Uttarajjhayana 291
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 291
- Language
- Gujarati
291
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૭૪ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૭૪ + વિવેચન]
મયુરી, નકલી, બિલાડી, વ્યાઘ્રી, સિંહી, ઉલુકી, અવપાતી. આ વિદ્યાઓ ગ્રહણ કરીને પરિવ્રાજકની વિદ્યાઓને અનુક્રમે હણી શકાશે.
ત્યારપછી આચાર્યએ રોહગુપ્તને એક રજોહરણ પણ અભિમંત્રીને આપ્યું. જો તે પોટ્ટશાલ બીજો કોઈ ઉપદ્રવ કરે તો આ રજોહરણને ભમાડજે. તેનાથી તું અજેય બની જઈશ. ઈન્દ્ર પણ પછી તને જીતી શકશે નહીં.
પછી આ વિદ્યાઓ ગ્રહણ કરીને રોહગુપ્ત રાજ્યસભામાં ગયો. તેણે ત્યાં કહ્યું – આ શું જાણે છે? પૂર્વપક્ષ તેને જ સ્થાપવા દો. પરિવ્રાજકે વિચાર્યું કે આ સાધુઓ નિપુણ હોય છે. તેથી તેમનો જ સિદ્ધાંત હું ગ્રહણ કરું.
જેમ કે રાશિ બે જ છે - જીવરાશિ અને અજીવરાશિ. ત્યારે રોહગુપ્તે ત્રણ રાશિની સ્થાપના કરી, તે જાણી ગયો કે - આ પરિવ્રાજકે મારો સિદ્ધાંત ગ્રહણ કરેલ છે. તેથી તેને બુદ્ધિ વડે હરાવીને ત્રણ રાશિની સ્થાપના કરી. જીવ, અજીવ અને નોજીવ. તેમાં જીવ - તે સંસારમાં રહેલા ઈત્યાદિ, અજીવ - તે ઘટ આદિ અને નોજીવ - તે ગરોળીની છેદાયેલી પૂંછડી ઈત્યાદિ.
ત્યારપછી રોહગુપ્તે દૃષ્ટાંત આપ્યું કે - જેમ દંડ હોય, તેમાં આદિ, મધ્ય અને અગ્ર એ ત્રણ ભાગ હોય છે. એ પ્રમાણે બધાં ભાવો ત્રણ ભેદે હોય છે. એ પ્રમાણે તેણે પોટ્ટશાલને ચૂપ કરી દીધો.
ત્યારે તે પરિવ્રાજકે રોષિત થઈને વીંછીને છોડ્યો, ત્યારે સાધુએ મયુરોને સામે છોડ્યા. તેના વડે વીંછીઓ હણાતા, પોટ્ટશાલે સર્પોને મૂક્યા ત્યારે રોહગુપ્તે તેના પ્રતિઘાતને માટે નોળીયાઓને મૂક્યા. ત્યારે ઉંદર સામે બિલાડા, પછી મૃગની સામે વાઘને, પછી શૂકરની સામે સિંહોને, પછી કાગડાની સામે ઘૂવડોને, પછી શકુનિકા-સમળીના બચ્ચાની સામે ઉવાલકને મૂક્યા. એ પ્રમાણે પોટ્ટશાલની સામે વિદ્યાઓને રોહગુપ્તે પ્રતિવિદ્યાઓથી નષ્ટ કરી દીધી. ત્યારે પરિવ્રાજકે ગર્દભી વિદ્યા છોડી.
રોહગુપ્તે ગુરુએ કહ્યા મુજબ આ ઉપદ્રવ સામે રજોહરણ ભમાડીને તેને આહત કરી, ત્યારે તે વિદ્યા તે જ પરિવ્રાજકની ઉપર હંગીને ગઈ. ત્યારે પરિવ્રાજક ઘણી જ હીલનાપૂર્વક ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો. એ પ્રમાણે તેણે પરિવ્રાજકને હરાવ્યો.
ત્યારપછી આચાર્ય ભગવંત પાસે આવીને જે પ્રમાણે રાજસભામાં બનેલું તે પ્રમાણે બધો વૃત્તાંત કહ્યો. આચાર્ય ભગવંતે તેને પૂછ્યું – ઉઠતી વેળા તેં રાજસભામાં કેમ ન કહ્યું કે - રાશિઓ ત્રણ હોતી નથી, આ તો ફક્ત તેને બુદ્ધિ વડે પરાભવ કરવા માટે મેં પ્રરૂપણા કરેલી. હવે ફરી જઈને સભામાં કહી આવ કે રાશિ ત્રણ ન હોય.
રોહગુપ્તને તે વાત ગમી નહીં. ‘મારી અપભ્રાજના ન થાઓ’ એમ વિચારીને તે આચાર્યની વાત સ્વીકારતો નથી. વારંવાર તેને કહેતા, તે બોલ્યો કે - આમાં શો દોષ છે? કદાચ ત્રણ રાશિ છે એમ કહેવામાં આવે તો તેમાં શું થઈ જવાનું હતું? રાશિઓ ત્રણ છે જ.
આચાર્યએ કહ્યું - હે આર્ય! તેમાં અસત્ભાવ અને તીર્થંકરની આશાતના થાય છે. તો પણ રોહગુપ્તે તે વાત ન સ્વીકારી. એ પ્રમાણે તે આચાર્યની સાથે વાદે ચડી ગયો.
ત્યારે આચાર્યએ રાજકુળમાં જઈને કહ્યું કે – મારા શિષ્યએ ખોટો સિદ્ધાંત કહેલ છે. અમારા મતમાં બે જ રાશિ છે. આ કારણે રોહગુપ્ત વિપરીત પરિણામવાળો થયો. તેણે આચાર્યને કહ્યું, તો હવે મારી સાથે તમે વાદ કરો. તેની વાત સ્વીકારી બંને રાજસભા મધ્યે ગયા. રાજાની પાસે આવીને વાદનો આરંભ કર્યો. શ્રીગુપ્ત ગુરુએ કહ્યું કે - અને જીવની જેમ અજીવ અને નોજીવ પણ પ્રત્યક્ષ દેખાડ, તેથી ત્રણ રાશિ સાબિત થઈ શકે.
જે વિલક્ષણ હોય તે તેનાથી ભિન્ન હોય છે. જેમકે જીવથી અજીવ વિલક્ષણ છે. તેમ જીવથી નોજીવ પણ વિલક્ષણ છે. તેથી જીવ અને અજીવ એ બે રાશિ અને નોજીવ એ ત્રીજી રાશિ સિદ્ધ છે.
ત્યારે ગુરુએ કહ્યું – આ હેતુ અસિદ્ધ છે. કેમકે જીવથી નોજીવનું વૈલક્ષણ્ય લક્ષણભેદથી છે કે દશભેદથી છે? ઈત્યાદિ - X - X - X -
(અહીં પણ વાદ, તર્ક, પ્રતિવાદ આદિ વૃત્તિકારશ્રીએ મૂકેલ છે. અમે પહેલાં ત્રણ નિહ્નવોમાં અનુવાદ કર્યા પછી અમને એવું લાગે છે કે આ સમગ્ર ચર્ચા કોઈ તજજ્ઞ પાસે પ્રત્યક્ષ જ સમજવી જરૂરી છે. માત્ર અનુવાદથી તે સ્પષ્ટ ન થાય. કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં શ્રી વિનયવિજયજીએ પણ આ બધી ચર્ચાને છોડી દીધેલ છે. છતાં અન્ય ગ્રંથોમાં પણ તે જોઈ શકાય છે.)
સારાંશ એ કે – અનેક લક્ષણથી ગુરુએ સિદ્ધ કર્યું કે - આ અજીવ અને નોજીવ એકબીજાથી ભિન્ન નથી. પણ એકલક્ષણ છે. એ પ્રમાણે સમ્યક્ પ્રકારે ગુરુ વડે ઉક્તિ અને પ્રયુક્તિ સાથે સમજાવતા એક દિવસ જેવા છ મહીનાઓ ગયા. તેમનો વાદ ચાલ્યો.
ત્યારે રાજાએ કહ્યું કે – મારા રાજ્યકાર્ય સીદાય છે.
આચાર્યએ કહ્યું – મારી ઈચ્છાથી જ આટલો લાંબો કાળ લીધો. હવે તમે જોજો, કાલના દિવસે હું તેનો નિગ્રહ કરી દઈશ. ત્યારે પ્રભાતમાં કહ્યું કે – કૃત્રિકાપણમાં જઈને પરીક્ષા કરી લેવી. ત્યા બધાં દ્રવ્યો વેચાય છે. જાઓ, ત્યાં જઈને જીવ, અજીવ અને નોજીવ લાવો.
ત્યારે દેવતા વડે જીવ અને અજીવ અપાયા. ત્યાં નોજીવ ન હતા અથવા ફરી અજીવ જ આપે છે. આ અને આવા ૧૪૪ પ્રશ્નોની પૃચ્છા વડે આચાર્ય ભગવંતે રોહગુપ્તનો નિગ્રહ કર્યો.
નગરમાં ઘોષણા કરાવી કે માહતિમહાન શ્રી વર્દ્ધમાન સ્વામી જય પામો. રોહગુપ્તને દેશનિકાલ કરવામાં આવ્યો. પછી તેને નિહ્નવ એમ કહીને સંઘ બહાર કઢાયો.
આ છઠ્ઠો નિહ્નવ થયો. તેણે વૈશેષિક સૂત્રોની રચના કરી. ષડ્ અને ગોત્રથી ઉલૂક હોવાથી તે ‘ષડ્લૂક’ કહેવાયો.
૧૪૪ જે પ્રશ્નોની નિગ્રહ કરાયો, તે આ પ્રમાણે છે – મૂલપદાર્થો છ ગ્રહણ કર્યા. તે આ પ્રમાણે - દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય.
તેમાં દ્રવ્યો નવ ભેદે છે, તે આ પ્રમાણે – પૃથ્વી, અપ્, તેઉ, વાયુ, આકાશ, કાળ, દિશા, જીવ અને મન એ નવ છે.
ગુણો સત્તર છે, તે આ પ્રમાણે – રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ અને પ્રયત્ન.
કર્મ પાંચ ભેદે – ઉત્ક્ષેપણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ, ગમન.
સામાન્ય ત્રણ ભેદે છે – મહા સામાન્ય, સત્તા સામાન્ય અને સામાન્ય વિશેષ સામાન્ય. વિશેષ એક જ ભેદે છે. સમવાય પણ એક જ ભેદે છે.
બીજા કહે છે કે – સામાન્ય બે ભેદે છે (૧) પર, (૨) અપર. વિશેષ પણ બે ભેદે છે – અંત્ય વિશેષ અને અનંત્ય વિશેષ.
આ પ્રમાણે – (૯ + ૧૭ + ૫ + ૩ + ૧ + ૧) ૩૬ ભેદો થયા. એ છત્રીશના એક-એકના ચાર વિકલ્પો થાય - પૃથ્વી, અપૃથ્વી, નોપૃથ્વી, નોઅપૃથ્વી. તે રીતે ૩૬ X ૪ = ૧૪૪ ભેદો થાય છે. તેમાં ‘પૃથ્વીને આપો’ કહેતા માટીને આપે છે. ‘અપૃથ્વીને આપો’ કહેતા પાણી આદિ આપે છે. ‘નોપૃથ્વી આપો’ એમ કહેતા કંઈપણ આપતા નથી. અથવા પૃથ્વી સિવાયનું કંઈક આપે છે. તે પ્રમાણે ‘નોઅપૃથ્વી આપો’ એમ કહેતા કંઈ પણ આપતા નથી. એ પ્રમાણે યથાસંભવ વિભાષા બધાં પ્રશ્નોમાં કરવી.
૦ સ્થવિર ગોષ્ઠામાહિલ ‘સ્પૃષ્ટ અબદ્ધ’ની પ્રરૂપણા કરે છે. જે રીતે તેનો મત છે તે બતાવતા નિર્યુક્તિકાર કહે છે –