Uttarajjhayana 1184
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1184
- Language
- Gujarati
1184
૦ આ ભાગમાં ઉત્તરાધ્યયન નામક મૂળસૂત્રના અધ્યયન-૨૨ થી ૩૬-નો સમાવેશ થાય છે. આ પૂર્વેના ભાગ-૩૭-માં અધ્યયન-૧ થી ૬ નો અને ભાગ-૩૮-માં અધ્યયન-૭ થી ૨૧-નો સમાવેશ કરાયેલ છે. આ સૂત્રને પ્રાકૃતમાં ઉત્તરજ્ઝયણ નામે કહેવાયેલ છે. સંસ્કૃતમાં ઉત્તરાધ્યયન જ કહે છે. આ સૂત્રમાં કુલ ૩૬-અધ્યયનો છે. અધ્યયનોમાં કોઈ ઉદ્દેશાદિ પેટા વિભાગો નથી. મુખ્યત્વે પદ્ય (ગાથા) સ્વરૂપ આ આગમમાં માત્ર ૮૮ સૂત્રો છે. બાકી બધી ગાથાઓ જ છે.
આ આગમની ઓળખ ‘ધર્મકથાનુયોગ’ રૂપે શાસ્ત્રકારોએ આપેલ છે. પણ વિનય, પરીષહ, સભિક્ષુ, રથનેમી આદિ અધ્યયનો વિચારો તો ‘ચરણકરણાનુયોગ’ પણ અહીં મળશે. સમ્યક્ત્વ પરાક્રમ, લેશ્યા, જીવાજીવ વિભક્તિને વિચારતા અહીં ‘દ્રવ્યાનુયોગ’ પણ દેખાય છે. છત્રીશ અધ્યયનોમાં અહીં વિનય, પરીષહ, મનુષ્ય જીવનની દુર્લભતાદિ, પાપશ્રમણ, સામાચારી, મોક્ષમાર્ગ, પ્રમાદસ્વરૂપ, બ્રહ્મચર્ય, કર્મ, લેશ્યા, તપ, જીવાજીવ, મરણના ભેદો આદિ અનેક વિષયો સમાવાયેલ છે.
આ આગમમાં નિર્યુક્તિ, કેટલીક ભાષ્ય ગાથા, વિવિધ કર્તાઓએ કરેલી વૃત્તિ, ચૂર્ણિ આદિ મુદ્રિત રૂપે જોવા મળેલ છે. પ્રાયઃ આટલું પ્રચૂર ટીકા સાહિત્ય કોઈ આગમ પરત્વે અમે જોયેલ નથી. તેમાં ભાવવિજયજી ગણિ અને લક્ષ્મીવલ્લભ કૃત ટીકાનો અનુવાદ તો થયો જ છે. અમે આ અનુવાદમાં અહીં નિર્યુક્તિ સહિત મૂળસૂત્ર પરત્વે કરાયેલ શાંત્યાચાર્યજી વિરચિત વૃત્તિનો આધાર લીધેલો છે. જેમને કથા સાહિત્યમાં જ વધુ રસ છે તેમણે શ્રી ભાવવિજયજી કૃત ટીકાનુવાદ જોવો.
ચાર મૂળસૂત્રોમાં આ ચોથું મૂળસૂત્ર છે. પ્રત્યેક સાધુ-સાધ્વીએ આ આગમને સતત વાગોળવા જેવું છે. તેમાં આચરણા સાથે વૈરાગ્યનો સુંદર બોધ છે. તથા જૈન પરિભાષા પણ છે.
આ ભાગ-૩૯-માં અમે વૃત્તિના ઉપયોગી અંશો વિશેષથી લીધા છે, તે નોંધ લેવી.
(૪૩.૩) ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-૪/૩
અધ્યયન-૨૨ ‘રથનેમીય’
૦ સમુદ્રપાલ નામે એકવીસમું અધ્યયન કહ્યું. હવે બાવીશમું કહે છે. આનો સંબંધ આ છે – અનંતર અધ્યયનમાં વિવિક્તચર્યા કહી. તે ચારિત્ર સહિત ધૃતિમાનને ચરવી શક્ય છે. તેથી રથનેમિ વત્ ચરવી, તેમાં ક્યારેક ઉત્પન્ન વિશ્રોતસિકાથી પણ ધૃતિ ધારણ કરવી, તેમ કહે છે. એ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગો પૂર્વવત્ વિચારીને નામ નિષ્પન્ન નિક્ષેપ જ કહેવો. તે પ્રમાણે વિચારીને નિર્યુક્તિકારશ્રી કહે છે –