Viyahapannatti 261
Viyāhapannatti: ṭīkānusārī vivecana 261
- Language
- Gujarati
261
‘ભગવતી’ સૂત્ર-૧૭૦ થી ૧૭૨ :– [૩/૨/૧૭૦ થી ૧૭૨]
[૧૭૦] તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. યાવત્ પર્ષદા પર્યુપાસે છે.
તે કાળે તે સમયે અસુરેન્દ્ર, અસુરરાજ ચમર ચમરચંચા રાજધાનીમાં, સુધર્મા સભામાં ચમર નામે સિંહાસન ઉપર બેઠેલો, ૬૪,૦૦૦ સામાનિક દેવોથી વીંટળાયેલો યાવત્ નૃત્ય વિધિ દેખાડીને જે દિશામાંથી આવ્યો હતો, તે દિશામાં પાછો ગયો.
ભગવન્ ! એમ કહી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમીને આ પ્રમાણે કહ્યું–ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં નીચે અસુરકુમાર દેવો વસે છે? ગૌતમ! આ વાત યોગ્ય નથી. યાવત્ અધઃસપ્તમી પૃથ્વીમાં જાણવું. સૌધર્મકલ્પની નીચે યાવત્ (બીજા કલ્પોની નીચે પણ અસુરકુમારો રહેતા નથી.)
ભગવન્ ! ઈષત્પ્રાગ્ભારા પૃથ્વી નીચે અસુરકુમાર દેવો રહે છે? આ વાત યોગ્ય નથી.. ભગવન્! ત્યારે એવું ખ્યાત સ્થાન ક્યું છે કે જ્યાં અસુરકુમાર દેવો રહે છે? ગૌતમ! ૧,૮૦,૦૦૦ યોજનની જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વી મધ્યે રહે છે. એ રીતે અસુરકુમારો સંબંધી બધી વક્તવ્યતા યાવત્ દિવ્ય ભોગ ભોગવતા રહે છે.
ભગવન્! અસુરકુમાર દેવોનું અધઃગતિ સામર્થ્ય છે? હા, છે.
ભગવન્ ! તે અસુરકુમાર દેવો સ્વસ્થાનથી કેટલે નીચે જઈ શકે છે? ગૌતમ! યાવત્ અધઃસપ્તમી પૃથ્વી. ત્રીજી પૃથ્વી સુધી તેઓ ગયા છે, જાય છે અને જશે..
ભગવન્! અસુરકુમાર દેવો ત્રીજી પૃથ્વી સુધી ગયા છે અને જશે, તેનું શું કારણ? ગૌતમ! પૂર્વ વૈરીને વેદના દેવા અને જૂના મિત્રની વેદના ઉપશાંત કરવા અસુરકુમાર દેવો ત્રીજી પૃથ્વી સુધી ગયા છે અને જશે. અસુરકુમાર દેવોનું તિર્છા ગમન સામર્થ્ય છે? હા, છે.
ભગવન્! તેમનું તિર્છુ ગમન સામર્થ્ય કેટલું છે? ગૌતમ! યાવત્ અસંખ્ય દ્વીપસમુદ્ર છે. નંદીશ્વરદ્વીપ સુધી ગયા છે અને જશે. ભગવન્! ક્યા કારણે અસુરકુમાર દેવો નંદીશ્વરદ્વીપ ગયા છે અને જશે? ગૌતમ! જે આ અરિહંત ભગવંતો છે, તેઓના જન્મ-નિષ્ક્રમણ-જ્ઞાનોત્પાદ-પરિનિર્વાણ મહોત્સવો છે, તેને માટે અસુરકુમારો નંદીશ્વર-દ્વીપ ગયા છે અને જશે.
ભગવન્! અસુરકુમાર દેવોનું ઉર્ધ્વ ગતિ સામર્થ્ય છે? હા, છે. ભગવન્! તે સામર્થ્ય ક્યાં સુધી છે? ગૌતમ! અચ્યુતકલ્પ સુધી. સૌધર્મકલ્પ સુધી ગયા છે અને જશે.
ભગવન્! અસુરકુમાર શા માટે સૌધર્મકલ્પ સુધી ગયા છે અને જશે? ગૌતમ! તેઓને ભવ પ્રત્યયિક વૈરાનુબંધ છે. વૈક્રિયરૂપ બનાવતા અને ભોગો ભોગવતા તેઓ આત્મરક્ષક દેવોને ત્રાસ પમાડે છે તથા યથોચિત નાના-નાના રત્નોને લઈને એકાંતમાં ચાલ્યા જાય છે.
ભગવન્! તે દેવો પાસે યથોચિત નાના રત્નો છે? હા, છે.. જ્યારે તેઓ રત્નો ઉપાડી જાય ત્યારે વૈમાનિકો શું કરે? પછી વૈમાનિકો તેમને કાયિક વ્યથા પહોંચાડે.
ભગવન્! અસુરકુમરો ઉપર જઈને, ત્યાં રહેલ અપ્સરા સાથે દિવ્ય ભોગ ભોગવતા વિચરવા સમર્થ છે? ના, એમ નથી. તેઓ ત્યાંથી પાછા વળી સ્વ સ્થાને આવે છે. જો કદાચ અપ્સરા તેમનો આદર કરે, સ્વીકારે, તો તે અસુરકુમારો તે અપ્સરા સાથે દિવ્ય ભોગ ભોગવતા વિચરવા સમર્થ બને, પણ જો તે અપ્સરા તેમનો આદર અને સ્વીકાર ન કરે, તો અસુરકુમારો તે અપ્સરા સાથે દિવ્ય ભોગ ભોગવી રહેવા સમર્થ ન બને. ગૌતમ! એ રીતે અસુરો ત્યાં ગયા છે અને જશે.
[૧૭૧] ભગવન્! કેટલો સમય વીત્યા પછી અસુરકુમાર દેવો ઊંચે જાય છે તથા સૌધર્મકલ્પે ગયા છે અને જશે? ગૌતમ! અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી વીત્યા પછી લોકમાં આશ્ચર્યરૂપ આ ભાવ સમુત્પન્ન થાય છે, જે અસુરકુમાર સૌધર્મકલ્પ સુધી ઊંચે જાય.
ભગવન્! કોનો આશ્રય કરીને અસુરકુમારો સૌધર્મકલ્પ સુધી ઊંચે જાય છે? હે ગૌતમ! જેમ કોઈ શબર-બર્બર-ટંકણ-ભુત્તઅ-પણ્હય-પુલિંજાતિના લોકો એક મોટા જંગલ-ખાડો-દુર્ગ-ગુફા વિષમ-પર્વતનો આશ્રય કરી, સારા મોટા ઘોડા-હાથી-યોધા-ધનુષ્યવાળા સૈન્યને હંફાવે, તેમ અસુરકુમારો પણ અરિહંત-અરિહંતચૈત્ય-ભાવિતાત્મા અણગારની નિશ્રાએ સૌધર્મકલ્પે જાય.
ભગવન્! શું બધાં અસુરકુમારો ઊંચે યાવત્ સૌધર્મ કલ્પ સુધી જાય છે? ગૌતમ! એવું નથી, મહર્દ્ધિક અસુરકુમારો ઊંચે યાવત્ સૌધર્મ કલ્પે જાય છે. ભગવન્! એ રીતે અસુરેન્દ્ર, અસુરકુમાર રાજ ચમર કોઈ વાર પૂર્વે ઉપર યાવત્ સૌધર્મકલ્પે ગયેલો છે? હા, ગૌતમ! ગયો છે. ભગવન્! અહો! આ ચમરેન્દ્ર કેવી મહાઋદ્ધિ, મહાદ્યુતિ યાવત્ તેની ઋદ્ધિ ક્યાં ગઈ? કૂટાગારશાલા દૃષ્ટાંત.
[૧૭૨] અસુરેન્દ્ર અસુરરાજ ચમરે તે દિવ્ય દેવઋદ્ધિ યાવત્ ક્યાં લબ્ધ-પ્રાપ્ત-અભિસન્મુખ કરી?
ગૌતમ! તે કાળે તે સમયે આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિની તળેટીમાં બેભેલ નામે સંનિવેશ હતું. (વર્ણન) તે બેભેલ સંનિવેશે પૂરણ નામે ગૃહસ્થ રહેતો હતો, તે આઢ્ય, દિપ્ત યાવત્ તામલિની વક્તવ્યતા મુજબ જાણવો. વિશેષ આ – ચાર ખાનાવાળું કાષ્ઠમય પાત્ર કરીને યાવત્ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ યાવત્ સ્વયં જ ચાર ખાનાવાળું કાષ્ઠમય પાત્ર લઈને, મુંડ થઈને ‘દાનામા’ પ્રવ્રજ્યાથી પ્રવ્રજિત થઈને, તે જ પ્રમાણે આતાપના ભૂમિથી ઉતરીને આપમેળે જ ચાર ખાનાવાળું કાષ્ઠ પાત્ર લઈને બેભેલ સંનિવેશના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસામુદાનિક ભિક્ષાચર્યાએ ફરતાં, જે મને પાત્રના પહેલા ખાનામાં આવે તે મારે માર્ગમાં પથિકોને દેવું કલ્પે, જે મને પાત્રના ત્રીજા ખાનામાં આવે તે મારે મત્સ્ય-કાચબાને દેવું કલ્પે, જે મને પાત્રના ચોથા ખાનામાં આવે તે મને મારા પોતાના આહાર માટે કલ્પે. એવું વિચારી, કાલે પ્રભાત થયા પછી, તે બધું સંપૂર્ણ યાવત્ - જે મારા ચોથા ખાનામાં પડે તેનો પોતે આહાર કરે છે. [શેષ કથન તામલિ મુજબ જાણવું.]
ત્યારે તે પૂરણ બાલતપસ્વી તે ઉદાર, વિપુલ, પ્રદત્ત, પ્રગૃહિત બાલ તપકર્મ વડે એ બધું તામલિ મુજબ કહેવું. યાવત્ બેભેલ સંનિવેશની વચ્ચોવચ્ચથી નીકળે છે. નીકળીને પાદુકા, કુંડિકા આદિ ઉપકરણ, ચાર ખાના-વાળું કાષ્ઠ પાત્રને એકાંતમાં મૂકે છે. બેભેલસંનિવેશથી અગ્નિખૂણામાં અર્ધનિર્વર્તનિક મંડળને આલેખે છે. સંલેખના ઝૂસણાથી ઝૂસિત થઈને, ભોજન-પાનનો ત્યાગ કરીને, પાદપોપગમન અનશન કરી (તે પૂરણ) દેવગત થયો.
તે કાળે તે સમયે હે ગૌતમ! હું છદ્મસ્થાવસ્થામાં હતો. ૧૧ વર્ષનો દીક્ષાપર્યાય હતો. નિરંતર છઠ્ઠ-છઠ્ઠના તપોકર્મથી સંયમ-તપ વડે આત્માને ભાવતો પૂર્વાનુપૂર્વી એ ચરતો, ગ્રામાનુગ્રામ વિચરતો જ્યાં સુંસુમારપુરનગર છે, જ્યાં અશોક વનખંડ ઉદ્યાન છે, જ્યાં પૃથ્વી શિલાપટ્ટક છે. ત્યાં આવ્યો. ઉત્તમ અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટક ઉપર અટ્ઠમભક્ત તપ સ્વીકાર્યુ. બંને પગ ભેગા કરી, હાથને નીચે લાંબા કરી, એક પુદ્ગલ ઉપર દૃષ્ટિ રાખી, અનિમેષ નયને, જરા શરીરને આગળને ભાગે નમતું મેલીને, યથાસ્થિત ગાત્રો વડે, સર્વેન્દ્રિયથી ગુપ્ત થઈને, એકરાત્રિકી મહાપ્રતિમા સ્વીકારીને રહેલો હતો.
તે કાળે તે સમયે ચમરચંચા રાજધાની ઈન્દ્ર, પુરોહિત રહિત હતી. ત્યારે તે પુરણ બાલતપસ્વી પ્રતિપૂર્ણ ૧૨ વર્ષનો પર્યાય પાળીને, માસિકી, સંલેખનાથી આત્માને જોડીને, ૬૦ ભક્તને અનશન વડે છેદીને કાળમાસે કાળ કરી ચમરચંચા રાજધાનીમાં ઉત્પાત સભામાં યાવત્ ઈન્દ્રપણે ઉત્પન્ન થયો. ત્યારે તે અસુરેન્દ્ર અસુરરાજ ચમર, જે તાજો જ ઉત્પન્ન થયેલો, તેણે પાંચ પ્રકારે પર્યાપ્તિને પૂર્ણ કરી. તે આ – આહાર પર્યાપ્તિથી પર્યાપ્તિભાવ પામીને અવધિજ્ઞાન વડે સ્વાભાવિક ઊંચે યાવત્ સૌધર્મકલ્પે દેવેન્દ્ર, દેવરાજ, મઘવા, પાકશાસન, શતક્રતુ, સહસ્રાક્ષ, વજ્રપાણિ, પુરંદર યાવત્ દશ દિશાઓને ઉદ્યોતિત, પ્રદ્યોતિત કરતો, સૌધર્મ કલ્પમાં, સૌધર્માવતંસક વિમાનમાં શક્રસિંહાસન ઉપર યાવત્ દિવ્ય ભોગોપભોગને ભોગવતા (શક્રેન્દ્રને) જોયો.
તેને જોઈને ચમરેન્દ્રને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત, સંકલ્પ ઉત્પન્ન થયો - આ કોણ મરણનો ઈચ્છુક, દુરંતપ્રાંતલક્ષણ, હ્રી-શ્રી વગરનો, હીનપુણ્ય ચૌદશીયો છે જે મારી આ આવા પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ યાવત્ દેવાનુભાવ લબ્ધ-પ્રાપ્ત-અભિસન્મુખ કર્યા છે છતાં મારી ઉપર ગભરાટ વિના દિવ્ય ભોગોપભોગને ભોગવતો વિચરે છે? એમ વિચારી ચમરે સામાનિક સભામાં ઉત્પન્ન દેવોને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો! આ કોણ મરણનો ઈચ્છુક યાવત્ વિચરે છે?
ત્યારે તે સામાનિક દેવો, ચમરેન્દ્રએ આમ કહ્યું ત્યારે હર્ષિત-સંતુષ્ટ થઈને યાવત્ હર્ષિત હૃદયે, હાથ જોડીને, દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ કરી, આવર્ત કરી, જય-વિજય વડે વધાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય! આ દેવેન્દ્ર દેવરાજ શક્ર છે યાવત્ વિચરી રહ્યો છે.
ત્યારે તે ચમરેન્દ્રએ તે સામાનિકપર્ષદા ઉત્પન્ન દેવો પાસે આ કથન સાંભળી, અવધારી ક્રોધિત થઈ, રોષિત થઈ, કોપી, ચંડ બની, ક્રોધથી ધમધમતા, તે સામાનિક દેવોને આ પ્રમાણે કહ્યું – દેવેન્દ્ર દેવરાજ શક્ર બીજો છે અને અસુરેન્દ્ર અસુર રાજ ચમર બીજો છે. ભલે તે શક્રેન્દ્ર મહાઋદ્ધિવાળો છે, ભલે આ ચમરેન્દ્ર અલ્પ ઋદ્ધિવાળો છે, તો પણ હે દેવાનુપ્રિયો! હું મારી પોતાની જ મેળે તે શક્રેન્દ્રની શોભાને ભ્રષ્ટ કરવા ઈચ્છું છું. એમ કરીને તે ચમર ગરમ થયો, ઉષ્ણીભૂત થયો.
ત્યારે તે ચમરેન્દ્રએ અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. મને અવધિજ્ઞાન વડે જોયો, જોઈને તેને આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ થયો. શ્રમણ ભગવંત મહાવીર, જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં સુંસુમારપુર નગરમાં અશોક વનખંડ ઉદ્યાનમાં ઉત્તમ અશોક વૃક્ષ નીચે પૃથ્વી શિલાપટ્ટક ઉપર અઠ્ઠમભક્ત તપ સ્વીકારીને એક રાત્રિકી મહાપ્રતિમા ગ્રહણ કરીને રહેલા છે. તો એ શ્રેયસ્કર છે, હું ભગવંત મહાવીરની નિશ્રા લઈ, શક્રેન્દ્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવા જાઉં. એમ વિચારી દેવશય્યાથી ઉઠીને દેવદૂષ્ય પહેરી ઉપપાત સભાથી પૂર્વ દિશાના દ્વારેથી નીકળ્યો. જે તરફ સુધર્માસભા હતી, જ્યાં ચતુષ્પાલ શસ્ત્રભંડાર હતો, ત્યાં ગયો. જઈને પરિઘ રત્ન નામે હથિયાર લીધું. પછી તે એકલો, કોઈને સાથે લીધા વિના પરિઘ રત્નને લઈને મહારોષને ધારણ કરતો ચમરચંચા રાજધાનીની વચ્ચોવચ્ચથી નીકળી, તિગિચ્છિકૂટ ઉત્પાત પર્વતે આવ્યો. ત્યાં વૈક્રિય સમુદ્ઘાત વડે સમવહત થઈ, સંખ્યાત યોજન સુધીનાં યાવત્ ઉત્તરવૈક્રિયરૂપ બનાવી, ઉત્કૃષ્ટ યાવત્ ગતિ વડે પૃથ્વીશિલાપટ્ટક ઉપર, મારી પાસે આવી, મને ત્રણ વાર પ્રદક્ષિણા યાવત્ નમસ્કાર કરીને તે ચમર બોલ્યો–
હે ભગવન્! આપનો આશ્રય લઈ હું મારી જાતે જ શક્રેન્દ્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવા ઈચ્છુ છું. એમ કરીને ઈશાન કોણની દિશા તરફ ગયો. જઈને વૈક્રિય સમુદ્ઘાત વડે સમવહત થઈ, યાવત્ બીજી વખત પણ વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થઈ એક મહા ઘોર ઘોરાકાર, ભયંકર, ભયંકરાકાર, ભાસ્વર, ભયાનક, ગંભીર, ત્રાસદાયી કાળી અર્ધરાત્રિ અને અડદના ઢગલા જેવું કાળું તથા લાખ યોજન ઊંચું, મોટું શરીર બનાવ્યું. તેમ કરીને આસ્ફાટન-વલ્ગન-ગર્જન-ઘોડા જેવો હણહણાટ-હસ્તિવત્ કિલકિલાટ-રથવત્ ધણધણાટ કરતો, પગ પછાડતો-ભૂમિ ઉપર પાટુ મારતો-સિંહનાદ કરતો ઉછળે છે, પછડાય છે, ત્રિપદીને છેદે છે, ડાબો હાથ ઊંચો કરે છે, જમણા હાથની તર્જની અને અંગુઠાના નખ વડે પોતાના મુખને વિડંબે છે, મોટા-મોટા કલકલ શબ્દોથી અવાજ કરે છે. એકલો, કોઈને સાથે લીધા વિના, પરિઘરત્નને લઈને ઊંચે આકાશમાં ઉડ્યો. જાણે અધોલોકને ખળભળાવતો, ભૂમિતલને કંપાવતો, તિર્છાલોકને ખેંચતો, ગગનતલને ફોડતો હોય તેવો (એ પ્રમાણે ચમર) ક્યાંક ગાજે છે ક્યાંક વિદ્યુતવત્ ઝળકે છે. ક્યાંક વરસાદ પેઠે વરસે છે, ક્યાંક ધૂળવર્ષા કરે છે, ક્યાંક અંધકાર કરે છે (એમ કરતો) વ્યંતરને ત્રાસ પમાડતો, જ્યોતિષ્ક દેવોના જાણે બે ભાગ કરતો. આત્મરક્ષક દેવોને ભગાડતો, પરિઘરત્ન આકાશતલમાં ફેરવતો, શોભાવતો ઉત્કૃષ્ટ ગતિથી યાવત્ અસંખ્ય તિર્છાદ્વીપ સમુદ્રની વચ્ચોવચ્ચથી નીકળતો સૌધર્મકલ્પે, સૌધર્માવતંસક વિમાને, જ્યાં સુધર્માસભા છે ત્યાં આવી એક પગ પદ્મવર વેદિકામાં અને બીજો પગ સુધર્માસભામાં મૂક્યો. પરિઘરત્ન વડે મોટા મોટા અવાજ કરતા તેણે ઈન્દ્રકીલને ત્રણ વાર કુટ્યો, કુટીને (ચમરેન્દ્ર) આ પ્રમાણે બોલ્યો–
અરે! દેવેન્દ્ર દેવરાજ શક્ર ક્યાં છે? ક્યાં છે તે ૮૪,૦૦૦ સામાનિક દેવો? - યાવત્ - ક્યાં છે ૩,૬૦,૦૦૦ આત્મરક્ષક દેવો? ક્યાં છે તે કરોડો અપ્સરાઓ? આજે હણું છું, આજે વધ કરું છું, તે બધી અપ્સરાઓ જે મારા તાબે નથી, તે આજે તાબે થઈ જાઓ. એમ કરીને તેવા પ્રકારના અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમણામ, કઠોર વાણી કાઢે છે ત્યારે તે શક્રેન્દ્ર, તેવી અનિષ્ટ યાવત્ અમણામ્ પૂર્વે ન સાંભળેલી, કઠોર વાણી સાંભળીને, અવધારીને ક્રોધિત યાવત્ ગુસ્સાથી ધમધમતો, કપાળમાં ત્રણ વલી પડે તેમ ભવાં ચઢાવી, ચમરેન્દ્રને કહ્યું – હે, અરે, ચમરા! મરણની ઈચ્છાવાળા, યાવત્ હીન પુન્ય ચૌદશીયા! આજે તું નહીં રહે, હતો ન હતો થઈ જઈશ. તને સુખ નહીં થાય. એમ કરી ઉત્તમ સિંહાસનેથી વજ્ર લીધું.
તે ઝળહળતું, સ્ફુટતું, તડતડાટ કરતું, હજારો ઉલ્કાપાતને મૂકતું, હજારો જ્વાલાને છોડતું, હજારો અંગારાને ખેરવતું, અગ્નિના કણિઆ અને જ્વાલાઓની માળાથી ભમાવતું, આંખોને આંજી દેતુ, આગ કરતાં પણ વધુ તેજથી દીપતું, અતિ વેગવાળું, ફૂલેલા કેસુડા જેવું લાલ, મહાભયરૂપ, ભયંકર વજ્ર ચમરને હણવા મૂક્યું.
તે ઝળહળતા યાવત્ ભયંકર વજ્રને સામે આવતું જોઈ, તે અસુરેન્દ્ર, અસુરરાજ ચમર, આ શું? એવું વિચારે છે ‘મારે આવું શસ્ત્ર હોત તો’ એવી સ્પૃહા કરે છે, ફરી પણ સ્પૃહા કરે છે. એટલામાં તે મુગટથી ખરી ગયેલ છોગાવાળો, આલંબવાળા હાથના ઘરેણાવાળો, પગ ઊંચા અને માથુ નીચુ કરીને કાંખમાં પરસેવો ન વળ્યો હોય એમ પરસેવાને ઝરાવતો ઝરાવતો તે ચમર ઉત્કૃષ્ટ યાવત્ તિર્છા અસંખ્ય દ્વીપ-સમુદ્રોની વચ્ચોવચ્ચ જતા જતા જે તરફ જંબૂદ્વીપ છે યાવત્ જ્યાં ઉત્તમ અશોકનું વૃક્ષ છે તથા જ્યાં હું છું તે તરફ આવીને, બીધેલો, ભયથી ગર્ગર સ્વરે ભગવન્! ‘તમે મારું શરણ છો’ એમ બોલતો મારા બંને પગની વચ્ચે વેગથી પડ્યો.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit