Pramāṇa · Search · About · API

Uttarajjhayana 369

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 369

Language
Gujarati

369

વિવેચન–૧૨૨
ચરેત્‌ - જાય, પદ - પાદવિક્ષેપ રૂપ, પરિશંકમાન - અપાયને ન ગણકારતો. કઈ રીતે, તે હવે કહે છે – જે કંઈ ગૃહસ્થ સંસ્તવ આદિ અલ્પ પણ પાશતુલ્ય જે પાશ, સંયમ પ્રવૃત્તિ પ્રતિ સ્વાતંત્ર્યના ઉપરોધિતા વડે જાણતો, અથવા જે સંયમ માર્ગમાં જાય, શું કરતો? પદાનિ - સ્થાનો, ધર્મના સ્થાનો. તે મૂલગુણ આદિમાં પરિશંકિત થતો અર્થાત્‌ મારા આ પ્રવર્તમાન મૂલગુણમાં માલિન્ય કે સ્ખલના ન થાય, એ પ્રમાણે પરિભાવના કરતો પ્રવર્તે. જે કોઈ અલ્પ પણ દુશ્ચિંતિત આદિ પ્રમાદપદ મૂલગુણ આદિના માલિન્ય જનકતાથી બંધ હેતુત્વ થકી પારાની જેમ પાશને માનતા હોય, તે આ ઉભયમાં અહીં અભિપ્રાય –
જેમ ભારંડ પક્ષી અપર સાધારણ અંતર્વર્તી ચરણપણાથી પગલાંને પરિશંકા કરતો જ ચરે છે. જે કોઈ અવરકાદિને પણ પાશ માનતો તે પ્રમાણે અપ્રમત્ત ચરે છે.
જો પરિશંકિત થતો વિચરે, તો સર્વથા જીવિત નિરપેક્ષાથી પ્રવર્તવું જોઈએ. તેની સાપેક્ષતામાં જ કદાચિત્‌ કથંચિત્‌ ઉક્ત દોષનો સંભવ છે, એવી આશંકાથી કહે છે – લાભાંતર, ઈત્યાદિ. પ્રાપ્ત થવું તે લાભ-અપૂર્વ અર્થની પ્રાપ્તિ. અંતર - વિશેષ, લાભાંતર તેમાં થાય છે. અહીં શું કહેવા માંગે છે?
જ્યાં સુધી વિશિષ્ટ વિશિષ્ટતર સમ્યગ્‌ જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ અહીંથી સંભવે છે, ત્યાં સુધી આ પ્રાણધારણારૂપ જીવિતને અન્ન પાન ઉપયોગાદિથી વૃદ્ધિ પામીને, તેના અભાવમાં પ્રાયઃ તેના ઉપક્રમણનો સંભવ હોવાથી આમ કહ્યું છે. ક્ષુધા આદિનું પણ ઉપક્રમણ કારણત્વથી અભિધાન છે. અહીં બૃંહયિત્વ જ બૃંહયિત્વા એમ વ્યાખ્યા કરવી, અન્યથા ‘અસંસ્કૃત’ જીવિત છે, એ વાતનો વિરોધ થાય એમ વિચારવું.
ત્યારપછી શું? લાભ વિશેષ પ્રાપ્તિના ઉત્તરકાળે, પરિણ્ણાય - સર્વ પ્રકારોથી બોધ પામીને, જેમ આ પણ આ નહીં, પૂર્વવત્‌ સમ્યગ્‌ દર્શનાદિ વિશેષ હેતુ, તથા આનાથી જરા ન થાય, જરા કે વ્યાધિથી અભિભૂત ન થાય, તેથી તથાવિધ ધર્મધ્યાન પ્રતિ સમર્થ. કહ્યું છે કે –
‘જ્યાં સુધી જરા પીડતી નથી, વ્યાધિ જ્યાં સુધી વધતી નથી, જ્યાં સુધી ઈન્દ્રિયો હાનિ પામેલી નથી, ત્યાં સુધી ધર્મનું સમ્યક્‌ આચરણ કર.’
આ પ્રમાણે જ્ઞપરિજ્ઞાથી જાણીને, પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ભોજનનું પ્રત્યાખ્યાન કરે. સર્વથા જીવિતથી નિરપેક્ષ થાય, એ ભાવ છે. મલવત્‌ અત્યંત આત્મમાં લીનતાથી મલ - આઠ પ્રકારના કર્મ, તેનો અપધ્વંસ કરવાનો સ્વભાવ જેનો છે, તે મલ અપધ્વંસી અર્થાત્‌ મલનો વિનાશ કરનાર થાય છે. તેથી જ્યાં સુધી લાભ થાય ત્યાં સુધી ગુણોને માટે જ દેહને ધારણ કરવો.
અથવા જીવિતને પુષ્ટ કરીને લાભાંતર - લાભ વિચ્છેદમાં અંતર અને બાહ્ય મલના આશ્રયત્વથી મલ - ઔદારિક શરીર, તેનો અપધ્વંસ કરનાર થાય. શો અર્થ છે? જીવિતને ત્યજી દે. અહીં એમ કહેવા માંગે છે કે - આ આનો એક જ ગુણ મનુષ્ય પામીને ધર્મનો લાભ મેળવે છે, એ પ્રમાણે ભાવના કરતો જ્યાં સુધી આ શરીરથી તેને લાભ થાય છે, ત્યાં સુધી તેનું પોષણ કરે. લાભનો વિચ્છેદ સંભવ થતાં સંલેખનાદિ વિધાનથી તે શરીરનો ત્યાગ કરે. અહીં જ્યાં સુધી લાભને ધારણ કરે, તે સંબંધમાં મંડિક ચોરનું ઉદાહરણ છે. તેમાં સંપ્રદાય આ પ્રમાણે છે –
બેન્નાતટ નગરમાં મંડિક નામે વણકર, પરદ્રવ્યના હરણમાં પ્રસક્ત હતો અને તે દુષ્ટવ્રણ છું એમ લોકોમાં પ્રકાશિત કરતો. જાનુ દેશથી નિત્ય જ ભીના લેપ વડે લિપ્ત થઈને રાજમાર્ગમાં વણકરના શિલ્પથી આજીવિકા કરતો હતો. ભમતો હોવા છતાં પણ દંડ ધારણ કરીને પગ વડે ક્લેશ પામતો ભમતો હતો. રાત્રિના ખાતર પાડીને ધનને ગ્રહણ કરીને નગરની સમીપમાં ઉદ્યાનમાં એક દેશમાં ભૂતિગૃહમાં ત્યાં નિક્ષેપ કરતો.
ત્યાં તેની બહેન એવી કન્યા રહેતી હતી. તે ભોંયરાની મધ્યમાં એક કૂવો હતો. જેમાં તે ચોર દ્રવ્યથી પ્રલોભિત સાથે આ દ્રવ્યનું વહન કરતી હતી. તે તેની બહેન કૂવાની સમીપે પૂર્વે રાખેલ આસને બેસીને પગ ધોવાના બહાનાથી બંને પગેથી ગ્રહણ કરીને તે કૂવામાં નાંખતી હતી. પછી તે આવનાર તેમાં જ નાશ પામતો હતો. એ પ્રમાણે નગરને લૂંટતા-લૂંટતા તેમનો કાળ વ્યતીત થતો હતો. ચોર પકડનારા પણ તેમને પકડી લેવાને સમર્થ ન હતા. તેથી નગરમાં ઉપદ્રવ થતો. ત્યાં મૂલદેવ રાજા હતો. તે કઈ રીતે રાજા થયો?
ઉજ્જૈની નગરીમાં બધી ગણિકામાં પ્રધાન એવા દેવદત્તા નામે ગણિકા હતી. તેની સાથે અચલ નામે કોઈ વણિક્‌ પુત્ર વૈભવ સંપન્ન એવો મૂળદેવ વસતો હતો. તે ગણિકાને મૂલદેવ ઘણો જ ઈષ્ટ હતો. પણ ગણિકાની માતાને અચલ શ્રેષ્ઠી જ ઈષ્ટ હતો. તે ગણિકામાતા, ગણિકાને કહેતી કે – આ જુગારીનો તને શો મોહ છે? દેવદત્તા તેની માતાને કહેતી, હે માતા! આ પંડિત છે. ગણિકા માતાએ પૂછ્યું - શું આ આપણાથી અધિક વિજ્ઞાનને જાણે છે? અચલ બોંતેર કળામાં પંડિત જ છે.
તેણીએ કહ્યું - અચલને કહો કે દેવદત્તાને શેરડી ખાવા માટેની શ્રદ્ધા-ઈચ્છા છે. ગણિકાની માતાએ જઈને કહ્યું ત્યારે અચલે વિચાર્યું કે કેટલી શેરડી વડે હું દેવદત્તાને ખુશ કરી શકું? તેણે ગાડું ભરીને શેરડીના સાંઠા મોકલી દીધા. દેવદત્તા બોલી કે - શું હું હાથણી છું?
પછી દેવદત્તાએ કહ્યું - મૂલદેવ પાસે જઈને કહો કે દેવદત્તા શેરડી ખાવાની ઈચ્છા રાખે છે. ગણિકાએ જઈને મૂલદેવને વાત કરી. તેણે કેટલીક શેરડીના સાંઠા લીધા, તેને છોલી નાંખ્યા. પછી તેના ટૂકડા કર્યા. તે શેરડીના ટૂકડાને ચાતુર્જાતક આદિ વડે સુવાસિત કર્યા, પછી મોકલ્યા. ત્યારે દેવદત્તાએ કહ્યું કે - જુઓ, આનું આ વિજ્ઞાન.
ત્યારે ગણિકામાતા મૌન રહી. મૂલદેવ પ્રત્યે પ્રદ્વેષને ધારણ કરતી અચલને કહે છે - હું એવું કંઈક કરીશ, જેથી મૂલદેવ પકડાઈ જાય. અચલે ૧૦૮ દીનાર દેવદત્તાને ભાડારૂપે આપીને રાખી. ગણિકામાતાએ દેવદત્તાને કહ્યું કે - હવે અચલ તારી સાથે રહેશે. આ દીનાર આપેલા છે. બપોરના સમયે જઈને દેવદત્તાને કહ્યું કે - અચલને કોઈ ત્વરિત કાર્ય ઉત્પન્ન થતાં તે ગામ ગયેલ છે. દેવદત્તાએ મૂલદેવને બોલાવવા મોકલ્યો. મૂલદેવ આવ્યો. તેણીની સાથે રહ્યો. ગણિકામાતાએ અચલને સંદેશો મોકલ્યો કે બીજા દ્વારેથી તમે આવો. તેણે ઘણાં પુરુષો સાથે આવીને ગર્ભગૃહને વીંટી લીધું. મૂલદેવ અતિ સંભ્રમથી શય્યાની નીચે છૂપાઈ ગયો. અચલે તે ધ્યાન રાખી લીધું. દેવદત્તાની દાસીઓ અચલના શરીરના અભ્યંગનાદિ માટે બધી સામગ્રી લઈને આવી. અચલ તે જ શય્યામાં બેઠો અને કહે છે કે - આ જ શય્યામાં રહેલા મને અભ્યંગનાદિ સ્નાન કરાવો.
દેવદત્તા બોલી કે – આખી શય્યા બગડી જશે. અચલે કહ્યું – હું આના કરતાં ઉત્કૃષ્ટતર શય્યા તને આપીશ. મેં એવું સ્વપ્ન જોયેલ છે કે મારે શય્યામાં જ અભ્યંગન, ઉદ્વર્તન અને સ્નાનાદિ કરવા. તે બધીએ તેમ કર્યું. ત્યારે સ્નાન અને વિલેપનથી ભીંજાયેલા મૂલદેવને અચલે વાળ પકડીને બહાર ખેંચ્યો. ત્યારે મૂલદેવે કહ્યું મને છોડી દો. કોઈ દિવસ હું તમને તેનો ઘણો સારો બદલો વાળી દઈશ. અચલ વડે અપમાનિત થયેલો મૂલદેવ ઘણી જ લજ્જાને ધારણ કરતો ઉજ્જૈનીથી નીકળી ગયો. કેમકે અચલની શરત હતી કે તારે આ સ્થાન છોડીને ચાલ્યા જવું.
મૂલદેવ ત્યાંથી બેન્નાતટ નગરે ગયો. માર્ગમાં એક પુરુષ મળેલ. મૂલદેવે તે પુરુષને પૂછ્યું કે ક્યાં જાય છે? તેણે કહ્યું - બેન્નાતટ નગરે. ત્યારે મૂલદેવે કહ્યું - ચાલો, આપણે બંને સાથે જઈએ. તેણે તે વાત સ્વીકારી લીધી.
બંને ચાલ્યા જાય છે, માર્ગમાં એક અટવી આવી. તે પુરુષની પાસે ભાથું - ભોજન હતું. મૂલદેવ વિચાર કરે છે - આ મને તેના ભોજનમાંથી કંઈક પણ આપશે. આજે આપશે, કાલે આપશે એવા આશયથી તેની સાથે ચાલ્યો જાય છે. પણ તે પુરુષ મૂલદેવને કંઈ ખાવા માટે આપતો નથી. ત્રીજે દિવસે આવી પસાર કરી. મૂળદેવે તેને પૂછ્યું કે - નજીક કોઈ ગામ છે? તે પુરુષે કહ્યું કે - અહીંથી બહુ દૂર નહીં તેવા માર્ગમાં ગામ છે.
ત્યારપછી મૂલદેવે તેને પૂછ્યું - તું ક્યાં રહે છે? તેનો જવાબ આપ્યો કે - આ ગામમાં જ રહું છું. મૂલદેવે ફરી પૂછ્યું કે - તો કઈ રીતે હું જાઉં તો આ ગામે જઈ શકું? તે પુરુષે તેને માર્ગ દેખાડ્યો.
મૂલદેવ તે ગામમાં ગયો. ત્યાં ભિક્ષાને માટે ભ્રમણ કરતાં અડદ પ્રાપ્ત થયા. તે વખતે સંપન્નકાળ વર્તતો હતો. તે ગામથી મૂલદેવ નીકળ્યો. તે વખતે કોઈ સાધુ માસક્ષમણના પારણે ભિક્ષા નિમિત્તે ત્યાં પ્રવેશ્યા. મૂલદેવે ત્યારે સંવેગ પ્રાપ્ત થઈ પરમ ભક્તિથી તે અડદ વડે તે સાધુને પ્રતિલાભિત કર્યા.
આ બોલ્યો કે - તે મનુષ્યોને ધન્ય છે, જેને અડદ વડે સાધુનું પારણું કરાવવાનો લાભ મળેલ છે. ત્યારે નિકટમાં રહેલા દેવતાએ કહ્યું - હે પુત્ર! આ ગાથાના પશ્ચાર્દ્ધથી જે માંગીશ, તે હું તને આપીશ.
મૂલદેવે ગાથાનો પશ્ચાર્દ્ધ ભણ્યો - દેવદત્તા ગણિકા, હજાર હાથી સહિતનું રાજ્ય (મને પ્રાપ્ત થાઓ.) દેવતાએ કહ્યું કે - તુરંત જ પ્રાપ્ત થશે. ત્યારપછી મૂલદેવ બેન્નાતટ નગરે ગયો. ત્યાં કોઈ ખાતર થઈને ચોરી કરનારો પકડાયો હતો, તેને વધ કરવા માટે લઈ જતા હતા. ત્યાં વળી કોઈ અપુત્રક રાજા મરણ પામ્યો. તેથી તેઓએ અશ્વને અધિવાસિત કર્યો. તે અશ્વ મૂલદેવની પાસે આવ્યો. પીઠે બેસાડ્યો પછી અશ્વ તેને લઈને રાજ્યમાં ગયો. ત્યાં મૂલદેવનો રાજ્યાભિષેધ થતાં રાજા બન્યો.
તેણે તે પુરુષ (માર્ગમાં મળેલો તે)ને બોલાવ્યો. તેને કહ્યું કે - સારું થયું કે તું માર્ગમાં મારી જોડે હતો, અન્યથા હું માર્ગમાં જ વિનાશ પામ્યો હોત. તેથી તને હું આ એક ગામ લખી આપું છું. પણ હવે કોઈ દિવસ મારી સાથે આવતો નહીં. (મને મોઢું બતાવતો નહીં.) પછી તેણે ઉજ્જૈનીના રાજા સાથે પ્રીતિ કરી. દાન-માન-સત્કાર વડે તેને પૂજીને પછી મૂલદેવે દેવદત્તાને માંગી. તે રાજાએ પણ પ્રતિ-ઉપકાર કરતાં દેવદત્તાને સોંપી દીધી. મૂલદેવે તેને અંતઃપુરમાં રાખી, પછી તેણીની સાથે ભોગો ભોગવતો રહે છે.
કોઈ દિવસે અચલ પોતવાહન-વહાણો વડે ત્યાં આવ્યો. જકાત ભરવા યોગ્ય ભાંડને તેણે ગોપવી દીધેલા હતા. મૂલદેવ રાજા તે સ્થાનોને જાણી ગયો, તેણે અચલને પકડી લીધો. તે રાજદ્રવ્ય ગોપવેલ છે એમ કહીને તેને બાંધીને રાજમાં લાવ્યા. મૂલદેવે તેને પૂછ્યું - તું મને જાણે છે? તે બોલ્યો - તમે રાજા છો, તમને કોણ ન જાણે? તેણે કહ્યું કે - હું મૂલદેવ છું. અચલનો સત્કાર કરીને તેને વિદાય આપી. આ પ્રમાણે મૂલદેવ રાજા થયો.
ત્યારે તેણે બીજા નગર આરક્ષકની સ્થાપના કરી. પણ તે ચોરને પકડવા માટે સમર્થ ન થયા. ત્યારે મૂલદેવ પોતે જ નીલવસ્ત્રને ઓઢીને રાત્રિમાં નીકળ્યો. મૂલદેવ અજ્ઞાતપણે એક સભામાં બેસીને રહ્યો. જેટલામાં તે મંડિક ચોર આવીને બોલ્યો - અહીં કોણ ઊભું છે? મૂલદેવે કહ્યું - હું કાર્પટિક છું. તે બોલ્યો - અહીં આવ, હું તને મનુષ્ય કરીશ.
મૂલદેવ ઊભો થયો. કોઈ એક ઐશ્વર્યવાનના ઘેર ખાતર પાડ્યું. ઘણું બધું ધન ત્યાંથી લઈ લીધું. તે બધું ધન મૂલદેવની ઉપર આરોહણ કર્યું. પછી બંનેએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. નગરની બહાર ગયા. તેમાં મૂલદેવ આગળ ચાલતો હતો. ચોર તલવાર ખેંચીને તેની પાછળ-પાછળ જતો હતો. તે બંને ભોંયરા પાસે પહોંચ્યા. ચોરે તે દ્રવ્ય તેમાં નાંખવાનો-ગોપવવાનો આરંભ કર્યો.
ત્યારપછી તે ચોરે તેની બહેનને કહ્યું – આ મહેમાન છે, તેના પગને ધોવાનું પાણી આપ. તેણી કૂવાના કિનારા પાસે આવીને બેઠી. તેણી પગ ધોવાના બહાનાથી તેના બંને પગને ગ્રહણ કરીને મહેમાનને કૂવામાં નાંખી દેતી હતી. જેવા તેણી અતિ સુકુમાર પગને જાણ્યા, ત્યારે તેણીને થયું કે આ નક્કી કોઈ ભૂતપૂર્વ રાજ્યભ્રષ્ટ રાજા જણાય છે. તેણીને મૂલદેવ ઉપર અનુકંપા જન્મી. ત્યારપછી તેણીએ પગના તળિયે નિશાની કરી કે અહીંથી ભાગી જા, તને મારો ભાઈ મારી નાંખશે.
ત્યારપછી મૂલદેવ ત્યાંથી નાસી ગયો. તેણી પૂત્કાર કરવા લાગી, ‘ભાગી ગયો, ભાગી ગયો.’ તે મંડિક ચોર તલવાર ખેંચીને તેની પાછળ દોડ્યો. મૂલદેવ રાજપથમાં અતિ સંનિકૃષ્ટ જાણીને ચત્વર-ચોરામાં ‘શિવ’ના અંતરે ઊભો રહ્યો. ચોરે તે શિવલિંગને - ‘આ પુરુષ છે’ એમ વિચારી કંકાગ્ર તલવાર વડે બે ટૂકડા કરીને ચાલ્યો ગયો. ત્યાંથી તે ભોંયરા પાસે ચાલ્યો ગયો.
ત્યાં રહીને રાત્રિ પસાર કરી, પ્રભાતમાં ત્યાંથી નીકળી ગયો. શેરીમાં જઈને અંદરની દુકાનમાં તંતુવાયત્વ-વણકરપણું કરવા લાગ્યો. રાજપુરુષો વડે બોલાવ્યો. મૂલદેવે વિચાર્યું કે આ તે જ પુરુષ છે પણ તેન હાલ મારવો યોગ્ય નથી. પુરુષો તેને લાવ્યા. રાજાએ ઊભા થઈ તેની પૂજા કરી. આસને બેસાડ્યો. તેની સાથે ઘણી પ્રિય વાતો કરીને કહ્યું મને તારી બહેન પરણાવ. તેણે તેની બહેનનો વિવાહ મૂલદેવ સાથે કર્યો. રાજાએ તેને ભોગો આપ્યા.
કેટલાંક દિવસો જતાં રાજાએ મંડિકને કહ્યું-થોડું ધન જોઈએ છીએ, તેણે ઘણું દ્રવ્ય આપ્યું. રાજાએ તેનું સન્માન કર્યું. અન્ય કોઈ દિવસે ફરી ધનની માંગણી કરી. ફરી પણ મંડિકે ધન આપ્યું. રાજાએ તે ચોરને અતિ સત્કાર-સન્માન પ્રયોજ્યું. આ પ્રકારે ચોરે બધું દ્રવ્ય આપી દીધું.
તેની બહેનને પછી પૂછ્યું - હવે કંઈ દ્રવ્ય છે? તેણી બોલી કે ના, આટલું જ દ્રવ્ય હતું. ત્યારપછી પૂર્વે કહેવાયેલ લક્ષ્ય અનુસાર બધું જ ધન પ્રાપ્ત થઈ જતાં મંડિકને શૂળીએ ચડાવી દીધો. દૃષ્ટાંતના અનુવાદપૂર્વક આ ઉપનય છે – જ્યાં સુધી જેટલું કાર્ય હતું, ત્યાં સુધી - જેટલો લાભ હતો ત્યાં સુધી મૂલદેવ રાજા વડે મંડિક ચોરને સાચવવામાં આવ્યો. તે પ્રમાણે ધર્માર્થીએ પણ સંયમ ઉપઘાત હેતુક છતાં પણ જીવિતને નિર્જરા અભિલાષાથી, તેના લાભને માટે યાવત્‌ ધારી રાખવું જોઈએ. તેને ધારણ કરવામાં સંયમનો ઉપરોધ જ છે. - X - આટલું પ્રસંગથી કહ્યું. હવે જે કહ્યું કે - ‘જીવિતને પોષણ આપીને મલનો ધ્વંસ કરે તે શું સ્વાતંત્ર્યથી કે અન્ય રીતે?’

Linked texts (2)