Pramāṇa · Search · About · API

Suyagada 776

Sūyagaḍa: ṭīkānusārī vivecana 776

Language
Gujarati

776

વિવેચન :–૭૩૮ થી ૭૪૦ પૂર્વાર્દ્ધ
[૭૩૮] ગોશાલકનો આર્દ્રક સાથે થયેલ વાદ, આ અધ્યયનમાં કહે છે - તે પ્રત્યેક બુદ્ધ આર્દ્રમુનિને ભગવંત પાસે આવતા જોઈને ગોશાળો બોલ્યો - હે આર્દ્રક! તું સાંભળ, તારા આ તીર્થંકરે પહેલાં શું કર્યુ? તેઓ એકાંતજનરહિત પ્રદેશમાં વિચરતા એકાંતચારી હતા તથા શ્રમ પામે તે શ્રમણતપ, ચરણમાં ઉદ્યુક્ત હતા. હવે તે ઉગ્ર તપ-ચારિત્રથી હારીને, મને છોડીને દેવાદિ મધ્યે જઈને ધર્મ કહે છે. તથા ઘણાં શિષ્યોથી પરિવરીને તારા જેવા ભોળા જીવોને હવે જુદી-જુદી રીતે વિસ્તારથી ધર્મ કહે છે.
[૭૩૯] ગોશાળો ફરી કહે છે - તારા ગુરુએ ઘણાં લોકો વચ્ચે ધર્મદેશના આરંભી છે, તે આજીવિકા માટે સ્થાપી છે, એકલા હોવાથી લોકો વડે પરાભવ થાય એમ માનીને તેણે મોટો પરિવાર બનાવ્યો છે. કહે છે - છત્ર, શિષ્ય, પાત્ર, વસ્ત્ર, લાઠી આદિ વેશ અને પરિવાર વિના કોઈ ભિક્ષા પણ ન આપે. આ બધો દંભ મહાવીરે આજીવિકા માટે કર્યો છે. તે અસ્થિર છે, પહેલાં મારા સાથે એકલો અંતઃપ્રાંત અશન વડે, શૂન્ય ગૃહાદિમાં આજીવિકા કરતો હતો. તેવું કઠિન અનુષ્ઠાન યાવજ્જીવ કરવા અશક્ત થયો, તેથી મને છોડી ઘણાં શિષ્યોનો આડંબર કરી વિચરે છે. તેણે પૂર્વચર્યા ત્યાગીને હવે આ ઢીલો માર્ગ લીધો છે. દેવ-મનુષ્યની સભામાં બેસે છે.
ઘણાં સાધુની વચ્ચે બેસે છે. ઘણાં લોકોના હિતને માટે ઉપદેશ દે છે. પહેલાના તેના કૃત્ય સાથે આનો મેળ નથી. તે હાલ ત્રણ વૃત્ત પ્રાકારના સિંહાસન, અશોકવૃક્ષ, ભામંડલ, ચામરાદિ ભોગવે છે. જો તે મોક્ષનું અંગ હોય તો પૂર્વે એકલા ફરી કષ્ટ ભોગવ્યું તે ક્લેશને માટે જ થયું જો તે પરમાર્થરૂપ કર્મનિર્જરા હેતુક હતી તો વર્તમાન અવસ્થા બીજાને ઠગવા દંભરૂપ છે. પહેલાં મૌનવ્રતી હતો હવે ઉપદેશ દે છે. તે કેવું?
[૭૪૦ પૂર્વાર્દ્ધ] વળી, જે પૂર્વે આચર્યુ, તે એકાંતચારી શોભન હતું, તો તે નિરપેક્ષપણે કરવું જોઈએ. જો હાલ મહાપરિવારવૃત્ત સારું માને છે, તો પૂર્વે જ આચર્યુ હોત. આ બંને આચરણ છાયા-આતપ માફક અત્યંત વિરોધી છે, તે સાથે ન રહે. જો મૌનમાં ધર્મ છે, તો આ મોટી દેશના શા માટે? જો આ ધર્મ છે, તો પૂર્વે મૌન કેમ રાખ્યું? તે પૂર્વાપરમાં વિરોધ છે.
હવે આર્દ્રકમુનિ ગોશાળાને ઉત્તર આપે છે.
‘સૂત્રકૃત’ સૂત્ર-૭૪૦ ઉત્તરાર્દ્ધથી થી ૭૪૩ :– [૨/૬/–/૭૪૦ ઉત્તરાર્દ્ધથી ૭૪૩]
[હે ગોશાલક! ભગવંત મહાવીર] પૂર્વે, હાલ કે ભાવિમાં હંમેશાં એકાંતને જ અનુભવે છે...
લોકને જાણીને ત્રસ-સ્થાવરોને કલ્યાણકારી એવા શ્રમણ-માહણ ભગવંત હજારો લોકો વચ્ચે ધર્મ કહેતા પણ એકાંતને જ સાધે છે. કેમ કે તેમની ચિત્તવૃત્તિ જ એવી છે...
ધર્મ કહેતા પણ તેમને દોષ નથી. કેમકે તેઓ ક્ષાંત, દાંત, જિતેન્દ્રિય, ભાષાના દોષોને વર્જનાર છે, તેથી ભગવંતને ભાષાનું સેવન ગુણ જ છે...
કર્મથી દૂર રહેનાર ભગવંતે શ્રમણો માટે પાંચ મહાવ્રતો, શ્રાવક માટે પાંચ અણુવ્રતો, પાંચ આશ્રવ અને સંવર તથા વિરતિની શિક્ષા પામે છે. ‘તિબેમિ’.

Linked texts (2)