Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1637

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1637

Language
Gujarati

1637

વિવેચન–૧૨૬૮ થી ૧૩૪૫
[૧૨૬૮ થી ૧૨૮૦] અહીં કુલ-૭૮ સૂત્રો છે, જેનો સૂત્રાર્થ કહ્યો. તેમાં ચક્ષુને - ૧૩ - સૂત્રો છે. ચક્ષુ એટલે ચક્ષુ ઈન્દ્રિય, રૂપ - વર્ણન કે સંસ્થાન. રાગ - આસક્તિનો હેતુ છે. તેને મનોજ્ઞ ક્યો, જે દોષનો હેતુ છે, તેને અમનોજ્ઞ કહ્યો. આ રાગ અને દ્વેષ બંનેથી જે પર છે, તે ‘વીતરાગ’ કહેવાય છે. તથાવિધ રાગના અભાવથી વીતરાગ કહ્યા પણ રાગ હોય ત્યાં દ્વેષ પણ હોય. તેથી તેમને ‘વીતદ્વેષ’ પણ કહે છે. તેથી જો ચક્ષુ આવા રાગ કે દ્વેષમાં પ્રવર્તે તો ‘સમતા’ એ જ આલંબન છે, તેમ કહ્યું.
- X - X - રૂપ અને ચક્ષુનો ગ્રાહ્ય - ગ્રાહક સંબંધ કહેલ છે. ગ્રાહક વિના ગ્રાહ્યત્વ ન હોય અને ગ્રાહ્ય વિના ગ્રાહકત્વ ન હોય. એ રીતે આ બંનેનો પરસ્પર ઉપકારી - ઉપકારક ભાવ કહેલો છે. તેથી આ બંનેનો રાગ-દ્વેષની ઉત્પત્તિમાં સહકારી ભાવ જાણવો. તેથી જેમ ‘રૂપ’ રાગ-દ્વેષનું કારણ છે, તેમ ચક્ષુ પણ છે. - X - X - X - પરંતુ વીતરાગને ચક્ષુ રાગ-દ્વેષનું કારણ બનતા નથી, કેમકે તેઓ બંનેમાં ‘સમ’ હોય છે.
રાગ અને દ્વેષને ન ઉદ્ધરવામાં શો દોષ છે? કે જેથી તેના ઉદ્ધરણને અર્થે આ પ્રમાણે ઉપદેશ કરાય છે, તે કહે છે – રૂપમાં જે ગૃદ્ધ છે અર્થાત્‌ રાગવાન છે, તે યથાસ્થિતિ આયુ પૂર્ણ થાય તે પહેલાં જ વિનાશ પામે છે, મરણાંત બાધારૂપ ક્લેશ પામે છે. જેમ પતંગીયું દીપશિખાદિ જોઈને તેમાં લંપટ થઈને પ્રાણત્યાગ કરે છે. તેમને પણ ગૃદ્ધિ આદિથી રાગ જ છે. - X - X - જેઓ રૂપમાં સદા દ્વેષ પામે છે, તેનું શું? તે કહે છે.
જે ક્ષણમાં દ્વેષ ઉત્પન્ન થાય છે, તે શારીરિક આદિ દુઃખને પામે છે. દ્વેષ પામેલો તે - ‘મેં આ શું અનિષ્ટ જોયું?’ એમ મનમાં વ્યાકુળ થઈને પરિતાપ પામે છે. - X - X - X - અહીં સૂત્રમાં રાગ અને દ્વેષ બંનેને અનર્થ હેતુક કહેલાં છે. - X - X - X - હવે રાગના જ પાપકર્મોપચય લક્ષણ મહા અનર્થ હેતુતાને જણાવવાને માટે હિંસાદિ આશ્રવ નિમિત્તતાને ફરી અહીં તે દ્વારથી દુઃખજનકત્વને છ સૂત્રો વડે કહે છે –
રૂપ - મનોજ્ઞને અનુસરે છે, તે રૂપાનુગ એવી તે આશાને રૂપાનુગાશા અર્થાત્‌ રૂપ વિષય અભિલાષ. તેને અનુગત જીવ. તે ચરાચર અર્થાત્‌ ત્રસ અને સ્થાવર જીવોને હણે છે, વિનાશ કરે છે. કેવા જીવોને હણે છે? જાતિ આદિ ભેદથી અનેક પ્રકારના જીવોને હણે છે. કેવી રીતે હણે છે? સ્વકાય અને પરકાય શસ્ત્રાદિથી અનેક ઉપાયો વડે હણે છે. યથાસંભવ ચિત્તમાં તે ચરાચર જીવોને સર્વતઃ તાપિત કરે છે અર્થાત્‌ દુઃખ આપે છે. બાળની જેમ વિવેકરહિતતાથી બીજાને પીડે છે. કોણ પીડે છે? સ્વપ્રયોજનમાં જ સ્થિત અને રાગથી બાધિત થયેલો તે પીડે છે.
અને બીજું - રૂપ વિષય અનુપાત અર્થાત્‌ અનુરાગ. તેમાં મૂર્ચ્છારૂપ પરિગ્રહના હેતુથી ઉત્પાદનમાં, સંરક્ષણમાં અને સંનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી હોય? અહીં ઉત્પાદન એટલે ઉપાર્જન, રક્ષણ - અપાય નિવારણ, સંનિયોગ - સ્વ કે પર પ્રયોજનોમાં સમ્યક્‌ વ્યાપારણ - પ્રવૃત્ત. વ્યય - વિનાશ, વિયોગ - વિરહ. આ બધાંને કારણે રૂપના વિષયમાં સુખ ક્યાંથી હોય? જરાપણ ન હોય. પરંતુ બધે જ દુઃખ જ હોય. એ પ્રમાણે અહીં કહેવાનો ભાવ છે.
અહીં આ પ્રમાણે ભાવના કરવી - રૂપમાં મૂર્ચ્છિત જ રૂપવત્‌ હાથી, ઘોડા, સ્ત્રી, આદિના ઉત્પાદન અને રક્ષણને માટે તે-તે ક્લેશહેતુ ઉપાયોમાં જીવો પ્રવર્તે છે. તથા તેવા પ્રકારના પ્રયોજનોની ઉત્પત્તિમાં રૂપવત્‌ સ્ત્રી આદિને નિયોજવા છતાં તેના અપાયની શંકાથી ફરી-ફરી પરિતાપ પામે છે તેથી સિદ્ધ થાય છે કે તેના ઉત્પાદન, રક્ષણ અને સંનિયોગમાં દુઃખ છે. એ પ્રમાણે વ્યય અને વિયોગમાં પણ વિચારવું.
બીજા કહે છે – રૂપાનુરાગના હેતુથી જે પરિગ્રહ તેનાથી દુઃખી થાય, કદાચ રૂપના ઉત્પાદન આદિમાં સંભોગ કાળે અર્થાત્‌ ઉપભોગ સમયે સુખને પામે એવી આશંકા થાય, તેથી કહે છે – તેમાં તૃપ્તિનો લાભ ન પામે. રૂપના ઘણાં દર્શન છતાં રાગીને તૃપ્તિ થતી નથી. - X - ઈત્યાદિ કારણે તેમને સુખ ક્યાંથી હોય? જીવો ઉત્તરોત્તર ઈચ્છાથી પરિતાપ પામે છે કેમકે તેમને તૃપ્તિની પ્રાપ્તિનો અભાવ હોય.
રૂપમાં અતૃપ્ત અને પરિગ્રહમાં અર્થાત્‌ તે વિષયની મૂર્ચ્છામાં સામાન્યથી આસક્તિવાળો અને ઉપસક્ત - ગાઢ આસક્ત હોય તે તુષ્ટિ અર્થાત્‌ પરિતોષને પામતો નથી. અતુષ્ટિ દોષથી દુઃખી થઈને - ‘જો મારે આવી આવી રૂપવત્‌ વસ્તુ હોત તો?’ એવી આકાંક્ષાથી અતિશય દુઃખવાન થાય છે. પછી તે વ્યક્તિ શું કરે છે? તે કહે છે –
બીજાના સંબંધી રૂપવત્‌ વસ્તુમાં લોભ કે ગૃદ્ધિથી આકુળ થઈને તે અદત્તને ગ્રહણ કરે છે. બીજાની વસ્તુને ચોરી લે છે. આના વડે રાગની અતિ દુષ્ટતા જણાવીને પરિગ્રહથી દોષદર્શન છતાં પણ વિશેષથી તેમાં આસક્તિ દોષાંતર આરંભને બતાવેલ છે. તો શું આના આટલા જ દોષ છે કે બીજા પણ છે? એવી આશંકાથી ઉક્ત દોષના અનુવાદથી બીજા દોષ પણ કહે છે –
તૃષ્ણા કે લોભથી અભિભૂત એવો તે અદત્તને ગ્રહણ કરવાના સ્વભાવવાળો એવો તે અદત્તાહારી થઈને રૂપ વિષયક પરિગ્રહ કરે છે. પછી તેમાં પણ અસંતુષ્ટ થઈને માયાપ્રધાન મૃષા અર્થાત્‌ માયામૃષાવાદની વૃદ્ધિ પામે છે. તે લોભના અપરાધથી લુબ્ધ થયેલો બીજાનું અદત્ત ગ્રહણ કરીને, તેને ગોપવવામાં તત્પર બનીને માયામૃષાવાદ સેવે છે. આના વડે લોભ જ સર્વે આશ્રવોમાં મુખ્ય છે, તે હેતુ કહેલ છે. - X - X -
મૃષા ભાષણમાં પણ તે અસાતા દુઃખથી વિમુક્તિ પામતો નથી. પરંતુ દુઃખનો ભાગી જ થાય છે. એવો ભાવાર્થ અહીં છે.
દુઃખની અવિમુક્તિ કેમ કહી? મૃષા અર્થાત્‌ જૂઠું બોલ્યા પછી, જૂઠું બોલતા પહેલાં કે જૂઠું બોલતી વખતે તે દુઃખી થઈને, તેની પછી પશ્ચાત્તાપથી, ચિંતા વ્યાકુળતાથી, ક્ષોભથી વધુ દુઃખી થાય છે. તેમજ અંતે તે જન્મમાં અનેક વિડંબનાથી વિનાશ પામે છે અને બીજા જન્મમાં નરકાદિને પામીને તે પ્રાણી સંસારને ઘણો દુરંત કરે છે. એ પ્રમાણે અદત્તાદાનના મૃષા દ્વારથી દુઃખ હેતુત્વ કહ્યું. હવે ઉપસંહાર કરતાં કહે છે–
ઉક્ત દોષવાળા બધાં લોકોથી ઉપેક્ષણીય થાય છે. કોઈપણ સંબંધીના અવષ્ટંભથી રહિત થાય. આ ઉપલક્ષણથી મૈથુનરૂપ આશ્રવ છે. રાગીને તે પ્રસિદ્ધ હોવાથી સાક્ષાત્‌ તેને કહેલ નથી. અથવા રૂપસંભોગ પણ મિથુનકર્મત્વથી દેવોની જેમ મૈથુન જ છે. - X - એ પ્રમાણે આગળ પણ સ્ત્રીગત શબ્દાદિ સંભોગોનું મૈથુનત્વ સંભવે છે.
ઉક્ત અર્થનું નિગમન કરતાં કહે છે – રૂપાનુરક્ત મનુષ્યને ઉક્ત પ્રકારે જરાપણ સુખ ક્યાંથી હોય? અર્થાત્‌ સર્વદા દુઃખ જ હોય.- X - X -
આ પ્રમાણે રાગની અનર્થ હેતુતા કહીને દ્વેષની પણ તેના અતિદેશથી કહે છે – જે પ્રમાણે રૂપમાં અનુરક્ત કહ્યા તે પ્રમાણે જ દ્વેષવાળા પણ ઉત્તરોત્તર દુઃખ સમૂહરૂપ પરંપરાને પામે છે તથા પ્રદુષ્ટ એટલે પ્રકર્ષથી દ્વેષયુક્ત ચિત્ત જેનું છે તેવા પ્રકારનો તે કર્મોને બાંધે છે. તે કર્મો શુભ પણ હોઈ શકે તેથી કહે છે –
તે કર્મો વિપાક અર્થાત્‌ અનુભવકાળમાં દુઃખહેતુક આ ભવમાં અને પરભવમાં પણ થાય છે. અશુભ કર્મોપચય હિંસાદિ આશ્રવ સાથે અવિનાભાવી સંબંધવાળા છે. એ રીતે આના વડે તેનો હેતુ પણ કહ્યો.
આ પ્રમાણે રાગદ્વેષના અનુદ્ધરણમાં દોષને જણાવીને, તેના ઉદ્ધરણનો હેતુ પણ કહે છે – રૂપથી વિરક્ત ઉપલક્ષણથી અદ્વિષ્ટ મનુષ્ય શોકરહિત થઈને તેના નિબંધનકર્તા રાગ-દ્વેષનો અભાવવાળો થતો હોવાથી અનંતર કહેલા અનંતર દુઃખોના સમૂહોની પરંપરા વડે સંસારમાં રહેવા છતાં લેપાતા નથી. તેનું દૃષ્ટાંત આપતા કહે છે કે – જેમ પદ્મિનીપત્ર જળની મધ્યમાં રહેવા છતાં જળથી લેપાતું નથી, તેમ તે મનુષ્યો લેપાતા નથી.
[૧૨૮૧ થી ૧૨૯૩] આ પ્રમાણે ચક્ષુને આશ્રીને તેર સૂત્રોની વ્યાખ્યા કરી એ પ્રમાણે બાકીની ઈન્દ્રિયોની અને મનની પોતાના વિષયમાં પ્રવૃત્તિમાં રાગ અને દ્વેષના અનુદ્ધરણમાં દોષને જણાવા તેર-તેર સૂત્રોની વ્યાખ્યા કરવી. વિશેષ એ કે – શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ - ‘ધ્વનિ’ તે મનોજ્ઞ અને ખર કર્કશતાથી અમનોજ્ઞ પણ હોય. મૃગ અર્થાત્‌ બધાં પશુ જાણવા. તે મૃગ શબ્દોમાં મુગ્ધ બનીને સંગીતમાં આકૃષ્ટ ચિત્તતાથી, તેમાં અતૃપ્ત થાય છે.
[૧૨૯૪ થી ૧૩૦૬] ઘ્રાણેન્દ્રિયનો વિષય ગંધ છે. તેમાં સુગંધ તે મનોજ્ઞ અને દુર્ગંધ તે અમનોજ્ઞ છે. તેમાં નાગદમની આદિની ગંધમાં ગૃદ્ધ ઔષધી ગંધમાં ગૃદ્ધ થઈને સર્પ બિલમાંથી નીકળીને દુષ્ય અપાયનો ભાગી થાય છે. તે અત્યંત અપ્રિયપણે તે ગંધને સહન ન કરી શકવાથી નીકળે છે.
[૧૩૦૭ થી ૧૩૧૯] જિહ્વેન્દ્રિયનો વિષય રસ, આસ્વાદ કરાય તે રસ. તેમાં મધુરાદિ તે મનોજ્ઞ, કટુકાદિ તે અમનોજ્ઞ. માછલું, માંસને અંતે રહેલ લોઢાની કીલક વડે વિદારિત શરીર થાય છે. કેમકે તે માંસાદિના ભોગમાં ગૃદ્ધ બનીને માંસ ખાવાને માટે દોડે છે. ગલના ખિલાથી વીંધાય છે.
[૧૩૨૦ થી ૧૩૩૨] કાયા અર્થાત્‌ અહીં સ્પર્શનેન્દ્રિય લેવી. કેમકે તે સર્વશરીરમાં વ્યાપક છે. તેનો વિષય તે સ્પર્શ છે. તેમાં મૃદુ વગેરે સ્પર્શ તે મનોજ્ઞ હોય અને કર્કશાદિ તે અમનોજ્ઞ હોય. શીત સ્પર્શવાળા પાણીમાં અવમગ્ન - ડૂબેલા જળચર વિશેષો વડે ભેંસ આદિને પકડી લેવાય છે, કેમકે શીતળ સ્પર્શમાં ગૃદ્ધ બનીને ભેંસ આદિ પાણીમાં જાય છે.
[૧૩૩૩ થી ૧૩૪૫] મન અર્થાત્‌ ચિત્તનો ભાવ - અભિપ્રાય. તે અહીં સ્મૃતિ ગોચર છે. તેનો ગ્રાહ્ય ઈન્દ્રિય વિષયપણે કહેવાય છે. તેમાં પણ મનોજ્ઞ અને અમનોજ્ઞ બંને ભેદો જાણવા. એ પ્રમાણે ઉત્તર ગ્રન્થમાં પણ ભાવ વિષય રૂપાદિ અપેક્ષાથી કહેલ છે. અથવા સ્વપ્નકામ દશાદિમાં ભાવોપસ્થાપિત રૂપ આદિ ભાવ કહ્યા. તે મનથી ગ્રહણ કરવા. મનોજ્ઞ રૂપાદિમાં આસક્ત હાથી હાથણીના માર્ગને અનુસરે છે. પછી પકડાઈને સંગ્રામ આદિમાં પ્રવેશ કરાવાય છે, ત્યાં તે વિનાશને પામે છે. - X - X -
ઉપર કહેલા અર્થોનો સંક્ષેપથી ઉપસંહાર કરતાં કહે છે –

Linked texts (2)