Mahanisiha 220
Mahānisīha: ṭīkānusārī vivecana 220
- Language
- Gujarati
220
‘મહાનિશીથ’ સૂત્ર-૪૯૨ :– [૩/–/૪૯૨]
ભગવન્! જો એમ છે તો શું પંચમંગલના ઉપધાન કરવા જોઈએ? ગૌતમ! પહેલું જ્ઞાન-પછી દયા એટલે સંયમ અર્થાત્ જ્ઞાનથી ચારિત્ર-દયા પાલન થાય છે. દયાથી સર્વ જગતના તમામ જીવો, પ્રાણો, ભૂતો, સત્ત્વોને પોતાના સમાન દેખનારો થાય છે. તેથી બીજા જીવોને સંઘટ્ટન કરવા, પરિતાપના-કિલામણા-ઉપદ્રવાદિ દુઃખ ઉત્પાદન કરવા, ભય પમાડવા, ત્રાસ આપવા ઈત્યાદિથી દૂર રહેનાર થાય છે. એમ કરવાથી કર્મનો આશ્રવ થતો નથી. તેનાથી કર્મ આવવાના કારણભૂત આશ્રવદ્વારો બંધ થાય છે તેથી ઈન્દ્રિય દમન ઉપશમ થાય.
તેનાથી શત્રુ-મિત્રમાં સમાનભાવ સહિતપણું થાય છે. શત્રુમિત્ર પ્રત્યે સમાનભાવથી રાગદ્વેષ રહિતપણું, તેનાથી ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા થવાથી કષાય રહિતપણું પ્રાપ્ત થાય. તેનાથી સમ્યક્ત્વ ઉત્પન્ન થાય. તેનાથી અજ્ઞાન, મોહ, મિથ્યાત્વનો ક્ષય થાય છે. તેથી વિવેક આવે. વિવેકથી હેય-ઉપાદેય પદાર્થોની યથાર્થ વિચારણા તેમજ એકાંત મોક્ષ માટે દૃઢ નિશ્ચય થાય છે.
તેથી અહિતનો પરિત્યાગ અને હિતનું આચરણ થાય તેવા કાર્યમાં અતિશય ઉદ્યમ કરનારો થાય. પછી ઉત્તરોત્તર પરમાર્થ સ્વરૂપ પવિત્ર ઉત્તમ-ક્ષમાદિ દશ પ્રકારનો અહિંસાલક્ષણ ધર્માનુષ્ઠાન કરવા અને કરાવવામાં એકાગ્ર અને આસક્ત ચિત્તવાળો થાય છે. પછી અહિંસા લક્ષણાદિ ધર્મનું અનુષ્ઠાનોનું સેવન કરવા-કરાવવાનું. તેમાં એકાગ્રતા અને આસક્ત ચિત્ત આત્માને સર્વોત્તમ એવી ક્ષમા-મૃદુતા-સરળતા તથા બાહ્ય ધન, સુવર્ણાદિ પરીગ્રહ અને કામ-ક્રોધાદિ અભ્યંતર પરીગ્રહ સ્વરૂપ સર્વ સંગનો પરિત્યાગ થાય. સર્વોત્તમ એવા અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટવાળા તપ અને ચરણના અનુષ્ઠાનોમાં આત્મ-રમણતા અને પરમાનંદ પ્રગટ થાય છે.
આગળ સર્વોત્તમ ૧૭ પ્રકારે સંયમાનુષ્ઠાન પાલન કરવાને બદ્ધલક્ષણપણું પ્રાપ્ત થાય. સર્વોત્તમ સત્ય વાણી બોલવી, છકાય જીવોનું હિત, પોતાનું બળ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ છૂપાવ્યા વિના મોક્ષમાર્ગ સાધનામાં કટિબદ્ધ થયેલ, સ્વાધ્યાય-ધ્યાનરૂપી જળથી પાપકર્મરૂપી મલના લેપ ધોનારો થાય છે. વળી અકિંચનતા, પરમ પવિત્રતા યુક્ત, સર્વ ભાવ યુક્ત, સુવિશુદ્ધ સર્વદોષ રહિત, નવગુપ્તિ સહિત ૧૮ પ્રકારના અબ્રહ્મનો ત્યાગ કરનાર થાય.
ત્યારપછી આ સર્વોત્તમ ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય, અતિ દુર્ધર, બ્રહ્મવ્રત ધારણ કરવું. ઈત્યાદિ શુભ અનુષ્ઠાનોથી સર્વ સમારંભનો ત્યાગ કરનાર થાય છે. પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ સ્થાવર જીવો બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયવાળા જીવોનું તથા અજીવકાયના સંરંભ, સમારંભ, આરંભને મન-વચન-કાયાથી ત્રિવિધ ત્રિવિધે શ્રોત્રાદિ ઈન્દ્રિયોના વિષયોના સંવર-પૂર્વક આહારાદિ ચાર સંજ્ઞાઓનો ત્યાગ કરીને પાપોને વોસીરાવે છે.
પછી નિર્મળ ૧૮,૦૦૦ શીલાંગ ધારણ કરનાર હોવાથી અસ્ખલિત, અખંડિત, અમલિન, અવિરાધિત, સુંદર, ઉગ્ર-ઉગ્રતર, આશ્ચર્ય ઉત્પન્ન કરનાર અભિગ્રહોનો નિર્વાહ કરનાર થાય છે. પછી દેવ, મનુષ્ય, તિર્યંચે કરેલા ઘોર પરીષહ ઉપસર્ગોને સમભાવે સહન કરનાર થાય છે. પછી અહોરાત્રાદિ પ્રતિમા વિશે મહાપ્રયત્ન કરનાર થાય. પછી શરીરની મમતા વગરનો થાય છે. શરીર નિષ્પ્રતિકર્મપણા વાળો થવાથી શુક્લ ધ્યાનમાં અડોલપણું પામે છે.
પછી અનાદિ ભવ-પરંપરાથી એકઠાં કરેલા સમગ્ર આઠ પ્રકારના કર્મરાશિનો ક્ષય કરનાર બને છે. ચારે ગતિરૂપ ભવના કેદખાનામાંથી બહાર નીકળી, સર્વ દુઃખથી વિમુક્ત બની, મોક્ષમાં ગમન કરનારો થાય છે. ત્યાં હંમેશાં જન્મ-જરા-મરણ-અનિષ્ટ સંયોગ-ઈષ્ટ વિયોગ-સંતાપ-ઉદ્વેગ-અપયશ-વેદના આદિ દુઃખો હોતા નથી. ત્યાં એકાંતિક, આત્યંતિક, નિરુપદ્રવતાવાળું, મળેલું ફરી ચાલ્યું ન જાય તેવું, અક્ષય, ધ્રુવ, શાશ્વત, નિરંતર, સર્વોત્તમ સુખ મોક્ષમાં હોય છે.
આ સર્વ સુખનું મૂળ કારણ જ્ઞાન છે. જ્ઞાનથી જ પ્રવૃત્તિ શરૂ થાય છે. એકાંતિક, આત્યંતિક, પરમ શાશ્વત સુખેચ્છુએ પહેલાં તો સાદર સામાયિકથી બિંદુસાર સુધી શ્રુતજ્ઞાન કાલગ્રહણ વિધિ સહિત, આયંબિલાદિ તપ, શાસ્ત્રોક્ત વિધિથી વહેવા. હિંસાદિ પાંચેને ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરીને પાપનું પ્રતિક્રમણ કરીને સૂત્રોના સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ, અક્ષર, હિનાધિક ન બોલાય તેમ પદચ્છેદ દોષ, ગાથાબદ્ધ ક્રમસર, પૂર્વાનુ-પૂર્વી આદિ યુક્ત જ્ઞાન એકાંતે સુંદર સમજવું. ગૌતમ! અનાદિ-અનંત, અપાર, અતિ વિશાળ એવા સ્વયંભૂરમણ સમુદ્રવત્ દુરવગાહ્ય અને સર્વ સુખના હેતુભૂત એવા આ જ્ઞાન-સમુદ્રને પાર પામવા ઈષ્ટદેવતાને નમસ્કાર કરવો જોઈએ, તે વિના પાર ન પામી શકાય. ગૌતમ! તે ઈષ્ટદેવ એટલે નવકાર અર્થાત્ પંચમંગલ. તે સિવાય કોઈ ઈષ્ટદેવ મંગલ સ્વરૂપ નથી. માટે પહેલાં પંચમંગલનું ઉપધાન કરવું.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati