Pramāṇa · Search · About · API

Suyagada 734

Sūyagaḍa: ṭīkānusārī vivecana 734

Language
Gujarati

734

‘સૂત્રકૃત’ સૂત્ર-૭૦૩ :– [૨/૪/–/૭૦૩]
આચાર્ય કહે છે - અહીં ભગવંતે બે દૃષ્ટાંતો કહ્યા છે. સંજ્ઞી દૃષ્ટાંત અને અસંજ્ઞી દૃષ્ટાંત.
સંજ્ઞી દૃષ્ટાંત આ પ્રમાણે - જે આ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક જીવ છે, કોઈ પુરૂષ તેમાંથી-પૃથ્વીકાયથી ત્રસકાર્ય પર્યન્તના છ જીવનિકાયમાંથી પૃથ્વીકાય દ્વારા પોતાનું કાર્ય કરે છે કે કરાવે છે, ત્યારે તેને એમ થાય છે કે હું પૃથ્વીકાયથી કાર્ય કરું છું અને કરાવું છું. તેને ત્યારે એમ થતું નથી કે તે આ કે તે પૃથ્વીકાયથી કાર્ય કરે - કરાવે છે. તેથી તે પુરૂષ પૃથ્વીકાયનો અસંયત-અવિરત-અપ્રતિહત પ્રત્યાખ્યાન પાપકર્મા થાય છે. આ પ્રમાણે ત્રસકાય પર્યન્ત કહેવું જોઈએ.
જો કોઈ પુરૂષ છ કાયના જીવોથી કાર્ય કરે છે - કરાવે છે, તેને એમ થાય છે કે હું છ જીવનિકાયથી કાર્ય કરું - કરાવું છું, પણ તેને એમ નથી થતું કે આ કે તે જીવોથી કાર્ય કરે - કરાવે છે. કેમકે તે છ એ જીવનિકાયથી કાર્ય કરે - કરાવે છે. તેથી તે છ જીવનિકાયનો અસંયત, અવિરત, અપ્રતિહત પચ્ચક્ખાય પાપકર્મા છે અને પ્રાણાતિપાત યાવત્‌ મિથ્યાદર્શનશલ્ય પાપોને સેવે છે.
આ રીતે ભગવંતે અસંયત, અવિરત, પાપકર્મોનો નાશ અને પ્રત્યાખ્યાન ન કરનાર કહ્યો. સ્વપ્ને પણ ન જાણતો પાપકર્મો કરે છે. - સંજ્ઞીદૃષ્ટાંત.
હવે અસંજ્ઞીનું દૃષ્ટાંત કહે છે - પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિક અને ત્રસસંજ્ઞક અમનસ્ક જીવ છે તે અસંજ્ઞી છે. તેઓમાં તર્ક-સંજ્ઞા-પ્રજ્ઞા-મન કે વાણી કંઈ નથી. તેઓ સ્વયં કરતા નથી, બીજા પાસે કંઈ કરાવતા નથી કે કરનારને અનુમોદતા નથી. તો પણ તે અજ્ઞાની સર્વ જીવો યાવત્‌ સર્વે સત્વોના દિન-રાત, સુતા-જાગતા શત્રુ બની રહે છે, મિથ્યાત્વ સ્થિત રહે છે. નિત્ય પ્રશઠ-વ્યતિપાત ચિત્તદંડ થઈ પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન શલ્યના પાપોમાં પ્રવૃત્ત રહે છે.
આ રીતે તેમને મન નથી, વચન નથી તો પણ તે સર્વે પ્રાણી યાવત્‌ સત્વોને દુઃખ-શોક-વિલાપ-પિટ્ટણ અને પરિતાપ આપીને તેઓ દુઃખ-શોક યાવત્‌ પરિતાપ, વધ, બંધન, પરિક્લેશથી અવિરત હોય છે.
આ કારણથી તેઓ અસંજ્ઞી હોવા છતાં રાત-દિન પ્રાણાતિપાત યાવત્‌ પરિગ્રહ તેમજ મિથ્યાદર્શન સુધીના પાપોમાં રત રહે છે.
સર્વે યોનિઓના પ્રાણી સંજ્ઞી થઈને અસંજ્ઞી અને અસંજ્ઞી થઈને સંજ્ઞી થાય છે. તે સંજ્ઞી કે અસંજ્ઞી બનીને અહીં પાપકર્મોને પોતાનાથી અલગ ન કરીને, ન ખંખેરીને, ન છેદીને, તેનો પશ્ચાત્તાપ ન કરીને તે અસંજ્ઞી કાયથી સંજ્ઞીકાયમાં કે સંજ્ઞીકાયથી અસંજ્ઞીકાયમાં કે સંજ્ઞીકાયથી સંજ્ઞીકાયમાં કે અસંજ્ઞીકાયથી અસંજ્ઞીકાયમાં સંક્રમે છે.
જે આ સંજ્ઞી કે અસંજ્ઞી છે તે બધાં મિથ્યાચારી, સદૈવ શઠતાપૂર્વક હિંસાત્મક ચિત્તવાળા થઈને પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય સુધીના પાપોનું સેવન કરે છે.
આ કારણથી ભગવંતે તેમને અસંયત, અવિરત, અપ્રત્યાખ્યાત પાપકર્મી, સક્રિય, અસંવૃત્ત, એકાંત દંડવાળા, એકાંત બાળ, એકાંત સુપ્ત કહ્યા છે. તે અજ્ઞાની જીવ ભલે મન-વચન-કાયાનો પ્રયોગ વિચારપૂર્વક કરતા નથી તથા [હિંસાનું] સ્વપ્ન પણ જોતા નથી, તો પણ પાપકર્મ કરે છે.

Linked texts (1)