Pramāṇa · Search · About · API

Uttarajjhayana 201

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 201

Language
Gujarati

201

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૦૦ થી ૧૦૫ + વિવેચન [૨/નિર્યુક્તિ- ૧૦૦ થી ૧૦૫ + વિવેચન]
છએ નિર્યુક્તિમાં રજૂ થયેલ સંક્ષિપ્ત વિગતોની શબ્દાર્થરૂપ વ્યાખ્યા કરીને વૃત્તિકારશ્રી કહે છે કે – આ અર્થને વૃદ્ધ સંપ્રદાયથી જાણવો. તે આ પ્રમાણે છે – (એમ કહીને વૃત્તિકારશ્રી કથાનકને નોંધે છે –)
પૂર્વે ક્ષિતપ્રતિષ્ઠિત નામે નગર હતું. તેમાં વસ્તુઓ ક્ષીણ થતાં ચણકપુર વસાવ્યું, પછી ઋષભપુર, પછી રાજગૃહ, પછી ચંપા, પછી પાટલીપુત્ર વસાવ્યું ઈત્યાદિ બધું કહેવું. યાવત્‌ શકટાલ મંત્રી મૃત્યુ પામ્યો. નંદે શ્રીયકને કહ્યું – કુમાર અમાત્યપણાને સ્વીકાર. તે કહે છે – મારો મોટો ભાઈ સ્થૂલભદ્ર છે, તે બાર વર્ષથી ગણિકાના ઘેર રહેલો છે, તેને કહેવું.
સ્થૂલભદ્રને બોલાવ્યો, તેણે કહ્યું – વિચારીને કહીશ. રાજાએ કહ્યું, અશોકવનિકામાં જઈને વિચાર. તે ત્યાં જઈને વિચારે છે. ભોગ કાર્યમાં વ્યાક્ષિપ્તને શું મળશે? ફરી નરકે જવાનું થશે. ભોગના આવા દુસ્સહ પરિણામો છે. એમ વિચારી પંચમુઠ્ઠી લોચ કરીને, કંબલરત્ન છેદીને રજોહરણ બનાવ્યું. રાજા પાસે ગયો. મેં આ વિચાર્યું છે.
રાજા બોલ્યો – તેં સારું વિચાર્યું. સ્થૂલભદ્ર નીકળી ગયા. રાજાએ વિચાર્યું – જોવા દે, તે ફરી કપટથી ગણિકાના ઘરે જતો નથી ને? પ્રાસાદની અગાસીએ જઈને જુએ છે. મૃત કલેવર પાસેથી લોકો પસાર થાય ત્યારે મોઢું ઢાંકી દે છે. પણ સ્થૂલભદ્ર તેની મધ્યેથી નીકળી ગયા. રાજા બોલ્યો – આ ખરેખર કામભોગથી નિર્વિર્ણ થયેલ છે. શ્રીયકને મંત્રી રૂપે સ્થાપ્યો.
તે સંભૂતવિજયની પાસે પ્રવ્રજિત થયા. પછી ત્યાં ઘોરાકાર તપ કરે છે. વિચરતા-વિચરતા પાટલીપુત્ર આવ્યા. ત્યાં ત્રણ અણગારો અભિગ્રહ ગ્રહણ કરે છે. એકે અભિગ્રહ કર્યો કે તેને જોઈને સિંહ ઉપશાંત થાય. બીજા અણગાર સર્પના બિલ પાસે રહે તે દૃષ્ટિવિષ પણ ઉપશાંત થાય તેમ અભિગ્રહ લીધો. (ત્રીજા અણગારે કૂવાના કાંઠા ઉપર ચોમાસું વીતાવવાનો અભિગ્રહ કર્યો.) સ્થૂલભદ્રએ કોશાને ઘેર સહેવાનો કર્યો.
કોશા તેમને જોઈને ખુશ થઈ, પરીષહથી પરાજિત થઈને આવેલ છે, તેમ માનીને પૂછ્યું – હું શું કરું? ઉદ્યાનગૃહમાં સ્થાન આપ. કોશાએ આપ્યું. રાત્રિના સર્વાલંકાર વિભૂષિત થઈને આવી. સરસ વાણી બોલે છે. સ્થૂલભદ્ર તો મેરુની જેમ અકંપ રહ્યા. ત્યારે સદ્ભાવથી સાંભળે છે, સ્થૂલભદ્રએ ધર્મ કહ્યો. કોશા શ્રાવિકા થઈ. તેણીએ નિયમ કર્યો કે રાજાની આજ્ઞાથી કોઈ બીજા સાથે વસવું પડે, તે સિવાય હું બ્રહ્મચારિણી વ્રત સ્વીકારું છું.
ત્યારે સિંહ ગુફાથી ચાર માસના ઉપવાસ કરીને આચાર્ય પાસે આવ્યા. આચાર્યએ કહ્યું – હે દુષ્કરકારક! આપનું સ્વાગત છે. એ પ્રમાણે સર્પના બિલવાળાને કહ્યું (કૂવાના કાંઠાવાળા મુનિને પણ તેમજ કહ્યું.) સ્થૂલભદ્ર સ્વામી ત્યાં જ ગણિકાગૃહમાં ભિક્ષા ગ્રહણ કરે છે. તે પણ ચાર માસ પૂર્ણ થતાં આવ્યા. આચાર્ય સંભ્રમથી ઉભા થયા અને બોલ્યા – હે અતિ દુષ્કરકારક! તમારું સ્વાગત છે. તે બંને (ત્રણે) બોલ્યા, જુઓ આચાર્ય ભગવંત મંત્રીપુત્ર પ્રત્યે રાગવાળા છે.
બીજા ચોમાસામાં સિંહગ્રસવાસી મુનિ બોલ્યા – હું ગણિકાને ઘેર જવાનો અભિગ્રહ ગ્રહણ કરીશ. આચાર્યએ જ્ઞાનોપયોગ મૂક્યો. તેને નિવાર્યા, પણ તે મુનિએ વાત સ્વીકારી નહીં અને ગયા. ત્યાં વસતી માંગી. ગણિકાએ આપી. તેણી વિભૂષિત કે અવિભૂષિત દશામાં પણ સુંદર શરીરી હતી. મુનિ તેણીના શરીરમાં આસક્ત થયા. તેણી સાથે ભોગની યાચના કરી. ગણિકા તે માટે તૈયાર ન હતી. તેથી બોલી કે જો તમે મને કંઈ મૂલ્ય આપો તો તેમ બને. મુનિએ પૂછ્યું – શું આપું? ગણિકાએ કહ્યું – લક્ષમૂલ્ય. નેપાળમાં શ્રાવક છે, તે લક્ષમૂલ્ય કંબલ આપે છે. મુનિ ત્યાં ગયા. શ્રાવકે કંબલ આપી. મુનિએ આવીને તે કંબલ ગણિકાને આપી. તે ગણિકાએ મલગૃહમાં તે રત્નકંબલને ફેંકી દીધી.
મુનિ બોલ્યા – અરેરે! કેમ ફેંકી દે છે? ગણિકાએ કહ્યું – તમારી હાલત પણ આ જ થશે. ઉપશાંત કર્યા, સદ્બુદ્ધિ પામ્યા. હું અનુશાસન ઈચ્છું છું. ઉપાશ્રયે પાછા ગયા. ફરી આલોચના કરીને વિચરે છે.
આચાર્યએ કહ્યું – એ પ્રમાણે ‘દુષ્કર-દુષ્કરકારક.’ સ્થૂલભદ્રને કહ્યું. કોશા પણ શ્રાવિકા થઈ. એ પ્રમાણે વિચરે છે. કોઈ વખતે રાજાએ તે ગણિકા રથકારને આપી. તેનું આખ્યાન જેમ નમસ્કારમાં આવશ્યક વૃત્તિમાં છે, તેમ જાણવું.
જે પ્રમાણે સ્થૂલભદ્રએ સ્ત્રી-પરીષહ સહન કર્યો, તેમ સાધુઓએ સહન કરવો જોઈએ. - X - આ પ્રમાણે એકત્ર વસતા તેવા સ્ત્રીજનના સંસર્ગથી મંદસત્ત્વને થાય છે, પણ એકલા રહેલને ન થાય. પરંતુ તેમણે ચર્યા પરીષહ સહન કરવો જોઈએ. તે કહે છે –

Linked texts (1)