Pramāṇa · Search · About · API

Mahanisiha 258

Mahānisīha: ṭīkānusārī vivecana 258

Language
Gujarati

258

‘મહાનિશીથ’ સૂત્ર-૫૯૨ :– [૩/–/૫૯૨]
ગૌતમ! પૂર્વે કહી ગયા તેમ વિનય ઉપધાન સહ પંચમંગલ મહાશ્રુતસ્કંધ નવકારને પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપુર્વી અને અનાનુપૂર્વી વડે સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદાક્ષરોથી શુદ્ધ રીતે ભણી, તેને હૃદયમાં સ્થિર પરિચિત કરી, મહાવિસ્તારથી સૂત્ર અને અર્થો જાણ્યા પછી શું ભણવું? ગૌતમ! પછી ‘ઈરિયાવહિય’ સૂત્ર ભણવું જોઈએ.
ગૌતમ! આપણો આ આત્મા જ્યારે જ્યારે જવા-આવવાની ક્રિયાના પરિણામમાં પરિણત થયો હોય, અનેક જીવો, પ્રાણો, ભૂતો અને સત્વોને અનુપ્રયોગથી કે પ્રમાદથી સંઘટ્ટન, ઉપદ્રવ, કિલામણા કરીને પછી તેનું આલોચન, પ્રતિક્રમણ કરવામાં ન આવે અને સમગ્ર કર્મના ક્ષય માટે ચૈત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કોઈ પણ અનુષ્ઠાન કરવામાં આવે તે સમયે એકાગ્ર ચિત્તવાળી સમાધિ થાય કે ન પણ થાય. કેમકે ગમના ગમનાદિ અનેક અન્ય વ્યાપારનાં પરિણામમાં આસક્ત થયેલા ચિત્તથી કેટલાંક પ્રાણીઓ તે પૂર્વના પરિણામને ન છોડતા અને દુર્ધ્યાનના પરિણામમાં કેટલોક કાળ વર્તે છે. ત્યારે તેના ફળમાં વિસંવાદ થાય છે જ્યારે વળી કોઈક પ્રકારે અજ્ઞાન, મોહ, પ્રમાદાદિના દોષથી અણધાર્યા એકેન્દ્રિયાદિ જીવોના સંઘટ્ટન કે પરિતાપનાદિ થઈ ગયા હોય અને પછી અરેરે! આ અમારાથી ખોટું કાર્ય બની ગયું. એમ કેવા સજ્જડ, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ અને અજ્ઞાનમાં અંધ બની ગયા છીએ. પરલોકમાં આ કાર્યના કેવા કડવા ફળ ભોગવા પડશે એનો પણ વિચાર આવતો નથી. ખરેખર અમે ક્રૂરકર્મ અને નિર્દય વર્તન કરનારા છીએ.
આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા અને અતિ સંવેગ પામેલા આત્માઓ સાચી રીતે પ્રગટપણે ઈરિયાવહિય સૂત્રથી દોષોની આલોચના કરીને, નિંદા કરીને, ગુરુસાક્ષીએ ગર્હા કરીને પ્રાયશ્ચિત્તનું સેવન કરીને શલ્ય રહિત થાય છે. ચિત્તની સ્થિરતાવાળો અશુભકર્મના ક્ષય માટે જે કંઈ આત્મહિત માટે ઉપયોગવાળો થાય, ત્યારે તેને પરમ એકાગ્ર ચિત્તવાળી સમાધિ પ્રાપ્ત થાય. તેનાથી સર્વ જગતના જીવ, પ્રાણી, ભૂત, સત્વોને જે ઈષ્ટફળ હોય તેવી ઈષ્ટફળની પ્રાપ્તિ થાય. તે કારણે હે ગૌતમ! ઈરિયાવહિય પ્રતિક્રમ્યા વિના ચૈત્યવંદન, સ્વાધ્યાયાદિ કોઈપણ અનુષ્ઠાન ન કરવું જોઈએ. જો યથાર્થ ફળની અભિલાષા રાખતા હો તો આ કારણે હે ગૌતમ! એમ કહેવાય છે કે પંચમંગલ મહાશ્રુતસ્કંધ – નવકાર સૂત્ર, અર્થ, તદુભય સહિત સ્થિર-પરીચિત કરીને ઈરિયાવહી ભણવી.

Linked texts (2)