Pramāṇa · Search · About · API

Viyahapannatti 2

Viyāhapannatti: ṭīkānusārī vivecana 2

Language
Gujarati

2

ભૂમિકા :– સર્વજ્ઞ, ઈશ્વર, અનંત, અસંગ [રાગ, ધનાદિ રહિત], અગ્ર્ય [પ્રધાન] સર્વને હિતકર, વેદોદય રહિત, અનીશ [સ્વયંબુદ્ધત્વથી ઈશ રહિત] અનીહ [સ્પૃહા કે વિકલ્પરહિત] તેજસ્વી, સિદ્ધ, શિવ, શિવકર, નિરુપયોગત્વને કારણે ઈન્દ્રિયો રહિત, જિતરિપુ, શ્રીમાન્‌ જિનને પ્રયત્નથી પ્રણમું છું.
શ્રી વર્ધમાન સ્વામીને, શ્રી સુધર્મ ગણધરને, સર્વાનુયોગ વૃદ્ધોને, સર્વજ્ઞની વાણીને નમીને, આ ટીકા – ચૂર્ણિ અને જીવાભિગમાદિ વૃત્તિના અંશોને સંયોજી કંઈક વિશેષથી પંચમ અંગસૂત્રને હું વિવરું છું.
‘સમવાય’ નામે ચોથા અંગની વ્યાખ્યા કરી, હવે અવસરથી આવેલ ‘વિવાહપન્નત્તિ’ [વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ કે ભગવતી] નામના પાંચમાં અંગનું વિવરણ કરીશ. આ પંચમ અંગ ઉત્તમ જયકુંજર નામક [હાથીની] જેમ છે. તે લલિત ચરણોની પદ્ધતિથી પ્રબુદ્ધ લોકોનું મનરંજન કરનાર છે. તે ઉપસર્ગ [શત્રુકૃત્‌ કે દેવાદિ અથવા વિઘ્નો], નો નિપાત [આગમન] થવા છતાં અવ્યવ [અનશ્વર] સ્વરૂપ છે. [સ્વરૂપથી અવિચલિત છે.]
જેના શબ્દો ઘન અને ઉદાર છે [હાથીનો સ્વર મેઘવત્‌ ગંભીર છે.] જે લિંગ અને વિભક્તિથી યુક્ત છે. [હાથી પક્ષે પુરૂષ ચિહ્ન રચનાથી યુક્ત] સદાખ્યાત, સત્‌લક્ષણ યુક્ત, દેવતાધિષ્ઠિત છે. સુવર્ણ મંડિત ઉદ્દેશકો છે [હાથી પક્ષે તેના અવયવો સુવર્ણ આભરણ યુક્ત છે.] જેનું ચરિત્ર વિવિધ પ્રકારનું, અદ્‌ભુત, શ્રેષ્ઠ છે. ૩૬,૦૦૦ પ્રશ્નાત્મક સૂત્ર દેહ સહિત છે. [હાથીના પક્ષે સૂત્રોક્ત લક્ષણ દેહ છે.] ચાર અનુયોગરૂપ ચાર ચરણ છે, જ્ઞાન અને ચારિત્ર રૂપ નયનયુગલ છે, દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નામે બે નયરૂપ બે દંતશૂળ છે, નિશ્ચય-વ્યવહારરૂપ બે સમુન્નત્ત કુંભસ્થળ છે.
જેને પ્રસ્તાવનાની વચનરચનારૂપ પ્રચંડ સૂંઢ છે, નિગમન વચનરૂપ અતુચ્છ પુચ્છ છે, કાળ આદિ આઠ પ્રકારે પ્રવચન-ઉપચારરૂપ મનોહર પરિકર છે. ઉત્સર્ગ-અપવાદરૂપ ઉછળતા બે અતુચ્છ ઘંટના ઘોષયુક્ત છે. યશરૂપ પટહ અન્ય સ્ફૂટ પ્રતિધ્વનિથી દિગ્‌ મંડળને પૂરેલ છે, સ્યાદ્વાદરૂપ વિશદ્‌ અંકુશથી વશીકૃત્‌ છે, વિવિધ હેતુરૂપ શસ્ત્ર સમૂહથી યુક્ત છે, શ્રીમન્‌ મહાવીર મહારાજે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરમણ રૂપ શત્રુસૈન્યને નાશ કરવાને નિયોજેલ છે, સૈન્યનિયુક્તિ કલ્પ ગણનાયકની મતિથી પ્રકલ્પિત છે. તેના સ્વરૂપને મુનિરૂપ યોદ્ધા સુગમતાથી જાણી શકે એ માટે પૂર્વના મુનિરૂપ શિલ્પીઓએ વૃત્તિ અને ચૂર્ણિરૂપ નાડિકા રચેલી છે. બહુશ્રેષ્ઠ ગુણયુક્ત છતાં સંક્ષિપ્ત છે અને તેથી મતિમાનના વાંછિત અર્થને સાધી આપવામાં સમર્થ છે માટે જીવાભિગમાદિ વિવિધ વિવરણ સૂત્રાંશોના સંઘટ્ટનથી બૃહતર, માટે જ અલ્પજ્ઞોને પણ ઉપકારી નાડિકા જેવી આ વૃત્તિ, પૂર્વ મુનિરૂપ શિલ્પિના કૂળમાં જન્મેલા અમો હસ્તિનાયકના આદેશતુલ્ય ગુરૂજનના વચનથી આરંભીએ છીએ, એ રીતે શાસ્ત્ર પ્રસ્તાવના થઈ.
હવે વિઆહપન્નતિ નો શબ્દાર્થ કહે છે – વિવિધ - જીવ, અજીવાદિ પ્રચુરતર પદાર્થ વિષયક, આ - અભિવિધિથી, કથંચિત્‌ સર્વ જ્ઞેય વ્યાપ્તિથી મર્યાદા વડે અથવા પરસ્પર અસંકીર્ણ લક્ષણ કથનરૂપ, ખ્યાનાનિ - ભગવંત મહાવીરને ગૌતમાદિ શિષ્યોએ પૂછેલા પદાર્થોના પ્રતિપાદન કરેલી વ્યાખ્યાઓ, જે સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને પ્રરૂપી છે તે.
અથવા - વિવિધતાથી વિશેષ પ્રકારે કહેવાયેલ તે વ્યાખ્યા. એટલે કહેવા યોગ્ય પદાર્થોની વૃત્તિ અને તેનું પ્રજ્ઞાપન તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ.
અથવા - અર્થ પ્રતિપાદનાઓનાં પ્રકૃષ્ટ જ્ઞાનો જેમાં છે તે.
અથવા - વ્યાખ્યા એટલે અર્થકથન, પ્રજ્ઞા-અર્થકથનના હેતુરૂપ બોધ. તે ઉભયની જેનાથી પ્રાપ્તિ તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ.
અથવા-વ્યાખ્યાઓમાં પ્રજ્ઞાની પ્રાપ્તિ જે પરથી મળી આવે તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ કે આત્તિ - જેથી ગ્રહણ થઈ શકે તે વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ.
અથવા વ્યાખ્યાપ્રજ્ઞ - ભગવન્‌ પાસેથી ગણધરોને જેનું ગ્રહણ થયેલું તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ કે વ્યાખ્યા-પ્રજ્ઞત્તિ. - અથવા - વિવાહ એટલે વિવિધ કે વિશિષ્ટ અર્થ પ્રવાહ કે નયપ્રવાહ તેનું પ્રરૂપણ કે પ્રબોધન જેમાં છે તે અથવા વિવાહ એટલે વિશિષ્ટ વિસ્તારવાળી કે અબાધિત પ્રજ્ઞાઓ જેમાંથી મળી આવે છે તે વિવાહ પ્રજ્ઞપ્તિ કે વિબાધ પ્રજ્ઞપ્તિ.
આ એના પૂજ્યપણાને લીધે ‘ભગવતી’ એમ કહેવાય છે.
વ્યાખ્યાનકર્તાઓ શાસ્ત્ર વ્યાખ્યાનના આરંભે ફળ, યોગ, મંગલ, સમુદાયાર્થ આદિ દ્વારોનું વર્ણન કરે છે. તે અહીં વ્યાખ્યામાં વિશેષ આવશ્યક આદિ સૂત્રોથી નિર્ણીત કરી લેવા. શાસ્ત્રકારો વિઘ્નવિનાયકના ઉપશમન નિમિત્તે, શિષ્યોના પ્રવર્તન માટે અથવા શિષ્ટ જનોના સિદ્ધાંતના પાલન માટે મંગલ, અભિધેય, પ્રયોજન અને સંબંધ કહે છે.
– તેમાં સકલ કલ્યાણનું કારણ હોવાથી પ્રસ્તુત શાસ્ત્ર શ્રેયરૂપ હોવાથી વિઘ્ન સંભવે છે. માટે તેના ઉપશમનાર્થે બીજા મંગલો ન લેતાં ભાવમંગલનું ગ્રહણ કરવું જોઈએ કેમ કે બીજા મંગલો અનૈકાંતિક અને અનાત્યંતિક છે. ભાવમંગલ તો તેનાથી વિપરીતપણે હોઈ ઈચ્છિત અર્થ સાધવામાં સમર્થ હોવાથી પૂજ્ય છે. વળી વિશિષ્ટ શું છે? - જેથી અભિધાનાદિ અનૈકાંતિક અને અનાત્યંતિક છે, ભાવમંગલ તેથી વિપરીત હોવાથી તે વિશેષે પૂજ્ય છે. ભાવમંગલ તપાદિભેદે અનેકધા છે.
શતક-૧