Pramāṇa · Search · About · API

Uttarajjhayana 679

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 679

Language
Gujarati

679

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૮૪ થી ૩૦૬ + વિવેચન [૧૦/નિર્યુક્તિ-૨૮૪ થી ૩૦૬ + વિવેચન]
(વૃત્તિકારશ્રી અહીં નોંધે છે કે –) આનો અક્ષરાર્થ સ્પષ્ટ જ છે, છતાં કિંચિત્‌ જણાવે છે - મગધાપુર નગર એટલે રાજગૃહ. તેના તે કાળની અપેક્ષાથી મગધોમાં પ્રધાનપુરપણાથી અને અવિદ્યમાન કરપણાથી કહ્યું. નાયક - સર્વ જગત્‌ના સ્વામી અથવા જ્ઞાત, ઉદાર ક્ષત્રિય, સર્વ જગતમાં જેમની વિખ્યાત છે તેવા, સ્વભાવથી અતિ નિર્મળ એવી શુક્લ લેશ્યાવાળા, કર્મોને નિરાકૃત કરેલા અથવા કરીને૦ ઈત્યાદિ - X - X - X - X - X - X - X - X - X - (અમે વિશેષ કથન છોડી દઈએ છીએ. કેમકે નિમ્નોક્ત કથાના ભાવાર્થમાં તેનો સમાવેશ થયેલો જ છે.)
સંપ્રદાયથી આ નિર્યુક્તિના ભાવાર્થરૂપ કથાનક કહે છે. તે આ –
તે કાળે તે સમયે પૃષ્ઠચંપા નામે નગરી હતી. ત્યાં શાલ નામે રાજા અને મહાશાલ નામે યુવરાજ હતો. તે શાલ અને મહાશાલની બહેન યશોમતી નામે હતી. તેના પતિનું નામ પિઠર હતું. આ યશોમતી અને પીઠરને ગાગલી નામે પુત્ર હતો. ત્યાં વર્ધમાન સ્વામી સુભૂમિ ભાગ ઉદ્યાનમાં પધાર્યા. શાલ રાજા નીકળ્યો. ધર્મ સાંભળીને બોલ્યો - મહાશાલને રાજા તરીકે સ્થાપીશ. (પછી દીક્ષાની ભાવના છે.) તે ગયો. તેને પૂછ્યા પહેલાં મહાશાલે કહ્યું – હું પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલો છું. તમે જેમ અમારે અહીં મેઢીપ્રમાણ છો, તેમ દીક્ષામાં પણ થાઓ. પછી કાંપિલપુરથી ગાગલીને બોલાવીને પટ્ટબદ્ધ અભિષિક્ત રાજા બનાવ્યો.
ગાગલીની માતા જે કંપિલપુરમાં પિઠરને પરણાવેલી, તેને બોલાવી બંને ભાઈઓએ બે શિબીકા કરાવી. યાવત્‌ બંનેએ દીક્ષા લીધી. બહેન યશોમતી પણ શ્રાવિકા થઈ. બંને શ્રમણો અગિયાર અંગ ભણ્યા. ત્યારપછી શ્રમણ ભગવન્‌ મહાવીર બહારના જનપદમાં વિચરે છે.
તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ભગવંત પધાર્યા. ત્યારે ભગવંત ફરી પણ નીકળીને ચંપા તરફ ચાલ્યા. ત્યારે શાલ અને મહાશાલ મુનિએ પૂછ્યું - અમે પૃષ્ઠચંપા જવા નીકળીએ, કદાચ કોઈ ત્યાં બોધ પામે અથવા સમ્યક્‌ત્વનો લાભ પામે. ભગવંત જાણતા હતા કે તેઓ બોધ પામવાના છે, ત્યારે ભગવંતે ગૌતમ સ્વામી સાથે તે બંનેને મોકલ્યા. ગૌતમ સ્વામી સાથે પૃષ્ઠચંપા પધાર્યા –
ગાગલી, પીઠર અને યશોમતી નીકળ્યા. ભગવંતે ધર્મ કહ્યો. તેઓ ધર્મ સાંભળીને સંવેગવાળા થયા. ત્યારે ગાગલી બોલ્યો કે - હું માતા-પિતાને પૂછીને ને મોટા પુત્રને રાજ્યમાં સ્થાપું. (પછી દીક્ષા લઉં) તેના માતા-પિતાએ પણ સામેથી જ કહ્યું - જો તું સંસારના ભયથી ઉદ્વેગ પામ્યો છે તો અમે બંને પણ ઉદ્વિગ્ન થયા છીએ. ત્યારપછી તેણે પુત્રને રાજ્યમાં સ્થાપીને ગાગલીએ માતા-પિતા સાથે દીક્ષા લીધી. ગૌતમ સ્વામી તેમને લઈને ચંપાનગરી જવા નીકળ્યા.
તે શાલ અને મહાશાલ બંનેએ માર્ગમાં જતાં-જતાં હર્ષ થયો, જે રીતે અમને સંસારમાંથી બહાર કાઢ્યા, એ પ્રમાણે તેમને બંનેને શુભ અધ્યવસાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. બીજાને પણ એવી વિચારણા શરૂ થઈ કે આ પ્રમાણે આ બંને ભાઈઓએ આપણને રાજ્ય આપ્યું. સંસારથી છોડાવ્યા ઈત્યાદિ વિચારણાથી શુભ અધ્યવસાય થતાં ત્રણેને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ રીતે શાલ, મહાશાલ આદિ પાંચે કેવળી થયા.
એ પ્રમાણે તે ઉત્પન્ન જ્ઞાનવાળા બધા ચંપા પહોંચ્યા. ભગવંતને પ્રદક્ષિણા કરીને, તીર્થને નમસ્કાર કરીને કેવલીની પર્ષદા પ્રતિ ચાલ્યા. ગૌતમ સ્વામી પણ ભગવંતને વાંદીને ત્રણ વખત પ્રદક્ષિણા કરીને, પગે પડીને, ઉભા થઈને બોલ્યા - ક્યાં જાઓ છો? પહેલા અહીં તીર્થંકરને વંદના કરો. ત્યારે ભગવંત બોલ્યા - હે ગૌતમ! કેવલીની આશાતના ન કરો. ત્યારે ગૌતમ સ્વામીએ ખમાવ્યા, પછી સંવેગને પામ્યા.
ત્યારે ગૌતમ સ્વામીને શંકા થઈ કે - હું કદાચ મોક્ષે જઈશ નહીં, એ પ્રમાણે ગૌતમ સ્વામી વિચારે છે. આ તરફ દેવોમાં સંલાપ ચાલતો હતો - જે અષ્ટાપદ ચડીને ચૈત્યોને વાંદે, તો તેવા મનુષ્ય તે જ ભવે સિદ્ધિ પામે છે. ભગવંત ત્યારે તેના ચિત્તને અને તાપસોના બોધ પામવા વિશે જાણે છે. ગૌતમ સ્વામી પણ સ્થિર થશે અને તાપસો પણ સંબોધિત થશે, એમ બે કાર્યો થશે. ગૌતમ સ્વામી પણ ભગવંતને પૂછે છે કે - હું અષ્ટાપદ જાઉં? જા, અષ્ટાપદ જઈને ચૈત્યોની વંદના કર.
ત્યારે ગૌતમ સ્વામી હર્ષિને અને સંતુષ્ટ થઈ, ભગવંતને વાંદીને નીકળ્યા. ત્યાં અષ્ટપદે પણ જનવાદ સાંભળીને ત્રણ તાપસો ૫૦૦-૫૦૦ ના પરિવાર સહિત પ્રત્યેક અષ્ટાપદ ચડીએ એ પ્રમાણે ત્યાં ક્લેશ કરી રહ્યા હતા. કૌંડિન્ય તાપસો હતા તે એકાંતર ઉપવાસ કરતા અને પારણે સચિત મૂલ અને કંદનો આહાર કરતા હતા. તે અષ્ટાપદની પહેલી મેખલાએ અટકી ગયેલા. બીજા દત્ત તાપસો છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા અને પડી ગયેલા પાંડુ પત્રોનો આહાર કરતા હતા, તે બીજી મેખલાએ અટકી પડેલા. શૈવાલ તાપસો અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરતા હતા, તેઓ સ્વયં મલીન થયેલી શેવાલનો આહાર કરતા હતા. તેઓ ત્રીજી મેખલાએ અટકી ગયેલા. એ પ્રમાણે તેઓ પણ ક્લેશ પામતા હતા.
ગૌતમ સ્વામી ઉદાર શરીરી હતા, અગ્નિ કે વિજળી જેવા ચમકતા સૂર્યના કિરણો સદૃશ તેજવાળા હતા. તાપસો તેમને આવતા જોઈને એ પ્રમાણે બોલે છે કે - આ આવા સ્થૂળકાય શ્રમણ કઈ રીતે અષ્ટાપદ ચડશે? આપે જે મહાતપસ્વી, શુષ્ક, બુભુક્ષિત પણ ચડી શકતા નથી. ગૌતમ સ્વામી જંઘાચારણ લબ્ધિથી લૂતાતંતુ પુટકની પણ નિશ્રાએ ચડવા લાગ્યા. હજી તો તેઓ જુએ છે કે આ આવ્યા, તેટલામાં તો ગૌતમ સ્વામી દેખાતા બંધ થઈ ગયા. ત્યારે તે તાપસો વિસ્મીત થયા. તેમની પ્રશંસા કરવા લાગ્યા અને રાહ જોતાં ઉભા રહી ગયા. જ્યારે પાછા આવે ત્યારે આપણે તેમના શિષ્યો બની જઈશું એવી પ્રતીક્ષા કરતા રહે છે.
ગૌતમ સ્વામી પણ ચૈત્યોને વાંદીને ઈશાન દિશા ભાગમાં પૃથ્વી શિલાપટ્ટકે બેઠા, અશોક વૃક્ષની નીચે રાત્રિવાસાર્થે આવ્યા. આ તરફ શક્રનો લોકપાલ વૈશ્રમણ, તે પણ અષ્ટાપદ ચૈત્યવંદનાર્થે આવ્યો. તે ચૈત્યોને વાંદીને ગૌતમ સ્વામીને વાંદે છે. ત્યારે ગૌતમ સ્વામી ધર્મ કહે છે. ભગવન્‌ અણગારના ગુણોને કહેવાને પ્રવૃત્ત થયા. અણગારો અંતાહારી, પ્રાંતાહારી હોય એ પ્રમાણે વર્ણન કરે છે.
વૈશ્રમણ વિચારે છે કે - આ ભગવન્‌ ગૌતમ સ્વામીના આવા ગુણોને વર્ણવે છે, જ્યારે તેમના પોતાના શરીરની સુકુમારતા જેવી છે, તેવી તો દેવોને પણ ન હોય. ગૌતમ સ્વામીએ તેના મનોભાવ જાણીને પુંડરીક નામે અધ્યયનની પ્રજ્ઞાપના કરી.
પુષ્કલાવતી વિજયમાં પુંડરિકિણી નગરીમાં નલિનીગુલ્મ ઉદ્યાન છે. ત્યાં મહાપદ્મ નામે રાજા હતો. પદ્માવતી રાણી હતી. તેમને બે પુત્રો હતા - પુંડરીક અને કંડરીક. તે બંને સુકુમાલ યાવત્‌ પ્રતિરૂપ હતા. પુંડરીક યુવરાજ થયો. તે કાળે તે સમયે સ્થવિર ભગવંતો યાવત્‌ નલિનીગુલ્મ ઉદ્યાનમાં પધાર્યા. રાજા મહાપદ્મ નીકળ્યો. ધર્મ સાંભળીને બોલ્યો - હે દેવાનુપ્રિયો! પુંડરીક કુમારને રાજાપણે સ્થાપીને દીક્ષા ગ્રહણ કરું. સ્થવિરોએ કહ્યું - સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરશો. એ પ્રમાણે યાવત્‌ પુંડરીક રાજા થયો. યાવત્‌ વિચરે છે. પછી કંડરીક કુમાર યુવરાજ થયા. ત્યારે તે મહાપદ્મ રાજા પુંડરીક રાજાને પૂછે છે, ત્યાર પછી પુંડરીક રાજા શિબીકા મંગાવે છે. યાવત્‌ મહાપદ્મ રાજા દીક્ષા લે છે. વિશેષ એ કે ચૌદપૂર્વો ભણ્યા. ઘણાં છઠ્ઠ, અઠ્ઠમ, મહાતપ આદિ કરતાં ઘણાં વર્ષો શ્રામણ્યને પાળીને માસિકી સંલેખના કરીને ૬૦ ભક્તોને છેદીને યાવત્‌ સિદ્ધ થયા.
કોઈ દિવસે તે સ્થવિરો પૂર્વાનુપૂર્વીથી વિચરતા યાવત્‌ પુંડરિકિણી નગરીમાં પધાર્યા, પર્ષદા નીકળી, ત્યારે તે પુંડરીક રાજાએ કંડરીક યુવરાજની સાથે આ વૃત્તાંત જાણીને હર્ષિત થયા યાવત્‌ ત્યાં ગયા. ધર્મકથા સાંભળી, યાવત્‌ તે પુંડરીકે શ્રાવક ધર્મ સ્વીકાર્યો યાવત્‌ પાછો ફર્યો અને શ્રાવક થયો.
ત્યારે તે કંડરીક યુવરાજે સ્થવિરો પાસે સાંભળ્યો, તે હર્ષિત થયો. યાવત્‌ જે પ્રમાણે આપ કહો છો, તેમ જ છે. વિશેષ એ કે હે દેવાનુપ્રિય! પુંડરીક રાજાને પૂછીને આવું. ત્યારપછી દીક્ષા લઉં. સ્થવિરોએ કહ્યું - જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારપછી તે કંડરીક યાવત્‌ સ્થવિરોને પ્રણામ કરીને, સ્થવિરોની પાસેથી નીકળે છે. નીકળીને તે જ ચાતુર્ઘંટ અશ્વરથ ઉપર આરૂઢ થાય છે. યાવત્‌ પાછો આવે છે. આવીને જ્યાં પુંડરીક રાજા છે ત્યાં આવે છે. બે હાથ જોડીને યાવત્‌ પુંડરીક રાજાને એ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિય! એ પ્રમાણે મેં સ્થવિરોની પાસે યાવત્‌ ધર્મ સાંભળેલ છે. તે ધર્મ ઈપ્સિત છે, પ્રતીપ્સિત છે, અભિરુચિત છે. હે દેવાનુપ્રિય! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું, જન્મ-જરા-મરણથી ભય પામ્યો છું. હું આપની અનુજ્ઞા પામી સ્થવિરોની પાસે યાવત્‌ દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે તે પુંડરીક રાજા આ પ્રમાણે બોલ્યો - હે દેવાનુપ્રિય! તું હમણાં સ્થવિરોની પાસે યાવત્‌ દીક્ષા ન લે. હું પહેલાં તને મોટા-મોટા રાજ્યાભિષેકથી અભિસિંચિત કરું. ત્યારે કંડરીકે પુંડરીક રાજાના આ અર્થનો આદર ન કર્યો, જાણ્યો નહીં, મૌન જ રહ્યો. ત્યારપછી કંડરીકે પુંડરીક રાજાને બે-ત્રણ વખત આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય! હું યાવત્‌ દીક્ષા લેવાને ઈચ્છું છું.
ત્યારે તે પુંડરીક રાજા કંડરીક કુમારને જ્યારે વિષયાનુકૂલ એવી ઘણી આખ્યાપના, પ્રજ્ઞાપના, સંજ્ઞાપના અને વિજ્ઞાપના વડે પણ સમજાવી શકવા સમર્થ ન થયો, ત્યારે વિષય પ્રતિકૂળ, સંયમ ભય-ઉદ્વેગકારી પ્રજ્ઞાપનાથી પ્રજ્ઞાપના કરતો આ પ્રમાણે બોલ્યો - હે જાતક! એ પ્રમાણે નિશ્ચે આ સત્ય, અનુત્તર, કૈવલિક નિર્ગ્રન્થ પ્રવચનમાં તથા પ્રતિક્રમણમાં બધાં દુઃખોનો અંત કરે છે, પરંતુ આ જિન પ્રવચન સર્પની જેમ એકાંત દૃષ્ટિવાળું, અસ્તરાની જેમ એકાંત ધારવાળુ, લોઢાના જવ ચાવવા સમાન, રેતીના કવલની જેમ આસ્વાદ રહિત, ગંગા મહાનદી માફક પ્રતિશ્રોત ગમન રૂપ, મહાસમુદ્રની જેમ ભૂજાઓ વડે તરવું દુષ્કર, તીક્ષ્ણ એવી અસિની ધાર ઉપર ચાલવા સમાન અને તપનું આચરણ કરવા પણે છે.
– વળી, શ્રમણ નિર્ગ્રન્થોને પ્રાણાતિપાત યાવત્‌ મિથ્યાદર્શન શલ્ય, ન કલ્પે આધાકર્મી, ઔદ્દેશિક, મિશ્રજાત, અધ્યવપૂરક, પૂતિ, ક્રીત, પ્રામિત્ય, આચ્છેદ્ય, અનિઃસૃષ્ટ, અભ્યાહૃત, સ્થાપિત, કાંતારભક્ત, દુર્ભિક્ષભક્ત, ગ્લાનભક્ત, પ્રાઘૂર્ણકભક્ત, શય્યાતરપિંડ, રાજપિંડ, મૂલભોજન, કંદભોજન, ફળભોજન, બીજભોજન, હરિતભોજન ખાવું કે પીવું ન કલ્પે. હે જાત! તું સુખ સમુચિત છે, શીત કે ઉષ્ણ, ભૂખ કે તરસ, ચોર કે વ્યાલ, દંશ કે મશક એ બધાંને સહન કરવા સમર્થ નથી. વાતિક, પૌતિક, શ્લેષ્મિક કે સાંનિયામિક વિવિધ રોગ કે આતંક સહન કરવા સમર્થ નથી, સારા-ખરાબ ગ્રામ કંટક કે બાવીશ પરીષહો સહન કરવા સમર્થ નથી, ઉદીર્ણ ઉપસર્ગોને સમ્યક્‌ અધ્યાસિત કરી શકે તેમ નથી. વળી નિશ્ચે તારો વિયોગ ક્ષણવાર પણ સહન કરી શકીએ તેમ નથી, તો હમણાં રહે, રાજ્યલક્ષ્મીને ભોગવ, પછી પ્રવ્રજ્યા લેજે.
ત્યારે તે કંડરીકે આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય! તે પ્રમાણે જે તમે કહો છો. પરંતુ હે દેવાનુપ્રિય! આ નિર્ગ્રન્થ પ્રવચન નપુંસક, કાયર, કાપુરુષ, આલોકમાં પ્રતિબદ્ધ, પરલોકથી પરાંગ્મુખ, વિષય તૃષ્ણાવાળા સામાન્ય લોકોને દુરનુચર છે, પરંતુ ધીરને, નિશ્ચિતને, વ્યવસિતને તેમાં નિશ્ચે કાંઈ દુષ્કરકારક નથી. તેથી હે દેવાનુપ્રિય! હું દીક્ષા લેવા ઈચ્છું છું. ત્યારે તે કંડરીકને જ્યારે પુંડરીક રાજા ઘણી બધી આખ્યાપના આદિ વડે કહેવા-સમજાવવા આદિ માટે સમર્થ ન થયા ત્યારે અનિચ્છાએ જ દીક્ષા લેવા માટેની અનુમતિ આપી.
ત્યારપછી તે પુંડરીક કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - મહા, મહાર્ઘ, મહાર્હ, મહાનિષ્ક્રમણ મહિમાને કરો. યાવત્‌ કંડરીક પ્રવ્રજિત થયો. પછી કંડરીક મુનિ સામાયિકાદિ અગિયાર અંગોને ભણ્યા. ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ અને તપ-ઉપધાન પૂર્વક વિચરે છે. પણ કોઈ દિવસે તેમને અંત-પ્રાંત યાવત્‌ રોગાતંક ઉત્પન્ન થયો. યાવત્‌ દાહ વ્યુત્ક્રાંત થયો, યાવત્‌ વિચરે છે –
ત્યારપછી તે સ્થવિર ભગવંતો અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી વિચરણ કરતા, ગ્રામાનુગ્રામ વિહરતા, પુંડરિકિણીમાં નલિનીવન ઉદ્યાનમાં પધાર્યા. ત્યારે તે પુંડરીક રાજા આ વૃત્તાંતને પામ્યા. પામીને યાવત્‌ ત્યાં જઈને પર્યુપાસે છે. ભગવંતે ધર્મકથા પ્રસ્તુત કરી. ત્યારે પુંડરીક રાજા ધર્મ સાંભળીને જ્યાં કંડરીક અણગાર હતા ત્યાં જાય છે. જઈને કંડરીક મુનિને વાંદે છે. વાંદીને પ્રણમે છે. ત્યારે તેણે કંડરીક મુનિના શરીરને વ્યાબાધા અને રોગ સહિત જોયું. પુંડરીક રાજા જ્યાં સ્થવિરો હતા ત્યાં આવ્યા, સ્થવિરોને વંદન કર્યું. વાંદીને આ પ્રમાણે કહ્યું - હે ભદંતો! હું કંડરીક અણગારની યથા પ્રવૃત્ત ચિકિત્સિતા પ્રાસુક એષણીય વડે, યથા પ્રવૃત્ત ઔષધ ભૈષજ્ય અને ભોજન-પાન વડે ચિકિત્સા કરીશ. હે ભદંતો! આપ, મારી યાનશાળામાં પધારો. ત્યારે સ્થવિરોએ પુંડરીક રાજાની આ વાતનો સ્વીકાર કર્યો, સ્વીકારીને યાવત્‌ યાનશાળામાં વિચરે છે.
ત્યારપછી તે પુંડરીક રાજા કંડરીક મુનિની ચિકિત્સા કરાવે છે. ત્યારપછી તે મનોજ્ઞ અશનાદિનો આહાર કરતા, તેના રોગાતંક જલદીથી ઉપશાંત થયા, તેઓ પણ હૃષ્ટ-પૃષ્ટ થયા. શરીર રોગ રહિત અને બલિક થયું. પછી રોગાતંકથી મુક્ત થવા છતાં પણ તે મનોજ્ઞ અશનાદિમાં મૂર્ચ્છિત યાવત્‌ આસક્ત થઈને અને વિવિધ પાનકમાં મૂર્ચ્છિતાદિ થઈને, બહાર અભ્યુદ્યાત વિહારથી વિહરવાને સમર્થ ન થયા.
ત્યારપછી પુંડરીક આ વૃત્તાંત જાણીને, જ્યાં કંડરીક મુનિ હતા ત્યાં જ આવે છે. આવીને કંડરીક મુનિને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને વાંદે છે. વાંદીને આ પ્રમાણે બોલ્યા - હે દેવાનુપ્રિય! તમે ધન્ય છો. એ પ્રમાણે પુન્યવાન્‌ છો, કૃતાર્થ છો, કૃતલક્ષણ છો. દેવાનુપ્રિય! તમને મનુષ્ય જન્મ અને જીવિતનું ફળ સારી રીતે પ્રાપ્ત થયું છે કે જેથી તમે આ રાજ્ય અને અંતઃપુરનો ત્યાગ કરીને યાવત્‌ પ્રવ્રજિત થયા છો. જ્યારે હું અધન્ય છું, અકૃતપુન્ય છું યાવત્‌ (આ) મનુષ્ય ભવ, જે અનેક જાતિ, જરા, મરણ, રોગ, શોક, શારીર-માનસિક પ્રક્રામ દુઃખ વેદના, સેંકડો ઉપદ્રવોથી અભિભૂત, અધ્રુવ, અનૈત્યિક, અશાશ્વત, સંધ્યાના વાદળના રંગ જેવું, પાણીના પરપોટા જેવું, ઘાસના તણખલા ઉપર રહેલા જળબિંદુ સદૃશ, સ્વપ્નની ઉપમા જેવું, વિદ્યુત જેવું ચંચળ, અનિત્ય, શટન-પતન-વિધ્વંસક ધર્મ, પહેલાં કે પછી અવશ્ય છોડવા જેવું છે. - તથા -
માનુષ્ય શરીર પણ દુઃખના આયતન સમાન, વિવિક સેંકડો વ્યાધિના નિવાસ સ્થાન રૂપ, શિરા-સ્નાયુના જાળા આદિથી અવનદ્ધ, માટીના ભાંડની જેમ દુર્બળ, અશુચિ સંક્લિષ્ટ, અનિષ્ટ છતાં પણ સર્વકાળ સંસ્થાપ્ય, જરા ઘૂર્ણિત, જર્જરગૃહ જેવું, શટન-પતન-વિધ્વંસક ધર્મવાળું, પહેલાં કે પછી અવશ્ય છોડીને જવાનું છે.
મનુષ્યના કામભોગો પણ અશુચિવાળા, અશાશ્વત, વમન-પિત્ત-શ્લેષ્મ-શુક્ર-લોહીના ઝરવા વડે યુક્ત, વળી મળ-મૂત્ર-કફ-બળખા-વમન-પિત્ત-શુક્ર અને શોણિતથી ઉદ્ભવેલ છે, અમનોજ્ઞ એવા પૂત-મૂત્ર-પૂતિ-પુરષથી પૂર્ણ છે, મૃતગંધ-અશુભ ઉચ્છ્‌વાસ અને નિઃશ્વાસ ઉદ્વેજક, બિભત્સ, અલ્પકાલીન લઘુસ્વક, ઘણાં દુઃખવાળું, બહુજન સાધારણ, પરક્લેશ કૃચ્છ્ર દુઃખ સાધ્ય, અબુધજનોએ નિષેવિત, સાધુને સદા ગર્હણીય, અનંત સંસાર વર્ધન, કટુક ફળ વિપાકી, ચુડુલની માફક ન મૂકી શકાય તેવું, દુઃખાનુબંધી, સિદ્ધિગમનમાં વિઘ્નવાળુ, પૂર્વે કે પછી અવશ્ય છોડવાનું જ છે.
વળી જે રાજ્ય, હિરણ્ય, સુવર્ણ યાવત્‌ સ્વાપતેય દ્રવ્ય, તે પણ અગ્નિ સ્વાધીન, ચૌર સ્વાધીન, દાયદ સ્વાધીન, અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, પૂર્વે કે પછી અવશ્ય છોડવાનું જ છે. આવા પ્રકારના રાજ્ય યાવત્‌ અંતઃપુરમાં અને માનુષ્યક કામભોગોમાં મૂર્ચ્છિત એવો હું પ્રવ્રજિત થવાને સમર્થ નથી. તેથી તમને ધન્ય છે યાવત્‌ તમને માનુષ જન્મ દીક્ષા લઈને સફળ કર્યો છે. ત્યારે તે કંડરીક મુનિ પુંડરીકે આ પ્રમાણે કહ્યું ત્યારે મૌન રહ્યા. ત્યારે તે પુંડરીકે બે-ત્રણ વખત એ પ્રમાણે કહ્યું - તમે ધન્ય છો યાવત્‌ હું અધન્ય છું. ત્યારપછી બે-ત્રણ વખત પુંડરીકે આમ કહેતા લજ્જા, ગારવ આદિથી પુંડરીકરાજાને પૂછી સ્થવિરો સાથે બહારના જનપદ વિહારમાં વિચરે છે.
ત્યારપછી કંડરીક મુનિ સ્થવિરોની સાથે કેટલોક કાળ ઉગ્ર-ઉગ્ર વિહારથી વિચરી પછી શ્રામણ્યથી કંટાળી, શ્રામણ્યથી નિર્ભર્ત્સિત થઈ શ્રમણ ગુણયોગથી મુક્ત થઈ, સ્થવિરોની પાસે ધીમે-ધીમે પાછા ફરતા ગયા અને જ્યાં પુંડરિકિણી નગરી હતી, જ્યાં પુંડરીક રાજાનું ભવન હતું, જ્યાં અશોક વનિકા હતી, જ્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ હતું, જ્યાં પૃથ્વી શિલાપટ્ટક હતો ત્યાં આવ્યા. આવીને યાવત્‌ શિલાપટ્ટકે બેઠા. બેસીને અપહત મનઃ સંકલ્પ થઈને યાવત્‌ ચિંતામાં પડેલા હતા.
ત્યારપછી પુંડરીક રાજાની ધાત્રી ત્યાં આવે છે. યાવત્‌ કંડરીકને જુએ છે. જોઈને તે વાત પુંડરીક રાજાને કહે છે. પુંડરીક પણ અંતઃપુર અને પરિવાર સાથે સંપરિવૃત્ત થઈને ત્યાં આવે છે. આવીને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરીને યાવત્‌ તમને ધન્ય છે ઈત્યાદિ બધું કહે છે. યાવત્‌ કંડરીક મૌન રહે છે. ત્યારપછી પુંડરીક રાજાએ આ પ્રમાણે પૂછ્યું - શું આપને ભોગોથી પ્રયોજન છે? (કંડરીકે કહ્યું) - હા, છે.
ત્યારે કૌટુંબિક પુરુષોને પુંડરીક રાજા બોલાવે છે, બોલાવીને કલિકલુષ વડે અભિષિક્ત કર્યો. રાજ્યાભિષેક કર્યો, યાવત્‌ તે કંડરીક રાજ્યનું પ્રશાસન કરતા વિચરે છે. ત્યારે તે પુંડરીકે સ્વયં જ પંચમૌષ્ટિક લોચ કર્યો, કરીને ચતુર્યામ ધર્મ સ્વીકાર્યો. સ્વીકારીને કંડરીકના આચાર ભાંડને સર્વ સુખના સમુદાય સમાન ગ્રહણ કર્યા. કરીને આવો અભિગ્રહ ગ્રહણ કર્યો કે - મને સ્થવિરોની પાસે ધર્મ સ્વીકારીને પછી જ આહાર કરવાનું કલ્પે છે. આ પ્રમાણે અભિગ્રહ કરીને સ્થવિર પાસે જવા નીકળ્યા.
કંડરીકને પ્રણિત પાન-ભોજન કરવાથી તે સમ્યક્‌ પરિણમ્યો નહીં, વેદના ઉત્પન્ન થઈ, તે વેદના અતિ ઉજ્જવલ, વિપુલ યાવત્‌ દુઃખે કરીને સહન થઈ શકે તેવી હતી. પછી તે રાજ્યમાં અને યાવત્‌ અંતઃપુરમાં મૂર્ચ્છિત થઈને યાવત્‌ આસક્ત થઈને આર્ત્ત - દુઃખાર્ત્ત - વશાર્ત્ત થઈને અકામ જ મરણ પામીને સાતમી નરકે ૩૩-સાગરોપમ સ્થિતિમાં ગયો. પુંડરીક પણ સ્થવિરોને મળીને, તેમની પાસે ફરીવાર ચાતુર્યામ ધર્મ સ્વીકાર્યો, અઠ્ઠમ તપના પારણે અદીન યાવત્‌ આહાર કરે છે. તેના વડે અને કાલાતિક્રાંત, શીતલ, રૂક્ષ, અરસ, વિરસ આહાર પરિણત ન થતાં અસહ્ય વેદના ઉત્પન્ન થઈ. પછી તે વેદના અધારણીય છે, એમ વિચારીને બે હાથ જોડી યાવત્‌ અંજલિ કરીને આ પ્રમાણે બોલ્યા અર્થાત્‌ (આવી ભાવના ભાવી) –
અરહંત ભગવંત યાવત્‌ મોક્ષ સંપ્રાપ્તને નમસ્કાર થાઓ. તથા સ્થવિર ભગવંતોને, મારા ધર્માચાર્યોને, ધર્મોપદેશકોને નમસ્કાર થાઓ. પૂર્વે પણ મેં સ્થવિરોની પાસે જાવજ્જીવને માટે સર્વે પ્રાણાતિપાતના પચ્ચક્‌ખાણ કરેલા છે. યાવત્‌ સર્વે અકરણીય યોગના પચ્ચક્‌ખાણ કર્યા છે. હાલ પણ તે જ ભગવંતોની પાસે યાવત્‌ સર્વે પ્રાણાતિપાત અને યાવત્‌ સર્વે અકરણીય યોગના પ્રત્યાખ્યાન કરું છું. આ મારું જે શરીર છે, તે પણ યાવત્‌ છેલ્લા ઉચ્છ્‌વાસ - નિઃશ્વાસથી વોસિરાવું છું. એ પ્રમાણે આલોચના અને પ્રતિક્રમણ કર્મ કરીને સમાધિ પ્રાપ્ત કરીને તે પુંડરીક અણગાર કાળમાસે કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેંત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહે મોક્ષમાં જશે.
તેથી (હે વૈશ્રમણ લોકપાલ!) તું મારા દુર્બળત્વ કે બલિત્વ તરફ ધ્યાન ન દે. જેમ તે કંડરીક દુર્બળતાથી આર્ત્ત, દુઃખાર્ત્ત અને વશાર્ત્ત થઈને સાતમી નારકીમાં ઉત્પન્ન થયો. પુંડરીક પરિપૂર્ણ ગોળમટોળ હોવા છતાં સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. તેથી હે દેવાનુપ્રિય! બલીષ્ઠ કે દુર્બળ એ અહીં કારણ નથી. ધ્યાનથી નિગ્રહ કરવો, કેમકે તે જ પરમ પ્રમાણ છે.
ત્યારે તે વૈશ્રમણ - ‘અહો! ભગવંત ગૌતમે મારા મનોગત ભાવને જાણી લીધા.’ એમ વિચારી અતિ સંવેગ પામી, વાંદીને ગયો. કેટલાંક કહે છે – તે જૃમ્ભક દેવ હતો. ત્યારે ગૌતમ સ્વામી પ્રભાતે ચૈત્યોને વાંદ્યા, નીચે ઉતરે છે, ત્યારે તે તાપસો કહે છે - તમે મારા આચાર્ય, અમે તમારા શિષ્યો. ગૌતમ સ્વામી કહે છે - અમારા અને તમારા આચાર્ય ત્રિલોકના ગુરુ છે.
તાપસોએ પૂછ્યું - આપને પણ બીજા આચાર્ય છે? ત્યારે ગૌતમ સ્વામી ભગવંત ગુણોની સ્તવના કરે છે. તે તાપસોએ દીક્ષા લીધી. દેવતા વડે વેશ આપવામાં આવ્યો, ત્યારે તેઓ ગૌતમ સ્વામી સાથે નીકળ્યા. ભિક્ષાવેળા થઈ, ગૌતમ સ્વામીએ પૂછ્યું - શું લાવું? તેઓ બોલ્યા - ખીર. ગૌતમ સ્વામી સર્વલબ્ધિ સંપૂર્ણ હતા. પાત્રને મધુસંયુક્ત ખીરથી ભરીને આવ્યા. ત્યારપછી કહ્યું કે - બધાં ક્રમથી બેસી જાઓ. તેઓ બેસી ગયા. ગૌતમ સ્વામી અક્ષીણ મહાનસિક લબ્ધિ-ધારી હતા. તેઓ ધરાઈ ગયા. તે સારી રીતે આવર્જિત (આકર્ષિત) થયા. પછી ગૌતમે સ્વયં આહાર કર્યો. ત્યારપછી પછી ત્યાંથી વિહાર કર્યો. તેઓમાં જે સૈવાલભક્ષી હતા તેમને જમતી વેળા જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દત્તના વર્ગમાં છત્રાતિછત્ર જોતાં કેવળજ્ઞાન થયું. કૌંડિન્ય વર્ગમાં ભગવંતને જોઈને કેવળજ્ઞાન થયું. ગૌતમ સ્વામી આગળ ભગવંતને પ્રદક્ષિણા કરે છે, તે તાપસો પણ કેવલીની પર્ષદામાં ગયા. ગૌતમ સ્વામી બોલ્યા - આ સ્વામીને વંદન કરો. ત્યારે ભગવંત બોલ્યા - ગૌતમ! કેવલીની આશાતના ન કરો. ગૌતમ સ્વામી આવીને ‘મિચ્છામિ દુક્કડં’ કરે છે.
ત્યારે ગૌતમ સ્વામીને ઘણી બીજી અધૃતિ થઈ. ભગવંતે ત્યારે ગૌતમ સ્વામીને પૂછ્યું - શું દેવોનું વચન ગ્રાહ્ય છે કે જિનોનું? ગૌતમે કહ્યું - જિનવરનું. તો પછી શા માટે અધૃતિ-ખેદ કરે છે?
ત્યારે ભગવંત ચાર પ્રકારે કટ - સાદડીની પ્રજ્ઞાપના કરે છે. તે આ પ્રમાણે - શુંબકટ, વિદલકટ, ચર્મકટ અને કંબલકટ. એ પ્રમાણે ભગવંત પણ ગૌતમ સ્વામીને આશ્રીને કંબલકટ સમાન હતા. (વળી) હે ગૌતમ! તું મારો ચિર સંસૃષ્ટ છે યાવત્‌ પછી પણ આપણે બંને અવિશેષ અને ભેદરહિત થઈશું. ત્યારે ભગવંતે ‘દ્રુમપત્રીય’ અધ્યયન કહ્યું. તે વૈશ્રમણ સામાનિક દેવ ત્યાંથી ચ્યવીને તુંબવન સંનિવેશમાં ધનગિરિ નામે ગાથાપતિ કે જે દીક્ષા લેવાની ઈચ્છાવાળો હતો. તેના માતા-પિતા તેને પરણાવવા ઈચ્છતા હતા. પછી તે માતા-પિતા જ્યાં-જ્યાં ધનગિરિને વળાવવા જતા હતા, ત્યાં-ત્યં જઈને ધનગિરિ તે-તે કન્યાને વિપરિણામિત કરી દેતો અને કહેતો કે - ‘હું દીક્ષા લેવાની ઈચ્છાવાળો છું.’ તેને તેના અનુરૂપ ગાથાપતિની પુત્ર સુનંદા નામે મળી. સુનંદા બોલી કે મને ધનગિરિ સાથે વરાવી દો. ત્યારે સુનંદા ધનગિરિને આપી.
સુનંદાનો ભાઈ ‘આર્યસમિત’ નામે હતો. તેણે પૂર્વે દીક્ષા લીધી હતી. તે સુનંદાની કુક્ષિમાં તે વૈશ્રમણ દેવ ઉત્પન્ન થયો. ત્યારે ધનગિરિએ કહ્યું કે - તારે આ ગર્ભ બીજો (રક્ષક) થશે. પછી સિંહગિરિ સ્વામી પાસે તે ધનગિરિએ દીક્ષા ગ્રહણ કરી. સુનંદાએ પણ નવ માસે બાળકને જન્મ આપ્યો. ઈત્યાદિ વજ્રસ્વામીની કથા આવશ્યક ચૂર્ણિથી જાણવી. આ પ્રમાણે નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્રાલાપક - નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તે સૂત્ર હોવાથી થાય, તે માટે સૂત્ર કહે છે–

Linked texts (1)