Pramāṇa · Search · About · API

Viyahapannatti 32

Viyāhapannatti: ṭīkānusārī vivecana 32

Language
Gujarati

32

‘ભગવતી’ સૂત્ર-૧૯ થી ૨૧ :– [૧/૧/૧૯ થી ૨૧]
[૧૯] ભગવન્‌! (૧) નૈરયિકો જીવપ્રદેશથી ચલિત કર્મ બાંધે કે અચલિત કર્મને બાંધે?
ગૌતમ! અચલિત કર્મ બાંધે, ચલિત નહીં.
(૨) ભગવન્‌! નૈરયિકો જીવ પ્રદેશથી ચલિત કર્મને ઉદીરે કે અચલિત કર્મને ઉદીરે?
ગૌતમ! અચલિત કર્મ ઉદીરે, ચલિત નહીં.
એ પ્રમાણે – (૩) વેદન કરે, (૪) અપવર્તન કરે, (૫) સંક્રમણ કરે, (૬) નિધત્ત કરે છે, (૭) નિકાચિત કરે છે. એ સર્વે પદોમાં અચલિત કર્મ યોજવું. ચલિત નહીં.
(૮) ભગવન્‌! નૈરયિકો જીવ પ્રદેશથી ચલિત કર્મને નિર્જરે કે અચલિત કર્મને?
ગૌતમ! ચલિત કર્મ નિર્જરે, અચલિત નહીં.
[૨૦] ગાથા – બંધ, ઉદય, વેદન, અપવર્તન, સંક્રમણ, નિધત, નિકાચનને વિશે અચલિત કર્મ હોય, નિર્જરામાં ચલિત કર્મ હોય.
[૨૧] એ રીતે સ્થિતિ અને આહાર કહેવા. સ્થિતિ, સ્થિતિ પદ મુજબ કહેવી. સર્વે જીવોનો આહાર, પન્નવણાના આહારોદ્દેશક મુજબ કહેવો. ભગવન્‌! નૈરયિક આહારાર્થી છે? યાવત્‌ વારંવાર દુઃખપણે પરિણમે છે? ગૌતમ! - - - ત્યાં સુધી આ સૂત્ર કહેવા.
ભગવન્‌! અસુરકુમારોની સ્થિતિ કેટલો કાળ છે? જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ કાળ... ભગવન્‌! અસુરકુમારો કેટલે કાળે શ્વાસ લે છે અને મૂકે છે? ગૌતમ! જઘન્યથી સાત સ્તોકરૂપ અને ઉત્કૃષ્ટથી સાધિક એક પક્ષે શ્વાસ લે છે-મૂકે છે.
ભગવન્‌! અસુરકુમારો આહારાર્થી છે? - હા, આહારાર્થી છે. અસુરકુમારને કેટલા કાળે? આહારેચ્છા થાય છે? - ગૌતમ! અસુરકુમારને આહાર બે ભેદે છે - આભોગનિર્વર્તિત, અનાભોગ નિર્વર્તિત. તેમાં અનાભોગ નિર્વર્તિત આહારેચ્છા અવિરહિતપણે નિરંતર થાય છે. આભોગનિર્વર્તિત આહારેચ્છા જઘન્યથી ચતુર્થભક્તે અને ઉત્કૃષ્ટથી સાતિરેક ૧૦૦૦ વર્ષ પછી થાય છે.
ભગવન્‌! અસુરકુમાર શેનો આહાર કરે છે? ગૌતમ! દ્રવ્ય થકી અનંતપ્રદેશિક દ્રવ્યોનો, ક્ષેત્ર-કાળ-ભાવ સંબંધે પ્રજ્ઞાપનાના ગમ વડે પૂર્વવત્‌ જાણવું. બાકી બધું નૈરયિકો માફક જાણવું. યાવત્‌ - ભગવન્‌! અસુરકુમારોએ આહારેલ પુદ્ગલ કેવા રૂપે વારંવાર પરિણમે? ગૌતમ! શ્રોત્રેન્દ્રિય-સુરૂપ-સુવર્ણાદિ-૪-ઈષ્ટ-ઈચ્છિત અને મનોહરપણે તથા ઉર્ધ્વપણે-અધોપણે નહીં, સુખપણે-દુઃખપણે નહીં તેમ પરિણમે.
અસુરકુમારને પૂર્વાહારિત પુદ્ગલો પરિણમ્યા? - અસુરકુમાર અભિલાપથી બધું નૈરયિકોની જેમ કહેવું યાવત્‌ અચલિત કર્મ ન નિર્જરે.
નાગકુમારોને કેટલા કાળની સ્થિતિ કહી છે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન બે પલ્યોપમ... નાગકુમારો કેટલે કાળે શ્વાસ લે છે અને મૂકે છે? ગૌતમ! જઘન્યથી સાત સ્તોકે, ઉત્કૃષ્ટ થકી મુહૂર્ત્ત પૃથક્ત્વે... નાગકુમારો આહારાર્થી છે? હા, આહારાર્થી છે.
નાગકુમારોને કેટલા કાળે આહારેચ્છા થાય? ગૌતમ! તેઓને બે પ્રકારનો આહાર કહ્યો છે. આભોગ નિર્વર્તિત, અનાભોગ નિર્વર્તિત. તેમાં અનાભોગ નિર્વર્તિત આહારેચ્છા નિરંતર થાય છે. આભોગ નિર્વર્તિત આહારેચ્છા જઘન્યથી ચોથભક્તે, ઉત્કૃષ્ટથી દિવસ પૃથક્ત્વે થાય છે. શેષ સર્વે અસુરકુમાર મુજબ યાવત્‌ અચલિતકર્મને નિર્જરતા નથી. એ રીતે સુવર્ણકુમારોને યાવત્‌ સ્તનિતકુમારોને પણ જાણવા.
હે ભગવન્‌! પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલો કાળ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષની છે.. પૃથ્વીકાયિકો કેટલે કાળે શ્વાસ લે છે? તેઓ વિવિધ કાળે શ્વાસ લે છે. પૃથ્વીકાયિકો આહારાર્થી છે? હા, આહારાર્થી છે. પૃથ્વીકાયિકોને કેટલે કાળે આહારેચ્છા થાય? તેઓને નિરંતર આહારેચ્છા રહે.
ભગવન્‌! પૃથ્વીકાયિકો શેનો આહાર કરે છે? ગૌતમ! દ્રવ્ય થકી નૈરયિકની માફક યાવત્‌ વ્યાઘાત ન હોય તો છ એ દિશામાંથી આહાર કરે છે. વ્યાઘાત હોય તો ત્રણ-ચાર કે પાંચ દિશામાંથી કરે. વર્ણથી કાળા-નીલા-પીળા-લાલ-હળદર જેવા અને શુક્લ દ્રવ્યનો આહાર કરે છે. ગંધથી સુગંધી-દુર્ગંધી, રસથી બધા રસ, સ્પર્શથી આઠે સ્પર્શવાળાનો આહાર કરે છે. બાકી બધું પૂર્વવત્‌ જાણવું.
હે ભગવન્‌! તેઓ કેટલો ભાગ આહારે છે? કેટલો ભાગ આસ્વાદે છે? ગૌતમ! અસંખ્યાત ભાગ આહારે, અનંતભાગ ચાખે યાવત્‌ તે પુદ્ગલો કેવે રૂપે વારંવાર પરિણમે? ગૌતમ! સ્પર્શેન્દ્રિય વિવિધ પ્રકારે પરિણમે, બાકી નૈરયિક માફક જાણવું. યાવત્‌ અચલિત કર્મને નિર્જરતા નથી. એ રીતે યાવત્‌ વનસ્પતિકાયિક જાણવું. વિશેષ એ કે જેની જેવી સ્થિતિ હોય તે કહેવી. ઉચ્છ્‌વાસ વિમાત્રાએ છે.
બેઈન્દ્રિયોની સ્થિતિ કહી, ઉચ્છ્‌વાસ વિમાત્રાએ કહેવો.
બેઈન્દ્રિયોના આહાર વિષયક પ્રશ્ન - ગૌતમ! અનાભોગ નિર્વર્તિત આહાર પૂર્વવત્‌ જાણવો. આભોગ નિર્વર્તિત આહારની ઈચ્છા વિમાત્રાએ અસંખ્યેય સામયિક અંતર્મુહૂર્ત્તે થાય છે. બાકી બધું પૂર્વવત્‌ યાવત્‌ અનંત ભાગને આસ્વાદે છે. - - -
હે ભગવન્‌! બેઈન્દ્રિય આહારપણે જે પુદ્ગલો ગ્રહણ કરે તે શું સર્વેને આહારે કે સર્વને ન આહારે? હે ગૌતમ! બેઈન્દ્રિયોનો આહાર બે રીતે - લોમાહાર અને પ્રક્ષેપાહાર. તેમાં જે પુદ્ગલોનો લોમાહારપણે ગ્રહણ કરે છે, તે બધાં સંપૂર્ણપણે ખાય છે. જે પ્રક્ષેપાહારપણે પુદ્ગલો લેવાય છે તેમાંનો અસંખ્યાત ભાગ ખાવામાં આવે છે, બીજા અનેક હજાર ભાગો ચખાયા અને સ્પર્શાયા વિના જ નાશ પામે છે.
હે ભગવન્‌! તે ન ચખાયેલા, ન સ્પર્શાયેલા પુદ્ગલોમાં કયા કયા પુદ્ગલો અલ્પ, બહુ, તુલ્ય અને વિશેષાધિક છે? ગૌતમ! ન ચખાયેલા પુદ્ગલો થોડા છે અને ન સ્પર્શાયેલા અનંતગુણ છે.
ભગવન્‌! બેઈન્દ્રિયો જે પુદ્ગલોને આહારપણે લે છે, તે પુદ્ગલો કેવે રૂપે વારંવાર પરિણમે છે? ગૌતમ! તે પુદ્ગલો વિવિધ પ્રકારે જિહ્વેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયપણે વારંવાર પરિણમે છે.
હે ભગવન્‌! બેઈન્દ્રિય જીવોને પૂર્વે આહારેલા પુદ્ગલો પરિણમ્યા? હે ગૌતમ! એ બધું પૂર્વવત્‌ કહેવું યાવત્‌ ચલિતકર્મને નિર્જરે છે.
ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળાની સ્થિતિમાં ભેદ છે યાવત્‌ અનેક હજાર ભાગો સુંઘાયા, ચખાયા અને સ્પર્શાયા વિના જ નાશ પામે છે.
ભગવન્‌! એ ન સુંઘાયેલા, ન ચખાયેલા, ન સ્પર્શાયેલા પુદ્ગલોમાં કયા કોનાથી થોડા, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ન સુંઘાયેલા પુદ્ગલો છે, તેથી અનંતગુણ ન આસ્વાદેલા, તેથી અનંતગુણ ન સ્પર્શાયેલા પુદ્ગલો છે.
ત્રણ ઈન્દ્રિયવાળાએ ખાધેલ આહાર ઘ્રાણ-જીભ-સ્પર્શ ઈન્દ્રિયપણે વારંવાર પરિણમે છે. ચઉરિન્દ્રિયોએ ખાધેલો આહાર ઘ્રાણ-જીભ-સ્પર્શ-ચક્ષુ ઈન્દ્રિયપણે વારંવાર પરિણમે છે.
પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની સ્થિતિ કહીને તેનો ઉચ્છ્‌વાસ વિમાત્રાએ કહેવો. અનાભોગ નિર્વર્તિત આહાર તેમને પ્રતિસમય અવિરહિત હોય છે. આભોગ નિર્વર્તિત આહાર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી છઠ્ઠ ભક્તે હોય છે. બાકી બધું ચતુરિન્દ્રિય માફક જાણવું યાવત્‌ ચલિત કર્મને નિર્જરે છે. એ રીતે મનુષ્યો સંબંધે વિશે જાણવું. વિશેષ આ –
તેઓને આભોગ નિર્વર્તિત આહાર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી અટ્ઠમ ભક્તે હોય છે. તે આહાર શ્રોત્રેન્દ્રિયાદિપણે વિવિધ પ્રકારે વારંવાર પરિણમે છે. બાકી બધું ચતુરિન્દ્રિય માફક જાણવું યાવત્‌ નિર્જરે છે.
વાણવ્યંતરોની સ્થિતિમાં ભેદ છે. બાકી બધું નાગકુમારોની જેમ જાણવું.
એ રીતે જ્યોતિષ્કોને જાણવા. વિશેષ આ – ઉચ્છ્‌વાસ જઘન્યથી મુહૂર્ત્ત પૃથક્ત્વ અને ઉત્કૃષ્ટથી પણ મુહૂર્ત્ત પૃથક્ત્વ છે. આહાર જઘન્યથી દિવસ પૃથક્ત્વ અને ઉત્કૃષ્ટથી પણ દિવસ પૃથક્ત્વ. બાકી પૂર્વવત્‌.
વૈમાનિકોની સ્થિતિ ઔઘિક કહેવી. ઉચ્છ્‌વાસ જઘન્યે મુહૂર્ત્તપૃથક્ત્વ, ઉત્કૃષ્ટથી ૩૩-પક્ષે. આહાર આભોગ નિર્વર્તિત જઘન્યથી દિવસ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટથી ૩૩,૦૦૦ વર્ષે. બાકી બધું પૂર્વવત્‌ યાવત્‌ નિર્જરાવે છે.

Linked texts (1)