Pramāṇa · Search · About · API

Suyagada 74

Sūyagaḍa: ṭīkānusārī vivecana 74

Language
Gujarati

74

વિવેચન :– ૨૯, ૩૦
તે પ્રાણી જે સુખ-દુઃખને અનુભવે છે કે સ્થાનભ્રમણ કરે છે, તે આત્માએ પોતે કરેલું દુઃખ નથી, કારણમાં કાર્યના ઉપચારથી દુઃખ કારણને કહ્યું છે, તેના ઉપલક્ષણથી સુખાદિ પણ લેવું. તેથી કહે છે કે – જે આ સુખ-દુઃખ અનુભવ છે તે પુરૂષકાર કારણજન્ય નથી. તથા કાળ, ઈશ્વર, સ્વભાવ, કર્માદિ વડે પણ ક્યાંથી હોય?
જો એમ માનીએ કે પુરૂષે કરેલ સુખ-દુઃખ તે અનુભવે તો સેવક, વણિક, ખેડૂત આદિના સમાન પુરૂષાકાર છતાં ફળપ્રાપ્તિમાં જુદાપણું છે તથા કોઈકને ફળ મળતું પણ નથી. વળી કોઈકને સેવાદિ વ્યાપારના અભાવે પણ વિશિષ્ટ ફળપ્રાપ્તિ દેખાય છે. તેથી પુરૂષ ઉદ્યમથી કંઈ સિદ્ધ થતું નથી. તો શેનાથી મળે છે? નિયતિથી જ મળે.
કાળ પણ કર્તા નથી. કેમકે તેના એકરૂપત્વથી જગતમાં ફળનું વૈચિત્ર્ય ન થાય. કારણભેદે જ કાર્યભેદ થાય, અભેદમાં ન થાય. તથા ઈશ્વર કર્તામાં પણ સુખ-દુઃખ ન થાય. કેમકે ઈશ્વર મૂર્ત છે કે અમૂર્ત? જો મૂર્ત હોય તો સામાન્ય પુરૂષ માફક સર્વકર્તૃત્વ અભાવ હોય, જો તે અમૂર્ત હોય તો આકાશ માફક તેનું અક્રિયપણું છે. વળી તે રાગાદિવાળો હોય તો આપણાથી જુદો નથી, તેથી વિશ્વકર્તા નથી, જો વીતરાગ હોય તો તેણે કરેલ - X - જગતનું વૈચિત્ર્ય યુક્તિયુક્ત નથી.
સ્વભાવ પણ સુખ-દુઃખનું કારણ નથી, કેમકે આ સ્વભાવ પુરૂષથી ભિન્ન છે કે અભિન્ન? જો ભિન્ન છે તો પુરૂષાશ્રિત સુખ-દુઃખ કરવા સમર્થ નથી, કેમકે તેનાથી જુદો છે. જો અભિન્ન છે, તો સ્વભાવ તે જ પુરૂષ છે. તેનું અકર્તાપણું પૂર્વે કહ્યું છે.
વળી કર્મનું પણ સુખ-દુઃખમાં કર્તાપણું ઘટતું નથી. કેમકે કર્મ પુરૂષથી ભિન્ન છે કે અભિન્ન? જો અભિન્ન માનો તો પુરૂષ તે જ કર્મ થતા ઉક્ત દોષ લાગે. જો ભિન્ન માનો તો કર્મ સચેતન કે અચેતન? જો સચેતન માનો તો એક કાયમાં બે ચૈતન્ય થાય, જો અચેતન માનો તો તેમાં - X - સુખ-દુઃખની ઉત્પત્તિ કેમ થાય?
આ બધા તર્કોનું જૈનાચાર્ય આગળ ખંડન કરશે.
તે જ પ્રમાણે મોક્ષસંબંધી સુખ કે અસાતા ઉદયથી સાંસારિક દુઃખ અથવા આ સુખ-દુઃખ બંને જેમકે સ્ત્રીવિલાસમાં સુખ અને માર આદિમાં દુઃખ - X - X - ઈત્યાદિ સુખ-દુઃખ–
આ બંને સ્વયં પુરૂષે કર્યા નથી કે કોઈ કાળ આદિએ કર્યા નથી કે તેને ભોગવે. તો શાથી ભોગવે? નિયતિવાદી પોતાનો અભિપ્રાય કહે છે કે – પ્રાણીઓ સમ્યક્‌ સ્વ-પરિણામ ગતિ અર્થાત્‌ સંગતિ એટલે કે નિયતિથી જ ભોગવે છે. તેથી તે સાંગતિક કહેવાય. - X - X - આ નિયતિ વાદીનો મત છે. તેઓ કહે છે કે – જે અર્થ નિયતિના બળથી પ્રાપ્ત કરવા યોગ્ય છે તે મનુષ્યને અવશ્ય શુભ કે અશુભ થાય. ભૂતોના કરેલા મોટા પ્રયત્નથી અભાવ્ય થતું નથી કે ભાવિનો નાશ થતો નથી.
ઉપરોક્ત નિયતિવાદીના મતનો ઉત્તર જૈનાચાર્ય આપે છે–

Linked texts (2)