Pramāṇa · Search · About · API

Uttarajjhayana 952

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 952

Language
Gujarati

952

વિવેચન–૪૭૫, ૪૭૬
હે ભવતિ! હે ભોગિની! શરીરમાં થયેલ તે તનુજ-સર્પ, કાંચળી ઉતારીને, નિરપેક્ષ કે અનાસક્ત થઈને નીકળી જાય છે. તે પ્રમાણે આ તારા બંને પુત્રો પ્રકર્ષથી ભોગોનો ત્યાગ કરીને જાય છે, તો હું શા માટે પ્રવ્રજ્યા ગ્રહણ વડે તેને ન અનુસરું? શા માટે એકલો રહું? જો આ બંને કુમારોને આટલો વિવેક છે, જે કાચળી સમાન અત્યંત સહચરિત એવા ભોગોને સર્પની જેમ ત્યજી દે છે, તો પછી ભુક્તભોગી એવો હું તેને કેમ ન ત્યજું? મારે અસહાયને ગૃહવાસથી શું લાભ? તીક્ષ્ણપુચ્છ વડે બે ભાગ કરીને જાળને જીર્ણત્વાદિથી નિઃસારની જેમ છેદીને રોહીત જાતિનો મત્સ્ય નીકળી જાય છે. તે પ્રમાણે જાળ જેવો કામગુણોનો પરિત્યાગ કરીને ભારને વહેતા બળદની જેમ ગુરુતર ભાર વહન કરવાના સ્વભાવથી, અનશનાદિ તપ વડે પ્રધાન સત્વવંતો જે રીતે ભિક્ષાચર્યાને સેવે છે, ઉપલક્ષણથી વ્રત ગ્રહણ કરે છે, તે પ્રમાણે હું આ જ વ્રતને ગ્રહણ કરીશ.
આ પ્રમાણે પ્રતિબોધિત કરાયેલી બ્રાહ્મણી કહે છે –

Linked texts (2)