવાળા, અસદ્‌ આગ્રહમાં લીન, પરમાર્થ બોધરહિત થઈ વ્યાધિ, મૃત્યુ, જરાથી આકુળ સંસાર ચક્રવાલમાં ઊંચ-નીચ સ્થાનમાં જઈને અનંતવાર ગર્ભમાં જાય છે.
તે જ પ્રમાણે અહીં પણ નિયતિવાદી અજ્ઞાની તથા જ્ઞાન ચતુર્વિધ કર્મ અપચયવાદીઓને પણ તે જ પ્રમાણે સંસાર ચક્રવાલનું ભ્રમણ તથા ગર્ભમાં જવાનું બતાવે છે.
પરંપર સૂત્રમાં તો બોધ પામે ઈત્યાદિ છે, તેની સાથે સંબંધ છે.
અહીં પણ એમ સમજવું કે નિયતિવાદીએ જે કહ્યું, તેને હે શિષ્યો! તમે સમજો. આ પ્રમાણે વચ્ચેના સૂત્રોમાં પણ સંબંધ જોડવો.
હવે તે પ્રમાણે પૂર્વ અને પછીના સૂત્ર જે સંબંધે જોડાયેલા છે, તેનો અર્થ કહે છે – પુનઃ શબ્દ પૂર્વવાદીઓથી આ વાદીનું વિશેષપણું સૂચવે છે. કેટલાંક નિયતિવાદી કહે છે કે – અવિવક્ષિત કર્મવાળા પણ અકર્મક થાય છે - X - ‘ખ્યાત’ શબ્દનો અર્થ યુક્તિથી ઉત્પન્ન કર્યો છે. તેના વડે પંચભૂત અને તે જીવ-તે શરીરવાદી મત દૂર કર્યો. યુક્તિ પૂર્વે પણ બતાવી છે અને હવે પછી પણ બતાવીશું કે - જુદા જુદા નારકાદિ ભવોના શરીરોમાં જીવોને ઉત્પન્ન થવાનું યુક્તિથી ઘટે છે. આમ કહી આત્માને અદ્વૈત માનનારનું પણ ખંડન કર્યું.
પૃથક્‌ ઉત્પન્ન તે કોણ છે? સુખ-દુઃખ ભોગી પ્રાણીઓ. આમ કહી પંચસ્કંધ સિવાયના જીવનો અભાવ પ્રતિપાદક બૌદ્ધમતનો અપક્ષેપ કર્યો જણાય છે. તથા તે જીવો પોત-પોતાના શરીરમાં પૃથક્‌ રહીને સુખ-દુઃખને વેદે છે, એ વાતને અમે ગોપવી શકતા નથી. આ કથનથી અકતૃવાદીમતનું ખંડન કર્યું. કેમકે અકર્તા અવિકારી આત્મામાં સુખ-દુઃખ અનુભવ થતો નથી. તેને અમે ઉડાવતા નથી.
‘લુપ્પંતિ’ આયુ પૂર્ણ થતાં એક સ્થાનથી બીજે સ્થાને જાય છે, ત્યાં નવો જન્મ લે છે, અમે તેનો નિષેધ કરતા નથી. આ પ્રમાણે પંચભૂત અસ્તિત્વ આદિ વાદી મતનું ખંડન કરીને હવે તે નિયતિવાદીઓ શું માને છે? તે હવેના બે શ્લોકમાં કહે છે–

Linked texts (2)