Suyagada 810
Sūyagaḍa: ṭīkānusārī vivecana 810
- Language
- Gujarati
810
વિવેચન :– ૭૯૭ થી ૭૯૯
[૭૯૭] હે આયુષ્યમાન્ ગૌતમ! કુમારપુત્રો નામક નિર્ગ્રન્થો આપનું પ્રવચન બોલે છે. તે આ પ્રમાણે - ગૃહપતિ શ્રમણોપાસક નિયમ લેવાને માટે તત્પર થઈને આવ્યો. તેને પચ્ચક્ખાણ કરાવ્યું. તે આ રીતે - સ્થૂલ પ્રાણી જેનાથી દંડાય તે દંડ - પ્રાણીને પીડવા, તેને તજીને પ્રાણાતિપાતની નિવૃત્તિ કરે છે. તેમાં પણ આ અપવાદ છે - પોતાની બુદ્ધિથી ન મારું, રાજાદિના અભિયોગથી જે જીવહિંસા થાય તેનાથી નિવૃત્ત થતો નથી. તેમાં સ્થૂલ પ્રાણી વિશેષણથી તેમને અનુમતિ પ્રત્યય દોષ લાગે, એવી આશંકા થકી કહે છે - તેનો અર્થ આગળ બતાવીશું.
[૭૯૮] જે અભિપ્રાયથી ઉદકને સમજાવ્યા તેને હવે જણાવે છે–
આ રીતે ત્રસપ્રાણી વિશેષણત્વથી અને ત્રસભૂત વિશેષણ રહિતપણે પ્રત્યાખ્યાન ગ્રહણ કરતાં શ્રાવકોને દુષ્પ્રત્યાખ્યાન થાય છે. પ્રત્યાખ્યાન ભંગ થવા સંભવ છે. આ રીતે પ્રત્યાખ્યાન કરાવતા સાધુને દુષ્ટ પ્રત્યાખ્યાન દાન [નો દોષ] લાગે છે - કેમ? તે કહે છે - આ રીતે તે શ્રાવકોને પ્રત્યાખ્યાન કરતા અને સાધુઓને કરાવતા પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. તે પ્રતિજ્ઞા ભંગનું કારણ કહે છે–
જેમને સંસાર વિદ્યમાન છે તે સાંસારિક. પ્રાણી-સ્થાવર જંતુઓ, તે પૃથ્વી-પાણી-તેઉ-વાયુ-વનસ્પતિ છે, તેઓ તથાવિધ કર્મોદયથી બેઈન્દ્રિયાદિ ત્રસભાવે ઉપજે છે. તથા ત્રસ પણ સ્થાવર થાય છે. એ રીતે પરસ્પર ગમન હોવાથી અવશ્ય પ્રતિજ્ઞા ભંગ થાય છે. જેમ કોઈ નગરમાં રહેનારો મારે ન હણવો તેવી પ્રતિજ્ઞા કરે, આવી પ્રતિજ્ઞા કરનાર બહાર બગીચા આદિમાં રહેલ નગરજનને મારે, તો તેને પ્રતિજ્ઞા ભંગનો દોષ લાગે કે નહીં? તેમ અહીં પણ જેણે ત્રસ વધ નિવૃત્તિ કરી છે, તે જો તે જ ત્રસ પ્રાણીને સ્થાવરકાયમાં ગયેલો હોય અને મારે તો તેને પ્રતિજ્ઞાભંગ કેમ ન થાય? અર્થાત્ થાય જ.
આ પ્રમાણે ત્રસસ્થાવર કાયમાં ઉત્પન્ન ત્રસ જીવોનું જો અસાધારણ ચિન્હ હોય તો તે ત્રસ જીવોને સ્થાવરપણે ઉત્પન્ન થાય તો બચાવવા શક્ય છે, પણ તેવું ચિન્હ નથી, તે દર્શાવવા કહે છે - સ્થાવરકાયથી અનેક પ્રકારે સ્થાવરકાયના આયુષ્ય વડે, તેને યોગ્ય બીજા કર્મો વડે ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે. તથા ત્રસકાયમાંથી પણ તેવા કર્મ વડે સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પન્ન થયેલાને તેવા ત્રસભૂત લિંગના અભાવથી પ્રતિજ્ઞા લોપ થાય, તે આ સૂત્ર વડે દર્શાવે છે–
તે ત્રસ જીવો સ્થાવરકાયમાં ઉત્પન્ન થતાં, જેમણે ત્રસકાયને ન મારવાની પ્રતિજ્ઞા લીધી છે, તે શ્રાવકને પણ આરંભમાં પ્રવર્તતા એ સ્થાવર જીવો હણવાં પડે, કારણ કે સ્થાવર હત્યાથી અનિવૃત્ત છે. આમ વ્યવસ્થાથી નાગરિકના દૃષ્ટાંતથી ત્રસ જીવ જ સ્થાવરત્વ પામતાં તેની હત્યાથી પ્રતિજ્ઞાનો અવશ્ય ભંગ થયો. તેથી મારી યુક્તિ મુજબ પ્રત્યાખ્યાન કરતાં સુપ્રત્યાખ્યાન થાય છે. કરાવનાર પણ સુપ્રત્યાખ્યાપિત થાય છે. એ રીતે તે પ્રતિજ્ઞા ભંગ કરતો નથી, તે દર્શાવે છે–
તે ગૃહપતિ આ રીતે પ્રત્યાખ્યાન કરે - વર્તમાનકાળે ત્રસપણે ઉત્પન્ન તે પ્રાણી હિંસાને હું તજીશ એમ પ્રત્યાખ્યાન કરે. એ રીતે ‘ત્રસ’ સાથે ભૂતત્વ વિશેષણથી સ્થાવર પર્યાય પામેલાનો વધ થતાં પ્રતિજ્ઞાનો ભંગ નહીં થાય. તથા રાજાદિ અભિયોગ સિવાય આ પ્રત્યાખ્યાન કરે. વળી ‘ગૃહપતિ ચોર વિમોક્ષણ’ ન્યાય આપે સારો કહ્યો. તેમાં પણ ત્રસભૂતત્વ એવું ભૂત વિશેષણ લગાવવું. આમ સ્વીકારવાથી જેમ દૂધ વિગઈના પ્રત્યાખ્યાનીને દહીંભક્ષણમાં પ્રતિજ્ઞા ભંગ ન થાય, તેમ ત્રસભૂત જીવોને ન હણવાના પ્રતિજ્ઞાવંતને સ્થાવર હિંસાથી અતિચાર ન લાગે. આવી પ્રત્યાખ્યાન ભાષામાં ભૂત વિશેષણથી દોષ પરિહાર સામર્થ્ય છે.
આ રીતે પૂર્વોક્ત નીતિથી દોષ પરિહારણ ઉપાયથી જે કોઈ ક્રોધ કે લોભથી શ્રાવકાદિને વિશેષ ભાંગા વિના જેમ તેમ વ્રત ઉચ્ચરાવે છે, તેને પ્રત્યાખ્યાન આપતાં મૃષાવાદ લાગે છે અને લેનારને પણ અવશ્ય વ્રતભંગ થાય છે. પણ અમારા ઉપદેશને સ્વીકારતા-ભૂતત્વ વિશેષણ વિશિષ્ટ પક્ષ આપને ન્યાયયુક્ત લાગે છે કે નહીં? અર્થાત્ ભૂતત્વ વિશેષણથી જ ત્રસોને સ્થાવરમાં ઉત્પન્ન થયા પછી હણે તો પ્રતિજ્ઞા-અતિચાર ન લાગે.
હે આયુષ્યમાન્! તમને પણ રૂચે છે કે નહીં?
[૭૯૯] ઉદકની વાત સાંભળી ગૌતમે સ-વાદ, સ-વાચ તે ઉદકને આમ કહ્યું-હે આયુષ્યમાન્ ઉદક! તમે જે કહ્યું તે મને રૂચેલ નથી. એવું કહે છે કે - આ ત્રસકાય વિરતિમાં ભૂત વિશેષણ કરવું તે નિરર્થક છે, તેથી અમને રુચતું નથી. એ રીતે ઓ ઉદક! જે તે શ્રમણ-બ્રાહ્મણો આ રીતે ભૂતશબ્દ વિશેષણત્વથી પ્રત્યાખ્યાન કહે છે, બીજા પૂછે ત્યારે તે રીતે જ પ્રત્યાખ્યાન કહે. પોતે કરે અને કરાવે ત્યારે ભૂતત્વ વિશેષણ વાપરવાથી નિશ્ચયથી તે શ્રમણ-નિર્ગ્રન્થો યથાર્થ ભાષા વાપરતા નથી, પણ તે તાપ કરનારી અનુતાપિકા ભાષાને બોલે છે. કેમકે કોઈ અજાણ્યો વિપરીત બોલે તો તેને સાંભળીને પણ સાચું જાણનારાને અનુતાપ થાય. વળી તે ભૂતત્વ વિશેષણપૂર્વક જે પચ્ચક્ખાણ આપે છે, તેના દોષો બતાવે છે - જેઓ આ પ્રમાણે પચ્ચક્ખાણ આપે છે, તેવા સાધુઓને તથા તેવું પચ્ચક્ખાણ લેનારા શ્રાવકોને અભૂત દોષોદ્ભાવથી અભ્યાખ્યાન આપે છે - વળી -
જેઓ બીજા પ્રાણી-ભૂત-જીવ-સત્ત્વના વિષયોમાં વિશેષતા બતાવી જે સંયમ કરે છે. જેમકે મારે બ્રાહ્મણને ન હણવો. આવું કહેતા તે જ્યારે વર્ણાન્તરમાં કે તિર્યંચમાં જાય ત્યારે તેના વધમાં બ્રાહ્મણ વધ થાય. એ રીતે તે વિશેષ વ્રતોમાં - ‘મારે ડુક્કર ન હણવા’ તેમાં ભૂત શબ્દ ઉમેરતાં પચ્ચક્ખાણ દૂષિત કરે છે - શા માટે? - કયા હેતુથી તેમાં દૂષણ લાગે છે? જે કારણે સંસારી પ્રાણીઓ પરસ્પર જાતિ સંક્રમણવાળા છે, કેમકે ત્રસો સ્થાવર થાય છે અને સ્થાવરો ત્રસ થાય છે. ત્રસકાયથી સર્વથા ત્રસાયુને તજીને સ્થાવરકાયમાં તેને યોગ્ય કર્મોપાદાનથી ઉપજે છે તથા સ્થાવર કાયથી તેના આયુષ્યાદિ કર્મોથી મુક્ત થઈને ત્રસકાયમાં ઉપજે છે. તેના ત્રસકાયમાં ઉત્પન્ન થવાથી ત્રસકાય સ્થાન ઘાતયોગ્ય થાય.
તે શ્રાવકે ત્રસને ઉદ્દેશીને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ કરેલ છે. કેમકે તેને તીવ્ર અધ્યવસાય ઉત્પન્ન થયા છે અને લોકમાં તે ગર્હિત છે. તેથી તે સ્થૂલ પ્રાણાતિપાતથી નિવૃત્ત થયો. તે નિવૃત્તિથી તેને ત્રસ સ્થાન અઘાત્ય થયું. પણ સ્થાવરકાયથી અનિવૃત્ત હોવાથી તે સ્થાન ઘાત્ય છે. હવે તમારા કહેવા પ્રમાણે વિશિષ્ટ સત્ત્વના ઉદ્દેશથી પણ પ્રાણાતિપાત નિવૃત્ત કરતાં અપર પર્યાયમાં જતા તે પ્રાણીને મારતાં વ્રતભંગ થાય છે, તેથી કોઈને સમ્યગ્ વ્રત પાલન ન થાય, તેને આપ અસદ્ભૂત દોષ માનો છો.
જો કે આપ વર્તમાનકાળ વિશેષણત્વથી આ ભૂત શબ્દ કહો છો. તે કેવળ વ્યામોહને માટે થાય છે. કેમકે ભૂત શબ્દ ઉપમાનમાં પણ વર્તે છે જેમકે - આ નગર દેવલોકભૂત છે. દેવલોક નહીં. તો અહીં ત્રસભૂત-ત્રસસદૃશ જીવોની પ્રાણાતિપાત નિવૃત્તિ થશે. ત્રસોની નહીં. વળી જો કહેશો ભૂત શબ્દ તે જ અર્થે છે. જેમકે શીતીભૂત પાણી એટલે શીત થાય, તેમ ત્રસભૂત તે ત્રસત્વ પ્રાપ્ત. તો ત્રસ શબ્દથી અર્થ સરતો હોવાથી પુનરુક્તિ દોષ લાગે. તેથી ભૂત શબ્દથી અતિ પ્રસંગ આવે. જેમકે - ક્ષીરભૂત વિગઈનું હું પ્રત્યાખ્યાન કરું છું. મને ઘૃતભૂત આપો ઈત્યાદિ બોલવું પડે. આ રીતે ભૂત શબ્દ ખંડન થતા ઉદક કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati