Pramāṇa · Search · About · API

Viyahapannatti 1214

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1214

Language
Gujarati

1214

‘ભગવતી’ સૂત્ર-૮૦૧, ૮૦૨ :– [૨૦/૯/૮૦૧, ૮૦૨]
[૮૦૧] ભગવન્‌! ચારણ કેટલા પ્રકારે છે? ગૌતમ! બે ભેદે ચારણો છે. તે આ – વિદ્યાચારણ અને જંઘાચારણ. - - ભગવન્‌! તે વિદ્યાચારણને વિદ્યાચારણ કેમ કહે છે? ગૌતમ! તેમને અંતર રહિત છઠ્ઠ છઠ્ઠના તપશ્ચરણપૂર્વક વિદ્યા દ્વારા ઉત્તરગુણ લબ્ધિને ક્ષમમાણથી વિદ્યાચારણ લબ્ધિ નામે લબ્ધિ સમુત્પન્ન થઈ હોય છે. તે કારણથી યાવત્‌ વિદ્યાચારણ કહેવાય છે.
ભગવન્‌! વિદ્યાચારણની શીઘ્રગતિ કેવી છે? તેમની શીઘ્ર ગતિનો વિષય કેવો છે? ગૌતમ! આ જંબૂદ્વીપ યાવત્‌ વિશેષાધિક પરિક્ષેપથી છે. કોઈ મહર્દ્ધિક યાવત્‌ મહાસૌખ્ય દેવ યાવત્‌ એ પ્રમાણે વિચારીને સંપૂર્ણ જંબૂદ્વીપને ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં ત્રણ વખત ચક્કર લગાવીને શીઘ્ર પાછો આવે, એટલી શીઘ્રગતિ હે ગૌતમ! વિદ્યાચરણની છે, એટલો શીઘ્ર ગતિ વિષય છે.
ભગવન્‌! વિદ્યાચરણની તીર્છી ગતિ કેટલી છે? તીર્છી ગતિનો વિષય કેટલો છે? ગૌતમ! તે અહીંથી એક ઉત્પાતથી માનુષોત્તર પર્વતે સમવસરણ કરે છે, કરીને ત્યાં ચૈત્યોને વાંદીને, ત્યાંથી બીજા ઉત્પાત વડે નંદીશ્વર દ્વીપે સમોસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોને વાંદે છે. ત્યાંથી (એક ઉત્પાતમાં) પાછો ફરે છે, ફરીને અહીં આવે છે, અહીં ચૈત્યોને વાંદે છે. ગૌતમ! વિદ્યાચારણની આટલી તીર્છી ગતિ છે, આટલો તીર્છી ગતિનો વિષય છે.
ભગવન્‌! વિદ્યાચારણની ઉર્ધ્વગતિ કેટલી છે? ઉર્ધ્વ ગતિનો વિષય કેટલો છે? ગૌતમ! તે અહીંથી એક ઉત્પાત વડે નંદનવનમાં સમવસરણ કરે છે, ત્યાં ચૈત્યોની વંદના કરે છે, ત્યાંથી બીજા ઉત્પાત વડે પંડકવનમાં જાય છે. જઈને પંડકવનમાં ચૈત્યોની વંદના કરે છે. ત્યાં પાછો ફરી (એક ઉત્પાતમાં) અહીં આવે છે, અહીં આવીને અહીં ચૈત્યોની વંદના કરે છે. હે ગૌતમ! વિદ્યાચારણની આટલી ઉર્ધ્વગતિ છે, આટલો ઉર્ધ્વગતિનો વિષય છે.
તે તે સ્થાનોની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, જો તે તે સ્થાનોની આલોચના પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે.
[૮૦૨] ભગવન્‌! કયા કારણે જંઘાચારણ, જંઘાચારણ કહેવાય છે? ગૌતમ! તેને નિરંતર અટ્ઠમ-અટ્ઠમના તપોકર્મ વડે આત્માને ભાવિત કરતા જંઘાચારણલબ્ધિ નામે લબ્ધિ સમુત્પન્ન થાય છે, તે કારણથી.
ભગવન્‌! જંઘાચારણની કેવી શીઘ્ર ગતિ છે? કેવો શીઘ્ર ગતિવિષય છે? ગૌતમ! આ જંબૂદ્વીપમાં એ પ્રમાણે જેમ વિદ્યાચારણમાં કહ્યું તેમ જાણવું. વિશેષ એ કે – તે ૨૧ વખત ચક્કર લગાવીને શીઘ્ર પાછો આવે છે. હે ગૌતમ! જંઘાચારણની તેવી શીઘ્રગતિ છે, તેટલો શીઘ્રગતિવિષય છે. બાકી પૂર્વવત્‌.
ભગવન્‌! જંઘાચારણની તીર્છી ગતિનો વિષય કેટલો છે? ગૌતમ! તે અહીંથી એક ઉત્પાદ વડે રૂચકવર દ્વીપે સમવસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને ત્યાંથી પાછો વળતાં બીજા ઉત્પાત વડે નંદીશ્વરદ્વીપે સમવસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને (એક ઉત્પાત્‌ વડે) શીઘ્ર અહીં પાછો ફરે છે. અહીં આવીને અહીંના ચૈત્યોની વંદના કરે છે. જંઘાચારણનો હે ગૌતમ! આટલો તીર્છી ગતિનો વિષય છે.
ભગવન્‌! જંઘાચારણનો ઉર્ધ્વગતિ વિષય કેટલો છે? ગૌતમ! તે અહીંથી એક ઉત્પાત વડે પંડકવનમાં સમોસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને ત્યાંથી પાછા આવતા બીજા ઉત્પાત વડે નંદનવને સમોસરણ કરે છે. કરીને નંદનવનમાં ત્યાં ચૈત્યોની વંદના કરે છે. કરીને ત્યાંથી (એક ઉત્પાત્‌ વડે) અહીં આવે છે, અહીં આવીને અહીંના ચૈત્યોન વંદના કરે છે. હે ગૌતમ! જંઘાચારણનો ઉર્ધ્વગતિ વિષય આટલો છે.
તે તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, તે તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે. ભગવન્‌! તે એમ જ છે (૨) યાવત્‌ વિચરે છે.

Linked texts (1)