Pramāṇa · Search · About · API

Uttarajjhayana 601

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 601

Language
Gujarati

601

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૬૪ થી ૨૬૯ + વિવેચન [૯/નિર્યુક્તિ-૨૬૪ થી ૨૬૯ + વિવેચન]
આનો અર્થ પ્રાયઃ સંપ્રદાયથી જ જણાય, તેથી તે જ કહે છે –
(૧) કરકંડૂ – ચંપાનગરીમાં દધિવાહન રાજા હતો, ચેટક રાજાની પુત્રી પદ્માવતી તેની પત્ની (રાણી) હતી. તેને મનોરથ થયા. હું કઈ રીતે રાજાનો વેશ પહેરીને ઉદ્યાન અને કાનનોમાં વિચરણ કરું? તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. રાજા પૂછે છે, મનોરથ જાણીને રાજા અને પદ્માવતી રાણી જય હાથી ઉપર આરૂઢ થયા. રાજા છત્રને ધારણ કરે છે. ઉદ્યાનમાં ગયા, પહેલી વર્ષાઋતુ હતી. શીતળ માટીની ગંધથી હાથી અભ્યાહૃત થઈને વનને યાદ કરે છે. નિવૃત્ત વનની અભિમુખ ચાલ્યો. લોકો તેની પાછળ પહોંચી ન શક્યા. બંને જ અટવીમાં પ્રવેશ્યા.
રાજા વટવૃક્ષ જોઈને રાણીને કહે છે – આ વડની નીચેથી જશે. ત્યારે તું વડની શાખા પકડી લેજે. તેણીએ તે વાત સ્વીકારી, પણ શાખા પકડી ન શકી. રાજા હોંશિયાર હતો. તેણે શાખા પકડી લીધી. તે શાખાએથી ઉતરીને આનંદરહિત થયેલો એવો ચંપાનગરીએ ગયો. તે રાણી પણ મનુષ્ય રહિત અટવીમાં હાથી વડે લઈ જવાઈ. તેટલામાં તેણીને તરસ લાગી, તેણીએ મહામોટું દ્રહ જોયું. ત્યાં ઉતરીને હાથી રમવા લાગ્યો. રાણી પણ ધીમેથી તળાવથી ઉતરી. દિશાને જાણતી નથી. એક જ દિશામાં સાગાર ભક્ત-પ્રત્યાખ્યાન કરીને ચાલી.
થોડે દૂર પહોંચી તેટલામાં તાપસે રાણીને જોઈ. તાપસે તેને અભિવાદિત કરીને પૂછ્યું - હે માતા! આપ અહીં ક્યાંથી આવ્યા? ત્યારે રાણી બોલી કે - હું ચેટક રાજાની પુત્રી છું. યાવત્‌ હાથી વડે અહીં લવાઈ છું. તે તાપસ ચેટકનો સ્વજન હતો. તેણે રાણીને આશ્વાસિત કરતાં કહ્યું - ડરશો નહીં. ત્યારે તેણીને વનના ફળો આપ્યા. એક દિશાથી અટવીમાંથી બહાર કાઢી. પછી કહ્યું - આ ખેડાયેલ ભૂમિ છે, અમે તેની ઉપર ન ચાલીએ. આ દંતપુરનો દેશ છે. અહીં દંતચક્ર રાજા છે. (તમે પધારો.)
રાણી તે અટવીથી નીકળીને દંતપુર નગરમાં કોઈ સાધ્વીની પાસે જઈને પ્રવ્રજ્યા લીધી. તેણીએ બધી વાત કરી પણ ગર્ભની વાત ન કરી. પછી જ્યારે જાણ્યું ત્યારે મહત્તરિકા પાસે જઈને આ વૃત્તાંત કહ્યો. બાળકને જન્મ આપ્યો. પછી નામની મુદ્રા અને કંબલરત્ન સહિત તેનો સ્મશાનમાં ત્યાગ કર્યો. પછી સ્મશાનમાં ચાંડાલે તેને ગ્રહણ કરીને, પોતાની પત્નીને આપ્યો. તે બાળકનું ‘અવકીર્ણક’ એવું નામ રાખ્યું.
તે પદ્માવતી આર્યાએ ચાંડાલણી સાથે મૈત્રી બાંધી. તે સાધ્વીને અન્ય સંયતીઓએ પૂછ્યું - તમારો ગર્ભ ક્યાં? પદ્માવતી આર્યાએ કહ્યું કે - ગર્ભ મરેલો જન્મવાથી, મેં તેને ફેંકી દીધો. તે બાળક ત્યાં મોટો થવા લાગ્યો. ત્યારે બીજા બાળકો સાથે રમે છે. તે બાળક ત્યાં બીજા બાળકોને કહે છે કે - હું તમારો રાજા છું. તમારે મને કર આપવાનો. તેમને કહેતો કે મને તમે ખંજવાળો. ત્યારથી તે ‘અવકીર્ણક’ બાળકનું નામ ‘કરકંડૂ’ કરી દીધું. તે બાળક તેની માતા સાધ્વી પ્રત્યે અનુરાગવાળો હતો. તે સાધ્વી પણ તેને લાડવા આપતા, જે ભિક્ષામાંથી પ્રાપ્ત થયા હોય. કરકંડૂ મોટો થયો, સ્મશાનની રક્ષા કરે છે. ત્યાં બે સાધુઓ તે સ્મશાનમાં કોઈક કારણથી આવી ગયા. તેટલામાં કોઈ વાંસની જાળીમાં વાંસનો દંડો જોયો. તે બે સાધુમાં એક દંડના લક્ષણ જાણતો હતો. તે બોલ્યો કે - જે આ દંડને ગ્રહણ કરશે, તે રાજા થશે. પણ પ્રતીક્ષા કરવી પડશે. કેમકે હજી ચાર આંગળ વધશે, ત્યારે તે યોગ્યલક્ષણ થશે.
તે વાત માતંગપુત્રએ સાંભળી અને એક બ્રાહ્મણે પણ સાંભળી. ત્યારપછી તે બ્રાહ્મણ અલ્પ સાગારિકે તેને ચાર આંગળ ખોદીને છેદ્યો. તે પેલા બાળક (કરકંડૂ)એ જોયું. તેણે બ્રાહ્મણ પાસેથી દંડને છીનવી લીધો. તે બ્રાહ્મણે દંડ આપી દેવા કહ્યું. બાળક બોલ્યો - મારા સ્મશાનમાં થયો છે, માટે હું આપીશ નહીં. બ્રાહ્મણ બોલ્યો - તું બીજો દંડ લઈ લે. પણ બાળકે તેની વાત ન માની. તે વિવાદ કારણિક (ન્યાય કરનાર) સુધી પહોંચ્યો ત્યારે તે બાળકને પૂછ્યું - તું આને દંડ કેમ આપતો નથી? તે બોલ્યો - હું આ દંડના પ્રભાવથી રાજા થઈશ. ત્યારે કારણિકે હસીને કહ્યું - જ્યારે તું રાજા થાય ત્યારે તું આને એક ગામ આપજે. બાળકે તે કબૂલ રાખ્યું.
તે બ્રાહ્મણે બીજા બ્રાહ્મણોને પોતાના પક્ષમાં કર્યા - આને મારી નાંખીને દંડ પાછો હરી લઈએ. ત્યારે તેના પિતાએ તે સાંભળ્યું. તે બધાં ભાગ્યા, યાવત્‌ કાંચનપુરે પહોંચ્યા. ત્યાં રાજા અપુત્ર મૃત્યુ પામેલો. અશ્વને અધિવાસિત કર્યો. તે બહાર સૂતેલા બાળક પાસે આવ્યો. તેને પ્રદક્ષિણા કરીને રહ્યો. તેટલામાં નગરજનોએ તે લક્ષણયુક્ત બાળકને જોયો. જય-જય શબ્દ કર્યો. નંદી વાજિંત્ર વગાડ્યું. તે કરકંડૂ પણ બગાસું ખાતો ઉભો થયો. વિશ્વસ્ત થઈ ઘોડા ઉપર બેઠો. તેને ચાંડાળ જાણીને બ્રાહ્મણો તેને પ્રવેશવા દેતા નથી. ત્યારે તેણે દંડરત્ન ગ્રહણ કર્યો, તે દંડ સળગવા લાગ્યો. બધાં ડરીને ઊભા રહી ગયા. ત્યારે તેણે હરિકેશા બ્રાહ્મણા કર્યા.
તે બાળકનું ઘરનું નામ અવકીર્ણ હતું. પછી તેનું બાળકોએ કરેલ નામ ‘કરકંડૂ’ એ પ્રમાણે સ્થાપિત થયું. ત્યારે પે’લો બ્રાહ્મણ આવ્યો, તેણે કહ્યું - મને ગામ આપ. ત્યારે કરકંડૂ રાજાએ કહ્યું - તને જે ગામ રુચે તે લઈ લે. મારું ઘર ચંપાનગરીમાં છે. ત્યાં એક ગામ આપ.
ત્યારે કરકંડૂએ ચંપાનગરીએ દધિવાહન રાજાને લેખ લખ્યો. મને એક ગામ આપો, હું તમને જે ગમતું હોય તે ગામ કે નગર તમને આપીશ. તે રોષાયમાન થયો. હે દુષ્ટ માતંગ! તું મને ઓળખતો નથી, કે મારી ઉપર આવો લેખ મોકલે છે. દૂતે પાછા આવીને કરકંડૂને તે વાત કરી. કરકંડૂ ક્રોધિત થયો. તેણે ચંપાનગરીને રુંધી. યુદ્ધ ચાલુ થયું. આ વાત સાધ્વીએ જાણી, લોકોનો સંહાર ન થાય તે માટે કરકંડૂની પાસે જઈને રહસ્યસ્ફોટ કર્યો કે આ દધિવાહન તારા પિતા છે. ત્યારે કરકંડૂએ તેના માતા-પિતાને પૂછ્યું. તેઓએ સદ્ભાવ કહ્યો. અભિમાનથી તે ત્યાંથી પાછો ન ફર્યો. ત્યારે પદ્માવતી સાધ્વી ચંપાએ ગયા. દાસ-દાસીઓ તેણીના પગે પડીને રડવા લાગ્યા. રાજા પણ તે સાંભળીને આવ્યો. વંદન કરીને આસન આપીને, તેણીને ગર્ભ વિશે પૂછ્યું. સાધ્વી બોલ્યા કે - જે તમારા નગરને રોધીને રહેલો છે, તે તમારો પુત્ર છે. બંને મળ્યા. બંને રાજ્યો તેને આપીને દધિવાહને દીક્ષા લીધી.
ત્યારપછી કરકંડૂ મહાશાસનવાળો થયો. તે ગોકુલપ્રિય હતો. તેને અનેક ગોકુલ થયા. તેટલામાં શરદઋતુ આવી. એક વાછરડો ઘણો પુષ્ટ અને શ્વેત હતો. તેને રાજા જુએ છે. ત્યારે તે ગોવાળોને કહે છે કે-આ વાછરડાની માતાને દોહતા નહીં, તે જ્યારે મોટો થાય ત્યારે તેને બીજી ગાયોના દૂધ પીવડાવજો. તે ગોવાળોએ પણ તે વાત સ્વીકારી. તે ઘણાં ઊંચા શીંગડાવાળો એવો સમર્થ બળદ થયો. રાજા તેને જોઈને ખુશ થયો.
ફરી ઘણાં કાળે રાજા ત્યાં આવ્યો. મહાકાય જીર્ણ વૃષભ જોયો. નાની ભેંસો પણ તેને પરેશાન કરતી હતી. રાજાએ ગોવાળોને પૂછ્યું કે - તે બળદ ક્યાં છે? તેઓએ આ જીર્ણ વૃષભ બતાવ્યો. તેને જોઈને રાજાને વિષાદ પ્રાપ્ત થયો. તે અનિત્યતાની વિચારણા કરતો બોધ પામ્યો. આ પ્રમાણે પ્રત્યેકબુદ્ધ - ૧ - ‘કરકંડૂ’ને જણાવ્યો.
(૨) દુર્મુખ – આ તરફ પાંચાલ જનપદમાં કંપીલપુર નગર હતું. ત્યાં દુર્મુખ નામે રાજા હતો. તેણે ઈન્દ્રધ્વજને જોયો. લોકો તેની પૂજા કરતા હતા. અનેક હજાર પતાકાઓ વડે તે મંડિત હતો, ખૂબ રમ્ય લાગતો હતો. રાજા પાછો ફરે છે, ત્યારે જુએ છે - એ ઈન્દ્રધ્વજ વિલુપ્ત છે. નીચે પડેલો છે. તે પણ મળ અને મૂત્રની મધ્યમાં. આ જોઈને દુર્મુખ રાજાને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો. (આવી અનિત્યતા આ જગતમાં છે.) તે પણ બોધ પામી પ્રવ્રજિત થયો. એ પ્રત્યેકબુદ્ધ - ૨ - ‘દુર્મુખ’ ને વૃત્તિકારે સંક્ષેપમાં કહેલ છે.
(૩) નમિરાજર્ષિ – આ તરફ વિદેહ જનપદમાં મિથિલા નગરીમાં નમિ રાજા હતો. તેને શરીરમાં દાહ ઉપડ્યો. રાણીઓ ચંદનનો લેપ કરે છે. તે વખતે તેણીના વલયો અવાજ કરે છે. રાજા બોલ્યો - મને આ કંકણનો અવાજ કાનમાં ભટકાય છે. રાણીએ એક-એક કરીને બધાં કંકણો કાઢી નાંખ્યા, માત્ર એક જ કંકણ રહેવા દીધું. તેણીને રાજાએ પૂછ્યું - હવે તે વલયોનો ખખડાટ કેમ સંભળાતો નથી? તેણી બોલી - કંકણો કાઢી નાંખ્યા. રાજા તે દુઃખથી આહત થઈને પરલોકાભિમુખ થઈને ચિંતવે છે - ઘણામાં દોષ છે, એકમાં દોષ નથી. જો આ રોગમાંથી મુક્ત થઈશ, તો પ્રવ્રજ્યા સ્વીકારીશ.
ત્યારે કારતક પૂર્ણિમા વર્તતી હતી, એ પ્રમાણે વિચારતા તે સૂઈ ગયો. વહેલી પરોઢે એક સ્વપ્ન જોયું - શ્વેત નાગરાજ મેરુની ઉપર પોતાને આરૂઢ કરે છે, પછી નંદીઘોષના નાદથી વિબોધિત થયો - જાગ્યો. હર્ષિત અને સંતુષ્ટ થઈને વિચારે છે - અહો! પ્રધાન સ્વપ્ન મેં જોયું. ફરી વિચારે છે કે - મેં આવો ગુણજાતીય પર્વત પૂર્વે જોયેલ છે, એમ વિચારતા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વે મનુષ્યભવમાં શ્રામણ્ય પાળીને તે પુષ્પોત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલ હતો. ત્યાં દેવત્વમાં મેરુ પર્વત ઉપર જિનમહિમાદિ માટે આવેલ. એ પ્રમાણે પૂર્વભવ જોયો, તે બોધ પામ્યો. દીક્ષા લીધી. એ પ્રમાણે પ્રત્યેકબુદ્ધ - ૩ - ‘નમિરાજર્ષિ’ કહ્યા.
(૪) નગ્ગતી રાજા – આ તરફ ગાંધાર જનપદમાં પુરુષપુર નામે નગર હતું. ત્યાં નગ્ગતી નામે રાજા હતો. તે કોઈ દિવસે અનુયાત્રાએ નીકળ્યો. તેણે પુષ્પિત થયેલ એવી આમ્રમંજરી જોઈ. તેણે તેમાંથી એક મંજરી તોડી. એ પ્રમાણે આખા લશ્કરે એક-એક મંજરી તોડી. છેલ્લે ત્યાં માત્ર ઝાડનું ઠુંઠું રહ્યું. પાછો ફરતા રાજાએ પૂછ્યું કે - તે આમ્રવૃક્ષ ક્યાં ગયું? અમાત્યએ કહ્યું કે - આ જ તે વૃક્ષ છે. રાજાએ પૂછ્યું - તો લાકડાનું ઠુંઠું કેમ થઈ ગયું? અમાત્ય બોલ્યો - તમે એક મંજરી લીધી, પાછળ બધાંએ તેમ કર્યું. રાજા વિચારે છે - આવી આ રાજ્યની લક્ષ્મી છે. જ્યાં સુધી ઋદ્ધિ છે, ત્યાં સુધી શોભે છે. વૈરાગ્ય વાસિત થઈ રાજા બોધ પામ્યો. તે પણ પ્રવ્રજિત થયો.
આ પ્રમાણે પ્રત્યેકબુદ્ધ - ૪ - ‘નગ્ગતી’ કહ્યો.
ચારે પ્રત્યેકબુદ્ધ વિચરતા ક્ષિતપ્રતિષ્ઠિત નગરે પહોંચ્યા. ત્યાં દેવકુલને ચાર દ્વારો હતા. પૂર્વથી કરકંડૂ પ્રવેશ્યા, દક્ષિણથી દુર્મુખ, કેમ સાધુની પરાંગમુખ રહેવું એમ વિચારી તે વ્યંતરના દક્ષિણ પડખે મુખ કરીને રહ્યા. નમિ પશ્ચિમથી આવ્યા, ગાંધાર ઉત્તરથી પ્રવેશ્યા.
તેમાં કરકંડૂ પાસે બાલ્યપણાથી કંડૂ હતી, તે કંડૂ લઈને બંને કાન ખંજવાળે છે. પછી તેણે કંડૂ ભેગી કરીને ગોપવી દીધી. તે દુર્મુખે જોયું. તે બોલ્યા - રાજ્ય આદિ બધું છોડ્યું પણ એક કંડૂનો ત્યાગ કરી શકતા નથી. યાવત્‌ કરકંડૂએ તેનો ઉત્તર ન આપ્યો. નમિ આ વચન બોલ્યા કે - તમારા પૈતૃક રાજ્યમાં ઘણાં નોકર હતા. તું નોકર બનીને બીજાનું કેમ ધ્યાન રાખે છે? ત્યારે ગાંધારે કહ્યું - બધાંનો ત્યાગ કર્યો - તો બીજાની ગર્હા કેમ છોડતા નથી? કરકંડૂ ત્યારે બોલ્યા - રોષ ન કરવો, હિતકારી ભાષા બોલવી૦ ઈત્યાદિ.
આ સંપ્રદાય કહ્યો. તે ઉક્ત બધી ગાથાનો ભાવાર્થ હતો. અક્ષરાર્થ તો સ્પૃષ્ટ જ છે. છતાં કંઈક કહે છે - મિથિલા નામે નગરી હતી. તેના સ્વામી તે મિથિલાપતિ નમિ નામના રાજાને છ માસથી દાહજ્વર નામે આતંક થયેલો. વૈદ્યો પાસે તે નિવારવા ઘણો પુરુષાર્થ કર્યો. વૈદ્યોએ કહી દીધું કે આની ચિકિત્સા થઈ શકશે નહીં. કારતક પૂર્ણિમાએ સ્વપ્ન જોયું. નાગરાજા અચલરાજાએ મેરુ પર્વતને નંદીઘોષ કર્યો. તેનાથી તે નમિ રાજા બની ગયો. આ મિથિલાપતિ નમિ કહેવાથી, તીર્થંકર એવા નમિ ન સમજી લે, તે માટે વિદેહમાં બે નમિ થયા તેમ કહેલ છે.
બધાંને એક સમયે પુષ્પોત્તર વિમાનથી ચ્યવન થયું. પ્રવ્રજ્યા થઈ. એક-એક હેતુને આશ્રીને બોધ પામ્યા તેથી પ્રત્યેકબુદ્ધ થયા. કેવળ જ્ઞાન પણ ચારે પામ્યા અને સિદ્ધિગતિમાં ગયા. (વૃત્તિકારશ્રીએ આગળ પણ કેટલાંક શબ્દ વિશેષના અર્થો આપેલા છે પણ તેમાંનું ઘણું બધું કથન ભાવાર્થરૂપે કથામાં કહેવાઈ ગયેલ હોવાથી અમે તે બધાંની અહીં પુનરુક્તિ અનાવશ્યક સમજીને છોડી દીધેલ છે.)
આ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્રાલાયક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે, તે સૂત્ર હોય ત્યારે જ થાય છે. તેથી સૂત્રાનુગમમાં સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે છે –

Linked texts (1)