Pramāṇa · Search · About · API

Viyahapannatti 792

Viyāhapannatti: ṭīkānusārī vivecana 792

Language
Gujarati

792

‘ભગવતી’ સૂત્ર-૫૩૪ થી ૫૩૬ :– [૧૨/૨/૫૩૪ થી ૫૩૬]
[૫૩૪] તે કાળે, તે સમયે કૌશાંબીનગરી હતી, ચંદ્રાવતરણ ચૈત્ય હતું, તે કૌશાંબી નગરીમાં સહસ્રાનીક રાજાનો પૌત્ર, શતાનીક રાજાનો પુત્ર, ચેટક રાજાનો દોહિત્ર, મૃગાવતીદેવીનો પુત્ર, જયંતી શ્રાવિકાનો ભત્રીજો એવો ઉદાયન રાજા હતો.
તે કૌશાંબી નગરીમાં સહસ્રાનીક રાજાની પુત્રવધૂ શતાનીક રાજાની પત્ની, ચેટક રાજાની પુત્રી, ઉદાયન રાજાની માતા, જયંતી શ્રાવિકાની ભોજાઈ મૃગાવતી નામે રાણી હતી. તેણી સુકુમાલ યાવત્‌ સુરૂપા શ્રાવિકા હતી યાવત્‌ વિચરતી હતી.
તે કૌશાંબીમાં સહસ્રાનીક રાજાની પુત્રી, શતાનીક રાજાની બહેન, ઉદાયન રાજાની ફોઈ, મૃગાવતી રાણીની નણંદ, વૈશાલિક શ્રાવક, અરહંતની પૂર્વ શય્યાતરી જયંતી નામે શ્રાવિકા હતી. તેણી સુકુમાલ યાવત્‌ સુરૂપા, જીવાજીવની જ્ઞાતા યાવત્‌ હતી.
[૫૩૫] તે કાળે, તે સમયે સ્વામી સમોસર્યા યાવત્‌ પર્ષદા પર્યુપાસે છે. ત્યારે તે ઉદાયન રાજા આ વૃત્તાંત પ્રાપ્ત થતાં હર્ષિત, તુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો! જલ્દીથી કૌશાંબી નગરીને અંદર-બહારથી, એ રીતે જેમ કૂણિકમાં કહ્યું તેમ બધું કહેવું યાવત્‌ પર્યુપાસે છે. ત્યારે જયંતિ શ્રાવિકા આ વૃત્તાંત જાણીને હર્ષિત-સંતુષ્ટ થઈને મૃગાવતીદેવી પાસે આવે છે, આવીને મૃગાવતીને આમ કહ્યું – જેમ શતક-૯-માં ઋષભદત્ત યાવત્‌ થશે.
ત્યારે તે મૃગાવતી દેવીએ જયંતી શ્રાવિકાના વચનને એ જ રીતે સ્વીકાર્યા, જે રીતે દેવાનંદાએ સ્વીકારેલા. ત્યારે તે મૃગાવતી દેવીએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું – ઓ દેવાનુપ્રિયો! જલ્દી જેમાં વેગવાન્‌ ઘોડા જોડેલ હોય તેવો યાવત્‌ ધાર્મિક યાન પ્રવર જોડીને ઉપસ્થિત કરો યાવત્‌ આજ્ઞા પાછી સોંપી.
ત્યારે તે મૃગાવતી દેવી, જયંતી શ્રાવિકા સાથે, સ્નાન કરીને, બલિકર્મ કરીને યાવત્‌ શરીરે અલંકૃત્‌ થઈને, ઘણી કુબ્જાદાસી સાથે યાવત્‌ અંતઃપુરથી નીકળે છે, નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં ધાર્મિક શ્રેષ્ઠ યાન પાસે આવીને યાવત્‌ તેમાં બેઠી. ત્યારે મૃગાવતી દેવી, જયંતી શ્રાવિકા સાથે ધાર્મિક શ્રેષ્ઠ યાનમાં બેસીને પોતાના પરિવાર સાથે જેમ ‘ઋષભદત્ત’માં કહ્યું તેમ યાવત્‌ ધાર્મિકયાનથી નીચે ઉતરી.
ત્યારે તે મૃગાવતી દેવી, જયંતી શ્રાવિકા સાથે ઘણી કુબ્જાદાસી સાથે જેમ ‘દેવાનંદા’માં કહ્યું તેમ યાવત્‌ વાંદી, નમીને ઉદાયન રાજાને આગળ કરીને ત્યાં રહી અને યાવત્‌ પર્યુપાસે છે.
ત્યારે ભગવંત મહાવીર, રાજા ઉદાયન, રાણી મૃગાવતી, જયંતી શ્રાવિકા અને તે મોટી પર્ષદાને યાવત્‌ ધર્મ કહે છે, પર્ષદા પાછી ફરી, ઉદાયન પાછો ફર્યો, મૃગાવતીદેવી પણ પાછી ફરી.
[૫૩૬] ત્યારે તે જયંતી શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈને ભગવંતને વાંદી-નમીને આમ કહે છે – ભગવન્‌! જીવો કયા કારણે જલ્દી ગુરુત્વને પામે? હે જયંતી! પ્રાણાતિપાત યાવત્‌ મિથ્યાદર્શનશલ્યથી, એ રીતે જીવો ગુરુત્વને જલ્દી પામે, એ રીતે પ્રથમ શતક મુજબ યાવત્‌ પાર પામે છે.
ભગવન્‌! જીવોનું ભવસિદ્ધિકત્વ સ્વાભાવિક કે પારિણામિક? હે જયંતી! સ્વાભાવિક છે, પારિણામિક નથી. - ભગવન્‌! ભવસિદ્ધિક બધાં જીવો શું સિદ્ધ થશે? હા, જયંત! થશે.
ભગવન્‌! જ્યારે બધાં ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે, ત્યારે શું લોક ભવસિદ્ધિક રહિત થઈ જશે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્‌! કયા કારણથી એમ કહો છો કે બધાં ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે, ભવસિદ્ધિક રહિત લોક થશે નહીં? હે જયંતી! જે રીતે કોઈ સર્વાકાશ શ્રેણી હોય, જે અનાદિ, અનંત, પરિત્ત, પરિવૃત્ત હોય, તેમાંથી સમયે સમયે એક-એક પરમાણુ પુદ્ગલ ખંડ કાઢતા-કાઢતા અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી સુધી કાઢવામાં આવે તો પણ તે શ્રેણી ખાલી થતી નથી, તે પ્રમાણે હે જયંતી! બધાં ભવ્યો સિદ્ધ થશે ઈત્યાદિ. - X -
ભગવન્‌! જીવો સુતા સારા કે જાગતા સારા? હે જયંતી! કેટલાંક જીવો સુતા સારા, કેટલાંક જીવો જાગતાં સારા. ભગવન્‌! એમ કેમ કહો છો? હે જયંતી! જે આ જીવો અધાર્મિક, અધર્માનુગ, અધર્મિષ્ઠ, અધર્મકથી, અધર્મપ્રલોકી, અધર્મમાં આસક્ત, અધર્મ સમુદાચાર, અધર્મ વડે જ વૃત્તિને કરતા વિચરે છે, એવા જીવોનું સુતા રહેવું સારું છે, આવા જીવો સુતા રહીને, ઘણાં પ્રાણ-ભૂત-જીવ-સત્વોને દુઃખ, શોક યાવત્‌ પરિતાપ દેવામાં પ્રવૃત્ત થતાં નથી. આવા જીવો સુતા રહીને પોતાને, પરને, તદુભયને અધાર્મિક સંયોગોમાં ફસાવતા નથી, આવા જીવોનું સુતા રહેવું સારું.
હે જયંતી! જે આ જીવો ધાર્મિક, ધર્માનુગ યાવત્‌ ધર્મ વડે વૃત્તિ કરતા વિચરે છે, આ જીવોનું જાગવું સારું. આવા જીવો જાગતા રહીને ઘણાં પ્રાણો યાવત્‌ સત્વોને દુઃખ ન આપીને યાવત્‌ પરિતાપ ન આપીને વર્તે છે તે જીવો જાગતા રહીને પોતાને, બીજાને, તદુભયને ઘણાં ધાર્મિક સંજોગોમાં જોડનાર થાય છે. આવા જીવો જાગતા રહીને ધર્મ જાગરિકાથી પોતાને જાગૃત રાખનારા થાય છે. આવા જીવો જાગતા સારા, માટે હે જયંતી! એવું કહેલ કે કેટલાંક ઉંઘતા, કેટલાંક જાગતા સારા.
ભગવન્‌! જીવોમાં સબલત્વ સારું કે દુર્બલત્વ સારું? હે જયંતી! કેટલાંક જીવોનું સબલત્વ સારું, કેટલાંક જીવોનું દુર્બલત્વ સારું. ભગવન્‌! એમ કેમ કહો છો? જયંતી! જે આ અધાર્મિક જીવો યાવત્‌ વિચરે છે, એ જીવોનું દુર્બલત્વ સારું, અહીં સુતેલા જીવોની માફક દુર્બલત્વ વક્તવ્યતા કહેવી. સબલત્વને જાગતા જીવોની જેમ કહેવા યાવત્‌ જોડનારા થાય છે. આવા જીવોનું બલવાન્‌પણું સારું. તેથી જયંતી! એમ કહ્યું.
ભગવન્‌! દક્ષત્વ સારું કે આળસીત્વ સારું? જયંતી! કેટલાંક જીવોનું દક્ષત્વ સારું, કેટલાંક જીવોનું આળસીત્વ સારું. ભગવન્‌! એમ કેમ કહો છો? હે જયંતી! જે આ અધાર્મિક જીવો યાવત્‌ વિચરે છે, આ જીવોનું આળસુપણું સારું, આ જીવો આળસી થઈને, ઘણાં જીવોને જેમ સુતા જીવોમાં કહ્યું તેમ જાણવું, જેમ જાગતા જીવો તેમ દક્ષને કહેવા. યાવત્‌ સંયોગ કરનારા થાય. આ જીવો દક્ષત્વથી ઘણાં આચાર્યની વૈયાવચ્ચાદિ યાવત્‌ ઉપાધ્યાય-સ્થવિર-તપસ્વી-ગ્લાન-શૈક્ષ-કુલ-ગણ-સંઘ-સાધર્મિકોને વૈયાવચ્ચ વડે આત્માને જોડનારા થાય છે. આવા જીવોનું દક્ષત્વ સારું, તેથી એ પ્રમાણે કહેલું છે.
ભગવન્‌! શ્રોત્રેન્દ્રિયને વશ જીવો શું બાંધે? જેમ ક્રોધને વશમાં કહ્યું તેમ યાવત્‌ ભ્રમણ કરે છે. એ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયવશાર્ત્ત, એ પ્રમાણે યાવત્‌ સ્પર્શનેન્દ્રિયવશાર્ત્ત જીવો ભ્રમણ કરે છે. ત્યારે તે જયંતી શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અર્થને સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈ, બાકી દેવાનંદામાં જેમ કહ્યું તેમ જયંતી શ્રાવિકા પ્રવ્રજિત થઈ યાવત્‌ સર્વદુઃખથી મુક્ત થઈ. ભગવન્‌! તે એમ જ છે.

Linked texts (1)