Uttarajjhayana 859
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 859
- Language
- Gujarati
859
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૩૬ થી ૩૩૮ + વિવેચન [૧૩/નિર્યુક્તિ-૩૩૬ થી ૩૩૮ + વિવેચન]
ત્યાં કાંપિલ્યમાં બ્રહ્મ નામે રાજા હતો. કુરુમાં ગજપુરાધિપતિ કરેણુદત્ત રાજા હતો. અંગમાં ચંપાનો સ્વામી પુષ્પમૂલ રાજા હતો. બ્રહ્મની પત્ની ચુલનીનો ભાઈ ‘દીર્ઘ’ રાજા હતો. કાશી જનપદનો અધિપતિ કટક રાજા હતો. આ પાંચે મિત્રો હતા. પાંચેએ એક જ કાળે પત્નીને સ્વીકારી પાંચે એક-એક વર્ષ બધાં સાથે વસતા હતા. આમ બે ગાથા કહી. હવે ત્રીજી ગાથાનું તાત્પર્ય કહે છે –
બ્રહ્મ રાજાને ઈન્દ્રશ્રી આદિ ચાર રાણીઓ હતી. તેમાં ચુલનીએ પુત્રને જન્મ આપ્યો. ધનુ નામના સેનાપતિને ત્યાં પણ તે જ દિવસે પુત્રનો જન્મ થયો. બંનેએ મંગલ અને કૌતુક કર્યા. દીન અને અનાથોને દાન આપ્યું. રાજપુત્રનું ‘બ્રહ્મદત્ત’ એ પ્રમાણે નામ રાખ્યું. ધનુના પુત્રનું ‘વરધનુ’ નામ રાખ્યું. કાળક્રમે બંને મોટાં થયાં. સર્વે કળાઓ ભણ્યા. આ અરસામાં બ્રહ્મ રાજા મૃત્યુ પામ્યો.
કેટલાંક દિવસો વીત્યા બાદ, તેમના મિત્રોએ બ્રહ્મદત્તને ત્યાં રાજા રૂપે અભિસિંચિત કર્યો. તે મિત્રોએ પરસ્પર વિચાર્યું કે હજી આ બ્રહ્મદત્ત રાજ્યની ધુરા ધારણ કરવા સમર્થ નથી. કેટલાંક વર્ષો તેનું પાલન કરવું ઉચિત છે. તેઓએ ત્યાં દીર્ઘપૃષ્ઠને સ્થાપિત કર્યો અને બધાં પોત-પોતાના દેશમાં ગયા. પછી બધે જ મુક્ત પ્રવેશ હોવાના કારણે દીર્ઘપૃષ્ઠ અને ચુલની પરસ્પર સંબંધમાં આવી ગયા. અંતઃપુરપાલિકા તેમના પ્રેમસંબંધને જાણી ગઈ, તેણે ધનુ નામના સેનાપતિ મંત્રીને કહ્યું. તેણે વરધનુને કહ્યું કે આ કુમારને કદી એકલો ન મૂકવો.
કોઈ દિવસ બ્રહ્મદત્ત પણ ચુલની માતા અને દીર્ઘપૃષ્ઠ રાજાના સંબંધને જાણી ગયો. તે વિજાતીય સમળીને લાવ્યો. તે પોતાના જેવા સહચર બાળકોની વચ્ચે ભમતો કહેવા લાગ્યો કે જે કોઈ દુષ્ટશીલ હશે તેને હું આવી રીતે જ નિયંત્રિત કરીશ. આ વાત કોઈ રીતે દીર્ઘપૃષ્ઠે જાણી. તે કુમાર પ્રતિ કોપાયમાન થયો અને ચુલનીને કહ્યું કે – કોઈ ઉપાયથી તું આને મારી નાંખ, વિષના વૃક્ષની જેમ આની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. તે જ આપણે કલ્યાણને માટે થશે. ચુલનીએ દુરંત મોહોદયથી તે વાત સ્વીકારી.
તેણીએ નક્કી કર્યું કે – આને પુષ્પચૂલ મામાની પોતાની પુત્રી જે પુષ્પચૂલા નામે છે, તે પરણાવીએ, તેને શયન માટે લાક્ષાગૃહમાં રાખવા. પછી તે ગૃહ બાળી નાંખવું. તે અંતઃપુર રક્ષિકાએ આ બધું ધનુ મંત્રીને કહી દીધું. મંત્રીને પણ લાગ્યું કે આનો વિનાશ કરી દેશે, તેથી તેણે કુમારના સંરક્ષણ માટે પ્રયત્ન શરૂ કર્યા. – X – X – X – ધનુ મંત્રીએ પણ સમજીને ત્યાંથી રજા લીધી. પોતાનું નિવાસસ્થાન ભાગીરથીના કિનારે બનાવ્યું.
ત્યારપછી તેણે તે લાક્ષાગૃહ સુધી એક સુરંગ ખોદાવી, વરધનુને તે વાત જણાવી દીધી. બ્રહ્મદત્તના લગ્ન કરાયા, લાક્ષાગૃહમાં મોકલ્યા. જોયું તો રાત્રે બધું બળતું હતું.
વરધનુએ કહ્યું – તું ડરતો નહીં, મને મારા પિતા ધનુએ જ આ બધું જણાવેલું છે. – X – X – સુરંગના માર્ગેથી બચાવીને બ્રહ્મદત્તને સુરક્ષિતપણે બહાર કાઢી લીધો. બહાર બે પ્રધાન અશ્વો તૈયાર રખાયા હતા. તે બંનેને ધનુ મંત્રીએ કહ્યું – આના ઉપર બેસીને દેશાંતર ચાલ્યા જાઓ અને દીર્ઘપૃષ્ઠથી તમારી રક્ષા કરો.
શુભ અવસર જોઈને વરધનુએ બ્રહ્મદત્તને આકુલિત ચિત્તથી ચુલનીના સર્વે છળ-કપટનો વૃત્તાંત જણાવી દીધો. અત્યારે તો અહીંથી નીકળી જવું જ શ્રેયસ્કર છે. બંને ત્યાંથી નીકળી ગયા. આ પ્રમાણે પ્રાપ્ત અવસર બ્રહ્મદત્તનું વિધાન આલેખ્યું. પછી ત્યાં જે કન્યાઓનો લાભ થયો તેને જણાવવાને આ પાંચ ગાથા છે.