Pramāṇa · Search · About · API

Uttarajjhayana 868

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 868

Language
Gujarati

868

વિવેચન–૪૧૦ થી ૪૧૩
ચક્રવર્તી મહર્દ્ધિક – ઘણી વિભૂતિવાળો બ્રહ્મદત્ત, મહાયશવાળો, તેવો જન્માંતરના સહોદર ભાઈને બહુમાન-માનસ પ્રતિબંધથી આ પ્રમાણે કહ્યું – જેમકે આપણે બંને ભાઈઓ હતા, પરસ્પર એકબીજાને વશવર્તી હતા, અનુરક્ત હતા, અતિ સ્નેહવાળા હતા, અન્યોન્ય હિતૈષી હતા, પરસ્પર શુભ અભિલાષવાળા હતા. અહીં ‘અન્યોન્ય’ શબ્દનું ગ્રહણ તુલ્યચિત્તપણાના અતિશયને જણાવવા માટે છે.
પુનર્ભવોમાં આપણે શું-શું થયા, તે કહે છે – દશાર્ણ દેશમાં આપણે બંને દાસ હતા. પછી કાલિંજર નામના પર્વતે મૃગ થયા. મૃતગંગા તીરે આપણે બંને હંસ થયા. પછી કાશી નામના જનપદમાં ચાંડાલો થયા. પછી સૌધર્મ નામના દેવલોકમાં દેવો થયા, તે પણ મહર્દ્ધિક દેવો કિલ્બિષિક દેવ નહીં. એ પ્રમાણે આપણા બંનેનો આ છઠ્ઠો ભવ છે કે જેમાં આપણે એકબીજા વિના અર્થાત્‌ પરસ્પર સહવર્તીપણા વિના, વિયુક્ત એ પ્રમાણે ઉત્પન્ન થયા છીએ. આ પ્રમાણે ચક્રવર્તીએ કહેતા મુનિ બોલ્યા –

Linked texts (2)