Uttarajjhayana 558
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 558
- Language
- Gujarati
558
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૫૩ થી ૨૫૯ + વિવેચન [૮/નિર્યુક્તિ-૨૫૩ થી ૨૫૯ + વિવેચન]
વૃત્તિકાર મહર્ષિ આ સાત ગાથાના કેટલાંક વિશિષ્ટ શબ્દોની વ્યાખ્યા કરીને પછી તેનો ભાવાર્થ કથાનક થકી જણાવે છે, તે આ છે–
તે કાળે તે સમયે કૌશાંબી નગરીમાં જિતશત્રુ રાજા હતો. ચૌદ વિદ્યાનો પારગામી કાશ્યપ બ્રાહ્મણ હતો જે રાજાને બહુમાન્ય હતો. તેની આજીવિકા રાજા આપતો હતો. તેને યશા પત્ની અને પુત્ર કપિલ હતો. તે કપિલ નાનો હતો, ત્યારે જ કાશ્યપનું મૃત્યુ થયું. તેનું પદ રાજાએ કોઈ બીજા બ્રાહ્મણને આપ્યું. તે અશ્વ અને છત્ર ધારણ કરીને જતો. તે જોઈને યશા બ્રાહ્મણી રડવા લાગી. કપિલે પૂછ્યું ત્યારે તેણી બોલી - તારા પિતા આવી જ ઋદ્ધિથી નીકળતા હતા. કેમકે તે વિદ્યાસંપન્ન હતા. કપિલે કહ્યું - હું પણ ભણીશ. યશા બોલી - અહીં ઈર્ષ્યાને લીધે તને કોઈ પણ નહીં ભણાવે, શ્રાવસ્તી નગરીએ જા, ત્યાં તારા પિતાનો મિત્ર ઈન્દ્રદત્ત બ્રાહ્મણ છે, તે તને ભણાવશે.
કપિલ તેની પાસે ગયો. ઈન્દ્રદત્તે પૂછ્યું - તું કોણ છે? આદિ. કપિલે બધી વાત કરી. પછી તેમની પાસે ભણવા તૈયાર થયો. ત્યાં શાલિભદ્ર નામે શ્રેષ્ઠી હતો. તેની પાસે ઈન્દ્રદત્તે વ્યવસ્થા કરી. કપિલ ત્યાં જમતો અને ભણવા લાગ્યો. કોઈ દાસકન્યા તેને ભોજન પીરસતી હતી. તે હસમુખી હતી, તેની સાથે કપિલ પ્રેમાસક્ત થયો. કન્યા બોલી કે તું મને પ્રિય છો, પણ તારી સાથે કંઈ નથી. મારું પણ કોઈ નથી. પેટને માટે આપણે બીજા-બીજા પાસે રહ્યા છીએ. હવે હું તારી આજ્ઞા પાળીશ.
કોઈ દિવસે ત્યાં મહોત્સવ આવ્યો. દાસી કપિલથી વિરક્ત થઈ. કન્યાને નિદ્રા આવતી નથી. કપિલે પૂછ્યું - તને અરતિ કેમ છે? દાસી બોલી - મહોત્સવ આવે છે. મારી પાસે પત્ર-પુષ્પાદિનું મૂલ્ય નથી. સખીજનોમાં હું નિંદા પામીશ. ત્યારે કપિલ પણ ખેદ પામ્યો. દાસીએ કહ્યું - અહીં ધન નામે શ્રેષ્ઠી છે, વહેલી સવારે જે એને પહેલી વધામણી આપે, તેને તે બે માસા સુવર્ણ આપે છે. તો તું જઈને લઈ આવ. કપિલે કહ્યું, સારું.
ત્યારે લોભથી બીજો કોઈ ન પહોંચે, તે માટે તે ઘણો જ વહેલો નીકળ્યો. આરક્ષક પુરુષોએ પકડી લીધો. પ્રભાતમાં પ્રસેનજિત રાજા પાસે તેને લાવ્યા. રાજાએ પૂછતા, કપિલે બધો વૃત્તાંત કહી દીધો. રાજા બોલ્યો - જા, અશોક વનિકામાં જા. તેણે ત્યાં જઈને વિચારવા માંડ્યું કે - બે માસા સુવર્ણમાં તે દાસી કયા આભરણ, શાળી વગેરે લઈને મહોત્સવમાં જશે? તેના કરતા કંઈક વિશેષ જ માંગી લઉં. એમ આગળ વધતા વધતા કરોડ માસા સુવર્ણ સુધી પણ તે ન અટક્યો.
શુભ અધ્યવસાયથી તેને સંવેગ ઉત્પન્ન થયો. મતિ સ્મરણ જ્ઞાન થયું. સ્વયંબુદ્ધ થયો. જાતે જ લોચ કરી દેવતાદત્ત રજોહરણ, ઉપ-કરણાદિ લઈને રાજા પાસે આવ્યો. રાજાએ પૂછ્યું - શું વિચાર્યું? તે બોલ્યો - જેમ લાભ વધે છે, તેમ લોભ વધે છે. બે માસા સુવર્ણનું પ્રયોજન હતું, કરોડોથી પણ પૂરું ન થયું. રાજાએ હર્ષિત મુખ કરીને કહ્યું - હે આર્ય! હું કોટિ માસા સુવર્ણ આપવા તૈયાર છું. કપિલ તેનો ત્યાગ કરીને શમિત પાપ એવો શ્રમણ થયો. પછી છ માસ છદ્મસ્થ રહી કેવલી થયા.
આ તરફ રાજગૃહીના માર્ગમાં અઢાર યોજનની અટવીમાં બલભદ્ર આદિ ઈક્કડ દાસ નામના ૫૦૦ ચોરો રહેતા હતા. કપિલ કેવલીએ જ્ઞાનથી જાણ્યું કે, તેઓ બોધ પામશે. કપિલ કેવલી ત્યાં પહોંચ્યા. તે ચોરોએ જાણ્યું કે કોઈ શ્રમણ આપણો પરાભવ કરવાને આવી રહેલ છે. રોષથી કપિલ કેવલીને પકડીને સેનાપતિ પાસે લઈ ગયા. સેનાપતિએ કહ્યું - હે શ્રમણ! તમે નૃત્ય કરો. કપિલ મુનિ બોલ્યા - તમે વાદ્ય વગાડો તો હું નૃત્ય કરું. ૫૦૦ ચોરો તાળી વગાડવા લાગ્યા. કપિલ કેવલીએ ગાવાની સાથે બોધવચનો બોલવા શરૂ કર્યા. જેમકે - ‘અધ્રુવ, અશાશ્વત અને દુઃખ બહુલ સંસારમાં એવું કયુ કર્મ છે? જેનાથી હું દુર્ગતિમાં ન જાઉં?’
એ પ્રમાણે શ્લોકો ગવાતા કેટલાંક પહેલાં શ્લોકમાં બોધ પામ્યા, કેટલાંક બીજામાં બોધ પામ્યા, એ પ્રમાણે ૫૦૦ ચોરો બોધ પામ્યા. એ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર કહે છે –