Pramāṇa · Search · About · API

Viyahapannatti 325

Viyāhapannatti: ṭīkānusārī vivecana 325

Language
Gujarati

325

વિવેચન :–૨૧૨ થી ૨૧૪
તારૂવત્તાએ - તે રૂપપણે, નીલલેશ્યાના સ્વભાવે, આ જ વાતને કહે છે – નીલલેશ્યાની જેવા વર્ણપણે, તે તદ્વર્ણા. તેના ભાવપણે તે તદ્વર્ણતયા. ‘એ પ્રમાણે ચોથો ઉદ્દેશો’ આદિ વચનથી આમ સમજવું – તે ગંધ-રસ-સ્પર્શપણે વારંવાર પરિણમે? હા, ગૌતમ! કૃષ્ણલેશ્યા, નીલ લેશ્યાને પામીને તે રૂપ-વર્ણ આદિપણે વારંવાર પરિણમે છે. તાત્પર્ય એ છે કે – જ્યારે કૃષ્ણલેશ્યા પરિણત જીવ નીલલેશ્યા યોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરીને કાળ કરે ત્યારે નીલલેશ્યા પરિણત ઉપજે છે.- X -કારણ જ કાર્ય થઈ જાય છે. ‘કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા પામીને’ એ રીતે ઉપચારથી ભેદ કહ્યો છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામી તેના રૂપ, વર્ણાદિપણે વારંવાર પરિણમે એમ કેમ કહ્યું?
ગૌતમ! જેમ દૂધ, છાશને પામીને અથવા શુદ્ધ વસ્ત્ર રંગના સંયોગથી તે રૂપ, વર્ણાદિપણે વારંવાર પરિણમે છે, તેમ અહીં પણ જાણવું. આ જ આલાવાથી નીલલેશ્યા કાપોતને, કાપોત તૈજસને, તૈજસ પદ્મને, પદ્મ શુક્લને પામીને તે-તે રૂપત્વાદિથી પરિણમે છે, તેમ કહેવું.
આ ઉદ્દેશો ક્યાં સુધી કહેવો? ‘પરિણામ’ દ્વારગાથાની સમાપ્તિ સુધી. તેમાં પરિણામ કહ્યા. વર્ણ-કૃષ્ણાદિ લેશ્યાના વર્ણો કહેવા. તે આ રીતે – ભગવન્‌! કૃષ્ણલેશ્યા કેવા વર્ણની છે? આદિ. તે કાળી મેઘ આદિ જેવી છે. નીલલેશ્યા ભ્રમરાદિ જેવી લીલી, કાપોત લેશ્યા ખેરસારાદિ જેવી કાપોતી, તૈજસીલેશ્યા સસલાના લોહી જેવી લાલ, પદ્મલેશ્યા ચંપકાદિ જેવી પીળી, શુક્લલેશ્યા શંખાદિ જેવી સફેદ છે.
લેશ્યાનો રસ કહેવો – કૃષ્ણા લીમડા જેવી કડવી, નીલલેશ્યા સુંઠ જેવી તીખી, કાપોતી કાચા બોર જેવી કષાયરસવાળી, તેજોલેશ્યા પાકી કેરી જેવી ખટમીઠી, પદ્મલેશ્યા ચંદ્રપ્રભાદિ મદ્ય જેવી તીખી-કષાયેલી-મધુર, શુક્લલેશ્યા ગોળ વગેરે જેવી મધુરરસવાળી છે.
લેશ્યાની ગંધ કહેવી. પહેલી ત્રણ દુર્ગન્ધી, પછી ત્રણ સુગંધી. -શુદ્ધ - છેલ્લી શુદ્ધ છે, આદ્ય પાંચ અશુદ્ધ છે. -પહેલી પાંચ અપ્રશસ્ત છે, છેલ્લી પ્રશસ્ત છે. આદિ પાંચ સંક્લિષ્ટ છે, છેલ્લી અસંક્લિષ્ટ છે. - છેલ્લી લેશ્યા ઉષ્ણ અને સ્નિગ્ધ છે. પહેલી પાંચ શીત અને રૂક્ષ છે. - પહેલી ત્રણ દુર્ગતિનું અને છેલ્લી ત્રણ સુગતિનું કારણ છે.
પરિણામ - લેશ્યાના પરિણામ કેટલાં પ્રકારે છે? ત્રણ પ્રકારે – જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. અથવા ઉત્પાતાદિ. -લેશ્યાનાં પ્રદેશ કહેવા -પ્રત્યેક લેશ્યા અનંત પ્રદેશિકા છે. -આ લેશ્યાઓ અસંખ્ય પ્રદેશ અવગાઢ છે -કૃષ્ણાદિ લેશ્યા યોગ્ય દ્રવ્ય વર્ગણા, ઔદારિક વર્ગણાની માફક અનંત છે. -તરતમતાને લીધે વિચિત્ર અધ્ય-વસાયનાં કારણરૂપ કૃષ્ણ આદિ દ્રવ્યના સમૂહરૂપે અસંખ્ય છે. કેમકે અધ્યવસાયના સ્થાનો પણ અસંખ્ય છે.
લેશ્યાનું અલ્પબહુત્વ આ રીતે – ભગવન્‌! આ કૃષ્ણલેશ્યાના યાવત્‌ શુક્લલેશ્યાના સ્થાનોમાં જઘન્ય સ્થાનો દ્રવ્યાર્થપણે કયા કોનાથી ઓછા, વધુ, સરખાં કે વિશેષાધિક છે? ગૌતમ! સર્વથી ઓછા જઘન્ય સ્થાનો દ્રવ્યાર્થપણે કાપોતલેશ્યાના છે. દ્રવ્યાર્થપણે જઘન્ય સ્થાનો નીલલેશ્યાનાં અસંખ્યગણાં છે. દ્રવ્યાર્થપણે કૃષ્ણ લેશ્યાનાં જઘન્યસ્થાનો અસંખ્યગણાં છે. દ્રવ્યાર્થપણે તેજોલેશ્યાનાં જઘન્યસ્થાનો અસંખ્યગણાં છે, દ્રવ્યાર્થપણે પદ્મલેશ્યાનાં જઘન્ય સ્થાનો અસંખ્યગણાં છે. દ્રવ્યાર્થપણે શુક્લલેશ્યાનાં જઘન્યસ્થાનો અસંખ્યગણાં છે ઈત્યાદિ.

Linked texts (1)