Pramāṇa · Search · About · API

Viyahapannatti 734

Viyāhapannatti: ṭīkānusārī vivecana 734

Language
Gujarati

734

‘ભગવતી’ સૂત્ર-૪૮૮, ૪૮૯ :– [૧૦/૫/૪૮૮, ૪૮૯]
[૪૮૮] તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર, ગુણશીલ ચૈત્ય હતું યાવત્‌ પર્ષદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના ઘણાં અંતેવાસી સ્થવિર ભગવંતો જાતિસંપન્ન હતા. આઠમાં શતકના સાતમાં ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે યાવત્‌ વિચરતા હતા.
ત્યારે તે સ્થવિર ભગવંતોને શ્રદ્ધા યાવત્‌ શંકા જન્મી. ગૌતમસ્વામીની જેમ યાવત્‌ પર્યુપાસતા (ભગવંતને) આ પ્રમાણે પૂછ્યું –
ભગવન્‌! અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરને કેટલી અગ્રમહિષી છે? હે આર્યો! પાંચ. – કાલી, રાજી, રજની, વિદ્યુત, મેધા. તેમાં એક એક અગ્રમહિષીને આઠ-આઠ હજાર દેવીઓનો પરિવાર વિકુર્વવા સમર્થ છે. એ પ્રમાણે બધી મળીને ૪૦ હજાર દેવીઓ છે, આ એક વર્ગ થયો.
ભગવન્‌! અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમર, ચમરચંચા રાજધાનીમાં સુધર્માસભામાં ચમર સિંહાસન ઉપર બેસીને તે વર્ગ સાથે દિવ્ય ભોગો ભોગવવાને સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી.
ભગવન્‌! એમ કેમ કહો છો - X -? હે આર્યો! અસુરેન્દ્ર ચમરની ચમરચંચા રાજધાનીમાં સુધર્માસભામાં માણવક ચૈત્યસ્તંભમાં વજ્રમય ગોળ-વૃત્ત ડબ્બામાં જિનેશ્વરના ઘણાં અસ્થિઓ રાખેલા છે. જો કે અસુરેન્દ્ર ચમર, બીજા ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓને માટે અર્ચનીય, વંદનીય, નમસ્કારણીય, પૂજનીય, સત્કારણીય, સન્મા-નનીય, કલ્યાણ-મંગલ-ચૈત્ય-દેવરૂપ-પર્યુપાસનીય છે. જિનઅસ્થિના પ્રણિધાનમાં (યાવત્‌-ભોગ ભોગવવા) સમર્થ નથી, તેથી હે આર્યો! એમ કહ્યું કે અસુરેન્દ્ર ચમર યાવત્‌ ચમરચંચામાં યાવત્‌ સમર્થ નથી.
પણ હે આર્યો! અસુરેન્દ્ર ચમર, ચમરચંચા રાજધાનીની સુધર્માસભામાં ચમરસિંહાસને બેસીને ૬૪૦૦૦ સામાનિક દેવો, ત્રાયસ્ત્રિંશક દેવો યાવત્‌ બીજા ઘણાં અસુરકુમાર દેવ-દેવી સાથે પરિવરીને મહાનિનાદની સાથે યાવત્‌ ભોગ ભોગવતા વિચરવા સમર્થ છે. કેવળ પરિવાર ઋદ્ધિનો ઉપભોગ કરી શકે, પણ મૈથુનનિમિત્તક ભોગ ભોગવી ન શકે.
[૪૮૯] ભગવન્‌! અસુરેન્દ્ર, અસુરકુમાર રાજ ચમરના સોમ લોકપાલની કેટલી અગ્રમહિષીઓ કહી છે? હે આર્યો! ચાર. તે આ - કનકા, કનકલતા, ચિત્રગુપ્તા, વસુંધરા. તે પ્રત્યેક દેવીનો એક એક હજારનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી, બીજી એક-એક હજાર દેવીના પરિવારને વિકુર્વવા સમર્થ છે. આ પ્રમાણે પૂર્વા-પર થઈને ૪૦૦૦ દેવી થાય. તે એક વર્ગ થયો.
ભગવન્‌! અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો સોમ લોકપાલ સોમા રાજધાનીમાં સુધર્માસભામાં સોમ સિંહાસને બેસીને આ દેવીવર્ગ સાથે ભોગ ભોગવવા સમર્થ છે? બાકીનું ચમરની જેમ જાણવું. વિશેષ આ - પરિવાર સૂર્યાભદેવની જેમ જાણવો. યાવત્‌ મૈથુનનિમિત્તક ભોગ ન ભોગવી શકે.
ભગવન્‌! ચમરેન્દ્રના યમ લોકપાલને કેટલી અગ્રમહિષી છે? પૂર્વવત્‌. વિશેષ - રાજધાની યમા જાણવી. બાકીનું બધું સોમ લોકપાલ મુજબ છે. એ પ્રમાણે વરુણનું પણ જાણવું. રાજધાની વરુણા કહેવી. એ પ્રમાણે વૈશ્રમણને પણ જાણવો. રાજધાની વૈશ્રમણા કહેવી. બાકી બધું પૂર્વવત્‌. યાવત્‌ મૈથુન નિમિત્ત ભોગ ન ભોગવે.
ભગવન્‌! વૈરોચનેન્દ્ર બલીની પૃચ્છા. હે આર્યો! પાંચ અગ્રમહિષીઓ છે. તે આ – શુંભા, નિશુંભા, રંભા, નિરંભા, મદના. તેમાં પ્રત્યેક દેવીનો ૮-૮ હજાર દેવીનો પરિવાર છે. બાકી ચમર મુજબ. વિશેષ આ – રાજધાની બલિચંચા છે. પરિવાર વર્ણન ‘મોક’ ઉદ્દેશક માફક જાણવું. બાકી પૂર્વવત્‌. યાવત્‌ મૈથુન નિમિત્તક ભોગ ન ભોગવે.
ભગવન્‌! બલીન્દ્રના સોમલોકપાલની કેટલી અગ્રમહિષીઓ છે? હે આર્યો! ચાર. – મેનકા, સુભદ્રા, વિજયા, અશની. તેમાં પ્રત્યેક દેવીનો પરિવાર આદિ, ચમરેન્દ્રના સોમ લોકપાલની જેમ જાણવો. એ પ્રમાણે વૈશ્રમણ સુધી કહેવું.
ભગવન્‌! નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજ ધરણને કેટલી અગ્રમહિષીઓ છે? હે આર્યો! છ. – ઈલા, શુક્રા, સતારા, સૌદામિની, ઈન્દ્રા, ઘનવિદ્યુત્‌. તે પ્રત્યેક દેવીનો છ-છ હજાર દેવીનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી બીજી છ-છ હજાર દેવીના પરિવારને વિકુર્વવા સમર્થ છે. એ પ્રમાણે પૂર્વા-પરથી ૩૬,૦૦૦ દેવી થઈ. તે આ દેવી વર્ગ છે. ભગવન્‌! ધરણ, સમર્થ છે? પૂર્વવત્‌. વિશેષ આ – ધરણા રાજધાનીમાં ધરણ સિંહાસન ઉપર સ્વપરિવાર ઈત્યાદિ, બધું પૂર્વવત્‌ જાણવું.
ભગવન્‌! નાગકુમારેન્દ્ર ધરણના કાલપાલ લોકપાલને કેટલી અગ્રમહિષીઓ છે? હે આર્યો! ચાર. – અશોકા, વિમલા, સુપ્રભા, સુદર્શના. તે પ્રત્યેકને ઈત્યાદિ ચમરેન્દ્રના લોકપાલ માફક કહેવું એ પ્રમાણે બાકીના ત્રણ લોકપાલ માટે પણ જાણવું.
ભગવન્‌! ભૂતાનંદની પૃચ્છા. હે આર્યો! છ અગ્રમહિષી છે – રૂપા, રૂપાંશા, સુરૂપા, રૂપકાવતી, રૂપકાંતા, રૂપપ્રભા. તે પ્રત્યેક દેવીનો ઈત્યાદિ ધરણેન્દ્ર માફક જાણવું. - - ભગવન્‌! ભૂતાનંદના નાગવિત્ત લોકપાલ વિશે પૃચ્છા. હે આર્યો! ચાર અગ્રમહિષી છે – સુનંદા, સુભદ્રા, સુજાતા, સુમના. તેમાં પ્રત્યેક દેવીનો પરિવારાદિ ચમરના લોકપાલની માફક કહેવું. એ પ્રમાણે બાકીના ત્રણ લોકપાલમાં પણ જાણવું.
જે દક્ષિણ દિશાવર્તી ઈન્દ્રો છે, તેનું કથન ધરણેન્દ્ર સમાન, લોકપાલોનું કથન પણ ધરણેન્દ્રના લોક-પાલની જેમ છે. ઉત્તરના ઈન્દ્રોનું કથન ભૂતાનંદ માફક, તેના લોકપાલો, ભૂતાનંદના લોકપાલવત્‌ છે. વિશેષ આ – બધાં ઈન્દ્રોની રાજધાનીઓ, સિંહાસનોના નામ ઈન્દ્રના નામની સદૃશ જાણવા. પરિવાર ત્રીજા શતકના પહેલાં ઉદ્દેશવત્‌ છે. બધાંના લોકપાલોની રાજધાની, સિંહાસન લોકપાલના નામ મુજબ જાણવા, પરિવાર ચમરના લોકપાલ કાલની માફક જાણવો.
ભગવન્‌! પિશાચેન્દ્ર પિશાચરાજ કાલની કેટલી અગ્રમહિષી છે? હે આર્યો! ૪. તે આ–કમલા, કમલપ્રભા, ઉત્પલા, સુદર્શના. તેમાં પ્રત્યેક દેવીનો એક-એક હજાર દેવીનો પરિવાર છે. બાકીનું ચમરના લોકપાલ માફક જાણવું. પરિવાર તેમજ છે. વિશેષ આ- કાલા રાજધાનીના કાલ સિંહાસન બાકી પૂર્વવત્‌. મહાકાળ પણ તેમજ છે
ભગવન્‌! ભૂતેન્દ્ર ભૂતરાજ સુરૂપની કેટલી અગ્રમહિષી છે? હે આર્યો! ચાર. – રૂપવતી, બહુરૂપા, સુરૂપા, સુભગા. તે પ્રત્યેકની દેવી ઈત્યાદિ બધું કાલની માફક જાણવું. એ રીતે પ્રતિરૂપની છે.
ભગવન્‌! પૂર્ણભદ્ર યક્ષેન્દ્રની પૃચ્છા. હે આર્યો! ચાર અગ્રમહિષીઓ છે – પૂર્ણા, બહુપુત્રિકા, ઉત્તમા, તારકા. તેની દેવી ઈત્યાદિ બધું કાળની માફક જાણવું. એ પ્રમાણે માણિભદ્ર પણ જાણવા.
ભગવન્‌! રાક્ષસેન્દ્ર ભીમની પૃચ્છા. હે આર્યો! ચાર અગ્રમહિષીઓ છે. – પદ્મા, પદ્માવતી, કનકા, રત્નપ્રભા. તેને પ્રત્યેકને દેવી આદિ બધું ‘કાળ’ માફક જાણવું. એ પ્રમાણે મહાભીમને પણ કહેવો.
ભગવન્‌! કિન્નરની પૃચ્છા. હે આર્યો! ચાર અગ્રમહિષી છે. અવતંસા, કેતુમતી, રતિસેના, રતિપ્રિયા. બાકી પૂર્વવત્‌. કિંપુરુષને તેમજ છે.
ભગવન્‌! સત્પુરુષની પૃચ્છા. હે આર્યો! ચાર અગ્રમહિષી છે – રોહિણી, નવમિકા, હ્રી, પુષ્પવતી. તે પ્રત્યેકનો દેવી પરિવારાદિ પૂર્વવત્‌ છે એ પ્રમાણે મહાપુરુષની પણ જાણવી.
ભગવન્‌! અતિકાયની પૃચ્છા. હે આર્યો! ચાર અગ્રમહિષી છે – ભુજંગા, ભુજંગવતી, મહાકચ્છા, સ્ફૂટા. બાકી પૂર્વવત્‌. મહાકાય તેમજ છે.
ભગવન્‌! ગીતરતીની પૃચ્છા. હે આર્યો! ચાર અગ્રમહિષી છે – સુઘોષા, વિમલા, સુસ્વરા, સરસ્વતી. તેનો દેવી પરિવાર ઈત્યાદિ પૂર્વવત્‌. એ પ્રમાણે ગીતયશસ્‌ની પણ જાણવી. - - આ બધાં ‘કાળ’ માફક જાણવા. વિશેષ આ - રાજધાની, સિંહાસન સદૃશ નામવાળા જાણવા. બાકી પૂર્વવત્‌.
ભગવન્‌! જ્યોતિષેન્દ્ર જ્યોતિષ્‌રાજ ચંદ્રની પૃચ્છા. હે આર્યો! ચાર અગ્રમહિષી છે – ચંદ્રપ્રભા, જ્યોત્સ્નાભા, અર્ચિમાલી, પ્રભંકરા. એ પ્રમાણે જેમ જીવાભિગમમાં જ્યોતિષ્ક ઉદ્દેશામાં છે, તેમ કહેવું.
સૂર્યની પણ સૂર્યપ્રભા, આતપાભા, અર્ચિમાલી, પ્રભંકરા અગ્રમહિષી છે. બાકી પૂર્વવત્‌. યાવત્‌ મૈથુન-પ્રત્યયક ભોગ ભોગવી ન શકે.
ભગવન્‌! અંગાર મહાગ્રહની કેટલી અગ્રમહિષીઓ છે? હે આર્યો! ચાર. - વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. તે પ્રત્યેકની દેવી ઈત્યાદિ ચંદ્ર માફક જાણવું. વિશેષ આ - અંગારાવતંસક વિમાને અંગારક સિંહાસન છે. બાકી પૂર્વવત્‌. એ પ્રમાણે યાવત્‌ વિકાલક પણ જાણવો. એ રીતે ૮૮ મહાગ્રહો ભાવકેતુ સુધી કહેવા. વિશેષ આ - અવતંસક, સિંહાસનો સદૃશ નામવાળા છે. બાકી પૂર્વવત્‌.
ભગવન્‌! દેવેન્દ્ર દેવરાજ શક્રની પૃચ્છા. હે આર્યો! આઠ અગ્રમહિષીઓ છે – પદ્મા, શિવા, શ્રેયા, અંજૂ, અમલા, અપ્સરા, નવમિકા, રોહિણી. તે પ્રત્યેકને સોળ-સોળ હજારનો પરિવાર છે તે પ્રત્યેક દેવી બીજી ૧૬,૦૦૦ દેવીને વિકુર્વવા સમર્થ છે તે એક વર્ગ.
ભગવન્‌! દેવેન્દ્ર શક્ર સૌધર્મ કલ્પમાં - સૌધર્માવતંસક વિમાનમાં સુધર્માસભામાં શક્ર સિંહાસન દેવી વર્ગ સાથે (ભોગ ભોગવવા સમર્થ છે?) બાકી બધું ચમરવત્‌. વિશેષ આ - પરિવાર મોકા ઉદ્દેશ મુજબ છે.
ભગવન્‌! દેવેન્દ્ર દેવરાજ સોમ લોકપાલની કેટલી અગ્રમહિષીઓ છે? હે આર્યો! ચાર. – રોહિણી, મદના, ચિત્રા, સોમા.-X-બાકી બધું ચમરના લોકપાલ માફક જાણવું. વિશેષ આ - સ્વયંપ્રભ વિમાનમાં, સુધર્માસભામાં સોમ સિંહાસન ઉપર, બાકી પૂર્વવત્‌. એ પ્રમાણે યાવત્‌ વૈશ્રમણ. વિશેષ આ – વિમાનો, ત્રીજા શતક મુજબ.
ભગવન્‌! ઈશાનની પૃચ્છા. હે આર્યો! આઠ અગ્રમહિષી છે – કૃષ્ણા, કૃષ્ણરાજી, રામા, રામરક્ષિતા, વસૂ, વસુગુપ્તા, વસુમિત્રા, વસુંધરા. તે પ્રત્યેકની દેવી આદિ શક્ર માફક જાણવી.
ભગવન્‌! દેવેન્દ્ર ઈશાનના સોમ લોકપાલની કેટલી અગ્રમહિષીઓ છે? હે આર્યો! ચાર – પૃથ્વી, રાજી, રજની, વિદ્યુત્‌. - X - બાકી બધું શક્રના લોકપાલો મુજબ જાણવું. એ પ્રમાણે વરુણ પર્યન્ત જાણવું. વિશેષ આ - વિમાનો ચોથા શતક મુજબ કહેવા. બાકી બધું પૂર્વવત્‌. યાવત્‌ મૈથુનનિમિત્તક ભોગ ન ભોગવી શકે.
ભગવંત! તે એમજ છે, એમ જ છે.

Linked texts (1)