Pramāṇa · Search · About · API

Vavahara 1

Vavahāra: ṭīkānusārī vivecana 1

Language
Gujarati

1

ભૂમિકા :– આ ભાગમાં કુલ-૫ આગમોનો સમાવેશ કરાયેલ છે. એ પાંચે છેદસૂત્રો છે– (૧) નિશીથ, (૨) બૃહત્કલ્પ, (૩) વ્યવહાર, (૪) દશાશ્રુત સ્કંધ, (૫) જીતકલ્પ. આગમ સૂત્રના ક્રમાંક ૩૪-થી ૩૮-માં આવતા આ સૂત્રોને પ્રાકૃતમાં અનુક્રમે નિસીહ, બુહત્કપ્પ, વવહાર, દસાસુયક્ખંધ, જીયકપ્પ કહેવામાં આવે છે.
નિશીથસૂત્ર ઉપર શ્રી સંઘદાસગણિનું ભાષ્ય, જિનદાસગણિ કૃત ચૂર્ણિ છે. બૃહત્કલ્પમાં પણ ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ છે. વ્યવહાર સૂત્ર ઉપર પણ ભાષ્ય અને વૃત્તિ છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિ, જિતકલ્પનું ભાષ્ય અને ચૂર્ણિ ઈત્યાદિ ટીકા સાહિત્ય ઉપલબ્ધ છે જ.
અમારા આ પ્રકાશનમાં ટીકા સહિત અનુવાદ લેવા માટે ઉક્ત સાહિત્ય અમે હાથ પણ ધરેલ હતું. પરંતુ અનેક પૂજ્યશ્રી આ છેદસૂત્ર વિષયક સટીક અનુવાદ પ્રગટ થાય તે માટે અસંમત હોવાથી અમે આ બધાં છેદસૂત્રોનો માત્ર મૂળથી જ અનુવાદ કરેલ છે.
મુખ્યતાએ પ્રાયશ્ચિત્ત ગ્રન્થો ગણાતા આ છેદસૂત્રોમાં – ‘‘નિશીથ’’માં સંયમમાર્ગે ચાલતા જે દોષો લાગે તેનું નિરૂપણ અને તે વિષયક પ્રાયશ્ચિત્ત છે. ‘‘બૃહત્કલ્પ’’માં કલ્પ્ય-અકલ્પ્ય બાબતોનું નિરૂપણ અને પ્રાયશ્ચિત્ત છે. ‘‘વ્યવહાર’’માં પણ સાધુ-સાધ્વી માટેના આચાર સંબંધો સ્પષ્ટ આદેશો અને પ્રાયશ્ચિત્ત કથનયુક્ત જ છે. ‘‘દશાશ્રુતસ્કંધ’’માં અસમાધિસ્થાન, શબલ દોષ આદિ વિવિધ વિષયો છે અને જીતકલ્પ એ ‘‘પંચકલ્પ’’ સૂત્રના સ્થાને સ્થાપિત આગમ છે. જેમાં આલોચના, પ્રતિક્રમણ આદિ વિવિધ પ્રાયશ્ચિત્તો તથા દોષ વર્ણન છે.
અહીં ભલે માત્ર સૂત્રાનુવાદ છે. પણ અમારા સંપાદિત આગમસુતાણિ-સટીક-માં અમે મૂલ સાથે તે-તે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ પ્રકાશિત કર્યા જ છે. જે ખરેખર વાંચવા અને મનન કરવા જ જોઈએ. તેનો અનુવાદ વડીલસંમત ન હોવાથી છોડી દેવો પડેલ છે. પણ છેદસૂત્રોના રહસ્યને પામવા ટીકા સાહિત્ય સમજવું જ પડે.
(૩૬) વ્યવહાર છેદસૂત્ર-૩ [ભાગ-૨૯(૩)]
– મૂળ સૂત્રનો અનુવાદ –