Pramāṇa · Search · About · API

Viyahapannatti 1047

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1047

Language
Gujarati

1047

‘ભગવતી’ સૂત્ર-૬૯૬ :– [૧૭/૧/૬૯૬]
ભગવન્‌! કોઈ પુરુષ તાડના વૃક્ષ ઉપર ચઢી, પછી તે તાડથી તાડના ફળને હલાવે કે પાડે, તો તે પુરુષને કેટલી ક્રિયા લાગે? ગૌતમ! જ્યાં સુધી તે પુરુષ તાડવૃક્ષે ચડી, તાડના ફળને હલાવે કે પાડે, ત્યાં સુધી તે પુરુષને કાયિકી યાવત્‌ પાંચ ક્રિયા સ્પર્શે છે. જે જીવોના શરીરથી તાડવૃક્ષ, તાડફળ ઉત્પન્ન થયેલ છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે.
ભગવન્‌! તે તાડફળ પોતાના ભારથી યાવત્‌ નીચે પડે છે, તેનાથી જે જીવ યાવત્‌ જીવનથી રહિત થાય છે, તેનાથી તે પુરુષને કેટલી ક્રિયા લાગે? ગૌતમ! - X - યાવત્‌ તે ફળ વડે જીવો જીવનરહિત થાય તેટલામાં તે પુરુષને કાયિકી યાવત્‌ ચાર ક્રિયાઓ સ્પૃષ્ટ થાય. જે જીવોના શરીરથી તાડફળ બન્યું છે, તે જીવોને કાયિકી યાવત્‌ પાંચે ક્રિયા સ્પર્શે. જે જીવ નીચે પડતાં તાડફળને માટે સ્વાભાવિક રૂપે ઉપકારક હોય છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચે ક્રિયાઓ લાગે.
ભગવન્‌! કોઈ પુરુષ વૃક્ષના મૂળને હલાવે કે નીચે પાડે તો તેને કેટલી ક્રિયાઓ લાગે? ગૌતમ! જ્યાં સુધી તે પુરુષ વૃક્ષના મૂળને હલાવે કે પાડે ત્યાં સુધી, તે પુરુષને કાયિકી યાવત્‌ પાંચે ક્રિયાઓ સ્પર્શે. જે જીવોના શરીરોથી મૂળ યાવત્‌ બીજ નિષ્પન્ન થયા છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચે ક્રિયાઓ લાગે.
ભગવન્‌! તે મૂલ પોતાના ભારથી યાવત્‌ જીવનરહિત થાય, ત્યારે હે ભગવન્‌! તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે? ગૌતમ! જ્યાં સુધી તે મૂલ પોતાના ભારથી યાવત્‌ જીવનરહિત થાય, ત્યાં સુધી તે પુરુષને કાયિક આદિ ચાર ક્રિયાઓ લાગે. જે જીવોના શરીરથી તે કંદ યાવત્‌ બીજ નિષ્પન્ન થયા છે, તે જીવોને કાયિકી આદિ ચાર ક્રિયાઓ લાગે. જે જીવોના શરીરથી મૂલ નિષ્પન્ન થયેલ છે, તે જીવોને કાયિકી આદિ પાંચ ક્રિયા સ્પર્શે, જે જીવ પડતા એવા મૂલના સ્વાભાવિક ઉપકારક હોય, તે જીવોને પણ કાયિકી આદિ પાંચે ક્રિયા લાગે છે.
ભગવન્‌! વૃક્ષને કંદને હલાવે૦? ગૌતમ! તે પુરુષને યાવત્‌ પાંચ ક્રિયાઓ સ્પર્શે છે. જે જીવોના શરીરથી મૂલ યાવત્‌ બીજ નિષ્પન્ન થયા હોય, તે જીવોને યાવત્‌ પાંચે ક્રિયાઓ સ્પર્શે.
ભગવન્‌! તે કંદ પોતાના ભારથી? યાવત્‌ ચાર ક્રિયા લાગે. જે જીવોના શરીરથી મૂળ, સ્કંધ નિષ્પન્ન થયા હોય તેને યાવત્‌ ચાર ક્રિયા લાગે. જે જીવોના શરીરથી કંદ નિવર્તેલ હોય, તે જીવોને પણ પાંચ ક્રિયા લાગે. જે જીવો, તે નીચે પડતા કંદના સ્વાભાવિક ઉપકારી હોય, તેને યાવત્‌ પાંચે ક્રિયાઓ લાગે. જેમ સ્કંધમાં કહ્યું, તેમ યાવત્‌ બીજમાં કહેવું.

Linked texts (1)