Pramāṇa · Search · About · API

Viyahapannatti 69

Viyāhapannatti: ṭīkānusārī vivecana 69

Language
Gujarati

69

વિવેચન :–૪૦
અંગુલિ આદિનું અંગુલિ આદિ ભાવથી હોવું તે અસ્તિત્વ. કહ્યું છે – સર્વ વસ્તુ સ્વરૂપે છે અને પર રૂપે નથી અન્યથા સર્વે ભાવોના એકત્વનો પ્રસંગ આવે. તે અહીં ઋજુત્વ આદિ પર્યાયરૂપે જાણવું. કેમ કે અંગુલિ આદિ દ્રવ્યનું અસ્તિત્વ ઋજુત્વાદિ પર્યાય થકી અભિન્ન છે. અંગુલિ આદિનું અંગુલિ આદિ ભાવથી સત્ત્વ એટલે વક્રત્વાદિ પર્યાયપણે પરિણમે છે. અર્થાત્‌ દ્રવ્યની બીજા પ્રકારે સત્તા પ્રકારાંતર સત્તામાં વર્તે છે. જેમ માટી રૂપ દ્રવ્યની સત્તા પિંડ પ્રકારમાંથી ઘડા રૂપે વર્તે છે. - - નાસ્તિત્વ૦
અંગુલિની અપેક્ષાએ અંગુષ્ઠપણું તે નાસ્તિત્વ, પછી તે અંગુલિ આદિનું નાસ્તિત્વ અંગુષ્ઠાદિ અસ્તિત્વરૂપે અને અંગુલિ આદિનું નાસ્તિત્વ અંગુષ્ઠાદિના પર્યાયાંતરથી અસ્તિત્વરૂપે પરિણમે છે. જેમકે માટીનું નાસ્તિત્વ તંતુ આદિ રૂપે છે અને તે માટીના નાસ્તિત્વરૂપ પટમાં હોય છે - X - અથવા -
સત્‌ વસ્તુ સત્‌ રૂપે પરિણમે છે, તે સત્‌ જ હોય છે. પણ સત્‌ વસ્તુ સર્વથા નાશ પામતી નથી. કેમ કે વિનાશ એટલે માત્ર પર્યાયાન્તરપણું જેમ દીવાનો નાશ થતા અંધકારાદિ રૂપથી તે પરિણમે છે. અત્યંત અભાવરૂપ નાસ્તિત્વ તે ‘ગધેડાની શીંગ’ આદિની જેમ છે. તેમાં નાસ્તિત્વ એટલે અત્યંત અભાવ થાય. - X - X - અથવા ધર્મી સાથે અભેદ છે માટે અસ્તિત્વ - સત્‌, જે સત્‌ છે તે સત્‌ રૂપ ધર્મમાં હોય છે. જેમ પટ પટત્વમાં જ છે. નાસ્તિત્વ એટલે અસત્‌. જેમ અપટ અપટત્વમાં છે.
હવે પરિણામ હેતુ દર્શાવવાને માટે કહે છે – પર્યાય પર્યાયાંતરને પામે છે, બીજા પદાર્થનો પર્યાય ઈતર પર્યાયને પામે છે. પ્રયોગ - જીવના વ્યાપારથી, વિશ્રસા - ઘડપણના પર્યાયરૂપે રૂઢ છે પણ અહીં તેનો અર્થ સ્વભાવ કરવો. તે અસ્તિત્વ આદિ પરિણામ પ્રયોગ વડે થાય છે. જેમ - કુંભારની ક્રિયાથી માટીનો પિંડ ઘડારૂપે પરિણમે છે. આંગળી સીધીમાંથી વાંકી થાય છે અને વિસ્રસા - ધોળું વાદળ અન્યરૂપે પરિણમે છે.
નાસ્તિત્વ પરિણામમાં પણ પ્રયોગ અને વિસ્રસાના ઉદાહરણો કહેવા. પણ તે બીજી વસ્તુની અપેક્ષાએ સમજવા. - X - ‘સત્‌’ સત્‌રૂપ જ હોય છે, વ્યાખ્યાંતરમાં પણ આ જ ઉદાહરણો સમજવા. કેમ કે પૂર્વ અને ઉત્તર અવસ્થા સદ્રૂપ છે. વળી જે ‘અભાવરૂપ હોય તે અભાવરૂપ જ રહે છે’ એમ જે કહ્યું, તે પક્ષમાં પ્રયોગ અને વિસ્રસાથી અભાવ અભાવ જ રહે. પણ પ્રયોગાદિનું સાફલ્ય ન કહેવું. ઉક્ત બંને હેતુ બંને સ્થાને સમાન અને ભગવંતને સ્વીકાર્ય છે, તે દર્શાવતા કહે છે –
યથા - પ્રયોગ, વિસ્રસાથી તમારા મતમાં અથવા સામાન્ય થકી અસ્તિત્વ નાસ્તિત્વ પરિણામ પ્રયોગ-વિસ્રસાજન્ય કહ્યા. પણ સામાન્યનો વિધિ બધે સ્થાને સરખો હોય તેવો નિયમ નથી. ઊલટો પણ હોય. અતિશયવાન્‌ ભગવંતને આશ્રીને તે પરિણામ અન્યથાત્વ હોય તેવી આશંકાથી સૂત્રમાં પ્રશ્ન કર્યો છે. - X -
હવે ઉક્ત સ્વરૂપના અર્થની સત્યત્વથી પ્રજ્ઞાપનીયતા દર્શાવવા કહે છે – સત્‌ વસ્તુ સત્તપણે જ કહેવી જોઈએ. તેના બે આલાપક જાણવા. પરિણામ ભેદ અભિધાનથી પ્રયોગથી અને વિસ્રસાથી. તે એક આલાવો અને બીજો અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય. - X - આ રીતે વસ્તુ પ્રજ્ઞાપના વિષયમાં સમભાવતા કહીને હવે શિષ્યના વિષયમાં તે દર્શાવતા કહે છે.

Linked texts (1)