Viyahapannatti 229
Viyāhapannatti: ṭīkānusārī vivecana 229
- Language
- Gujarati
229
‘ભગવતી’ સૂત્ર-૧૪૨, ૧૪૩ :– [૨/૧૦/૧૪૨, ૧૪૩]
[૧૪૨] ભગવન્! અસ્તિકાયો કેટલા કહ્યા? ગૌતમ! પાંચ૦ તે આ – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય
ભગવન્! ધર્માસ્તિકાયના કેટલા-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. ગૌતમ! તેમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ નથી, તે અરૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત લોક દ્રવ્ય છે. તે સંક્ષેપથી પાંચ પ્રકારે છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ગુણથી. દ્રવ્યથી-ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે, ક્ષેત્રથી તે લોક પ્રમાણ માત્ર છે, કાળથી તે કદી ન હતું એમ નથી - નથી એમ નથી - યાવત્ - તે નિત્ય છે. ભાવથી તે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત છે, ગુણથી તે ગતિગુણવાળો છે. અધર્માસ્તિકાય પણ એમજ છે. વિશેષ એ કે તે સ્થિતિ ગુણવાળો છે. આકાશાસ્તિકાય એમ જ છે. વિશેષ આ - આકાશાસ્તિકાય ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ, અનંત યાવત્ અવગાહના ગુણવાળો છે.
ભગવન્! જીવાસ્તિકાયને કેટલા – વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. ગૌતમ! તે વર્ણરહિત યાવત્ અરૂપી છે, જીવ છે, શાશ્વત. અવસ્થિત લોકદ્રવ્ય છે. તે સંક્ષેપથી પાંચ ભેદે છે – દ્રવ્યથી યાવત્ ગુણથી. દ્રવ્યથી જીવાસ્તિકાય અનંત જીવદ્રવ્યરૂપ છે. ક્ષેત્રથી લોક પ્રમાણ માત્ર છે. કાળથી કદી ન હતો તેમ નહીં યાવત્ નિત્ય છે. ભાવથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શરહિત છે. ગુણથી ઉપયોગ ગુણવાળો છે.
ભગવન્! પુદ્ગલાસ્તિકાયમાં કેટલા – વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે? ગૌતમ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળો, રૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત લોકદ્રવ્ય છે. તે સંક્ષેપથી પાંચ ભેદે છે - દ્રવ્ય યાવત્ ગુણથી. દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનંત દ્રવ્ય છે, ક્ષેત્રથી લોક પ્રમાણ માત્ર છે, કાળથી કદી ન હતો તેમ નથી યાવત્ નિત્ય છે, ભાવથી-વર્ણાદિયુક્ત છે, ગુણથી ગ્રહણગુણી છે.
[૧૪૩] ભગવન્! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ તે ધર્માસ્તિકાય કહેવાય? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. એ રીતે બે, ત્રણ, ચાર યાવત્ દશ, સંખ્યાત, અસંખ્યાત ધર્માસ્તિકાય પ્રદેશને ધર્માસ્તિકાય કહેવાય? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. ભગવન્! એક પ્રદેશોન પણ ધર્માસ્તિકાયને ધર્માસ્તિકાય કહેવાય? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. ભગવન્! એમ કેમ કહો છો? એક ધર્માસ્તિકાય પ્રદેશ ધર્માસ્તિકાય ન કહેવાય યાવત્ એક પ્રદેશ ન્યૂન ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય ન કહેવાય?
ગૌતમ! ચક્રનો ભાગ ચક્ર કહેવાય કે સકલ ચક્ર? ભગવન્! આખું ચક્ર ચક્ર કહેવાય, તેનો ખંડ નહીં. એ રીતે છત્ર, ચર્મ, દંડ, વસ્ત્ર, શસ્ત્ર, મોદક. એ રીતે હે ગૌતમ! એક ધર્માસ્તિકાય પ્રદેશ યાવત્ એક પ્રદેશ ન્યૂન ધર્માસ્તિકાયને ધર્માસ્તિકાય ન કહેવાય. તો ભગવન્! ધર્માસ્તિકાય શું કહેવાય? ગૌતમ! ધર્માસ્તિકાય અસંખ્ય પ્રદેશ છે. તે સર્વે પૂર્ણ, પ્રતિપૂર્ણ, નિરવશેષ, એવા એક જ શબ્દથી કહી શકાય તો ધર્માસ્તિકાય કહેવાય. એ પ્રમાણે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાયને જાણવા. વિશેષ એ – ત્રણ અનંતપ્રદેશિક જાણવા. બાકી બધું તે જ પ્રમાણે સમજવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit