Dasaveyaliya 184
Dasaveyāliya: ṭīkānusārī vivecana 184
- Language
- Gujarati
184
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૧૯૪ થી ૨૦૬ + વિવેચન [૩/૧૯૪ થી ૨૦૬ + વિવેચન]
ધર્મસંબંધી કથા તે ધર્મકથા. તે ચાર પ્રકારે તીર્થંકર અને ગણધરે બતાવેલી છે. તે આ રીતે – આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગ અને નિર્વેદ. - X - આ ગાથાર્થ કહ્યો, હવે ભાવાર્થ કહે છે. આચાર - લોચ, અશનાદિ. વ્યવહાર - દોષ લાગવાથી પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવું તે. પ્રજ્ઞપ્તિ - સંશય પામેલ શિષ્યને મધુર વચનો વડે પ્રજ્ઞાપના. દૃષ્ટિવાદ - સાંભળનાર હોંશિયાર હોય તો સૂક્ષ્મ જીવાદિનું ભાવકથન કરવું. બીજા કહે છે – આચારાદિનું વર્ણન હોવાથી તે નામના સૂત્રો જ લેવા. - X - શ્રોતાને આશ્રીને આચાર આદિ ભેદોથી આક્ષેપણા કથા ઘણાં પ્રકારે છે. મોહથી છોડાવી તત્ત્વ પ્રતિ જે કથા વડે ભવ્ય પ્રાણીઓને લઈ જવાય તે આક્ષેપણી કથા.
હવે તેના રસને કહે છે – વિદ્યા એટલે જ્ઞાન, તે અત્યંત અપકારી અજ્ઞાત અંધકારને ભેદનારું છે. ચરણ - ચારિત્ર, સમગ્ર વિરતિ રૂપ, તપ - અનશનાદિ. પુરુષકાર - કર્મ શત્રુ પ્રતિ પોતાના વીર્યનો ઉત્કર્ષ. સમિતિ, ગુપ્તિ - પૂર્વોક્ત જ છે. એ બધાં સાંભળનારની અપેક્ષાએ તેની આગળ કહેવા. એ પ્રમાણે કોઈપણ સ્થળે આ ઉપદેશ આક્ષેપણી કથાનો રસ એટલે સાર છે. આક્ષેપણી કથા કહી.
હવે વિક્ષેપણી કથા કહે છે –વિક્ષેપણા – સ્વ સિદ્ધાંતને કહીને પછી પર સિદ્ધાંતો કહેવા. આ એક ભેદ. અથવા પહેલાં બીજાના સિદ્ધાંતને કહીને પછી સ્વ સિદ્ધાંતો કહેવા. અથવા મિથ્યાવાદ અને સમ્યગ્વાદ એ બે ભેદો જાણવા. તેથી મિથ્યાવાદને કહીને સમ્યગ્વાદ કહે અથવા સમ્યગ્વાદને કહીને મિથ્યાવાદ કહે. એ પ્રમાણે શ્રોતાને સન્માર્ગે દોરવા તે વિક્ષેપણી કથા જાણવી. ભાવાર્થ વૃદ્ધ વિવરણથી જાણવો, તે આ પ્રમાણે –
વિક્ષેપણી કથા ચાર ભેદે છે, તે આ પ્રમાણે – સ્વ સમય કહી પર સમય કહેવો. પર સમય કહી સ્વ સમય કહેવો. સમ્યક્વાદ કહીને મિથ્યાવાદ કહેવો. મિથ્યાવાદ કહીને સમ્યક્વાદ કહેવો. અર્થાત્ સ્વ સમયના ગુણો બતાવી પર સમયના દોષો બતાવવા તે પહેલી વિક્ષેપણી કથા. તેથી વિપરીત તે બીજી વિક્ષેપણી કથા. ત્રીજીમાં પર સિદ્ધાંત કહી, તેમાં જિનવચન વિરુદ્ધ જે તેમણે બતાવેલ હોય તે પહેલા કહી, તેના દોષો બતાવી, તેમાં જિનવચન અનુકૂળ જે કથન હોય તે બતાવે. અથવા મિથ્યાવાદ તે નાસ્તિકતા છે અને સમ્યગ્વાદ તે આસ્તિકતા છે. તેમાં પહેલાં નાસ્તિકવાદનો મત કહીને પછી આસ્તિકવાદનો મત કહેવો. આ ત્રીજી વિક્ષેપણી કથા.
ચોથી તેથી વિપરીત જાણવી.
હવે વિક્ષેપણી કથાને જ બીજા પ્રકારે કહે છે – જે સ્વ સમય વર્જીને, પર સિદ્ધાંત જે માનતા હોય તેવા લોક પ્રસિદ્ધ રામાયણ આદિ તથા ઋગ્વેદ આદિમાં જે કથન કરેલ હોય તે કહેવું. પર સમયમાં સાંખ્ય, બૌદ્ધ આદિ સિદ્ધાંતોનું કથન હોય તેમાં સામાન્ય રીતે જે દોષો હોય તે બતાવવા. તે વિક્ષેપણી કથા છે. અર્થાત્ જે કથા વડે શ્રોતાને સુમાર્ગથી કુમાર્ગમાં અથવા કુમાર્ગથી સુમાર્ગમાં યુક્તિ વડે લાવી શકાય તે વિક્ષેપણી કથા છે. જેમકે રામાયણ આદિમાં સામાન્યથી પણ આ તત્ત્વ છે તેમ કહેતા ઋજુમતિ (માણસ) સન્માર્ગથી કુમાર્ગે પણ પ્રવૃત્તિ કરી દે છે. ઈત્યાદિ - X - X - X - પર સિદ્ધાંતના દોષ બતાવી સ્વ સિદ્ધાંતના ગુણ બતાવી સ્થિર કરવા.
હવે સંવેજની કથા કહે છે – જેના વડે સાંભળનારને સંવેગ થાય તેવી કથા તે સંવેજની કથા. આનો ભાવાર્થ વૃદ્ધ વિવરણથી આ પ્રમાણે સંવેજની કથા ચાર ભેદે છે – (૧) આત્મ શરીર સંવેજની, (૨) પર શરીર સંવેજની, (૩) આલોક સંવેજની, (૪) પરલોક સંવેજની.
(૧) આત્મ શરીર સંવેજની – જેમકે આ મારું શરીર વીર્ય, લોહી, માંસ, મજ્જા, ચરબી, મેદ ઈત્યાદિના સમૂહથી બનેલું છે. પેશાબ અને વિષ્ટાથી ભરેલું છે, તેથી અપવિત્ર છે. એમ કહેતા સાંભળનારને સંવેગ ઉત્પન્ન થાય છે. (૨) પર શરીર સંવેજની – બીજાના શરીરમાં પણ આવી જ અશુચી છે. અથવા બીજાનું શરીર વર્ણવી શ્રોતાને સંવેગ પમાડે. (૩) આલોક સંવેજની – આ સર્વ માનુષ્યત્વ અસાર, અધ્રુવ, કંદલી સ્તંભ સમાન નકામો છે. આવું કહીને ધર્મકથી શ્રોતાને સંવેગ ઉપજાવે છે. (૪) પરલોક સંવેજની – દેવો પણ ઈર્ષ્યા, વિષાદ, મદ, ક્રોધ, લોભાદિ દુઃખોથી હારેલા છે, તો તિર્યંચ અને નારકીનું તો કહેવું જ શું? આમ કહેતો તે ધર્મકથી શ્રોતાને સંવેગ ઉપજાવે છે.
હવે શુભ કર્મોદય અને અશુભ કર્મક્ષય ફળ કથનથી સંવેજની રસ કહે છે – વીર્ય અને વૈક્રિય ઋદ્ધિ તે તપના પ્રભાવથી ઉત્પન્ન થાય છે. તેમાં આકાશગમન જંઘાચારણાદિ તે લબ્ધિ - X - જ્ઞાન ચરણ દર્શનની ઋદ્ધિ છે. જેમ કે જ્ઞાન ઋદ્ધિનો પ્રશ્ન – ભગવન્! ચૌદપૂર્વી મુનિ એક ઘડાના હજાર ઘડા કરવા - X - સમર્થ છે? હા, ગૌતમ! તે વિકુર્વી શકે છે. એ પ્રમાણે અજ્ઞાની જે કર્મ ઘણાં ક્રોડો વર્ષે ખપાવે, તે ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવો જ્ઞાની ઉચ્છ્વાસ માત્રમાં ખપાવી દે. ચરણઋદ્ધિ - ચારિત્રને કશું જ અસાધ્ય નથી. દેવો પણ તેમને પૂજે છે. દર્શનઋદ્ધિ પ્રશમાદિ ગુણરૂપ છે. જો સમ્યક્ત્વ તજ્યું ન હોય કે પૂર્વે આયુ બાંધેલ ન હોય તો સમ્યક્દૃષ્ટિ જીવો વૈમાનિક સિવાયનું આયુ ન બાંધે. ઈત્યાદિ ઉપદેશથી જે રસ કથાથી થાય, તેને સંવેજની કથાનો રસ જાણવો.
હવે નિર્વેજની કથા કહે છે – ચોરી આદિ કરેલાને અશુભ વિપાક - દારુણ પરિણામ છે. તે આલોક કે પરલોક સંબંધી કથામાં કહીએ. જેમકે આ લોકમાં કરેલા કર્મો આ લોકમાં જ ઉદયમાં આવે છે. આના વડે ચઉભંગી કહે છે. જે કથા વડે શ્રોતા નિર્વેદ પામે તે નિર્વેદની કથા કહેવાય. તે ચાર પ્રકારે છે – (૧) આ લોકમાં કરેલાં દુષ્ટ કર્મોના ફળ આ લોકમાં જ દુઃખ આપનારા થાય છે. જેમકે ચોર અને પારદારિકોને. આ પહેલી નિર્વેદની. (૨) આ લોકમાં કરેલા પાપોનું ફળ બીજા ભવમાં મળે છે. જેમકે નરકના દુઃખો ભોગવે છે. (૩) પરલોકમાં પૂર્વોક્ત પાપકર્મ આ લોકમાં દુઃખદાયી થાય છે. જેમકે બાળપણમાં જ અંત કુળોમાં ઉત્પન્ન થાય, ક્ષય-કોઢ આદિ રોગ અને દરિદ્રતાથી પીડાય છે. (૪) ચોથી નિર્વેદની - પરલોકમાં કરેલા પાપના ફળો પરલોકમાં ભોગવે. જેમ - પૂર્વના કર્મોથી સાણસા જેવી ચાંચવાળા પક્ષીમાં જન્મે છે, તેથી તેઓ નરક - પ્રાયોગ્ય કર્મો બાંધી નરકમાં ઉત્પન્ન થઈ ત્યાંની વેદના વેદે છે. એ પ્રમાણે આલોક કે પરલોક સંબંધી પ્રજ્ઞાપકને આશ્રીને છે. તેમાં પ્રજ્ઞાપકનો મનુષ્યભવ આ લોક ગણવો. બાકીની ત્રણ ગતિ તે પરલોક ગણવો.
હવે આ ગાથાનો રસ - (રહસ્યાર્થ) કહે છે – અલ્પ પણ પ્રમાદ જનિત કર્મ - વેદનીય આદિ. કહેવાય છે જે નિયમથી બંધાય છે. વિશેષ એ કે – પ્રમાદથી ઘણાં અશુભ પરિણામવાળું ફળ મળશે. જેમકે - યશોધર આદિને થયું. આ નિર્વેદની કથાનો પરમાર્થ સંક્ષેપથી કહ્યો.
હવે સંવેગ નિર્વેદનું નિબંધન કહે છે – સિદ્ધિ, દેવલોક અને સુકુલ ઉત્પત્તિથી સંવેગ થાય છે. અર્થાત્ આની પ્રરૂપણાથી સંવેગ થાય. એ પ્રમાણે નરક, તિર્યંચયોનિ, કુમાનુષત્વાદિ દુઃખજનક બતાવવાથી શ્રોતાને સંસારથી નિર્વેદ થાય છે. આ કથામાં જે જેને કહેવાની હોય તે કહે છે. વિનય વડે વર્તે તે વૈનયિક - શિષ્ય. તેને પહેલાં આક્ષેપણી કથા કહેવી. તેથી તેને સ્વ-સિદ્ધાંતનું જ્ઞાન થાય, પછી વિક્ષેપણી કથા કહેવી. આમ શા માટે કરવું? આક્ષેપણી કથા વડે આવર્જિત થતાં તે જીવો સમ્યક્ત્વ પામે છે. તે મિથ્યાત્વ મોહનીયના ક્ષયોપશમનો ઉપાય હોવાથી શુભ ભાવની પ્રાપ્તિ થાય છે. વિક્ષેપણી કથામાં સમ્યક્ત્વની ભજના છે. કદાચ સમ્યક્ત્વ પામે અને કદાચ ન પામે. - X - અથવા એમ ચિંતવે કે આ પરમત નિંદક છે, તેથી પહેલાં આક્ષેપણી કથા કહેવી.