Viyahapannatti 1136
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1136
- Language
- Gujarati
1136
‘ભગવતી’ સૂત્ર-૭૫૬ :– [૧૮/૧૦/૭૫૬]
તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું. દ્યુતિપલાશ ચૈત્ય હતું, તે વાણિજ્યગ્રામ નગરમાં સોમિલ નામે બ્રાહ્મણ વસતો હતો. તે આઢ્ય યાવત્ અપરિભૂત હતો. ઋગ્વેદ યાવત્ સુપરિનિષ્ઠિત, ૫૦૦ શિષ્યો અને પોતાના કુટુંબનું આધિપત્ય કરતો યાવત્ વિચરતો હતો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સમોસર્યા યાવત્ પર્ષદા પર્યુપાસે છે.
ત્યારે તે સોમિલ બ્રાહ્મણને આ વૃત્તાંત જાણીને આવા પ્રકારે યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો. શ્રમણ જ્ઞાતપુત્ર પૂર્વાનુપૂર્વી ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરતા, સુખે સુખે યાવત્ અહીં આવી, યાવત્ દૂતિપલાશક ચૈત્યમાં યથાપ્રતિરૂપ યાવત્ વિચરે છે. તો હું ત્યાં ભગવંતની પાસે જઈ આ આવા પ્રકારના અર્થો યાવત્ વ્યાકરણ પૂછીશ. તેઓ જો આ, આવા પ્રકારના અર્થો યાવત્ વ્યાકરણના ઉત્તરો આપશે, તો વાંદીશ-નમીશ યાવત્ પર્યુપાસીશ. જો તેઓ મારા આ અને આવા અર્થવાળા યાવત્ વ્યાકરણનો ઉત્તર નહીં આપે તો હું આવા અર્થો યાવત્ વ્યાકરણ વડે તેઓને નિરુત્તર કરી દઈશ.
આ પ્રમાણે વિચાર્યુ, વિચારીને સ્નાન કર્યુ યાવત્ શરીરને અલંકૃત્ કરી, પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતો ૧૦૦ શિષ્યો સાથે સંપરીવરીને વાણિજ્ય ગ્રામનગરની વચ્ચોવચ્ચથી નીકળે છે, નીકળીને દૂતિપલાશક ચૈત્યમાં ભગવંત મહાવીર પાસે આવીને, સમીપે રહીને ભગવંતને આ પ્રમાણે પૂછ્યું –
આપને યાત્રા, યાપનીય, અવ્યાબાધ, પ્રાસુક વિહાર છે?
હે સોમિલ! મારે યાત્રા પણ છે, મારે યાપનીય પણ છે, મારે અવ્યાબાધ પણ છે અને મારે પ્રાસુકવિહાર પણ છે.
ભગવન્! આપની યાત્રા કેવી છે?
હે સોમિલ! મારા તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યકાદિ યોગમાં યતના તે યાત્રા છે.
ભગવન્! આપને યાપનીય શું છે? સોમિલ! યાપનીય બે ભેદે છે - ઈન્દ્રિયયાપનીય, નોઈન્દ્રિયયાપનીય.
તે ઈન્દ્રિય યાપનીય શું છે? જે મારી શ્રોત્ર-ચક્ષુ-ઘ્રાણ-જીભ-સ્પર્શ ઈન્દ્રિયો નિરૂપઘાત અને મારે વશ વર્તે છે, તે ઈન્દ્રિય યાપનીય છે.
તે નોઈન્દ્રિય યાપનીય શું છે? જે મારા ક્રોધ-માન-માયા-લોભ નષ્ટ થયા છે, ઉદય પ્રાપ્ત નથી તે નોઈન્દ્રિય યાપનીય છે. આ પ્રમાણે મારા આ યાપનીય છે.
ભગવન્! તમારે અવ્યાબાધ શું છે? સોમિલ! જે મારા વાતજ, પિતજ, કફજ, સંનિપાતિકજ વિવિધ રોગાતંક અને શરીરગત દોષ ઉપશાંત છે, ઉદયમાં વર્તતા નથી, તે (મારા) અવ્યાબાધ છે.
ભગવન્! તમારે પ્રાસુક વિહાર શું છે? સોમિલ! જે આરામ, ઉદ્યાન, દેવકુલ, સભા, પ્રપામાં સ્ત્રી-પશુ-નપુંસક વર્જિત વસતિમાં પ્રાસુક એષણીય પીઠફલક શય્યા સંસ્તારક સ્વીકારીને વિચરું છું, તે પ્રાસુક વિહાર છે.
ભગવન્! આપને સરિસવ ભક્ષ્ય છે કે અભક્ષ્ય? સોમિલ! સરિસવ મારે ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. એમ કેમ કહો છો?
હે સોમિલ! (તમારા) બ્રાહ્મણનયોમાં સરિસવ બે ભેદે છે. તે આ રીતે - મિત્ર સરિસવ અને ધાન્ય સરિસવ. તેમાં જે મિત્ર સરિસવ છે, તે ત્રણ ભેદે છે – સહજાત, સહવર્ધિત, સહપાંશુ ક્રિડિત. આ ત્રણે શ્રમણ નિર્ગ્રન્થોને અભક્ષ્ય છે.
તેમાં જે ધાન્ય સરિસવ છે, તે બે ભેદે છે - તે આ – શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. તેમાં જે અશસ્ત્ર પરિણત છે તે શ્રમણ નિર્ગ્રન્થોને અભક્ષ્ય છે. તેમાં જે શસ્ત્ર પરિણત છે, તે બે ભેદે છે - એષણીય અને અનેષણીય. તેમાં જે અનેષણીય છે, તે શ્રમણ નિર્ગ્રન્થોને અભક્ષ્ય છે,
તેમાં જે એષણીય છે, તે બે ભેદે છે - યાચિત અને અયાચિત. તેમાં જે અયાચિત છે, તે શ્રમણ નિર્ગ્રન્થોને અભક્ષ્ય છે. તેમાં જે યાચિત છે તે બે ભેદે છે - લબ્ધ અને અલબ્ધ. તેમાં જે અલબ્ધ છે, તે શ્રમણ નિર્ગ્રન્થોને અભક્ષ્ય છે, તેમાં જે લબ્ધ છે, તે શ્રમણ નિર્ગ્રન્થોને ભક્ષ્ય છે.
તેથી હે સોમિલ! એમ કહ્યું કે યાવત્ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
ભગવન્! તમારે ‘માસ’ ભક્ષ્ય છે કે અભક્ષ્ય? હે સોમિલ! મારે ‘માસ’ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. એમ કેમ કહો છો - X -?
હે સોમિલ! બ્રાહ્મણ નયોમાં ‘માસ’ બે ભેદે છે. તે આ રીતે – દ્રવ્ય માસ અને કાલમાસ. તેમાં જે કાલમાસ છે, તે શ્રાવણથી અષાઢ સુધી બાર ભેદે છે. તે આ રીતે – શ્રાવણ, ભાદ્રપદ, આસોજ, કાર્તિક, મૃગશિર, પોષ, માઘ, ફાલ્ગુન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ મૂલ, આષાઢ. તે (માસ) શ્રમણ નિર્ગ્રન્થને અભક્ષ્ય છે.
તેમાં જે દ્રવ્ય માસ છે, તે બે ભેદે છે – અર્થમાસ, ધાન્યમાસ. તેમાં જે અર્થમાસ છે, તે બે ભેદે છે - સુવર્ણમાસ અને રૂપ્યમાસ. તે બંને શ્રમણ નિર્ગ્રન્થોને અભક્ષ્ય છે. તેમાં જે ધાન્યમાસ છે, તે બે ભેદે છે - શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. એ પ્રમાણે જેમ ધાન્યસરિસવમાં કહ્યું તેમ અહીં કહેવું યાવત્ તેથી કહ્યું કે યાવત્ અભક્ષ્ય છે.
ભગવન્! આપને કુલત્થા ભક્ષ્ય છે કે અભક્ષ્ય? હે સોમિલ! કુલત્થા ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. એમ કેમ કહ્યું યાવત્ અભક્ષ્ય છે?
હે સોમિલ! તમારા બ્રાહ્મણનયમાં કુલત્થા બે પ્રકારે છે. તે આ પ્રમાણે - સ્ત્રી કુલત્થા અને ધાન્ય કુલત્થા. તેમાં જે સ્ત્રીકુલત્થા છે, તે ત્રણ ભેદે છે. તે આ પ્રમાણે – કુલ કન્યા, કુલ વધૂ, કુલ માતા. આ ત્રણે શ્રમણ નિર્ગ્રન્થોને અભક્ષ્ય છે.
તેમાં જે ધાન્ય કુલત્થા છે૦ જેમ ધાન્ય સરિસવમાં કહ્યું તેમ જાણવું. તેથી એમ કહ્યું કે યાવત્ અભક્ષ્ય પણ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit